તો હંમેશાં રહેશો ફિટ એન્ડ ફાઈન

યુવાન દેખાવા માટે સૌથી વધારે જરૂરી છે તમારી લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી, ઊંઘવા-ઊઠવાના સમયમાં બદલાવ તથા કેટલીક કસરત જેમ કે ચાલવા જવું, દોડવું વગેરે. આપણે આપણી દિનચર્યામાં બદલાવ લાવીને આ બધી ટેવ પાડીશું તો વિશ્વાસ રાખો, તમે પણ સ્વસ્થ અને સ્ફૂર્તિથી ભરેલા રહેશો અને સ્વયંને યુવા અનુભવશો. આવો જાણીએ આ ટેવ અપનાવીને કેવી રીતે તમે લાંબા સમય સુધી સ્વસ્થ અને યંગ રહી શકો છો :

રૂટિન લાઈફ જરૂરી : બદલાતી લાઈફસ્ટાઈલ અને ટેક્નોલોજીના યુગમાં પૂરતી ઊંઘ ન મળવી એક સમસ્યા બની ગઈ છે. આજકાલ આપણને બધાને દિવસભરની દોડધામ પછી રાત્રે ફ્રી સમય મળે છે અને આ સમયમાં આપણે પણ બસ પોતાનો મોબાઈલ લઈને બેસી જઈએ છીએ અથવા તો પોતાની ખાણીપીણી, લગભગ બધા કામ ટીવી જેાતાંજેાતાં કરીએ છીએ તેમજ ઘણી વાર બિનજરૂરી એવા જંક ફૂડ વગેરે વધારે ખાઈ લઈએ છીએ. આ સ્થિતિમાં સમય ક્યાં પસાર થાય છે તેની આપણને ખબર જ નથી રહેતી અને આપણને ઊંઘવામાં મોડું થાય છે અને ત્યાર પછી સવારે ઊઠવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. પછી આ જ અનિયમિતતાની નકારાત્મક અસર આપણા સ્વાસ્થ્ય પર થવા લાગે છે. તેથી હંમેશાં ફિટ એન્ડ ફાઈન રહેવા માટે સૌપ્રથમ સમયસર ઊંઘવા અને ઊઠવાની ટેવ પાડો.

તમે આ દિનચર્યા અપનાવશો તો શરીર પર તેના હકારાત્મક અનેક લાભ દેખાવા લાગશે :
સારી અને પૂરતી ઊંઘના લીધે ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે, જેનાથી આપણું શરીર બીમારી સામે લડવામાં સક્ષમ બને છે અને આપણે જલદી બીમાર નથી પડતા.
અભ્યાસમાં એ વાત પણ જેાવા મળી છે કે સારી ઊંઘ શરીરને રિપેર, રિજનરેટ અને રિકવર કરવામાં મદદ કરે છે.
૭ થી ૮ કલાકની ઊંઘ આપણા મગજને એક્ટિવ રાખે છે, જેનાથી સ્મરણ અને સમજવા વિચારવાની શક્તિ વધે છે અને આપણે કામકાજ ઝડપથી કરી શકીએ.
તેમાં આપણી કાર્ય કરવાની ક્ષમતા પણ વધે છે, તેથી આપણે કામ ઝડપથી કરી શકીએ.
આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
ઓછામાં ઓછી ૭-૮ કલાકની સારી ઊંઘ આપણને ઘણી બધી ગંભીર બીમારી જેમ કે સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશરથી દૂર રાખે છે.

નિયમિત શારીરિક એક્સર્સાઈઝ : નિયમિત એક્સર્સાઈઝ આપણી વધતી ઉંમરની ગતિને ધીમી કરીને વધારે સમય સુધી યુવાન રહેવામાં મદદ કરે છે. સારા સ્વાસ્થ્ય અને યંગ રહેવા માટે આપણને દરરોજ સવારે અડધો અથવા લગભગ ૧ કલાક શારીરિક એક્સર્સાઈઝની જરૂર પડે છે. તેના માટે તમે પોતાના માટે એવી એક્સર્સાઈઝ પસંદ કરો, જેને કરવામાં તમને મજા આવે. નિયમિત એક્સર્સાઈઝ જેમ કે ઝડપથી ચાલવું, દોડવું વગેરે કરી શકો છો. તમને આ બધું કરવું બોરિંગ લાગતું હોય તો તમે ઝુંબા, એરોબિક્સ અથવા ડાન્સને પણ સામેલ કરી શકો છો. તે ઉપરાંત તમે જિમ અથવા બીજા કોઈ ફિટનેસ ક્લાસનો ભાગ બની શકો છો.

નિયમિત રીતે એક્સર્સાઈઝ કરવાના લાભ
નિયમિત રીતે એક્સર્સાઈઝ કરવાથી મેટાબોલિઝમ વધે છે તેમજ આપણા શરીરની કેલરી પણ ઝડપથી બર્ન થાય છે, જેનાથી આપણું વજન નિયંત્રણમાં રહે છે.
નિયમિત એક્સર્સાઈઝ આપણી માંસપેશીઓને સ્વસ્થ રાખે છે અને શરીરમાં લોહીના પ્રવાહને પણ ઉત્તમ બનાવે છે. જેનાથી તમે સ્વસ્થ રહો છો સાથે મગજને સુચારુ યોગ્ય સપ્લાય મળવાથી તે પણ સક્રિય રીતે કાર્ય કરે છે તથા નવા બ્રેન સેલ્સ બનવામાં મદદ મળી રહે છે.
નિયમિત એક્સર્સાઈઝ તાણ ઘટાડે છે તથા બ્લડપ્રેશરને નિયમિત કરવામાં મદદ કરે છે.
નિયમિત એક્સર્સાઈઝ કરવાથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલની માત્રા ઘટી જાય છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે અને આપણે વધારે પ્રમાણમાં ઓક્સિજન લઈ શકીએ છીએ. તેથી વ્યક્તિને હાર્ટએટેક અને હૃદય સંબંધિત બીજી બીમારી થવાનું જેાખમ પણ ખૂબ ઓછું થઈ જાય છે.

સંતુલિત ભોજન કેમ
એ જણવું જરૂરી છે કે ન માત્ર જીવિત રહેવા માટે પણ સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી રહે છે, કારણ કે સંતુલિત ભોજનમાં સામેલ પૌષ્ટિક તત્ત્વો આપણા શરીરમાં પોષણનું સ્તર જાળવી રાખે છે, જેથી તમે સ્વસ્થ રહી શકો.

સંતુલિત આહારમાં ધ્યાન રાખો
સવારનો નાસ્તો ક્યારેય ન ચૂકો.
ઊંઘવાના લગભગ ૧ કલાક પહેલાં ભોજન કરવાની ટેવ પાડો.
રાત્રે ઓછું અને હળવું ભોજન લો.

સંતુલિત આહારના લાભ
રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે તેમજ સ્વસ્થ રાખે છે.
આપણી માંસપેશીઓ, દાંત, હાડકાં વગેરેને મજબૂત બનાવે છે.
વ્યક્તિની કાર્યક્ષમતા જાળવી રાખે છે અને તેના મૂડને પણ ખુશીઆનંદમાં રાખે છે.
મગજને પણ સ્વસ્થ રાખે છે.
વજન વધતું અટકાવે છે.

ખાઓ સીઝનલ અને લોકલ ફૂડ, પરંતુ કેમ
લોકલ અને સીઝનલ ફળ તથા શાકભાજી ત્યાંના ઉષ્ણતામાન, જળ અને વાયુ અનુસાર તથા તેમાં ઓછામાં ઓછા જંતુનાશક તેમજ રાસાયણિક પદાર્થોના ઉપયોગથી ઉગાડવામાં આવે છે અને તે અનુસાર આપણું શરીર ઢળી જાય છે, તેથી તે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. સાથેસાથે તે સસ્તા પણ હોય છે, તેથી કોશિશ કરો કે હંમેશાં સીઝનના ફળ તથા શાકભાજીને પોતાના આહારમાં સામેલ કરો. ઉપરાંત ઈમ્યૂનિટી વધારવા માટે પોતાના આહારમાં હળદર, લસણ, લીંબુ, ગળો, તુલસી, આમળા તેમજ વિટામિન સી યુક્ત વસ્તુ સામેલ કરો.

ચહેરાની યોગ્ય દેખરેખ
પુષ્કળ પાણી પીવું શરીરને ડિટોક્સ કરવા અને ટોક્સિનને બહાર કાઢવા માટેની સૌથી ઉત્તમ રીત છે. તેના માટે તમે ઈચ્છો તો તમારી પાણીની બોટલમાં ખાટા ફળ અથવા કાકડીની થોડી સ્લાઈસ કાપીને નાખી શકો છો, જેથી પૂરો દિવસ પાણી પીને હાઈડ્રેટ રહી શકો.
સમયાંતરે ફેસિયલ, હળદર, દૂધ અને એલોવેરાના ઉપયોગથી પણ સ્કિન પર ચમક લાવી શકો છો. તેનાથી સ્કિન ખેંચાયેલી રહે છે અને કરચલીઓ ઓછી પડે છે.
રાત્રે ઊંઘતાં પહેલાં નાઈટ ક્રીમનો ઉપયોગ કરો અને ચહેરા પરની ધૂળ વગેરેને સાફ કરતા રહો. રાત્રે ઊંઘતા પહેલાં અને સવારે ઊઠ્યા પછી ચહેરાને ધોઈ લો, જેથી સ્કિન પર ચોંટેલી ગંદકી દૂર કરી શકાય.
મીઠું ખાવાની ટેવ ઓછી કરવા માટે ફળનું વધારે સેવન કરો. શુગરના સેવનને ઘટાડવાથી તમારી સ્કિનને પણ ડિટોક્સિફાઈ કરવામાં મદદ મળી શકે છે.
નિયમિત એક્સર્સાઈઝ કરો. એક્સર્સાઈઝના લીધે થતો પરસેવો પણ શરીરમાંથી ટોક્સિન અને ઈમ્પ્યૂરિટીને બહાર કાઢે છે, સાથે પરસેવો સ્કિનને ડિટોક્સિફાઈ કરવાનો એક સારો વિકલ્પ છે.

લક્ષ પર અડગ રહો
મોટાભાગના લોકો શરીરને સુડોળ બનાવવા અને પોતા
ના વજનને ઓછું કરવા માટે શરૂઆતમાં ખૂબ ઉત્સાહિત હોય છે, પરંતુ માત્ર થોડા દિવસ પછી તેમને મુશ્કેલી પડવા લાગે છે અથવા કંટાળો આવવા લાગે છે અને ધીરેધીરે ઉત્સાહ ઠંડો પડતો જાય છે. તેઓ પોતાના લક્ષથી ભટકી જાય છે. તેનાથી બચવા માટે જરૂરી બની જાય છે કે તમે થોડી ધીરજ રાખો. જ્યારે આપણે વારંવાર નિષ્ફળ રહીએ છીએ અને વધારે સમય લાગે છે ત્યારે આપણે તે કામને અધવચ્ચે જ છોડી દઈએ છીએ, પરંતુ તેના માટે થોડી ધીરજની જરૂર છે.
આપણી ધીરજ આપણી એકાગ્રતા વધારે છે અને આપણને આપણા લક્ષથી ભટકવા નથી દેતી.
ધીરજ આપણી પર નિરાશાને હાવી થવા નથી દેતી.
આપણા શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.
આપણી ધીરજ આપણને કામ યોગ્ય રીતે અને યોગ્ય સમય પર કરવા માટે પ્રેરિત કરે છે.
ધીરજ આપણને સફળ થવાનો પાઠ શીખવે છે, કારણ કે તેનાથી દરેક કામમાં સફળતા શક્ય બને છે. આમ પણ યંગ બનવું અને યુવાનીને જાળવી રાખવી એક દિવસનું કામ નથી, તેના માટે પોતાની જાતને કેટલાક નિયમોમાં બાંધવી પડે છે. તેથી જેા તમારે હંમેશાં યુવાન રહેવું હોય તો તમારી દિનચર્યામાં પરિવર્તન લાવો અને નિયમોનું નિયમિત રીતે પાલન કરો. તેનાથી તમને તેનું પરિણામ માત્ર થોડા જ મહિનામાં જેાવા મળશે, કારણ કે ધીરજ વિના સફળતા મળવી મુશ્કેલ જ નહીં, અશક્ય છે.

