વાર્તા • એસ. ભાગ્યમ શર્મા

રવિવારનો દિવસ હતો. શ્વેતા પોતાના પગના નખને શેપ આપી રહી હતી, એટલામાં રૂમનો દરવાજેા ખખડાવવાનો અવાજ સંભળાયો.
‘‘હેલો, શું તમારું નામ શ્વેતા છે?’’
‘‘હા, પણ તમે કોણ, મેં તમને ઓળખ્યા નહીં?’’
‘‘મારું નામ ગિરિજા છે. હું રૂપરાજની પત્ની છું. હવે હું કોણ છું તે સમજમાં આવી ગયું હશે?’’
આ સમયે શ્વેતા કોઈ જવાબ ન આપી શકી, પણ તેને આઘાત લાગ્યો હતો.
‘‘અહીં બેસીને આરામથી વાત નહીં થઈ શકે. ચાલો નજીકની હોટલમાં જઈને નાસ્તો કરતાંકરતાં વાતો કરીએ.’’ ગિરિજાએ કહ્યું.
ગિરિજાના અવાજમાં જે ગંભીરતા હતી તે જેાઈને શ્વેતા પણ તેની વાત સાથે સંમત થઈ ગઈ. જેાકે તેના મનમાં હજારો પ્રશ્નો ઊઠી રહ્યા હતા.
શ્વેતા જ્યાં કામ કરતી હતી, ત્યાં રૂપરાજ એક મોટો અધિકારી હતો. લગભગ ૩ હજાર પુરુષમહિલા અહીં સાથે કામ કરતા હતા. તેથી એકબીજાને મળવુંહળવું સ્વાભાવિક હતું. એક જ કંપનીમાં કામ કરતા હોવાથી ઘણી વાર રૂપરાજ સાથે તેની વાતચીત થઈ હતી. એક દિવસ લિફ્ટમાં સાથે આવવાની બંનેને તક પણ મળી.
તે સમયે મોબાઈલ નંબરની આપલે પણ થઈ. રૂપરાજનો ફોન આવતા વાત કરવા હું ના ન પાડી શકી. પછી મને પણ તેની સાથે વાત કરવાનું ગમવા લાગ્યું અને તેને મળવાની ઈચ્છા થવા લાગી. પછી અમારો પ્રેમ શરૂ થયો. શ્વેતાને લાગ્યું કે હવે પોતાના પ્રેમ લગ્નમાં પરિણમવો જેાઈએ.
‘‘હું પરિણીત છું…’’ રૂપરાજે થોડા ખચકાટ સાથે કહ્યું.
‘‘મારી પત્ની એક રાક્ષસણી છે. સ્થૂળ અને કદરૂપી જ નહીં નિ:સંતાન પણ છે. હંમેશાં ગુસ્સો કરતી રહે છે. સામાન ઉઠાવીને ફેંકતી રહે છે. પ્રેમથી ક્યારેય એક શબ્દ પણ બોલતી નથી. મને ઘરે જવાની ઈચ્છા થતી નથી…’’ કહેતા બંને હાથ ટેબલ પર મૂકીને રડવા લાગ્યો, ‘‘જેાતા જ તું મને ગમી ગઈ હતી. હું બધું ભૂલી ગયો હતો કે હું એક પરિણીત પુરુષ છું. મને લાગ્યું હતું કે જેા તને આ વાતની જાણ થશે તો પછી તું મારી સાથે સંબંધ નહીં રાખે. તેથી મેં હકીકત તારાથી છુપાવી હતી. હવે મને છોડીને ન જતી શ્વેતા…’’
આ વાત સાંભળ્યા પછી શ્વેતાને રૂપરાજ પ્રત્યે જે પ્રેમ હતો તે ખૂબ વધી ગયો. આટલા પ્રેમથી રહેતા પતિને પ્રેમ ન કરનારી પત્ની પર ગુસ્સો આવી ગયો.
‘‘તું ચિંતા ન કર. હું તેને ડિવોર્સ આપી દઈશ અને ત્યાર પછી આપણે લગ્ન કરી લઈશું… પરંતુ ત્યાં સુધીમાં હું તને જેાયા વિના રહી શકું તેમ નથી… હોસ્ટેલમાં આવવું શક્ય નથી.’’
