કિચનથી કેબિનેટ સુધી અને ઘરની ચાર દીવાલથી રમતના મેદાન સુધી, ચુપચાપ ઘરમાં ગૂંથણકામ કે સિલાઈ કરતી, પાપડવડી વણવાથી બોર્ડરૂમ સુધી એક લાંબી યાત્રા કરનાર અડધી આબાદીએ સિદ્ધ કરી બતાવ્યું છે કે તેઓ ઘરની સાથેસાથે બહારના કામ પણ એટલી જ ઉત્તમ રીતે સંભાળી શકે છે. વ્રત-ઉપવાસ, કર્મકાંડ અને તેમના પગમાં બેડીઓ પહેરાવવા માટે ધર્મના માધ્યમથી ફેલાવવામાં આવતી અંધશ્રદ્ધાની પકડમાંથી તે બહાર નીકળી શકે છે, તે વાત પણ તેમણે સાબિત કરી દીધી છે. એક વાત સાચી છે કે કોઈ પણ મોટા બદલાવ માટે જરૂરી છે સમાજની માનસિકતાને બદલવાની. જેાકે આજે પણ પુરુષ સમાજની માનસિકતામાં ૫૦ ટકા બદલાવ આવ્યો હોય તેવું લાગતું નથી, પરંતુ મહિલાઓએ હવે નક્કી કરી લીધું છે કે તેઓ અટકશે નહીં અને તમામ અવરોધ હોવા છતાં ચાલતી રહેશે. પછી ભલે ને તેઓ શહેરી મહિલા હોય કે કોઈ પછાત ગામડાની જે આજે ગામની સરપંચ બનવાની તાકાત ધરાવે છે અને ખાપ વ્યવસ્થાને પણ આજે પડકારતી થઈ ગઈ છે.

ભૂતકાળમાં એક કાર્યક્રમમાં અભિનેત્રી મુનમુન સેને કહ્યું હતું કે મહિલાઓ ગમે તે રસ્તે કેમ ન હોય, કોઈ પણ જાતિ અથવા વર્ગની હોય, તે એક જ હોય છે. તેમના કેટલાક મુદ્દા એક સમાન હોય છે. તેમનામાં પરસ્પર આત્મીયતા હોય છે. આજે તેઓ હળીમળીને પોતાની સમસ્યાને ઉકેલવામાં અને પોતાની ઓળખની સ્વીકૃતિ પર મહોર લગાવવાના પ્રયત્નો કરી રહી છે, પછી ભલે ને તેના આ કામમાં કોઈ પુરુષ સાથ આપે કે ન આપે, તે પૂરેપૂરી સક્ષમ થઈ ગઈ છે.

સતત સંઘર્ષ કરી રહી છે
સમાજની વિડંબણા છે ઘર હોય કે ઓફિસ, રાજનીતિ હોય કે દેશ, જ્યાં મહિલાઓને સશક્ત બનાવવાની કે તેમને મજબૂત બનાવવાની ચર્ચા થતી હોય છે, ત્યારે મહદ્અંશે માત્ર વાતો જ થતી હોય છે, કોઈ મજબૂત પ્રયત્નો કરવામાં નથી આવતા હોતા, પરંતુ મહિલાઓ પોતાના સ્તર પર પ્રયાસ કરી રહી છે અને તેમાં સફળ પણ થાય છે.
જે દેશની સંસદમાં મહિલાઓ હજી સુધી ૩૩ ટકા અનામત માટે સંઘર્ષ કરી રહી છે, તે જ દેશના બીજા ખૂણામાં એવી મહિલાઓ પણ છે, જેા પોતે સંઘર્ષ કરીને નાનીમોટી રાજકીય સફળતા સુધી પહોંચી રહી છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પત્ની અને અમેરિકાના ફર્સ્ટ લેડી હોવા ઉપરાંત વિશ્વભરમાં મિશેલે પોતાની એક અલગ ઓળખ બનાવી. પ્રિસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો. સિડલે અને આસ્ટિસન માટે કામ કર્યા પછી મિશેલે એક પબ્લિકએલાઈઝ શિકાગો ‘અમેરિકનકોર્પ નેશનલ સર્વિસ પ્રોગ્રામ’ ની સ્થાપના કરી હતી. તેમનું બાળપણ પણ મુશ્કેલીથી ભરેલું રહ્યું હતું, પરંતુ મિશેલે ખૂબ પહેલાંથી એ વાત સમજી લીધી હતી કે પોતાને મુશ્કેલીઓની વચ્ચેથી રસ્તો બનાવીને વિજય પ્રાપ્ત કરવાનો છે. મિશેલે પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો, તેથી તેમણે વર્ષ ૨૦૧૫ માં ‘લેટ ગર્લ્સ લર્ન’ ઈનીશિએટિવની શરૂઆત કરી, જેના દ્વારા તેમણે અમેરિકન લોકોને ઉચ્ચ શિક્ષણમાં જવા પ્રોત્સાહિત કર્યા.