ડિટોક્સિફિકેશન
આપણી સ્કિન ખૂબ નાજુક અને સંવેદનશીલ હોય છે તથા પર્યાવરણની તેની પર સીધી અસર થાય છે, તેથી તેને સ્વસ્થ, સ્વચ્છ, ચમકદાર અને યુવા રાખવા માટે વધારાની સારસંભાળની જરૂર પડે છે. તેના માટે આપણે કોણ જાણે કયા કયા ઉપચાર, લોશન, ક્રીમ વગેરેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણી ખાણીપીણીની ટેવમાં બદલાવ નથી લાવતા, જેથી સ્કિનને સ્વસ્થ અને યુવાન રાખવામાં આપણે ઘણી વાર પાછળ રહી જઈએ છીએ અને સમય પહેલાં આપણી સ્કિન પર કરચલી પડવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે સ્કિનને ડિટોક્સિફાઈ કરવી જરૂરી છે. સ્વસ્થ રહેવા અને દેખાવા માટે શરીરને માત્ર બહારથી નહીં, અંદરની ગંદકીને પણ દૂર કરવી જરૂરી બની જાય છે. શરીરને ઝેરી પદાર્થથી મુક્ત કરવું, પોષણ આપવું અને આરામ પહોંચાડવાને ડિટોક્સિફિકેશન કહેવામાં આવે છે. તમે હંમેશાં સુસ્તીનો અનુભવ કરો છો અથવા અચાનક તમારા ચહેરા પર ખીલ અને સ્કિન પર ફોલ્લી નીકળી આવતી હોય કે પછી તમે પાચનતંત્રમાં કોઈ ગરબડ અનુભવી રહ્યા છો, તો માની લો કે તમારું શરીર ઝેરી થઈ ગયું છે. હવે તમારા શરીરને જરૂર છે ડિટોક્સિફિકેશનની, જેથી તમે તમારા શરીરને સ્વસ્થ અને યુવાન રાખી શકો તેમજ શરીરને માત્ર બહારથી નહીં, અંદરની ગંદકીને પણ દૂર કરી શકો છો. યંગ રહેવા અને દેખાવા માટે તમારા ચહેરા પર ચમકની આવશ્યકતા રહે છે. બસ તેના માટે તમારે તેની સારસંભાળ લેવાની જરૂર પડે છે.
– શોભા કટારે.

મેનોપોઝ કોઈ બીમારી નથી

જયશ્રી નાનીનાની વાતમાં ગુસ્સે થઈ જતી હતી. ઓફિસમાં ગમે તેની સાથે ઝઘડતી રહેતી હતી. આ સ્થિતિના લીધે તે પોતે પણ ખૂબ પરેશાન રહેવા લાગી હતી. વિચારતી કે શું તે કોઈ બીમારીનો શિકાર તો નથી બની ગઈ? તેને સમજાતું નહોતું કે તેનામાં આવું પરિવર્તન કેમ આવી રહ્યું છે. તેને એવું લાગતું હતું કે ઘરના બધા લોકો તેનું મગજ બગાડી રહ્યા છે અન બાળકો તેનું કંઈ સાંભળતા નથી. એક દિવસે જયશ્રીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ ત્યારે તેના પતિ તેને એક ગાયનેકોલોજિસ્ટ પાસે લઈ ગયા. ડોક્ટરે તપાસીને થોડીક પૂછપરછ કરી અને કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી, જયશ્રીને મેનોપોઝની સમસ્યા છે.

મેનોપોઝ મહિલાના જીવનની એક અવસ્થા છે, જેમાં મહિલાને શારીરિક અને માનસિક તકલીફ રહેતી હોય છે. ઘણી વાર તેઓ એટલી બધી તકલીફમાંથી પસાર થાય છે કે તેમના માટે મેનોપોઝ એક સમસ્યા બની જાય છે. હકીકતમાં, મહિલાના શરીરમાં ગર્ભાશયની સાથે ૨ અંડાશય હોય છે. આ અંડાશયમાંથી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામક ૨ આંતર્સ્રાવ નીકળે છે. આ હોર્મોન્સથી મહિલાઓનું શારીરિક અને માનસિક સંતુલન જળવાઈ રહે છે, પરંતુ મહિલાઓમાં લગભગ ૪૦ ની વયે આ હોર્મોન્સ ધીરેધીરે ઓછા થવા લાગે છે, જેથી તેમનામાં માનસિક તકલીફ શરૂ થઈ જાય છે, તેને મેનોપોઝ કહે છે. ૪૫ થી ૫૦ વચ્ચેની વયમાં જ્યારે આ હોર્મોન્સ ઘટવા લાગે છે ત્યારે મહિલા મેનોપોઝમાં આવી જાય છે. મહિલામાં મેનોપોઝ પૂરી જિંદગી જેાવા મળે છે, જેને પોસ્ટ મેનોપોઝ કહેવામાં આવે છે. પોસ્ટ મેનોપોઝમાં નીચેના લક્ષણો જેાવા મળે છે :
માસિક અનિયમિત આવવું.
શરીરમાં અચાનક ગરમી લાગવી, ખૂબ પરસેવો થવો.
હૃદયના ધબકારા વધી જવા.
મૂત્રાશયની બીમારી.
યુરિનમાં વારંવાર ઈંફેક્શન થવું.
વારંવાર પેશાબ લાગવો.
પેશાબના સમયે દુખાવો અને બળતરા થવી.
પેશાબ પર કંટ્રોલ ન રહેવો, પેટમાં દુખાવો થવો.
યોનિમાર્ગની પણ ઘણી બધી તકલીફો જેાવા મળે છે.
યોનિમાં ખંજવાળ આવવી.
ઘણી વાર છાલા પણ પડી જાય છે.
સ્નાયુઓ અને જેઈન્ટ્સમાં પીડા થવી.
સ્કિન ડ્રાય અને પાતળી થવી.

માનસિક તકલીફો
ટેન્શન થવું.
જિંદગી નીરસ બની જવી.
યાદશક્તિ ઓછી થવી.
આત્મહત્યા કરવાની ઈચ્છા થવી વગેરે.
કોઈ પણ કારણસર જ્યારે મહિલા ગર્ભાશય કઢાવવાનું ઓપરેશન કરાવે છે તમારે તે મેનોપોઝમાં નથી થતી, પરંતુ ગર્ભાશયની સાથે બંને અંડાશય કાઢી લીધા હોય ત્યારે તેમાંથી આંતર્સ્ત્રાવ બંધ થઈ જાય છે અને મહિલામાં મેનોપોઝની તકલીફો જેાવા મળે છે. મહિલા મેનોપોઝમાં આવે ત્યારે ગર્ભાશય અને અંડાશયની સોનોગ્રાફી તેણે કરાવી લેવી જેાઈએ. મહિલાના સફેદ પાણીની પણ તપાસ કરાવવી પડે છે.

મેનોપોઝમાં થતી તકલીફો
હાડકાંમાં દુખાવો થવો.
સૌથી જેાખમી વાત એ થાય છે હાડકામાં ફ્રેક્ચર થઈ જાય છે.
લાંબા સમય સુધી પથારીવશ રહેવું પડે છે.

મેનોપોઝમાં કરવામાં આવતી તપાસ
મહિલાઓએ ૩૫ વર્ષની ઉંમર પછી નિયમિત પોતાની સંપૂર્ણ શારીરિક તપાસ કરાવતા રહેવું જેાઈએ.
હાડકાની તપાસ સોનોગ્રાફી, મેમોગ્રાફી અથવા બેક્સાથી કરાવવી જેાઈએ.
રૂટિન બ્લડ તપાસ કરાવતા રહો.
થાઈરોઈડ, શુગર, કોલેસ્ટ્રોલ, લાઈથીલ પ્રોફાઈલની તપાસ પણ નિયમિત કરાવવી જેાઈએ.
એક્સ-રે કરાવવા જેાઈએ.

મેનોપોઝમાં શું કરવું
ટેન્શન ન લેવું જેાઈએ.
નિયમિત કામ કરવું જેાઈએ.
એક્સર્સાઈઝ કરવી જેાઈએ.
ડોક્ટરની સલાહ અનુસાર હર્બલ અને કેલ્શિયમની ગોળી લેવી જેાઈએ.
– ઋતા પટેલ.

સ્વિમિંગના હેલ્થ બેનિફિટ

હેલ્થ ઈઝ વેલ્ધ એટલે કે સારું સ્વાસ્થ્ય સાચી મૂડી કે ધન છે. તેથી શરીરને સ્ફૂર્તિલું અને તંદુરસ્ત રાખવા માટે આપણને બાળપણથી ૩ વાત પર ધ્યાન આપવાનું શીખવવામાં આવે છે – યોગ્ય આહાર, જરૂરી આરામ અને નિયમિત એક્સર્સાઈઝ. આજે અહીં વાત કરીશું એક્સર્સાઈઝની. એક્સર્સાઈઝને ડોક્ટરો પોલિપિલની સંજ્ઞા પણ આપે છે, કારણ કે નિયમિત કરનાર વ્યક્તિ ઘણી બધી બીમારીથી મુક્ત રહે છે અને સાથેસાથે તેની કાર્યક્ષમતા પણ વધે છે. એક્સપર્ટનું માનવું છે કે એક વયસ્કે અઠવાડિયામાં ઓછામાં ઓછા ૨-૩ કલાક એક્સર્સાઈઝ જરૂર કરવી જેાઈએ. સ્વયંને ફિટ અને સ્વસ્થ રાખવાની અનેક રીત છે. જેમ કે, જિમ જવું, રનિંગ, યોગાસન, એરોબિક્સ અથવા કોઈ પણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી વગેરે. જેા તમે આ બધાથી કંઈક અલગ ટ્રાય કરવા ઈચ્છો છો તો સ્વિમિંગ પણ એક સારો વિકલ્પ છે, ખાસ તો ઉનાળાની ઋતુમાં તે લોકોને પણ ખૂબ પસંદ આવે છે. ‘સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન’ અનુસાર સ્વિમિંગ એક ઉત્તમ ફુલ બોડી વર્કઆઉટ છે.
એક સ્ટડી અનુસાર સતત ૩ મહિના સુધી દર અઠવાડિયે લગભગ ૪૦-૫૦ મિનિટ સ્વિમિંગ કરવાથી વ્યક્તિની એરોબિક ફિટનેસમાં સુધારો થાય છે, જે મનુષ્યના શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય બંને માટે લાભદાયી છે. આ સ્ટડી અનુસાર સ્વિમિંગ ઘણી બધી બીમારી જેમ કે કેન્સર, ડાયાબિટીસ, ડિપ્રેશન, હૃદયરોગ અને ઓસ્ટિયોપોરોસિસના જેાખમને પણ ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

કમાલના લાભ છે
આમ તો તરવાથી શરીરના કેટલાય ભાગની માંસપેશીઓ સક્રિય રહે છે અને વિકસિત થાય છે, પરંતુ હા અલગઅલગ સ્ટ્રોક અથવા સ્વિમિંગ ટેક્નિક અલગઅલગ માંસપેશીઓને પ્રભાવિત કરે છે, કારણ કે આ બધામાં તરવાની રીત અને ટેક્નિકમાં થોડું ઘણું અંતર હોય છે. જેાકે મોટાભાગના સ્ટ્રોકમાં શરીરના તમામ મુખ્ય અંગ જેમ કે ધડ, ખભા, હાથ, પગ અને માથાની તાલબદ્ધ અને સમન્વિત મૂવમેન્ટ સામેલ હોય છે, પરંતુ આ સ્વિમિંગની રીતમાં શરીરનો ઉપયોગ અલગઅલગ રીતથી થવાના લીધે તેના લાભ પણ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ફ્રી સ્ટાઈલમાં તમે કોઈ પણ રીતે તરી શકો છો. બેસ્ટસ્ટ્રોકમાં તમે છાતીના ભાગ પર વધારે જેાર લગાવો છો અને બટરફ્લાયમાં પૂરા શરીરનો ઉપયોગ થતો હોય છે. આ જ રીતે સાઈડ સ્ટ્રોકમાં એક હાથ હંમેશાં પાણીમાં હોય છે અને સ્વિમર બીજા હાથનો ઉપયોગ કરતા તરે છે. ફ્રીસ્ટાઈલ સ્વિમિંગમાં લાંબા સમય સુધી સ્ટ્રોક માટે ધડને ફેરવવામાં એબ્ડોમિનલ અને ઓબ્લિક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, જ્યારે હિપ ફ્લેક્સર્સનો ઉપયોગ કોંપેક્ટ અને સ્થિર નિયમિત કિક જાળવી રાખવા માટે થતો હોય છે. ફ્રી સ્ટાઈલ બેકસ્ટ્રોક સ્વિમિંગ દરમિયાન સ્વિમરે પીઠના બળ પર ઊંઘીને પાણી પર તરવાનું હોય છે. પીઠના બળ પર ઊંઘી ગયા પછી સ્વિમર પોતાના હાથ અને પગને ચલાવતા એ રીતે તરે છે જાણે હોડીમાં હલેસા મારવામાં ન આવતા હોય. હાથ અને પગની મૂવમેન્ટ તેમાં પણ ફ્રીસ્ટાઈલ જેવી હોય છે, તેમાં ફરક માત્ર એટલો હોય છે કે તમે પીઠના બળ પર ઊંઘીને તરતા હોય છે. ડોક્ટરોનું કહેવું છે કે પીઠની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે આ રીતે તરવું ખૂબ લાભદાયી રહે છે.