‘‘હવે એક નવું ઘર લઈ લઉં છું. તું ત્યાં જ રહે. મારા જલદી ડિવોર્સ થઈ જશે.’’ પછી શ્વેતાને પણ વિશ્વાસ થઈ ગયો હતો. જેાકે તેની પત્ની આ રીતે આવીને ઊભી થશે, તેણે વિચાર્યું જ નહોતું.

હોટલમાં આવીને શ્વેતા અને ગિરિજા એક અલગ કેબિનમાં બેઠા. ઓર્ડર આપીને ગિરિજાએ મૌન તોડ્યું, ‘‘શું વાત છે શ્વેતા, તું કંઈ જ બોલતી નથી… હું શું કહીશ તેનો તને ડર લાગે છે કે શું?’’
‘‘હું… અહીં હોસ્ટેલમાં રહું છું તેની તમને કેવી રીતે જાણ થઈ?’’
ગિરિજા ખડખડાટ હસી, ‘‘પોતાનો પુરુષ અન્ય મહિલા પાસે જઈ રહ્યો છે શું તેને એક પત્ની સમજી નથી શકતી? પતિને જ્યારે પૂછ્યું ત્યારે તેમણે બરાબર જવાબ નહોતો આપ્યો… ત્યારે મેં એક ડિટેક્ટિવ એજન્સીની મદદ લીધી અને તેમણે મને તેની દરેક વાત સાચી જણાવી દીધી.
‘‘નાની ઉંમરમાં તારા માતાપિતાનું મૃત્યુ થયું હતું અને તારું કોઈ નજીકનું સંબંધી પણ નથી. ઓફિસમાં તું કોઈની સાથે વધારે વાતચીત નથી કરતી.’’
‘‘તું માત્ર શુક્રવારે જ સાડી પહેરે છે અને બાકીના દિવસોમાં ચૂડીદાર અથવા કોઈ વેસ્ટર્ન ડ્રેસ પહેરે છે. ગત સમયે જ્યારે તું રૂપરાજ સાથે બહાર ગઈ હતી ત્યારે તેણે તને એક પિંક કલરની સિલ્કની સાડી અપાવી હતી. તે પણ હું જાણું છું.’’
શ્વેતાએ અપરાધિક ભાવથી પોતાનું માથું ઝુકાવી દીધું.
‘‘ચાલ રાખી લે.’’ એમ કહીને એક ચોકલેટ આપનાર પણ તારું કોઈ નથી. પછી એક ગંભીર માણસના જીવનમાં આવતા જ તું લપસી પડી. હું દેખાવે સુંદર નથી, થોડી સ્થૂળ છું એટલે કે અમારા મેળ વિનાના લગ્ન થયા હતા.

‘‘મારી બહેને એક છોકરાને પ્રેમ કર્યો હતો, તે કોણ છે, કેવો છે તેની મારા પપ્પાએ તપાસ નહોતી કરી. માત્ર તે છોકરા સાથે વાત કરીને તેમણે દીદીના લગ્ન કરાવી દીધા. જેાકે મારા પપ્પાએ છોકરા વિશે તપાસ કરવી જેાઈતી હતી. જેા છોકરો યોગ્ય હોય તો જ લગ્ન કરાવવા હતા, પરંતુ એવું થયું નહોતું.
‘‘તે છોકરો સારો ન હોવાથી મારી દીદીએ આત્મહત્યા કરી લીધી. પછી હું પણ ક્યાંક પ્રેમમાં ન પડી જઉં એમ વિચારીને તે ડરી ગયા અને ઓફિસમાં કામ કરતા રૂપરાજ સાથે ખૂબ ઉતાવળે મારા લગ્ન કરાવી દીધા.
‘‘પરંતુ રૂપરાજની નજર તો મારા પપ્પાના પૈસા પર હતી અને તે કંઈ સમજે તે પહેલાં તેમનું મૃત્યુ થયું. અમારે બાળકો નથી તે એક બહાનું છે. જેમને બાળકો નથી હોતા, શું તે ખુશીથી રહી નથી શકતા? દિલમાં પ્રેમ હોય તો એ શક્ય હોય છે…’’ ગિરિજા રડમશ થઈ ગઈ અને આંખમાં આંસુ આવી ગયા.
આ સમયે શ્વેતાને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો.
