કોરોના કાળ પછી ઘણા બધા ઘર પર રહેવા માટે મજબૂર બની ગયા છે. આ સ્થિતિમાં આપણી પાસે બે જ રસ્તા રહે છે. એક તો હંમેશાં સમય બાબતે ફરિયાદો કરતા રહો અથવા સમયનો એવો ઉપયોગ કરો કે મન ખુશ રહે. તો પછી કેમ કોઈ એવા શોખને અપનાવવામાં ન આવે કે જે શોખ રોજની ભાગદોડભરી જિંદગીમાં ક્યાંય પાછળ છૂટી ગયા હતા. ભલે ને પોતાની સ્ક્રેપબુક પર કામ કરવાનું હોય કે પછી પોતાની ગાર્ડનિંગ સ્કિલને નિખારવાની હોય. ભલે ને કોઈ બદલાવ કરીને ઘરના સેટિંગને ચેન્જ કરવાનું હોય, આવા ખૂબ સારા શોખ છે, જેને અપનાવીને તમે તમારા આ સમયને ફન ટાઈમમાં બદલી શકો છો.
સમયનો લાભ લો
જેા તમે સિલાઈકામ અથવા ભરતગૂંથણ જાણતા હતા અને લાંબા સમયથી તમારો આ શોખ છૂટી ગયો છે તો આ સમયનો લાભ લો. ક્રોસ સ્ટિચિંગ, આર્મ નિટિંગ, લૂમ નિટિંગ અને નીડલ પોઈન્ટ દ્વારા તમે આ પ્રકારના પ્રયોગ કરી શકો છો. પોતાના પ્રિયજનો માટે સારી અને થોડી અલગ પ્રકારની નવી ગિફ્ટ્સ તૈયાર કરીને રાખી શકો છો. નેહા પરેશાન હતી. મુંબઈમાં ગત ઓગસ્ટ મહિનામાં જ્યારે તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો ત્યારે લાંબા લોકડાઉનના લીધે તેનાથી બેબીની કોઈ તૈયારી બરાબર થઈ શકી નહોતી. તે વાયરસના ડરથી માર્કેટમાં પણ જઈ શકે તેમ નહોતું. તેને પોતાની બેબી માટે નાનાનાના કપડાની જરૂર હતી. જે હતા તે પણ વરસાદના લીધે બરાબર રીતે સુકાઈ રહ્યા નહોતા. નેહાને પરેશાન જેાઈને તેની પાડોશણ અનીતાએ કહ્યું, ‘‘અરે આટલી પરેશાન કેમ થાય છે? માર્કેટ જઈને જેાખમ કેમ લેવું, મને તારા થોડા જૂના કપડાં આપી દે, હું તેમાંથી કઈ ને કંઈ જરૂરી બનાવીને તને આપી દઈશ.’’
નેહા આશ્ચર્યમાં પડી ગઈ, ‘‘શું તમને સિલાઈકામ આવડે છે આંટી?’’
‘‘આવડતી તો હતી, પરંતુ હવે વર્ષોથી તેની કોઈ જરૂર પડી નહોતી, તેથી કદાચ પ્રેક્ટિસ છૂટી ગઈ હશે, પરંતુ કોશિશ કરું છું.’’