વજન ઘટાડવામાં અસરકારક
બટરફ્લાય સ્ટ્રોકને વજન ઘટાડવા માટે ઉત્તમ માનવામાં આવ્યા છે. આ સ્ટ્રોકને યોગ્ય રીતે ૧૦ મિનિટ કરવાથી લગભગ ૧૫૦ કેલરી બર્ન થાય છે. કોર એબ્ડોમિનલ અને પીઠના નીચેના ભાગની માંસપેશીઓ શ્વાસ લેતી વખતે શરીરને પાણીમાંથી બહાર કાઢે છે. ગ્લૂટ્સ એ સુનિશ્ચિત કરે છે કે પગ ડોલ્ફિનના જેવા હોવા જેાઈએ. પેક્સ, લાસ્ટ્સ, ક્વાડ્સ, કાલ્વ્સ, શોલ્ડર્સ, બાઈસેપ્સ, ટ્રાઈસેપ્સ બધા આ સ્ટ્રોક દરમિયાન ખૂબ કામ કરે છે. બ્રેસ્ટ સ્ટ્રોકની વાત કરીએ તો તેમાં સ્વિમર પોતાની છાતીના બળ પર તરે છે અન બાકીનું ધડ ખૂબ ઓછી ગતિવિધિ કરે છે. તેમાં માથું લગભગ પાણીની બહાર હોય છે, શરીર સીધું રહે છે અને હાથપગનો એ રીતે ઉપયોગ કરવામાં આવે છે જે રીતે દેડકા પાણીમાં તરતા હોય છે. પેક્ટોરલ અને લેટીસિમસ ડાર્સી માંસપેશીઓનો ઉપયોગ હાથને પાણીની વિરુદ્ધ અંદરની તરફ ફેરવવા માટે કરવામાં આવે છે. ગ્લૂટ્સ અને ક્વાડ્રિસેપ્સ મસલ્સ બ્રેસ્ટ સ્ટ્રોક કિક આપવામાં કામ આવે છે.

સ્વિમિંગના બીજા લાભ
લંગ્સ માટે લાભદાયી છે : ‘ઈન્ડિયન જર્નલ ઓફ ફિઝિયોલોજી’ માં પ્રકાશિત એક સ્ટડી ‘કંપેરેટિવ સ્ટડી ઓફ લંગ ફંક્શન ઈન સ્વિમર્સ એન્ડ રનર્સ’ માં જેાવા મળ્યું છે કે સ્વિમિંગ ફેફસાને મજબૂત કરે છે અને તેમાં રહેલા ઓક્સિજનની માત્રાને વધારવામાં અસરકારક છે. સ્વિમિંગ કરતી વખતે ફેફસા ખૂબ સક્રિય રહે છે અને ઊંડો શ્વાસ લેવા અને લાંબા સમય સુધી તેને જાળવી રાખવાની પ્રેક્ટિસ કરે છે. તેનાથી ફેફસાની ક્ષમતા વધે છે અને લંગ્સ મસલ્સ પર સકારાત્મક દબાણ આવેે છે. તેનદ્બ સાથે સ્વિમરે પોતાના શ્વાસને પોતાના સ્ટ્રોક સાથે લયબદ્ધ કરવા પડે છે. તેનો અર્થ એ છે કે શરીરને થોડો સમય રાહ જેવાની ટ્રેનિંગ મળે છે જેનાથી શ્વાસની સહનશક્તિ વિકસિત થાય છે. આ અભ્યાસનો સકારાત્મક પ્રભાવ અસ્થમાના દર્દીઓ પર પણ જેાવા મળે છે.

સ્ટ્રેંથ વધારવામાં મદદરૂપ : તરતી વખતે પગને સતત ચલાવવા પડે છે. સાથેસાથે હાથ અને ખભાને પણ મૂવ કરવા પડે છે, કારણ કે પાણી હવાની સરખામણીમાં વધારે ગાઢ હોય છે. તેથી પાણીનું શરીર પર દબાણ પણ વધારે અનુભવાતુ હોય છે. પાણી મૂવમેન્ટમાં સતત પ્રતિરોધ પેદા કરે છે. આ પ્રતિરોધથી આગળ વધવા માટે તમારા શરીરને વધારે મહેનત કરવી પડે છે. તેનાથી માંસપેશીઓ ટોન થાય છે અને સ્ટેમિના તેમજ સ્ટ્રેંથ પણ વધે છે. વયસ્કોના કૂલા અથવા હિપની માંસપેશીઓને મજબૂત બનાવવા, ઓસ્ટિયોઆર્થ્રાઈટિસના રોગીમાં ગ્રિપ સ્ટ્રેંથમાં પણ સુધાર માટે સ્વિમિંગને ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે.

મેન્ટલ વેલ બીઈંગ : એક્સર્સાઈઝથી ‘ફીલ ગુડ હોર્મોન’ અને એન્ડોર્ફિંસ વધે છે અને સ્ટ્રેસ હોર્મોન એડ્રેનાલાઈન તેમજ કોર્ટિસોલમાં ઘટાડો થાય છે. લો મૂડ, એંક્ઝાઈટી, સ્ટ્રેસ અથવા ડિપ્રેશનથી બચવા અથવા તેનાથી પીડિત લોકોની સારવાર દરમિયાન પણ સ્વિમિંગની સલાહ આપવામાં આવે છે. અન્ય એક્સર્સાઈઝની સરખામણીમાં કેટલાક લોકો સ્વિમિંગ કરીને વધારે રિલેક્સ્ડ ફીલ કરે છે.

સાંધા માટે ઉત્તમ સ્વિમિંગ : આર્થ્રાઈટિસ હોય કે પછી હાડકાની બીજી કોઈ ઈંજરી, સ્વિમિંગને બીજી એક્સર્સાઈઝની સરખામણીમાં વધારે સુરક્ષિત માનવામાં આવે છે. રનિંગ, સાઈકલિંગ અથવા જિમની અન્ય વર્કઆઉટમાં સૌથી મોટું જે જેાખમ હોય છે તે છે હાડકાં અથવા સાંધામાં ઈંજરીનું. આર્થ્રાઈટિસના દર્દીઓને પણ ડોક્ટર સ્વિમિંગની સલાહ આપે છે. જ્યારે તમારું શરીર પાણીમાં હોય છે, ત્યારે તમે એવી મૂવમેન્ટ પણ કરી શકો છો, જે સામાન્ય રીતે કરવી મુશ્કેલ થઈ જાય છે, તેથી સાંધામાં પીડા છતાં આરામથી તરી શકાય છે.

ઊંઘ સારી આવે છે : નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર વૃદ્ધો માટે અનિદ્રાનો સૌથી સારો ઉપાય છે સ્વિમિંગ.

હૃદયનું ધ્યાન રાખો : સ્વિમિંગ એક પ્રકારની એરોબિક એક્સર્સાઈઝ છે, જે હાર્ટને મજબૂતાઈ આપે છે અને બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં પણ મદદરૂપ બને છે. જેા મહિલાઓ દરરોજ ૩૦ મિનિટ સ્વિમિંગ કરે, તો કોરોનરી હાર્ટ ડિસીઝનું જેાખમ ૩૦ થી ૪૦ ટકા સુધી ઓછું થઈ જાય છે. સ્વિમિંગ ગુડ કોલેસ્ટ્રોલ લેવલને વધારવામાં મદદ કરે છે.
– ચેતના વર્ધન.

હેલ્થ સ્ટ્રેસ તમે પણ નથી લેતા ને

ગુડ હેલ્થ મેળવવાની ઈચ્છા દરેકની હોય છે. આ ઈચ્છા કેટલીક વાર એ રીતે વધી જાય છે કે લોકો ટેન્શન લે છે, જેથી ગુડ હેલ્થ માટે ટેન્શન થવા લાગે છે, જેથી હેલ્થ વધારે બગડે છે. દરેકનું વજન, સુંદરતા, વાળનો રંગ, વાળ હોવા કે ન હોવા, લંબાઈ બધું અલગઅલગ હોય છે. બધાની અંદર બસ એક વાત કોમન હોય છે કે બધાને સુંદર અને સ્માર્ટ દેખાવું છે. પરંતુ બધા એકસમાન નથી દેખાતા, કારણ કે બધાની હેલ્થ અને શરીર અલગઅલગ હોય છે. જેમજેમ ઉંમર વીતે છે તેમતેમ લોકોમાં ગુડ હેલ્થની ઈચ્છા વધે છે. તેના માટે તે તમામ જતન કરે છે જેમ કે તે એક્સર્સાઈઝ કરવા લાગે છે. ખાણીપીણીમાં તમામ પ્રકારના પરેજ કરવા લાગે છે. ડાયેટિશિયન મુજબ ખોરાક લેવા લાગે છે.
મનોવૈજ્ઞાનિક નેહા તિવારી જણાવે છે, ‘‘ગુડ હેલ્થની માનસિકતા ધરાવતા તમામ લોકો એવા હોય છે, જે પોતાની સામે કોઈ ફિલ્મી હીરો, હીરોઈન, મોડલ કે ખેલાડી રાખે છે. જાહેરાતમાં જલદી પરિણામ મેળવવાની તમામ પ્રકારની રીત બતાવે છે. એક નિશ્ચિત સમયમાં પોતાની માનસિકતા મુજબ પરિણામ મળતા જેાવા મળે છે જેમ કે કોઈએ ૩૦ દિવસમાં ૨૦ કિલો વજન ઓછું કર્યું, પોતાની કમરની સાઈઝ અથવા સ્થૂળતા ઓછી કરી. શક્ય છે કે રિયલ લાઈફમાં આ પરિણામ મોડા મળે અને તેના માટે વધારે સમય આપવો પડે. કેટલીય વાર ઘણું બધું કરવા છતાં પરફેક્ટ પરિણામ નથી મળતું. એવામાં ટેન્શન થવા લાગે છે. આ ટેન્શન ગુડ હેલ્થ માટે થાય છે, પણ તે હેલ્થને વધારે બગાડે છે.
‘‘શરીરનું વજન, સ્થૂળતા અને રંગરૂપ દરેકના શરીરની સંરચના પ્રમાણે હોય છે. શરીરના હાડકાં અને ફેટ શરીરની બનાવટ નક્કી કરે છે. તેને અનુરૂપ જ બાકી શરીરની બનાવટ હોય છે. જેા ફેસ ગોળ અને ભરાવદાર હોય તો કેટલીય વાર ડબલ ચિનની સમસ્યા દેખાય છે. જેનો ફેસ લાંબો અને ગાલ ચોંટેલા હોય છે તેમને ડબલ ચિન નથી હોતા. એવામાં ડબલ ચિનવાળો ગમે તેટલો પ્રયાસ કરે ક્યાંક ને ક્યાંક ડબલ ચિન દેખાય જ છે. હવે આ ડબલ ચિન રિમૂવ કરવાની ઈચ્છા ટેન્શન વધારે છે. આ રીતે ગાલ પર પડતા ડિંપલ્સને લઈને પણ અલગઅલગ ઈચ્છા હોય છે.’’

ગુડ હેલ્થ માટે ટેન્શન ન લો
ગુડ હેલ્થ માટે જરૂરી છે કે પોતાનું શરીર અને તેની જરૂરિયાતને સારી રીતે સમજે. તે મુજબ તમારી હેલ્થ બનાવો. કોઈ બીજાને જેાઈને તે પ્રમાણે હેલ્થ બનાવવાનું ટેન્શન ન લો, નહીં તો ગુડ હેલ્થની ખબર નહીં, પણ ટેન્શન જરૂર લેશો. પછી જેા ટેન્શન લાંબા સમય સુધી રહેશે તો ન માત્ર માનસિક સ્વાસ્થ્ય, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. ટેન્શન વધવાથી સ્ટ્રોક, હૃદય હુમલો જેવી બીમારીનું જેાખમ વધે છે. ટેન્શનના લીધે ભૂલવાની બીમારી, ચિંતા, ચીડિયાપણું, કબજિયાત, વજન ઘટવું, અનિદ્રા અને સમાજથી દૂર રહેવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેનાથી ગુડ હેલ્થ મેળવવાના બદલે જેાખમ વધી જાય છે. એવામાં જરૂરી છે કે ગુડ હેલ્થ માટે કોઈ બીજાને જેાવાના બદલે સ્વયંને જુઓ. તેમાં તમારો ડોક્ટર તમારી પૂરી મદદ કરશે. તે તમને જણાવશે કે તમારા શરીરના ફિટ અને હેલ્ધિ હોવાનો શું અને કેટલો અર્થ છે. તે મુજબ હેલ્થ સુધારો. તેમાં ઉંમરની પણ અસર થાય છે. ૨૨ વર્ષની ઉંમરમાં ૬ ફૂટના છોકરાનું વજન અને ૪૨ વર્ષમાં ૬ ફૂટની વ્યક્તિનું વજન સમાન થઈ જાય તો પણ બંનેની સ્માર્ટનેસ અલગઅલગ હશે.