‘‘સમસ્યા જણાવીને સાંત્વના મેળવવા હું અહીં નથી આવી. મારા પતિને તું છોડી દે એમ પણ હું તને ન કહું. જ્યારે તેણે મારા શરીરનું બહાનું બનાવીને અન્ય મહિલાને શોધી લીધી છે તો પછી મારા દાંપત્યજીવનનો હવે કોઈ અર્થ નથી રહ્યો. આ વાત પણ મને સમજઈ ગઈ છે.’’
‘મને સમજવવા માટે મા હોત તો મારાથી આ ભૂલ ન થઈ હોત…’ શ્વેતા વિચારવા લાગી.

‘‘તું કેવી છોકરી છે શ્વેતા… તારી સાથે કામ કરતો કોઈ છોકરો એમ કહે કે હું તને પ્રેમ કરું છું તો શું તેના એવું કહેતા જ તારે હોશ ગુમાવી દેવા જેાઈએ? તારા પૂછ્યા પછી જેા તે એમ કહે કે તે પરિણીત છે, તેની પત્ની સુંદર નથી તો શું તારે તેના પર વિશ્વાસ કરવો જેાઈએ? તારે તેના વિશે પૂછપરછ કરીને હકીકતની જાણકારી મેળવવી જેાઈએ ને?’’
‘‘મને એક ફોન તો કરી શકતી હતી ને… તું એકલી છે અને નોકરી કરી રહી છે, તો પછી આ સેકન્ડ હેન્ડ હસબંડ સાથે કેમ રહેવા ઈચ્છે છે?’’
‘‘શું તને કાયદાની જાણકારી નથી… તે જેા ડિવોર્સ માંગશે તો હું તેને આપી દઈશ એવું તેં કેમ વિચારી લીધું? હજી રૂપરાજે ડિવોર્સની અરજી પણ દાખલ નથી કરી. વળી, જે અરજી કરી દે તો પણ ડિવોર્સ મળવામાં ૨ વર્ષ થશે.’’
‘‘જેા હું ડિવોર્સનો વિરોધ કરું તો હજી વધારે સમય પણ લાગી શકે છે અને ત્યાં સુધીમાં રૂપરાજ તારી સાથે લગ્ન પણ ન કરી શકે.’’
આ સમયે ગિરિજાની ગંભીર અને સાચી વાતનો શ્વેતા પાસે કોઈ જવાબ નહોતો.
‘‘હવે મારે શું કરવું જેાઈએ, તે મારી સમજમાં નથી આવી રહ્યું… તમે જ કહો ને.’’ શ્વેતાએ કહ્યું.
‘‘અમારા ઘરમાં પ્રેમના લીધે અગાઉ આત્મહત્યા થઈ ગઈ છે અને એવી ઘટના અહીં નહીં બને તે વાતને ધ્યાનમાં રાખીને હું અહીં આવી છું. હોસ્ટેલમાં જા અને શાંતિથી વિચાર. તને રૂપરાજ પ્રત્યે કેટલો પ્રેમ છે અને રૂપરાજને તારા માટે, સાથે તપાસી લે કે પ્રેમ કેટલો સાચો છે?’’
‘‘અમારા ડિવોર્સ થશે પછી રૂપિયા, મકાન એટલે કે બધું જ મારી પાસે આવશે. એક બૂમ પાડતા જ માણસ હાજર, ખૂબ મોટો બંગલો અને પૂરો સમય ડ્રાઈવર સાથેની ગાડી ઊભી હોય છે. શું આ બધી સગવડ છોડવા માટે રૂપરાજ તૈયાર થશે? તે પણ જાણી લે.’’
‘‘જેા આ તમામ સુખસગવડ છોડીને તે તારી સાથે આવવા તૈયાર છે તો તે સાચો પ્રેમ છે. પછી તું તેની સાથે લગ્ન કરી લે અને ખુશ રહે, પરંતુ પહેલા તેને ચકાસી લે અને હકીકત જાણી લે. જેા કોઈ માણસ દગો સહન કરતો હોય ત્યારે તેને દગો આપનાર પણ સામે એક માણસ જ હોય છે.
‘‘રૂપરાજની વાત પર વિશ્વાસ કરીને તરત હોસ્ટેલ ખાલી કરીને એક નવું મકાન લઈને જતી ન રહેતી. મારું માનવું છે કે હું જે પણ કહી રહી છું તેને તું સમજતી હોઈશ. ઉતાવળ કરવાની કોઈ જ જરૂર નથી. તારે કોઈ મદદની જરૂર હોય તો મને ફોન કરજે.’’ કહીને ગિરિજા બિલ ચૂકવીને બહાર નીકળી ગઈ.