મુકામ પ્રાપ્ત કરી લીધો છે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવતા જ મહિલાઓની પ્રગતિ, તેમની સમસ્યા, તેમની સાથે થતી હિંસા, અત્યાચાર, તેમની અસુરક્ષા સંબંધિત પ્રશ્નો એટલે કે કુલ મળીને તેમની સાથે જેાડાયેલા દરેક પ્રકારના પ્રશ્નોના વિવેચન અને અવલોકનનો પ્રારંભ થઈ જાય છે, તો ક્યાંક નારીવાદી સંગઠનો ફેમિનિઝમની આગને વધારે હવા આપવા માટે સૂત્રોચ્ચાર પર ઊતરી આવતા હોય છે. ઈન્ટરનેશનલ વુમન્સ ડેની શરૂઆત આમ તો મહિલાઓના કામ કરવાના અધિકાર અને તેમને સમાજમાં સુરક્ષા પ્રદાન કરવાના લક્ષ્ય સાથે કરવામાં આવી હતી, પરંતુ આજે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી દીધું છે અને તેઓ સફળતાના ઝંડા દરેક ક્ષેત્રમાં લહેરાવી રહ્યો છે.
આજે આઈટી, બીપીઓ અથવા મોટીમોટી કંપનીમાં પણ મહિલાઓની ઉપસ્થિતિ જેાઈ શકાય છે. તે મેનેજર, બેંકર, સીઈઓ, ફાઉન્ડર છે અને પ્રેસિડેન્ટ પણ છે. આજે બિઝનેસના કાર્યક્ષેત્રમાં જેન્ડરને લઈને કરવામાં આવતા ભેદભાવનું કોઈ મહત્ત્વ નથી રહ્યું. આમ પણ જેા આર્થિક અર્થવ્યવસ્થાને સુદઢ કરવી હોય તો દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવી પડશે. વાસ્તવમાં જેાવા જઈએ તો હવે આ વાતનો ઈન્કાર કરવાની સ્થિતિ છે પણ નહીં. ચારેય બાજુથી મહિલાઓ મજબૂતાઈથી મેદાનમાં આવી ગઈ છે. પછી તે મમતા બેનર્જી કે સોનિયા ગાંધીની પેઢીની હોય કે પછી મલાલા કે ગ્રેટા જેવી નાની ઉંમરની યુવતી હોય, પરિવર્તનની આંધી ચારેય બાજુ ચાલી રહી છે.

દરેક જગ્યાએ હાજરી નોંધાવી ચૂકી છે
અત્યંત પ્રભાવશાળી ભાષણથી સંયુક્ત રાષ્ટ્રને સ્તબ્ધ કરી દેનાર ગ્રેટા થનબર્ગ ખેડૂત આંદોલન દરમિયાન ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાના વિવાદોમાં જરૂર ઘેરાઈ હતી, પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં જળવાયુ પરિવર્તન મુદ્દે પોતાની વાતથી વિશ્વભરના નેતાઓનું ધ્યાન આકર્ષિત કરનાર ૧૬ વર્ષના સ્વીડિશ વિદ્યાર્થિની ગ્રેટા થનબર્ગને ટાઈમ મેગેઝિને વર્ષ ૨૦૧૯ માં ‘પર્સન ઓફ ધ યર’ જાહેર કરી હતી.