ગુડ હેલ્થ માટે જરૂરી વાત
ગુડ હેલ્થ માટે જરૂરી છે કે યથાર્થવાદી બનો, યોગ્ય લક્ષ્ય નિર્ધારિત કરો અને ધ્યાન રાખો કે તમે હંમેશાં બધું મેળવવા માંગો છો, તો તમે ક્યારેય સંતુષ્ટ નહીં થાઓ, જે તમારી અંદર ટેન્શન વધારશે. સમાજમાં બીજા સાથે સંબંધ જાળવી રાખો. એકબીજાની મદદ લેવા અને કરવામાં કોઈ સમસ્યા નથી. તેનાથી સામાજિક જીવનનો નિર્વાહ થાય છે. હંમેશાં લોકોને ખુશ રાખવાની નીતિ છોડો. જે કામ ન થવાનું હોય તેના માટે ના કહેતા શીખો. તેની સાથે સમય મેનેજ કરતા શીખો, તમારા જરૂરી કામને પ્રાથમિકતા આપો અને જે બિનજરૂરી છે તેને દૂર કરો. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાથી સંબંધ મજબૂત થાય છે. સુરક્ષા અને પોતાનાપણાની ભાવના પેદા થાય છે. આ તમને ટેન્શન સામે લડવામાં મદદ કરી શકે છે. એક્સર્સાઈઝથી એંડોર્ફિન વધે છે. તે મગજમાં રિસેપ્ટર્સને વધારે છે, જેથી ટેન્શન ઓછું થાય છે. પૂરતી ઊંઘ લો. ઊંઘનું પ્રમાણ પણ દરેક વ્યક્તિમાં અલગઅલગ હોય છે. પૂરતી ઊંઘ લેવી દરેક માટે મહત્ત્વપૂર્ણ છે. સારી ઊંઘ તમારા મગજને કેન્દ્રિત રાખવામાં મદદ કરે છે. તેની સાથે તમારા અહમ્નો નાશ કરો. અહમ્ના બદલે જીવનને આરામદાયક બનાવો. તમે જેટલા ઓછા ઘમંડી હશો એટલા જ સરળતાથી નિષ્ફળતાને સહન કરી શકશો. સોશિયલ મીડિયાથી દૂર રહો. પુસ્તકો અને મેગેઝિન વાંચવાની ટેવ પાડો. સંગીત સાંભળો. સંગીતની મન અને શરીર પર સારી અસર થાય છે. થોડો સમય પોતાના માટે કાઢો. દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક પોતાના માટે કાઢો. મેડિટેશન એટલે ધ્યાન કરવાથી મગજ શાંત થાય છે.

ગુડ હેલ્થ માટે સારું ડાયટ
ડાયેટિશિયન રાનુ સિંહ જણાવે છે, ‘‘યોગ્ય ડાયટ લો અને રોજ એક્સર્સાઈઝ કરશો તો ગુડ હેલ્થ માટે ડોક્ટરની મદદની જરૂર ઓછી પડે છે. તે ઉપરાંત ઉંમર મુજબ બોડી ચેકઅપ કરાવતા રહો. તેનાથી શરીરમાં થતા પરિવર્તનની અસર સમયસર ખબર પડશે. તે મુજબ સારવાર થશે. બીમાર રહેતા અને બીમાર ન રહેતા બંનેના અર્થમાં ગુડ હેલ્થનો માપદંડ બદલાય છે. એવામાં જરૂરી છે કે બંને આ અંતર સમજે. આ અંતરને સમજી લેશો તો ગુડ હેલ્થને લઈને ટેન્શન નહીં રહે. ‘‘સારા સ્વાસ્થ્ય માટે ખાણીપીણી પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. યોગ્ય અને સંતુલિત આહાર સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થાય છે. ભલે ને તમે કોઈ ડાયટ ચાર્ટ ફોલો કરો છો, પણ તેમાં આ વાતનું હંમેશાં ધ્યાન રાખો કે તમે જે પણ ખાઈ રહ્યા છો તે ફ્રેશ હોય. ખાણીપીણીની બાબતમાં ખૂબ જરૂરી છે કે શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની પૂર્તિ થાય. તે ઉપરાંત હેવી ભોજન લેવાના બદલે હળવું અને ઊર્જથી ભરપૂર ભોજન લો.’’
સારા સ્વાસ્થ્યને લઈને ટેન્શન ન લો. ટેન્શન લેવાથી સ્વાસ્થ્ય ઠીક થવાના બદલે વધારે બગડે છે. સારા સ્વાસ્થ્ય માટે બીજાના ઉદાહરણ ન લો. તમારા ડોક્ટર જે વાત જણાવે તેની પર ખાસ ધ્યાન આપો.
– શૈલેન્દ્ર સિંહ.

ટેક્નોલોજી સ્વાસ્થ્યથી વધારે જરૂરી નથી

સામાન્ય રીતે જેાવા મળે છે કે ગામડાની મહિલાઓની સરખામણીમાં શહેરની મહિલાઓ વધારે સુંદર વ્યવસ્થિત અને જેવી ગમે તેવી હોય છે. તેમની સ્કિન સ્વસ્થ અને ચમકદાર હોય છે. જેાકે તેનું કારણ છે શહેરોમાં મળતી બ્યૂટિપાર્લરની સુવિધા અને કોસ્મેટિક્સનો ઉપયોગ, જે ગામડાની મહિલાઓને ઉપલબ્ધ નથી હોતો, પરંતુ શહેરી મહિલાઓની શારીરિક તાકાત અને ઈમ્યૂનિટી ગામડાની મહિલાઓની સરખામણીમાં ખૂબ ઓછી હોય છે.

ગામડાની મહિલાઓને બીમારી પણ શહેરી મહિલાઓની સરખામણીમાં ખૂબ ઓછી થાય છે. જેાકે મોટી બીમારીઓ પ્રસૂતિ અથવા માસિક સાથે જેાડાયેલી હોય છે. જ્યારે સામાન્ય બીમારી જેમ કે શરદીખાંસી ઘરેલુ દવાઓ જેમ કે ઉકાળા વગેરેના પ્રયોગથી ઠીક થઈ જાય છે. જ્યારે શહેરની મહિલાઓને તાણ, બ્લડપ્રેશર, શ્વાસ સંબંધિત બીમારી, હૃદયરોગ, આર્થ્રાઈટિસ, સ્કિન પ્રોબ્લેમ, વાળ ખરવા, ચિંતા જેવી ઘણી બધી તકલીફ ખૂબ નાની ઉંમરથી શરૂ થાય છે, જે તેમના રોજબરોજના જીવનને બરબાદ કરી દે છે.
રાધિકા એક મધ્યમ વર્ગીય પરિવારની વહુ છે. તેની ઉંમર ૨૯ વર્ષ છે અને તેના લગ્નને ૪ વર્ષ થયા છે. તેનો એક ૪ વર્ષનો દીકરો પણ છે. તે એક ખાતાપીતા સુખી પરિવારની છે. જરૂરિયાતની લગભગ તમામ વસ્તુ તેના ઘરમાં છે. કામવાળી બાઈ પણ છે. તેમ છતાં છેલ્લા ૨ મહિનાથી રાધિકાને પોતાના ફ્લોરની સીડી ચઢતા હાંફ ચઢવા લાગે છે. છત પર જાય છે ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે અને ગળું સૂકાવા લાગે છે. પછી તેણે પોતાનું વજન માપ્યું તો તે પહેલા કરતા ૧૦ કિ.ગ્રામ વધી ગયું હતું. આ જેાઈને રાધિકાને ચિંતા થવા લાગી. શ્વાસ ચઢવા વજન વધવાના લીધે હોય છે. તેણે નક્કી કરી લીધું કે ગમે તે ભોગે વજન ઘટાડવું પડશે અને કામવાળીને રજા આપી દીધી. વિચાર્યું કે હવે ઘરના ઝાડુપોતા, વાસણ જાતે જ કરશે. આ બધા કામ કરવાથી તેનું વધી ગયેલું વજન ઓછું થશે અને રોજ સારી એવી એક્સર્સાઈઝ પણ થશે.

મશીનોના સહારે જિંદગી
રાધિકા રોજ સવારે વહેલી ઊઠીને ઝાડુપોતા શરૂ કરી દે છે, પરંતુ આ કામ તેના માટે સરળ નહોતું. ઘરમાં ઝાડુ લગાવવામાં તેને ૧૫ મિનિટનો સમય લાગતો અને આ ૧૫ મિનિટ સુધી વાંકા વળીને કામ કરવાથી તેને કમરનો દુખાવો થવા લાગ્યો. કામવાળી જે રીતે શાંતિથી બેઠાંબેઠાં પોતું કરતી હતી, તે રીતે રાધિકા બેસી શકતી નહોતી. પછી તેણે ઊભાઊભા પોતું કરવાનું શરૂ કરી દીધું. અડધા કલાકના કામ પછી તે થાકીને પથારીમાં પડી ગઈ. પહેલા દિવસે નાસ્તો અને લંચ તેના સાસુઐ બનાવવા પડ્યા. રાધિકા આશ્ચર્યચકિત હતી કે તેનાધી વધારે ઉંમરની રામવતી કેવી રીતે આરામથી પૂરા ઘરમાં કચરાપોતાં, વાસણ સાફ કરે છે. એટલું જ નહીં, તે તેના ઘરમાં જ નહીં, પણ દિવસભરમાં ૮-૧૦ ઘરમાં આ કામ કરવા જાય છે. તેણે તો ક્યારેય દુખાવાની ફરિયાદ નથી કરી. રાધિકાએ ૫ દિવસ ગમે તે કરીને કામ કર્યું, પરંતુ છઠ્ઠા દિવસે રામવતીને પાછી કામ પર બોલાવી લીધી.

સિમરનની મજબૂરી
સિમરનનું પિયર પંજબના એક ગામડામાં છે. તેના લગ્ન નાની ઉંમરમાં દિલ્લીમાં રહેતા જસવિરસિંહ સાથે થયા હતા. જસવિરના ઘરે આવીને સિમરનને એ બધું મળ્યું જેની તેણે કલ્પના પણ નહોતી કરી. આધુનિક સજાવટ વાળો ફ્લેટ જેમાં કિચનમાં લોટ બાંધવાના અને રોટલી બનાવવાના મશીન સાથે મિક્સરજ્યૂસર, રાઈસ કૂકર, ડિશવોશર, ટોસ્ટર, માઈક્રોવેવ, અત્યાધુનિક ગેસ ચૂલા લગભગ બધું હતું. બાથરૂમમાં ગીઝર અને વોશિંગ મશીન પણ હતા. વળી, જવાઆવવા માટે કાર પણ ઊભી હતી. જ્યારે સિમરનના પિયરમાં તેની મા આજે પણ લાકડાનો ચૂલો ફૂંકે છે અને ખાંડણીમાં મસાલા પીસે છે. એક મોટા ટબમાં પૂરા ઘરના કપડાં પલાળીને હાથથી ઘસીઘસીને ધુએ છે. પૂરા ઘરની સાફસફાઈ પણ કરે છે. ભરબપોરે પોતાના પતિ સાથે ખેતરમાં વાવણી કરવા અને કપાવા જાય છે. નજીકના જંગલમાંથી લાકડા અને પોતાના ખેતરોમાંથી અનાજની બોરી પણ પોતાના માથે મૂકીને લાવે છે. ઘરની પાછળની ખુલ્લી જગ્યામાં ઉગાડેલા શાકભાજીની દેખરેખ પણ તેઓ કરે છે.

ઘણી વાર રાત્રે ખેતરમાં પાણી સિંચવાની જવાબદારી પણ તેમના માથે હોય છે. ઘરમાં ખાંડણીમાં ધાન નાખીને કૂટવા અને ચોખાને અલગ કરવાનું કામ રોજ તેઓ કરે છે. ઘરની પાળેલી ગાયોભેંસોને ચારોપાણી આપવા, તેમને નવડાવવા અને દૂધ કાઢવાના કામ પણ તેમના માથે છે. એટલે કે પૂરો દિવસ તેઓ ભરપૂર શારીરિક શ્રમ કરે છે અને તેનું પરિણામ એ છે કે તેમનું શરીર શક્તિશાળી અને ઊર્જાથી ભરેલું છે. બીમારી તેમની નજીક ફરકતી સુધ્ધાં નથી. આજે ૫૫ વર્ષની ઉંમરમાં તેમની સ્ફૂર્તિ કોઈ ૨૫ વર્ષની યુવાન છોકરી જેવી છે. પરંતુ તેમની ૨૫ વર્ષની દીકરી સિમરન ભર યુવાનીમાં વૃદ્ધત્વની બીમારીથી ઘેરાઈ ગઈ છે. સાસરીમાં ઉપલબ્ધ જાતજાતના આધુનિક ગેજેટ્સે તેને આળસુ બનાવી દીધી છે. લગ્નના માત્ર ૮ વર્ષમાં તેને સ્થૂળતા, ઘૂંટણનો દુખાવો, હાઈ બ્લડપ્રેશર અને સ્પોંડિલાઈટિસ જેવી બીમારીએ ઘેરી લીધી છે. સિમરનની આ બીમારી વાસ્તવમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગની ભેટ છે, જેમણે તેને અને તેના જેવી છોકરીઓને શારીરિક રીતે કમજેાર અને આળસુ બનાવી દીધી છે. તેની સાથે કેટલાય રોગની શિકાર પણ બનાવી છે.