રૂપરાજે ગિરિજા વિશે જે કંઈ જણાવ્યું હતું તેમાં અને આ ગિરિજા વચ્ચે કેટલો ફરક છે… આ બધું જેાયા વિના હું રૂપરાજના પ્રેમમાં કેવી રીતે ફસાઈ ગઈ… આ મારી ભૂલ છે. આ બધું તેણે જરૂર અનુભવ્યું.

પછી પોતાને કંઈ જ ખબર નથી એવો ડોળ કરીને શ્વેતાએ રૂપરાજ સાથે વાત કરી. ડિવોર્સ વિશે પ્રશ્ન પૂછતા તેણે ખૂબ ઉદ્ધતાઈથી જવાબ આપ્યો. તેને શ્વતાને અલગ મકાન રાખવામાં રસ હતો એટલે કે શ્વેતા સાથે છુપાઈને જિંદગી જીવવાની જે જાળ તેણે બિછાવી હતી તે હવે શ્વેતાની સમજમાં આવી ગઈ, ત્યારે તેને તેના પર ખૂબ ગુસ્સો આવી ગયો.
‘‘અરે તું તો સંતો જેવી વાત કરે છે. મારી સાથે કેટલા દિવસથી હરેફરે છે, કેટલા દિવસ હોટલમાં આવી છે, આ બધું જેા હું સોશિયલ પ્લેટફોર્મ પર મૂકી દઈશ તો પછી તારી સાથે લગ્ન કોણ કરશે. હું જે કહું છું તે જ કર, નહીં તો હું શું કરીશ તે હું જ નથી જાણતો.’’
શ્વેતા ડરી ગઈ. પછી તેણે ગિરિજાની મદદ માંગી.
ગિરિજાએ સમજવ્યું, ‘‘તે તને ધમકાવે છે તો તું કેમ ડરે છે… જે કૂતરા ભસતા હોય છે તે કરડતા નથી હોતા. તારા ફોટા અપલોડ કરતા શું તેના ફોટા નહીં આવે? બીજી વાત એ કે તેણે કહ્યું છે કે તે ગમે તે કરી શકે છે તો તેને જણાવી દે કે તું આ વાતની પોલીસમાં ફરિયાદ કરી દઈશ. આમ પણ જ્યાં વિનમ્ર થવું જરૂરી હોય ત્યાં થવું પણ જેાઈએ, પરંતુ જેા કોઈ ધમકી આપે તો પછી તેનો હિંમતથી સામનો કરવો જેાઈએ.
લપસીને ખાડામાં પડવા જતી શ્વેતાનો હાથ પકડીને ગિરિજાએ બહાર ખેંચી લીધી અને તેને સાચો માર્ગ બતાવી દીધો હતો. તેમ છતાં શ્વેતા ઓફિસના લોકોની નજરને અને રૂપરાજની ધમકીને સહન કરી શકતી નહોતી.
આ સમયે ગિરિજાએ તેને કહ્યું, ‘‘તને સારું લાગતું ન હોય તો નોકરી છોડી દે શ્વેતા.’’
‘‘નોકરી છોડી દઉં, પણ કેવી રીતે?’’‘
‘‘શ્વેતા, તને ડ્રેસ ડિઝાઈનિંગનું કામ સારી રીતે આવડે છે… હવે એ ન પૂછ કે મને કેવી રીતે તેની ખબર પડી… મેં ડિટેક્ટિવ એજન્સી પાસેથી જાણી લીધું છે.’’
ગિરિજાએ આગળ જણાવ્યું, ‘‘સૌથી પહેલા એક નાની દુકાનથી આપણે શરૂઆત કરીશું અને આપણા બંનેના નામ પરથી દુકાનનું નામ રાખીશું શ્વેગી.’’
ગિરિજાની વાત સાંભળીને પછી શ્વેતાનું સ્વાભિમાન જાગી ગયું અને ત્યાર પછી પોતાના સખત પરિશ્રમના લીધે બંને સફળતાના માર્ગ પર આગળ ને આગળ વધતા ગયા. •

વધુ વાંચવા કિલક કરો....