અફઘાનિસ્તાનમાં ધાર્મિક અને રાજકીય લડાઈ ચાલુ છે મૂળમાં તેનો ધર્મ ઈસ્લામ છે. કટ્ટરપંથી તાલિબાન શરિયા કાનૂનના સખત તરફદાર રહ્યા છે. તેઓ માણસના પહેરવેશથી લઈને તેના વ્યવહાર સુધ્ધાને પોતાની અનુસાર ચલાવવા ઈચ્છે છે. તે પુરુષને દાઢી રાખવા, ટોપી પહેરવા અને મહિલાઓને બુરખો ઓઢવા માટે કડકાઈપૂર્વક પાલન કરાવનાર છે. તેમાં પણ મહિલાઓ માટે તેમના વિચાર ખૂબ સંકુચિત છે. તાલિબાનો મહિલાઓને એક સેક્સ ટોયથી વધારે કંઈ જ સમજતા નથી. આ જ કારણસર ભણેલીગણેલી, ઓફિસમાં કામ કરતી અને પ્રગતિશીલ અફઘાન મહિલાઓમાં સત્તા બદલવાને લઈને ખૂબ વધારે બેચેની છે. તેઓ જાણે છે કે તાલિબાનો અત્યારે ભલે ને એ જાહેરાત કરી રહ્યા હોય કે તેઓ મહિલાઓના શિક્ષણ અને કામ કરવા પર પ્રતિબંધ નહીં લગાવે, પરંતુ જેવું પૂરું અફઘાનિસ્તાન તેમના કબજામાં આવશે અને તાલિબાનની સત્તા કાયમી થશે, ત્યારે મહિલાઓની સ્થિતિ સૌપ્રથમ દયનીય થવાની છે. તેમને ફરી એક વાર પોતાના કામધંધા અને શિક્ષણ છોડીને ઘરમાં કેદ રહેવું પડશે. પોતાને બુરખામાં લપેટીને શરિયા કાનૂનનું કડકાઈપૂર્વક પાલન કરવું પડશે.

આજે અફઘાનિસ્તાની ગાયક, ફિલ્મકાર, અભિનેતા, ડાન્સર, પ્લેયર કોઈ પણ હોય, બધા અફઘાનિસ્તાનથી ભાગી છૂટવાની તક શોધી રહ્યા છે. તાલિબાનના કબજા પછી મોટી સંખ્યામાં કલાકારોએ અફઘાનિસ્તાન છોડી દીધું છે. તેનું કારણ એ છે કે તાલિબાને તેમને શરિયા કાનૂન અનુસાર પોતાના વ્યવસાયનું મૂલ્યાંકન કરવા અને પછી વ્યવસાયને બદલવાનો આદેશ આપી દીધો. જેા તેની અવગણના થશે તો તેઓ ગોળીના નિશાન બની જશે, કારણ કે તાલિબાન પોતાનું ઉદારવાદી મહોરું લાંબા સમય સુધી નહીં સાચવી શકે. અમેરિકન સેનાના સંપૂર્ણપણે અફઘાનિસ્તાન છોડી દીધા પછી તે પોતાના અસલી રંગમાં આવશે.