આરામદાયક જિંદગીની સાઈડ ઈફેક્ટ
સિમરન પિયરમાં ઓછું જાય છે, જાય છે તો ૨-૩ દિવસમાં પાછી આવી જાય છે, કારણ કે ત્યાં બધા કામ હાથથી કરવા પડે છે. આધુનિક મશીનથી ટેવાઈ ગયેલી સિમરનથી મહેનત નથી થતી. પિયરમાં શૌચાલય પણ ઈન્ડિયન સ્ટાઈલનું અને ઘરની બહાર છે જ્યાં ડોલથી પાણી ભરીને લઈ જવું પડે છે, જ્યારે સાસરીમાં વેસ્ટર્ન સ્ટાઈલ કમોડની સુવિધા છે. તેની તેને ૮ વર્ષથી ટેવ પડી ગઈ છે. હવે તે નીચે બેસી નથી શકતી. તેના ઘૂંટણમાં દુખાવો થાય છે. હકીકતમાં, સાસરીના આરામદાયક જીવન અને આધુનિક મશીનોએ સિમરનને બીમાર, આળસુ બનાવી દીધી છે. ટેક્નોલોજીના વિસ્તારે મહિલાઓની જિંદગીને સરળ તો બનાવ્યું છે, પરંતુ શારીરિક રીતે કમજેાર અને બીમાર વધારે કરી દીધા છે. છોકરા તો કોલેજ, ઓફિસ, જિમ, રમતગમત વગેરે દ્વારા શારીરિક રીતે ફિટ અને ઊર્જાવાન રહે છે, પરંતુ મહિલાઓ ખાસ તો ગૃહિણીઓ માટે જે શારીરિક શ્રમ જેમ કે ઘરઘંટી, પથ્થર પર મસાલો પીસવો, લોટ બાંધવો, કૂવામાંથી પાણી ખેંચવું, ખેતરમાં કામ કરવું વગેરે પહેલાં થતા હતા અને જે તેમને તંદુરસ્ત બનાવતા હતા, આધુનિક મશીનોએ તેમના તે મહેનતવાળા કામ છીનવી લીધા છે. પરિણામે, તેમના શરીરના મસલ્સ નાની ઉંમરમાં કમજેાર થવા લાગે છે. સામાન્ય રીતે મહિલાઓ જિમ વગેરે નથી જતી, જ્યાં શારીરિક એક્સર્સાઈઝ થાય. શહેરની મહિલાઓ આધુનિક મશીનોની મદદથી ઓછા સમયમાં ઘરના કામ પૂરા કરીને આખો દિવસ ટીવી સીરિયલ જેાતી રહે છે અથવા મોબાઈલ ફોનમાં ચોંટી રહે છે. કામ વિના આ આરામદાયક જિંદગી તેમનું સ્વાસ્થ્ય બગાડે છે.

ટેક્નોલોજીના ગુલામ
ટેક્નોલોજીએ કામને સુગમ તો બનાવ્યું જ છે. કામનો સમય ઘટાડી દીધો છે, પરંતુ તેણે મનુષ્યના શરીરને કમજેાર કરી દીધું છે. કમ્પ્યૂટરના કી-બોર્ડ પર ઝડપથી આંગળીઓ ચલાવતા લોકો હવે કલમ પકડીને ૨ પેજની ચિઠ્ઠી બરાબર રીતે લખી નથી શકતા. કાગળ પર કલમ ચલાવતા હાથ ધ્રૂજે છે. કલમ પર આંગળીઓની પકડ નથી બનતી. કાર અને બાઈક ચલાવનારે જેા કોઈ ટૂર પગપાળા અથવા સાઈકલ ચલાવીને જવું પડે તો ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે. ટેક્નોલોજીના ગુલામ બનીને આપણે માનસિક રીતે કમજેાર થઈ રહ્યા છીએ. પરચૂરણની દુકાન પર સામાન ખરીદ્યા પછી આપણે મોબાઈલફોન પર કેલ્ક્યુલેટર ખોલીને હિસાબ કરવા બેસીએ છીએ, જ્યારે આપણાથી એક પેઢી પહેલાંના લોકો અને બાળપણમાં આપણે પણ હિસાબ મિનિટોમાં મનોમન કરી લેતા હતા.

નવીન સંશોધકોએ આપણને લાભ પહોંચાડ્યો છે. આ ટેક્નિક જ છે જેણે માનવજીવનને ખૂબ સહજ, સરળ અને રોચક બનાવી દીધું છે, પરંતુ કોઈ પણ ટેક્નિક સાથે તેના સાચા અને ખોટા બંને પક્ષ જેાડાયેલા હોય છે. એવામાં આપણે નક્કી કરવું પડશે કે કોઈ ટેક્નિકનો ઉપયોગ આપણે જીવનમાં ક્યાં સુધી કરીશું. આપણે આ વાતને નજરઅંદાજ નથી કરી શકતા કે ટેક્નિકના વધારે ઉપયોગ કરવાથી આજે ગ્લોબલ વોર્મિંગ જેવા ગંભીર પડકારો આપણી સામે ઊભા કરી દીધા છે, જે માનવ જીવન માટે જ નહીં, સંપૂર્ણ ધરતી, પર્યાવરણ અને જીવજંતુઓ માટે પણ જેાખમી સાબિત થઈ રહી છે.
– નસીમ અંસારી કોચર.

સ્પર્મ કાઉન્ટ પર ભારે પડતો સ્ક્રીન ટાઈમિંગ

કેટલાય લોકો ૨૪ કલાક મોબાઈલમાં ચોંટેલા રહે છે, તેમની આ ટેવ તેમને ભારે પડી શકે છે, કારણ કે તાજેતરમાં અમેરિકન જનરલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર અઠવાડિયામાં ૨૦ કલાકથી વધારે ટીવી અથવા મોબાઈલ ફોન જેાવાથી પુરુષોના સ્પર્મ પ્રોડક્શનમાં ૩૫ ટકા ઘટાડો જેાવા મળ્યો છે. રિપોર્ટ મુજબ ૧ દિવસમાં ૫ કલાકથી વધારે ટીવી જેાનારા લોકોના શરીરમાં સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો જેાવા મળ્યો. તેની વિપરીત કમ્પ્યૂટર પર રોજિંદા ઓફિસ કામ કરતા લોકોના શરીરમાં એવી કોઈ કમી નથી દેખાતી. એવા લોકોના ન સ્પર્મ કાઉન્ટરમાં કોઈ કમી દેખાઈ અને ન તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં કોઈ કમી આવી. તેનું એક કારણ છે કે એવા લોકો, જે વધારે ટીવી જુએ છે, વધારે એક્સર્સાઈઝ નથી કરતા અને હેલ્ધિ ભોજન નથી લેતા, તો આ ટેવ ફર્ટિલિટી પર અસર કરે છે.

ઈનફર્ટિલિટીનું મોટું કારણ
ટીવી અથવા મોબાઈલ પર ફિલ્મ જેાનારાનું મગજ એક રીતે કામ કરવાનું બંધ કરી દે છે. જંક ફૂડના વધારે સેવન અને આળસુ લાઈફસ્ટાઈલના લીધે આજકાલ કેટલાય લોકો સ્થૂળતાનો શિકાર થઈ રહ્યા છે અને આ ઈનફર્ટિલિટીનું એક મોટું કારણ બની રહ્યું છે. સ્થૂળતાના લીધે પુરુષો અને મહિલાઓ બંનેની કામેચ્છા ઓછી થઈ રહી છે. સ્થૂળતા ન માત્ર યૌન સંબંધ બનાવવાની ઈચ્છામાં કમી લાવે છે, પરંતુ તેના લીધે સેક્સ દરમિયાન જલદી સ્ખલન થવાની સમસ્યા થાય છે. તેથી સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ પ્રભાવિત થાય છે, કારણ કે લિંગમાં પૂરતી ઉત્તેજના નથી થતી, સાથે મહિલા સ્થૂળતાથી પીડિત છે, તો તે સ્થિતિમાં સારી રીતે સમાગમ નથી થતું. કેન, પેકેટ બંધ ફૂડ અને હાઈ ફેટયુક્ત વસ્તુ ઝડપથી અને વધારે પ્રમાણમાં એસિડિટી પેદા કરે છે, જેથી શરીરના પીએચ લેવલમાં પરિવર્તન આવે છે. આળસુ લાઈફસ્ટાઈલ સાથે કેમિકલ એડિટિવ્સ અને એસિડિક નેચરવાળી ખાણીપીણી અથવા સ્પર્મ સેલ્સના આકાર અને તેની ગતિશીલતાને નુકસાન પહોંચાડે છે કે પછી તેના લીધે સ્પર્મ ડેડ થઈ જાય છે.

શારીરિક અક્ષમતા
‘બ્રિટિશ જનરલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન’ માં પ્રકાશિત રિપોર્ટ હેઠળ લેબ એનાલિસિસ માટે ૧૮ થી ૨૨ વર્ષની ઉંમરના ૨૦૦ સ્ટુડન્ટ્સના સ્પર્મ સેમ્પલ કલેક્ટ કર્યા. તેમના વિશ્લેષણથી ખબર પડી કે સુસ્ત લાઈફસ્ટાઈલ અને સ્પર્મ કાઉન્ટમાં ઘટાડાનો એકબીજા સાથે સીધો સંબંધ છે. વધારે ટીવી જેાનારનો સરેરાશ સ્પર્મ કાઉન્ટ ૩૭ એમએન માઈક્રોન પ્રતિ એમએલ હતો, જ્યારે તે સ્ટુડન્ટ્સનો સ્પર્મ કાઉન્ટ ૨ એમએન માઈક્રોન પ્રતિ એમએલ હતો, જેઓ ટીવી ઓછું જુએ છે. સુસ્ત લાઈફસ્ટાઈલ અને ટીવી જેાનારના આદિ લોકોના સ્પર્મ કાઉન્ટમાં સામાન્યની સરખામણીમાં ૩૮ ટકા સુધી ઘટાડો થયો. આ રિપોર્ટથી સાબિત થયું છે કે વધારે ટીવી જેાનારના હૃદયમાં વધારે આવેગના લીધે ફેફસામાં બ્લડનો જીવલેણ ક્લોથ થવા અને તેના લીધે હાર્ટએટેકથી મૃત્યુ થવાની શક્યતા ૪૫ ટકા વધી જાય છે અને ટીવી અથવા મોબાઈલ સ્ક્રીન સામે દર ૧ કલાક અને વિતાવવાની સાથે આ શક્યતા વધી જાય છે.

દરેક વસ્તુની એક મર્યાદા
કેટલાક રિપોર્ટમાં જણાવ્યું છે કે દર અઠવાડિયે સરેરાશ ૧૮ કલાકની એક્સર્સાઈઝ કરવાથી સ્પર્મ ક્વોલિટી વધારી શકો છો, પરંતુ વધારે એક્સર્સાઈઝ કરવાથી સ્પર્મ ક્વોલિટી પર અસર થાય છે. જેાવા મળ્યું છે કે શારીરિક રીતે સક્રિય રહેતા એવા લોકો જે અઠવાડિયામાં ૧૫ કલાક મોડરેટ એક્સર્સાઈઝ કરે છે અથવા કોઈ રમત રમે છે તેમનો સ્પર્મ કાઉન્ટ શારીરિક રીતે ઓછા સક્રિય રહેતા લોકોની સરખામણીમાં ૩-૪ ગણા સુધી વધારે રહે છે. ટીવી અથવા મોબાઈલ સામે કલાકો એકીટશે નજર રાખવાનો સીધો સંબંધ શરીરમાં ગરમી વધારવાથી થાય છે. સ્પર્મ સેલ્સ ઠંડા વાતાવરણમાં વધારે સારી રીતે ઊછરે છે, જ્યારે શરીરના વધારે ગરમ રહેવાથી તે વધારે સારી રીતે નથી ઊછરી શકતા.