મલાલા નોબેલ પુરસ્કાર જીતનાર વિશ્વની સૌથી નાની ઉંમરની પ્રથમ યુવતી છે. પાકિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓએ તેની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, કારણ કે મલાલા છોકરીઓને ભણાવવાનું કામ કરી રહી હતી, જ્યારે તાલિબાનોએ મહિલા શિક્ષણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેાકે આજે મલાલા કરોડો છોકરીઓ માટે પ્રેરણારૂપ બની ગઈ છે. તેના સન્માનમાં સંયુક્ત રાષ્ટ્રે દર વર્ષે ૧૨ જુલાઈને મલાલા દિવસ રૂપે ઊજવવાની જાહેરાત કરી છે. જર્મનીના ચાન્સેલર ચાન્જેલા મર્કેલ વિશ્વના ત્રીજા સૌપ્રથમ વ્યક્તિ છે. તેમને વિશ્વના સૌથી શક્તિશાળી મહિલા પણ કહેવામાં આવે છે. આ કડીમાં કમલા હેરિસે તો ઈતિહાસ રચી નાખ્યો છે. તેઓ અમેરિકાના પ્રથમ અશ્વેત અને પ્રથમ એશિયન મૂળના અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે.

અંધશ્રદ્ધાની બેડી તોડી રહી છે
દરેક ક્ષેત્રમાં એવી મહિલાઓના નામની યાદી લાંબી છે કે તેમની ઉપસ્થિતિને સેલ્યૂટ કર્યા વિના રહી શકાય તેમ નથી. તેમાં પણ ખાસ ભારતીય સમાજમાં જ્યાં તેમની પાસેથી માત્ર ઘર સંભાળવાની અને ધાર્મિક કર્મકાંડમાં અટવાયેલા રહેવાની આશા રાખવામાં આવે છે. દાયકાથી તેઓ ક્યારેક પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી રહે છે, ક્યારેક બાળકોની સલામતી માટે પૂજા કરતી રહી છે તો ક્યારેક ઘરની સુખશાંતિ માટે હવન અને ભજન કરી રહી છે. તેમની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તે જેા ઘરની બહાર જઈને પોતાની એક અલગ ઓળખ બનાવવા વિશે વિચારે તો પણ તેમને પાપ લાગી જવાનું છે, પરંતુ તેમણે આ બધી ખોટી માન્યતા તોડી નાખી છે, તેની અવગણના કરી છે અને પોતાનું એક અલગ મજબૂત અસ્તિત્વ ઘડ્યું છે. આ બધી અડચણો છતાં પણ તેમણે પોતાના ઘરપરિવારને સુંદર રીતે સંભાળ્યા છે. નિષ્ફળતાના ડરમાંથી પોતાને બહાર કાઢી છે અને જે થોડો ઘણો ડર હજી પણ ધાર્મિક કુરિવાજના લીધે તેમના મનમાં છે તેને પણ હવે ત સાપની કાંચળીની જેમ ઉતારી ફેંકવા તત્પર થઈ છે.

સપોર્ટ સિસ્ટમ ઊભી કરવી પડશે
સમાજશાસ્ત્રીઓનું માનવું છે કે મહિલાઓએ સૌપ્રથમ પોતાની નિષ્ફળતાને લઈને પરેશાન થવાનું છોડી દેવું જેાઈએ. તેમણે પરિવાર અને કરિયર વચ્ચે એક બેલેન્સ જાળવી રાખવું પડશે, કારણ કે સમાજમાં આ પ્રકારની માનસિકતા પ્રવર્તે છે, પરંતુ આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તેમણે એક સપોર્ટ સિસ્ટમ ઊભી કરવી પડશે. તેમણે અડધા રસ્તે પોતાના પ્રયાસો છોડી દેવા ન જેાઈએ. કેટલીક મહિલાઓ જ્યારે ડિલિવરી પછી ફરીથી પોતાના કામ પર આવે છે ત્યારે તેમને લાગે છે કે આટલા દિવસોમાં જે એડવાન્સમેન્ટ થઈ ગયું છે, તે ક્યાંક તેમને પાછળ ધકેલી ન દે. આમ પણ એડવાન્સ રહેવું પ્રગતિની પહેલી શરત હોય છે, તેથી ઘણા બધા પ્રકારની અડચણો પછી પણ તે પુન:કોચિંગ લે તો તેમને મદદ મળશે. કોઈ સલાહકારની મદદ લઈ શકાય છે, જેમ કે ઈન્ફોસિસ જેવી કંપની પોતાના કર્મચારીઓને કોઈ બહારના ગાઈડની મદદ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. જેનાથી તેમની માનસિક ક્ષિતિજનો વિસ્તાર થઈ શકે. કાર્યક્ષેત્રમાં તેમના માટે એક સપોર્ટ સિસ્ટમની જરૂર છે.
– સુમન વાજપેયી.

વધુ વાંચવા કિલક કરો....