હવે માત્ર યાદો
જેા અફઘાની મહિલાઓ ૬૦ ના દાયકામાં પોતાની કિશોરાવસ્થામાં હતી અથવા તો એમ કહીએ કે યુવાનીમાં પ્રવેશી રહી હતી, તે હવે વૃદ્ધ થઈ ગઈ છે, પરંતુ તે સમયગાળાની અફઘાનિસ્તાનની યાદો તેમની આંખોમાં આજે પણ ચમક પેદા કરી દે છે. પહેલા અંગ્રેજ સંસ્કૃતિ અને ત્યાર પછી રશિયન કલ્ચરના પ્રભાવના લીધે ૬૦ ના દાયકામાં અફઘાની મહિલાઓની લાઈફ ખૂબ ગ્લેમરસ રહેતી હતી. જ્યારે આજે તેઓ બુરખા વિના બહાર નથી નીકળી શકતી. આ જ અફઘાનિસ્તાનની જમીન પર ક્યારેક ફેશન શોના આયોજન થતા હતા, મહિલાઓ શોર્ટ સ્કર્ટ, બેલબોટમ, મિડી, લોંગ સ્કર્ટ, શોર્ટ ટોપ જેવા પોશાક પર રંગીન સ્કાર્ફ અને મફલર લપેટીને ફરતી દેખાતી હતી. તેઓ હાઈ હીલના જૂતા પહેરતી હતી. વાળને સ્ટાઈલિશ અંદાજમાં કપાવતી. ખુલ્લેઆમ પુરુષોના હાથમાં હાથ નાખીને શાનથી ફરતી હતી. તેમજ ક્લબ, સ્પોર્ટ્સ, થીયેટર અને પિકનિકનો આનંદ માણતી હતી.
કાબુલના રસ્તા પર અફઘાની મહિલાઓની ફેશનેબલ સ્ટાઈલ હોલીવુડની અભિનેત્રીથી બિલકુલ ઊતરતી નહોતી. તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને ઊંચા હોદ્દા પર કામ કરતી હતી. ૧૯૬૦ થી લઈને ૧૯૮૦ ની વચ્ચેના ફોટો જેાશો તો તમને જેાવા મળશે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ કેટલી બોલ્ડ અને આઝાદ હતી. તેઓ ફેશન સહિત બધા ફિલ્ડમાં અગ્રેસર હતી. તે સમયના કાબુલની તસવીરો એવો આભાસ કરાવે છે કે જાણે તમે લંડન અથવા પેરિસની જૂની તસવીરો જેાઈ રહ્યા ન હોય. ફોટોગ્રાફર મોહમ્મદ કપ્યુમીના ફોટા તે સમયગાળાની પૂરી સ્થિતિ ઉજાગર કરે છે. પછી ભલે ને તે મેડિકલ હોય કે એરોનોટિકલ, અફઘાની મહિલાઓ દરેક ફિલ્ડમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી હતી. ૧૯૫૦ ની આસપાસ અફઘાની છોકરાછોકરીઓ થિયેટર અને યુનિવર્સિટીમાં સાથે ફરતા અને મજા કરતા હતા. તે સમયે મહિલાઓની લાઈફ ખૂબ ખુશીઆનંદભરી હતી.

મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ હતી
તે સમયે અફઘાન સમાજમાં મહિલાઓની મહત્ત્વની ભૂમિકા હતી, તેઓ ઘરની બહારના કામ કરવા અને શિક્ષણના ક્ષેત્રમાં પણ પુરુષ સમોવડી બનીને ચાલતી હતી. ૧૯૭૦ ના દાયકાની મધ્યમાં અફઘાનિસ્તાનની ટેક્નિકલ સંસ્થાઓમાં પણ મહિલાઓની હાજરી સામાન્ય વાત હતી. કાબુલની પોલિટેક્નિક યુનિવર્સિટીમાં અફઘાની છોકરીઓ છોકરાઓ સાથે શિક્ષણ મેળવતી હતી. ૧૯૭૯ થી ૧૯૮૯ સુધી અફઘાનિસ્તાનમાં સોવિયેત હસ્તક્ષેપ દરમિયાન સોવિયેત શિક્ષકો અફઘાન યુનિવર્સિટીમાં ભણાવતા હતા. તે સમયે મહિલાઓને પોતાના મોં ઢાંકવા કોઈ દબાણ નહોતું. તેઓ પોતાના પુરુષ મિત્રો સાથે કાબુલના રસ્તા પર આરામથી ફરતી અને મોજમસ્તી કરતી હતી. પરંતુ ૧૯૯૦ ના દાયકામાં તાલિબાનનો પ્રભાવ વધ્યા પછી મહિલાઓને બુરખો પહેરવાની કડક શબ્દોમાં ચેતવણી આપી દેવામાં આવી અને તેમના જાહેરમાં બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાન હોય કે ભારત, ધર્મે સૌથી વધારે નુકસાન મહિલાઓને કર્યું છે. સૌથી વધારે અત્યાચાર મહિલાઓ પર થયા છે. સૌથી વધારે ગુલામીની બેડીમાં મહિલાઓને જકડવામાં આવી છે. જેા કોઈ પુરુષ ધર્મના હાથે માર્યો જાય તો પણ તેની પીડા મહિલાએ જ ભોગવવી પડે છે. એક પુરુષના મરવા પર ઓછામાં ઓછી ૪ મહિલાઓ તકલીફમાંથી પસાર થાય છે અને જીવનભર તે તકલીફો વેઠતી હોય છે. આ મહિલાઓ છે મૃતક પુરુષની મા, બહેન, પત્ની અને દીકરી. ધર્મની બેડીઓને તોડી નાખવાનો નિર્ણય જેાકે મહિલાએ જ લેવો પડશે, પરંતુ આ હિંમત તેમનામાં ક્યારે આવશે તે કહેવું અત્યારે તો મુશ્કેલ છે.