જરૂરિયાતથી વધારે એક્સર્સાઈઝ કરવી અને સતત ટીવી જેાવું, બંને શરીરમાં ફ્રીરેડિકલ્સના ઉત્પાદન અને ઉત્સર્જનને પ્રોત્સાહન આપે છે, જેથી સ્પર્મ સેલ્સ મરી જાય છે, જેની પ્રજનનક્ષમતા પર સીધી અસર થાય છે.
– ગૃહશોભા ટીમ.

ઠંડીમાં રાખો હેલ્ધિ હાર્ટ

ઠંડીની ઋતુ એટલે સારું ખાવાનું અને અનેક તહેવાર, તેથી ભારતમાં લોકો આખું વર્ષ શિયાળાની રાહ જેાતા હોય છે. ગરમાગરમ સ્નેક્સ અને મીઠાઈની મજા લેવાની આ ઋતુ બધાને ગમે છે. ઠંડી પોતાની સાથે વર્ષના અનેક મોટા તહેવાર, મોજમસ્તી, મિત્રો અને પરિવારજનો સાથે ઉજવાતા ઉત્સવ લઈને આવે છે. આ જ ઋતુ છે, જેમાં આપણા દિલની સંવેદના વધે છે. ઠંડીની ઋતુમાં ઉષ્ણતામાનમાં થતો ઘટાડો આપણા સ્વાસ્થ્ય પર પણ ખૂબ અસર કરે છે, તેમાં પણ ખાસ તો હૃદય પર. તેનાથી હાર્ટએટેક, હાર્ટ ફેલ્યોર, ફ્લૂ વગેરેનું જેાખમ વધે છે. હૃદય અને સર્ક્યુલેટરી સિસ્ટમ પર ઠંડીની ઋતુની અસર થઈ શકે.

આ સિવાય ઠંડીમાં લોકોની સક્રિયતા ઓછી હોય છે. આરામ કરવા માટે અને શરીરને ગરમ રાખવા માટે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. પછી તેની એ અસર થાય છે કે શરીરને જેટલી કસરતની જરૂર હોય છે તેટલી આ ઋતુમાં નથી મળતી. ઉષ્ણતામાનમાં પરિવર્તનનાં લીધે શરીરમાં ફિઝિયોલોજિકલ બદલાવ આવે છે, તેથી ઠંડીમાં સ્વાસ્થ્ય માટે સૌથી મોટું જેાખમ બાયોલોજિકલ હોય છે. સિપેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે, જેથી રક્તવાહિની સંકોચાઈ જાય છે અને હૃદયને લોહીની આપૂર્તિ ઘટી જાય છે, જેનાથી બ્લડપ્રેશર વધે છે અને હાર્ટએટેક તથા સ્ટ્રોકનું જેાખમ વધે છે. ઠંડીમાં કોરોનરી ધમની સંકોચાઈ જાય છે, જેનાથી કોરોનરી હૃદયરોગના લીધે છાતીમાં દુખાવો વધી શકે છે. એક તરફ શરીરના ઉષ્ણતામાનને સ્થિર રાખવા હૃદયે વધારાની મહેનત કરવી પડે છે જ્યારે બીજી તરફ ઠંડી હવા હૃદયની આ મહેનતને વધારે મુશ્કેલ બનાવે છે, કારણ કે ઠંડી હવાના લીધે શરીરની ગરમી ઝડપથી ઓછી થવા લાગે છે. જે તમારા શરીરનું ઉષ્ણતામાન ૯૫ ડિગ્રીથી નીચે જાય તો હાઈપોથર્મિયા હૃદયની માંસપેશીઓને નુકસાન પહોંચાડી શકે છે.

ભારતમાં ઠંડીની મોસમ એટલે અનેક તહેવારની મોસમ, રજા, ઉત્સવો, વિભિન્ન ભોજન અને ઓછી ઊંઘ લેવી. જેાકે આ બધાથી હૃદય પર વધારે દબાણ આવે છે. રજાઓ અને તહેવાર ઈમોશનલ રિસ્પોન્સિસને પણ વધારી શકે છે. જેા તેને નિયંત્રિત કરવામાં ન આવે તો હૃદયની તાણ વધી શકે છે. ઠંડીની મોસમમાં ભાવનાત્મક તાણ, જેને સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે તે સ્ટ્રેસ હોર્મોન લેવલ વધારી શકે છે અને તેનાથી હાર્ટએટેક અથવા સ્ટ્રોકનું જેાખમ વધી શકે છે. ઠંડીના દિવસોમાં શરીરમાં ગરમીનું પ્રમાણ જાળવી રાખવા માટે લોકો ઘરની અંદર રહેવાનું પસંદ કરે છે. જેા આ સ્થિતિ લાંબા સમય સુધી રહે તો શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઘટી ન જાય ત માટે ભલે ને તમે ઘરમાં રહો, પરંતુ ઘરમાં રહીને કોઈ ને કોઈ એક્ટિવિટી અચૂક કરો. ઠંડીમાં શરદી, ગળામાં ખારાશ અને ખાંસી જેવી સામાન્ય બીમારી થાય છે, પરંતુ જેા તમારું હૃદય પહેલાંથી અન્ય કોઈ કારણસર તાણમાં હોય તો તમારા માટે આ બીમારી ભયજનક સાબિત થઈ શકે છે.

જેાખમ
પહેલાંથી જ હૃદયરોગ હોય તેમના માટે ઠંડીની મોસમ જેાખમી પુરવાર થાય છે. તેઓ આ ઋતુની શરૂઆત એક પડકાર સાથે કરે છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ નથી કે શું થશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું થવાની શક્યતા છે? કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ માટે ઠંડીની મોસમમાં ગરમ રહેવું ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે ડિલેડ મેટાબોલિક રિએક્શનથી શરીરમાં ગરમાવો રહેવો મુશ્કેલ થઈ જાય છે. આ સ્થિતિમાં હૃદય પર લોહીને પંપ કરવા વધારાનું દબાણ થાય છે. તેની સાથે હાઈ બ્લડપ્રેશર, ધૂમ્રપાન, અન્ય બીમારીનો પારિવારિક ઈતિહાસ, હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, દારૂનું વધારે પડતું સેવન જેવા કારક ઠંડીની ઋતુમાં હાર્ટએટેકની શક્યતા વધારી શકે છે. જેાકે ઠંડીની ઋતુનો હૃદયની સ્થિતિ પર પ્રભાવ કેટલાક કારકના લીધે ઓછો કે વધારે હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જેાઈએ તો ધૂમ્રપાન અને દારૂ જેવા જેાખમી પરિબળના લીધે ઠંડીમાં વ્યસની લોકોને હાર્ટએટેક આવે છે, કારણ કે વાસોકંસ્ટ્રિક્શન પર તેની સીધી અસર થાય છે અને તેના લીધે બ્લડપ્રેશર વધે છે. પહેલાંથી કોઈ બીમારી હોય અથવા શરીર રિકવરી સ્ટેજમાં હોય ત્યારે શરીર જેટલું મજબૂત અને શક્તિશાળી હોવું જેાઈએ એટલું હોતું નથી. પરિણામે તે વ્યક્તિને ઈંફેક્શન થવાનું જેાખમ સૌથી વધારે રહે છે. કેટલીક બીમારી હૃદય પર દબાણ વધારે છે.

ઠંડીની ઋતુમાં હૃદયની સ્વસ્થતા માટે કેટલાક ઉપાય અજમાવીને શરીરમાં ગરમાવો રાખવો ખૂબ જરૂરી છે. ગરમ અથવા એકથી વધારે કપડાં પહેરો, જેથી તમારું શરીર ગરમ રહે અને શરીરમાંથી ગરમીને બહાર જતા અટકાવી શકાય. આ જ રીતે તમે તમારા હૃદયને અતિરિક્ત કામ કરવાથી બચાવી શકો છો. જેા તમે ક્યાંક બહાર જવાનું વિચારો છો તો બહારની ઠંડી અને કામકાજ પ્રમાણે યોગ્ય ગરમ કપડાં અચૂક પહેરો. જેા તમે એકથી વધુ કપડાં પહેરો, ત્યારે તમારી એક્ટિવિટી વધે તો તમે ઉપરના વધારાના કપડાં દૂર કરી શકો છો. શરીરને ગરમ રાખવાનું છે, ઓવરહીટ નથી કરવાનું. જેા પરસેવો થાય તો ઉપરના ૧-૨ કપડાં કાઢીને શરીરને ઠંડું કરી શકો છો. ઠંડીની આ ઋતુમાં શારીરિક રીતે સક્રિય રહો. ઘરની બહાર જઈને જ કસરત કરવી જરૂરી નથી. ઉષ્ણતામાન જે વધારે ઠંડું હોય તો સવારે જલદી ઘરની બહાર જઈને એક્સર્સાઈઝ ન કરો. જેા બહાર નીકળી શકાય તેમ હોય તો પણ સ્ટ્રેચિસ અથવા દોડવા જેવી હળવી એક્સર્સાઈઝ કરો. લાઈટ એરોબિક્સ, યોગા, ઈનડોર વર્કઆઉટ્સ, ડાન્સ અથવા મેડિટેશન જેવી પ્રવૃત્તિને તમે ઘર રહીને કરી શકો છો.

નિયમિત કસરત કરો
નિયમિત કસરત કરવાથી શરીર ગરમ રહે છે, તેથી તમને ફિટ રહેવામાં મદદ મળે છે. કસરત કરતી વખતે ટાર્ગેટ હાર્ટ રેટ સુધી પહોંચવાનો પ્રયાસ કરો. હૃદયને સ્વસ્થ રાખવા દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ અને અઠવાડિયામાં ૫ દિવસ એરોબિક એક્સર્સાઈઝ કરવી જરૂરી છે. ઠંડીની ઋતુમાં કંફર્ટ ફૂડ ખાવા મન લલચાય એ સ્વાભાવિક વાત છે, પરંતુ ખાવા બાબતે સંતુલન જાળવવું સૌથી વધારે જરૂરી છે. ઠંડીમાં બનતી વિવિધ પ્રકારની વાનગીનો સ્વાદ જરૂર ચાખવો જેાઈએ, પરંતુ જે શરીરને સ્વસ્થ રાખવું હોય તો ન્યૂટ્રિએન્ટ્સ જરૂરી છે. ફળ અને શાકભાજીમાં જેવા મળતા વિટામિન અને મિનરલ શરીરની રોગપ્રતિકારક પ્રણાલીને મજબૂત બનાવે છે. તળેલા, ફેટી, મીઠું અને હાઈ કોલેસ્ટ્રોલવાળા ભોજનથી દૂર રહો, કારણ કે તેનાથી હૃદયની બીમારીનું જેાખમ વધી શકે છે. ઠંડીમાં હાઈ કોલેસ્ટ્રોલવાળું ભોજન કરાય છે, જેનાથી હૃદયના સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થઈ શકે છે, તેથી સંતુલિત આહાર લેવો જરૂરી છે.

કાળજી લો
ટૂંકો દિવસ અને લાંબી રાતમાં વધારે સમય ઘરે પસાર કરવાથી તમે ઉદાસ અથવા અશાંતિનો અનુભવ કરી શકો છો. સૂર્યનો પૂરતો પ્રકાશ ન મળવાથી ઘણા લોકોને પૂરતું વિટામિન ડી નથી મળતું અને તેનાથી ડિપ્રેશન વધી શકે છે. યોગ અને મેડિટેશન સાથે સક્રિય રહેવું, મિત્રો અને પરિવારના સંપર્કમાં રહેવું એટલું જરૂરી થઈ જાય છે, જેનાથી તમે ફિલ ગુડ અનુભવી શકો છો. તાણ ખૂબ વધવાથી શરીરની રોગપ્રતિકારક પ્રણાલીના કાર્યમાં અડચણ આવી શકે છે. તેમાં ખાસ ઠંડીની મોસમમાં તાણ અંકુશમાં રાખવી ખૂબ જરૂરી છે. સ્ટ્રેસ હોર્મોન બ્લડપ્રેશર વધારીને રોગપ્રતિકારક શક્તિ કમજેાર પાડી શકે છે. બ્લડ શુગર, બ્લડ પ્રેશર, કિડની અને સ્વાસ્થ્યની બીજી સમસ્યા પર પણ નજર રાખો.
આ સ્થિતિ પર ધ્યાન નહીં રાખો તો હૃદયના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ શકે છે. ખૂબ વધારે થકવી નાખનાર કામ ન કરો. જેા તમે પહેલાંથી હાર્ટ સંબંધિત બીમારીના દર્દી છો તો કોઈ પણ વજનદાર અને વધારે શ્રમના કામ ન કરો. કામ કરતી વખતે વચ્ચેવચ્ચે નાનકડો બ્રેક જરૂર લો. અચાનક કોલ્ડ સ્ટ્રોક્સ ટાળવા હૃદયનાં દર્દીએ મહદ્અંશે ઘરમાં રહેવું જેાઈએ. વધારે પ્રમાણમાં દારૂ પીવો, સ્મોકિંગ કે તમાકુના સેવનથી દૂર રહેવું, કારણ કે તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય વધારે બગડી શકે છે.

પૂરતો આરામ જરૂરી
સારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પૂરતો આરામ કરવો ખૂબ જરૂરી છે. હૃદયની બીમારી, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને સ્ટ્રોક જેવી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યા અપૂરતી ઊંઘના લીધે પેદા થાય છે. કોઈ પણ વયસ્ક વ્યક્તિ માટે દરરોજ રાત્રે ૭ થી ૯ કલાકની ઊંઘ જરૂરી છે. તમારું નાઈટ રૂટિન નિયમિત હશે તો તમે સારી ઊંઘ લઈ શકશો. નાઈટ રૂટિનને સેટ કરવા માટે તમારે તમારી લાઈફમાં કેટલાક નાના એડજસ્ટમેન્ટ કરવા પડશે, જેનાથી તમે શાંત, ગાઢ નિદ્રાની આદત પાડી શકશો.

સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો
કાર્ડિયાક સમસ્યાના લક્ષણોને સમજવા ઠંડીની મોસમમાં વધારે મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. ઘણી વાર છાતીમાં ખૂબ વધારે બળતરા, પરેશાની, ખૂબ વધારે પરસેવો થવો, શ્વાસ લેવામાં તકલીફ, જડબા, ખભા તથા હાથમાં લાંબા સમય સુધી દુખાવો રહેવો વગેરે હાર્ટએટેક વોર્નિંગ ઈન્ડિકેટર છે. જેાકે પુરુષ અને મહિલાઓમાં આ લક્ષણ અલગઅલગ હોઈ શકે છે. પુરુષોને ક્યારેક-ક્યારેક બેચેની અથવા ચક્કર આવવાની ફરિયાદ થઈ શકે છે, પરંતુ મહિલાઓમાં અસામાન્ય લક્ષણ પેદા થવાની સમસ્યા ખૂબ વધારે રહે છે, જેથી તેઓ ક્યારેક ચેતવણીને નજરઅંદાજ કરે છે. ઠંડીની મોસમ શરીર અને મન બંને માટે ખૂબ મુશ્કેલભરી બની શકે છે. હવે ઠંડીનાં દિવસોમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ઠંડું ઉષ્ણતામાન હૃદય માટે થોડું મુશ્કેલ જરૂર બની શકે છે, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે ઠંડીની પણ મજા માણી શકો છો. તેથી કોઈ પણ લક્ષણને નજરઅંદાજ ન કરો, પરંતુ તરત ડોક્ટરનો સંપર્ક કરો. કાર્ડિયાક લક્ષણોને સમજવામાં અને તેની સારવારમાં થોડું પણ મોડું, ન માત્ર સમસ્યાને વધારે મુશ્કેલ બનાવશે, પરંતુ તે જીવલેણ બની શકે છે.
– ડો. નિલેશ ગૌતમ.

હનીમાં છુપાયું હેલ્થનું રહસ્ય

વિંટર સીઝન જ્યાં હરવાફરવા માટે સારી મોસમ મનાય છે, બીજી બાજુ આ મોસમમાં હેલ્થનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે બદલાતી મોસમ ન માત્ર તમને શરદીખાંસી અને તાવની ઝપટમાં જકડી શકે છે, પણ કેટલીય વાર તેના લીધે જીવ જેાખમમાં મુકાઈ જાય છે. આ સંજેગોમાં વિંટરમાં હેલ્થનું ધ્યાન રાખવા માટે ખાણીપીણી પર ધ્યાન આપવાની જરૂર છે, જેથી તમારું શરીર અંદર અને બહાર બંને જગ્યાથી ફિટ રહી શકે. તેના માટે જરૂરી છે કે તમે તમારી ખાણીપીણીમાં કે પછી રૂટિનમાં હની સામેલ કરો, કારણ કે તેમાં કેટલાય ગુણ, જે તમને વિંટરમાં અંદરથી વાર્મ રાખવાની સાથે તમારી હેલ્થનું ખાસ ધ્યાન રાખે છે. તો આવો જાણીએ, આ ખાસ કેમ છે :

હની જ કેમ
આ એક નેચરલ સ્વીટ પદાર્થ છે, જે મધમાખી દ્વારા ફૂલોના રસ કે છોડના સ્રાવ દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે તેનું સારી રીતે નિરીક્ષણ કરવામાં?આવે છે તો જેાવા મળે છે કે આ મધ કોઈ પણ બહારના તત્ત્વો જેમ કે મોલ્ડ, ગંદકી, મેલ, મધમાખીના ટુકડા વગેરેથી પૂરી રીતે મુક્ત હોવું જેાઈએ. આ વાતનું નિરીક્ષણમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેનો રંગ લાઈટ ટૂ ડાર્ક બ્રાઉન થાય છે. તેથી વિંટરમાં હની પર ભરોસો કરી શકાય.

હેલ્થ બેનિફિટ કેટલા છે
ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરે : આપણી ઈમ્યૂનિટી સ્ટ્રોંગ હોય છે, તેથી આપણે બીમારી સામે લડવામાં સક્ષમ બની શકીએ છીએ. હની એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોવાથી તેમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા હોય છે, જેથી તે તમને મોસમી બીમારીથી બચાવવાનું કામ કરે છે. તે તમારા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તેથી એક્સપર્ટ પણ રોજ ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે, જેથી ઈમ્યૂનિટી બૂસ્ટ થવાની સાથેસાથે તમારા શરીરને પૂરો દિવસ કામ કરવાની એનર્જી મળી શકે.

નેચરલ પ્રોબાયોટિક : હની નેચરલ પ્રોબાયોટિકનું કામ કરે છે, જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને પોષણ આપવાનું કામ કરે છે, જે તમારા હેલ્ધિ પાચનતંત્ર માટે જરૂરી માનવામાં આવે છે, કારણ કે તે એક લેક્સેટિવ છે, જે પાચનમાં મદદ કરવાની સાથે પ્રતિરક્ષા પ્રણાલીને સુદઢ બનાવે છે. તેનો ઉપયોગ કરવાથી તે આંતરડામાં ફંગસથી પેદા થતા માઈક્રોટોક્સિનની ઝેરી અસર ઘટાડે છે. તો થયું ને નેચરલ પ્રોબાયોટિક.

વજન ઘટાડવામાં મદદરૂપ : તમે પણ હેલ્થ કોન્સિયસ છો અને વજન ઓછું કરી રહ્યા છો કે પછી કરવાનું વિચારી રહ્યા છો તો તમે મોર્નિંગ અને નાઈટ રૂટિનમાં મધ સામેલ કરો, કારણ કે એક તો ન્યૂટ્રિએંટ્સથી ભરપૂર હોવાથી તમારા શરીરની જરૂરિયાત પૂરી કરવાનું કામ કરે છે અને બીજું તેમાં નેચરલ શુગર હોવાથી તે તમારા કેલરી કાઉન્ટને કંટ્રોલમાં રાખે છે. તેથી રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં હનીનું સેવન કરો અને રાતે ઊંઘતી વખતે, જેથી તે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરીને તમારા વજનને ઝડપથી ઘટાડી શકે. રિસર્ચમાં જેાવા મળ્યું છે કે જે લોકોનું મેટાબોલિઝમ સ્લો હોય છે, તેમનું વજન ઝડપથી વધે છે, તેથી તમે વેટ વોચર છો તો તમારા રૂટિનમાં હની સામેલ કરો.

સ્લીપ ક્વોલિટી ઈમ્પ્રૂવ કરો : હની મગજને મેલાટોનિન રિલીઝ કરવામાં મદદ કરે છે. આ તે હોર્મોન્સ છે, જેનો ઉપયોગ તમારું શરીર ઊંઘ દરમિયાન પોતાને રિલીઝ કરવા કરે છે. શું તમે જાણો છો કે જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારું મગજ સક્રિય હોય છે અને તે સમયે તેને ઊર્જાની જરૂર હોય છે. ત્યારે તમારું મગજ સ્લીપ એનર્જી માટે લિવરમાં ગ્લાઈકોઝન ભંડારનો ઉપયોગ કરે છે. એવામાં ઊંઘતા પહેલાં હનીના સેવનથી સુનિશ્ચિત થાય છે કે તમારી પાસે સારી ઊંઘ માટે ગ્લાઈકોઝનનો ભંડાર છે, જે તમને ક્વોલિટી સ્લીપ આપવામાં મદદ કરે છે.

જખમ ઝડપથી ભરાય : હનીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિઓક્સિડેન્ટ્સ પ્રોપર્ટી હોય છે, જે જખમને ઝડપથી ભરવાનું કામ કરે છે. જ્યારે સ્કિન પર કોઈ જખમ થાય છે, ત્યારે બેક્ટેરિયા તેની અંદર જઈને સ્કિનમાં ઈંફેક્શન કરી શકે છે, જ્યારે મધ તે બેક્ટેરિયાને શોધીને મારવાનું કામ કરે છે.

ડેન્ડ્રફ દૂર કરે : હની નેચરલ રીતે ડેન્ડ્રફ દૂર કરવાનું કામ કરે છે, કારણ કે તેમાં એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે, જે ડેન્ડ્રફને કંટ્રોલ કરીને સ્કેલ્પ હેલ્થનું ખાસ ધ્યાન રાખે છે, સાથે તે સ્કેલ્પથી ડેન્ડ્રફ અને ગંદકીને રિમૂવ કરે છે, જે હેર ફોલિકલ્સ જમવાનું કારણ બને છે તે ન માત્ર ડ્રાય હેરને સિલ્કી બનાવે છે, પરંતુ હેરને સોફ્ટ અને સ્મૂધ બનાવવાનું કામ કરે છે.

નેચરલ રીતે ડેન્ડ્રફ દૂર કરવાની શક્તિ
સ્કિન સોફ્ટ બનાવે : તેમાં મોઈશ્ચરાઈઝિંગ અને નરિશિંગ પ્રોપર્ટી હોવાથી તે નેચરલી મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. તેના માટે તમે હનીના કેટલાક ટીપાને સીધા ફેસ પર અપ્લાય કરી શકો છો કે પછી તેના માસ્કને પણ. તે સ્કિન પર મેજિક ઈફેક્ટ આપવાનું કામ કરે છે, તો પછી હનીથી સ્વયંને હેલ્ધિ રાખો.
– પારૂલ ભટનાગર.

હૃદયમાં પણ થાય છે શોર્ટ સર્કિટ

હૃદયમાં જેારથી ધબકારા થવા લાગે તો સમજી જાઓ તમારા હૃદયમાં કરંટનો ઓવરફ્લો થઈ રહ્યો છે એટલે શોર્ટ સર્કિટ. હા, આપણા હૃદયમાં પણ શોર્ટ સર્કિટ થાય છે. અમે હૃદય સંબંધિત એવી બીમારી વિશે જણાવીશું, જેને મેડિકલ ટર્મમાં પીએસવીટી અથવા પેરોસાઈમલ સુપરવેંટ્રિક્યૂલર ટેકીકાર્ડિયો કહેવાય છે. સામાન્ય વ્યક્તિના હૃદયના ધબકારા ૭૨-૧૦૦ પ્રતિ મિનિટ હોય છે, પરંતુ જ્યારે હૃદયમાં શોર્ટ સર્કિટ થાય છે ત્યારે પીડિતના ધબકારા ૧૮૦-૨૫૦ પ્રતિ મિનિટ સુધી પહોંચી જાય છે. જ્યારે હૃદયમાં કરંટ ઓવરફ્લો થાય છે ત્યારે ધબકારા ૩ ગણા વધી જાય છે. તે હૃદયમાં ગરબડ થવાથી થાય છે. આપણા હૃદયમાં ૪ ચેમ્બર હોય છે અને હૃદયમાં કેટલીય નસ હોય છે. તેમાં કેટલીક નસ એવી પણ હોય છે, જેની ઉપર કવરિંગ નથી થતું. જ્યારે આવી ૨ નસ પરસ્પર મળે છે ત્યારે શોર્ટ સર્કિટ થાય છે.

લક્ષણ
ધબકારા વધવા.
શરીર પીળું અને ઠંડું પડવું.
શ્વાસ વધવા અને બેભાન થવું.
અસામાન્ય બ્લડપ્રેશરની સમસ્યા થવી.

સારવાર
ઈલેક્ટ્રો ફિઝિયોલોજિકલ સ્ટડી દ્વારા શોર્ટ સર્કિટવાળા પોઈન્ટ પકડવામાં આવે છે. જેના માટે પગના રસ્તેથી ૩ તાર હૃદય સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી હૃદયની અંદર થયેલ શોર્ટ સર્કિટ શોધી શકાય છે. ખબર પડતા ચોથો તાર હૃદય સુધી પહોંચાડવામાં આવે છે અને હૃદયમાં શોટ સર્કિટવાળી આ નસ પર લગભગ ૩૫૦ કિલોહર્ટ્સના તરંગ છોડીને તેને ફ્યૂઝ કરી દેવામાં આવે છે.