ધર્મ એક બહાનું છે
અત્યારે અફઘાનિસ્તાનમાં ઈસ્લામ મજબૂત થઈ રહ્યો છે અને ભારતમાં હિંદુત્વ. બંને વચ્ચે વધારે ફરક નથી. તેઓ ઈસ્લામના નામે અત્યાચાર અને હત્યા કરે છે જ્યારે અહીં ભારતમાં હિંદુત્વના નામે ધર્મના ઠેકેદારો સત્તાધારીઓને પોતાની મનમરજીથી ચલાવે છે અને તેમની પાસે અપરાધ પણ કરાવે છે. પછી ભલે ને તે અફઘાનિસ્તાનમાં હોય કે હિંદુસ્તાનમાં સત્તાની જીભથી મહિલાઓને અપમાનિત કરવામાં આવે છે. ગત દાયકામાં જ્યારથી ભારતમાં હિંદુત્વનો અવાજ બુલંદ થવાનો શરૂ થયો છે ત્યારથી સત્તાના ટોચ પર બેઠેલા લોકો મહિલાઓના માનસન્માનને નીચું પાડવાના પ્રયાસ કરવા લાગ્યા છે. મહિલાઓનું અપમાન કરીને તેઓ સ્વયંને શક્તિશાળી દર્શાવવાની કોશિશ કરી રહ્યા છે. ભારતીય રાજનીતિમાં કોંગ્રેસની વિધવા, બાર વાળા, ઈટાલિયન ડાન્સર, ભૂરી કાકી, વેશ્યા, ચુડેલ, કુતિયા, દીદી ઓ દીદી, તાડકા જેવા સ્વર્ણિમ શબ્દોથી મહિલાઓનું સન્માન કરવાનું કામ હિંદુ હૃદય સમ્રાટ મોટાભાગે કરતા રહે છે. તેનું વિરાટ ઉદ્ઘાટન ‘પચાસ કરોડ કી ગર્લફ્રેન્ડ’ ના જુમલા સાથે થયું હતું. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખેથી કોંગ્રેસ નેતા શશિ થરૂરના મૃતક પત્ની સુનંદા પુષ્કર માટે ૨૯ ઓક્ટોબર, ૨૦૧૨ માં બોલાયું હતું.

આટલી મૂર્ખામી કેમ
પ્રિયંકા ગાંધી જ્યારે ચૂંટણી પ્રચારમાં ઊતરે છે ત્યારે તેમના કપડાથી લઈને તેમના દેખાવ સુધ્ધા પર રાજનેતા દ્વારા ટિપ્પણી કરવામાં આવે છે. પ્રિયંકાને લઈને એવું કહેવામાં આવ્યું કે ખૂબસૂરત મહિલા રાજકારણમાં શું કરશે. શરદ યાદવે વસુંધરા રાજે પર કરેલી કોમેન્ટ પણ તમને યાદ હશે. જ્યારે તેમણે તેમની સ્થૂળતા પર અશોભનીય ટિપ્પણી કરી હતી કે વસુંધરા રાજે હવે સ્થૂળ થઈ ગયા છે, તેથી તેમને આરામની જરૂર છે. મહિલાઓના સંદર્ભમાં અશોભનીય વાત કરનારને ધર્મની ધમકી નથી મળતી. ધર્મના ઠેકેદારો વિપરીત આવી વાત પર હસતા હોય છે અને સત્તામાં બેઠેલા આવા લોકો પ્રોત્સાહિત કરતા હોય છે. જેાકે આશ્ચર્યએ છે કે સત્તાની તાકાત મેળવનાર મહિલાઓમાં પણ આવી અનૈતિક વાત કરનારનો વિરોધ કરવાની અથવા તેમને ફટકાર લગાવવાની હિંમત નથી થતી.
– નસીમ અંસારી કોચર.

વધુ વાંચવા કિલક કરો....