પરંતુ કેટલીય વાર તે નસ જે પરસ્પર મળીને કરંટનો ઓવરફ્લો કરે છે જેા તે હૃદયની દીવાલને બિલકુલ સ્પર્શી રહી હોય છે તો તેને ફ્યૂઝ કરવાનું રિસ્ક હોય છે. આ સ્થિતિમાં દર્દીને પેસમેકર લગાવવાની જરૂર પડી શકે છે. આ સ્થિતિની જાણ ઈલેક્ટ્રો ફિઝિયોલોજી સ્ટડી કરતી વખતે થઈ જાય છે. હૃદયમાં કાણું, માનસિક તાણ, ચા, આલ્કોહોલ અને કોફીનું વધારે સેવન, જંક ફૂડનું વધારે સેવન, ખાંસીશરદી સહિત તમામ રોગની દવા ધબકારાને અનિયમિત કરે છે.

બેદરકારીથી બચો
આ સમસ્યા વારંવાર થઈ રહી છે તો તેનાથી હૃદયની માંસપેશીઓ કમજેાર થાય છે અને હૃદય ફેલાવા લાગે છે, જેથી કરંટ નવા રસ્તે ફ્લો થઈને ધબકારા વધારે છે. આ સંજેાગોમાં જીવ જવાનું જેાખમ રહે છે. હૃદય સંબંધિત આ સમસ્યા મહિલાઓમાં વધારે જેાવા મળે છે.
– ડો. વિવેક ચતુર્વેદી.

હેપી પ્રેગ્નન્સીના સિંપલ સિક્રેટ્સ

મા બનવાનો અહેસાસ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે, પરંતુ ૯ મહિનાની ગર્ભાવસ્થાનો આ સમય મુશ્કેલ અને નાજુક હોય છે. થોડીક બેદરકારીથી પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન આવી શકે છે. બાળકના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. પ્રથમ અને ત્રીજેા મહિનો નાજુક હોય છે. તેથી આ સમયે માએ પોતાનું ખૂબ ધ્યાન રાખવું જેાઈએ. તમારા ડાયટ, લાઈફસ્ટાઈલ, એક્સર્સાઈઝની સાથેસાથે મેન્ટલ હેલ્થને લઈને પણ સંપૂર્ણ સાવચેતી રાખવી જેાઈએ, જેથી તે સ્વસ્થ બાળકને જન્મ આપી શકે.

હેલ્ધિ પ્રેગ્નન્સી માટે ધ્યાન રાખો :
યોગ્ય અને પૌષ્ટિક ખાણીપીણી
ગર્ભાવસ્થાના પૂરા ૯ મહિના ખાણીપીણીમાં બેદરકારી ન રાખો. તમે જે પણ ખાશો તે તમારા બાળકને પણ અસર કરશે. પ્રેગ્નન્સી દરમિયાન નહીં, પરંતુ કંસીવ કરતા પહેલાં અને ડિલિવરી પછી પણ મહિલાઓએ ડાયટનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ. પ્રેગ્નન્સીમાં પૌષ્ટિક આહાર લેવાથી જન્મ સમયે બાળકનું વજન યોગ્ય રહે છે. સંતુલિત આહારથી બાળકનો જન્મજાત વિકારોથી બચાવ થાય છે. ઘણી વાર પ્રેગ્નન્સી પહેલાં મહિનામાં કેટલીક મહિલાઓને ઊલટી, ભૂખ ન લાગવી, થાક જેવી સમસ્યા થાય છે, જેથી તેમને ખાવામાં તકલીફ થાય છે, પણ આ સમયે પોતાના ડાયટમાં ફાઈબરયુક્ત શાક, ફળો, નટ્સ, દૂધ વગેરે જરૂર લો.

પ્રેગ્નન્સીના ૯ મહિનામાં બાળકના શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીનની જરૂર હોય છે જેને બોઈલ ઈંડા, માછલી, બીન્સ જેમ કે રાજમા, લોબિયા, મગ, મેવા, સોયા અને દાળ વગેરેમાંથી પૂરું કરી શકાય છે. ઈંડાં પૌષ્ટિક હોય છે. તેમાં પ્રોટીન, બાયોટિન, કોલેસ્ટ્રોલ, વિટામિન ડી, એન્ટિ ઓક્સિડેન્ટ વગેરે ભરપૂર હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ પોતાના આહારમાં લીલા શાકભાજી જેમ કે પાલક, કોબીજ અને બ્રોકલીને સામેલ કરવી જેાઈએ. તે ઉપરાંત બીન્સ અને સરગવો પણ ખાવા જેાઈએ. તેમાં ફાઈબર, પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, તેની પ્રેગ્નન્ટ મહિલાઓને જરૂર હોય છે.

યોગ્ય અને સંયુક્ત ખાણીપીણી
ફાઈબરયુક્ત વસ્તુનું સેવન કરો. પ્રેગ્નન્સી દરમિયાન કબજિયાતની સમસ્યા વધે છે. તેથી પાચનક્રિયાનું ઠીક હોવું જરૂરી છે. પ્રયત્ન કરો કે તમારા ફૂડ્સમાં વધારેમાં વધારે ફાઈબર લો. તેનાથી કબજિયાત થવાનું જેાખમ નથી રહેતું. તમે જે પણ ખાઓ છો તેમાં ૧/૩ થી થોડો વધારે ભાગ કાર્બોહાઈડ્રેટ્સનો હોવો જેાઈએ. સફેદના બદલે સંપૂર્ણ અનાજની વેરાઈટી પસંદ કરો, જેથી તમને પૂરતું ફાઈબર મળી શકે. રોજ દૂધ અને ડેરી ઉત્પાદનનું સેવન કરો જેમ કે દૂધ, દહીં, ચીઝ, છાશ અને પનીર લો. જેા તમને દૂધ પચતું નથી તો કેલ્શિયમયુક્ત અન્ય વિકલ્પ જેમ કે છોલે, રાજમા, ઓટ્સ, બદામ, સોયા દૂધ, સોયા પનીર વગેરે પસંદ કરી શકો છો.

ધ્યાન રાખો
અઠવાડિયામાં ૨ દિવસ માછલીનું સેવન કરો. માછલીમાં પ્રોટીન, વિટામિન ડી, ખનીજ, ઓમેગા-૩ ફેટી એસિડ વગેરે હોય છે, જે તમારા બાળકના તંત્રિકાતંત્રના વિકાસ માટે જરૂરી હોય છે. જેા તમે શાકાહારી છો તો ડ્રાયફ્રૂટ્સ, બીજ, સોયા ઉત્પાદન અને લીલા શાક લો. તમારે ગર્ભાવસ્થામાં ૨ લોકો માટે ખાવાની જરૂર નથી. ભારતમાં મોટાભાગના ડોક્ટર બીજા અને ત્રીજા મહિનામાં ૩૦૦થી વધારે કેલરીના સેવનની સલાહ આપે છે. પ્રેગ્નન્સી દરમિયાન ચા, કોફીનું વધારે સેવન ન કરો. કોફીમાં રહેલું કેફીન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. સારું છે કે તમે લીંબુવાળી ચા, હર્બલ ટી અથવા કેફીન રહિત ડ્રિંક્સનું સેવન કરો. દિવસ દરમિયાન નાના-નાના બ્રેકમાં હેલ્ધિ સ્નેક્સનું કરો. તેના માટે તમે રોસ્ટેડ બદામ, કાજુ, મખાણા, ચણા વગેરે ખાઓ. પ્રેગ્નન્સી દરમિયાન કેટલીક વસ્તુના સેવનથી દૂર રહો. જેમ કે કાચું અને અધપાકેલું માંસ, કાચું ઈંડું, પપૈયું વગેરે. તમે બોઈલ ઈંડું ખાઈ શકો છો, પણ ધ્યાન રાખો કે પીળો ભાગ સારી રીતે બોઈલ થયો હોય.

આયર્ન
શરીરમાં હીમોગ્લોબિન બનાવવા માટે આયર્નની જરૂર પડે છે. હીમોગ્લોબિન લાલ રક્ત કોશિકામાં જેાવા મળતું પ્રોટીન છે, જે શરીરના વિભિન્ન અંગો તથા કોશિકામાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આયર્નથી ભરપૂર ભોજન ખાઓ. તમારા ભોજનમાં આયર્નથી ભરપૂર ફૂડ્સ જેમ કે દાડમ, બીટ વગેરે સામેલ કરો. ફોલિક એસિડનું સેવન પણ પ્રેગ્નન્સીના દિવસોમાં જરૂરી હોય છે. સીડીસી (સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન) મુજબ ગર્ભાવસ્થાની યોજના બનાવી રહેલી મહિલાઓએ ઓછામાં ઓછા ૧ મહિના પહેલાં અને ગર્ભાવસ્થા દરમિયાન રોજ ૪૦૦ મિલીગ્રામ ફોલિક એસિડનું સેવન કરવું જેાઈએ. ફોલિક એસિડ વિટામિન બીનું એક રૂપ છે, જે બાળકના મગજ અને કરોડરજ્જુ સંબંધિત જન્મદોષથી બચાવ કરે છે. તેને તમે લીલા શાક, દાળ, ફોર્ટિફાઈડ અનાજના સેવનથી મેળવી શકો છો. પ્રેગ્નન્સીના પહેલા ૩ મહિનામાં તમારે ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર છે, કારણ કે તે ભ્રૂણને હેલ્ધિ રાખવામાં મદદ કરે છે.

સ્વયંને હાઈડ્રેટેડ રાખો
સ્વયંને હાઈડ્રેટેડ રાખો. નાળિયેર પાણી, ફળોનો તૈયાર જ્યૂસ અને શેક પણ પી શકો છો, ડાયટમાં તે ફળો સામેલ કરો, જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય. કાકડી, દૂધી, તરબૂચ વગેરે ખાઓ. પૂરા દિવસમાં ઓછામાં ઓછું ૩ થી ૪ લિટર પાણી અને ૧ થી ૨ ગ્લાસ જ્યૂસ પીઓ. આ રીતે શરીરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળે છે. પાણી તમારા યૂરિનરી ટ્રેકના ઈંફેક્શનને અટકાવવામાં મદદ કરે છે, તેનું જેાખમ ગર્ભવતી મહિલામાં વધારે હોય છે.

શારીરિક રીતે એક્ટિવ રહો
રોજ રાતે ડિનર કર્યા પછી ૧૫ થી ૩૦ મિનિટ ટહેલો. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુયોગ્ય રહેશે. તેનાથી ડિલિવરી વખતે વધારે સમસ્યા નથી થતી. અઠવાડિયામાં ઓછામાં ઓછા ૫ દિવસ ૩૦ મિનિટ માટે બ્રિક્સ વોક કરો. તેનાથી શરીરને ગર્ભાવસ્થા અને પ્રસવ દરમિયાન થતા પરિવર્તનનો સામનો કરવામાં મદદ મળે છે. તમે ફિઝિકલી અને ઈમોશનલી ફિટ અનુભવશો. બ્રીધિંગ એક્સર્સાઈઝથી પણ લાભ થશે, પરંતુ ભારે વજનવાળી અને મુશ્કેલ એક્સર્સાઈઝ કરવાથી દૂર રહો.

ટેન્શનથી દૂર રહો
કોઈ વાતને લઈને ટેન્શનમાં ન રહો. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. સ્ટ્રેસના લીધે કંસીવ કરવામાં પણ સમસ્યા ઊભી થાય છે. ત્યાં સુધી કે પ્રીમેચ્યોર લેબર પણ થઈ શકે છે. તેથી પ્રેગ્નન્ટ મહિલાઓને ખુશ રહેવાની સલાહ આપવામાં આવે છે.

આરામ
શરીરને પૂરતો આરામ આપો. આ તેમના શરીરમાં સ્રાવિત થતા ગર્ભાવસ્થા હોર્મોન્સના ઉચ્ચ સ્તરના લીધે થાય છે. પછી આ થાક રાતે વારંવાર પેશાબ માટે ઊઠવા કે પછી વધતા પેટના લીધે આરામથી ન ઊંઘવાના લીધે થઈ શકે છે. પડખું ફેરવીને ઊંઘવાની ટેવ પાડો. ત્રીજા પહોરમાં પડખું ફેરવીને ઊંઘવાથી બાળક સુધી રક્તનો પ્રવાહ સુચારુ રહે છે. પડખું ફેરવીને ઊંઘવાથી મૃત શિશુના જન્મનું જેાખમ પીઠના બળે ઊંઘવાની સરખામણીમાં ઓછું હોય છે. સતત ડોક્ટરના સંપર્કમાં રહો. કોઈ સમસ્યા દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
– ગરિમા પંકજ.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો