વાર્તા – મમતા રૈના.

‘‘કેટલા દિવસ માટે જઈ રહી છે?’’ પ્લેટમાંથી એક સમોસું લેતા દીપાલીએ પૂછ્યું. ‘‘૮-૧૦ દિવસ માટે.’’ સલોનીએ ઉત્સુકતાથી કહ્યું.
ઓફિસમાં ટી બ્રેક દરમિયાન બંને સાહેલી કેન્ટીનમાં બેસીને વાતો કરી રહી હતી. સલોનીના કેટલાક મહિના પહેલાં દીપેન સાથે લગ્ન થયા હતા.
બંને સાથે કામ કરતા હતા. ક્યારે પ્રેમ થયો ખબર જ ન પડી અને પછી ચટ મંગની પટ લગ્ન કરી લીધા, હવે બંને લગ્ન કરીને એક જ ઓફિસમાં કામ કરતા હતા, બસ ડિપાર્ટમેન્ટ અલગ હતા.
આખો દિવસ એક જ જગ્યાએ કામ કરવા છતાં તેમને મળવાની નવરાશ નહોતી.
આઈટી ક્ષેત્રની નોકરી જ એવી હોય છે. ‘‘સારું, એક વાત જણાવ કે તું ત્યાં કેવી રીતે રહે છે? તેં જણાવ્યું હતું કે કોઈ ગામડામાં તારું સાસરું છે.’’ દીપાલી આજે સલોનીને ચિડાવવાના મૂડમાં હતી.
તે જાણતી હતી કે સલોની સાસરીના નામે કેવી ચિડાઈ જાય છે. ‘‘જવું તો પડશે જ… એકમાત્ર નણંદના લગ્ન છે. હવે થોડા દિવસ સહન કરી લઈશ.’’ સલોનીએ કહ્યું.

‘‘અને તારી જેઠાણી, તું શું કહીને બોલાવે છે? હા, ભારતીય નારી અબળા બિચારી.’’ બંને હસવા લાગી.
‘‘યાર ના પૂછીશ… શું કહું? તેને જેાઈને મને કોઈ જૂની હિંદી ફિલ્મની હીરોઈન યાદ આવી જાય છે… એકદમ અભણ છે અભણ. બંગડીઓથી ભરેલા હાથ, માંગમાં સિંદૂર અને માથા પર હંમેશાં પાલવ રાખે છે.
આજના જમાનામાં આ રીતે કોણ રહે છે.
સાચું કહું તો આવી અભણ મહિલાના લીધે પુરુષ મહિલાને ધૂળ સમાન સમજે છે… ખબર નહીં ભણેલીગણેલી છે કે નહીં.’’
‘‘ભલે, મારે શું? ગમે તેમ કરીને થોડા દિવસ રહીશ… બોસ જેાઈ રહ્યા છે.’’ અને પછી બંને પોતપોતાની ખુરશી તરફ ગઈ.

સલોની શહેરમાં ભણેલીગણેલી આધુનિક છોકરી હતી.
દીપેન સાથે લગ્ન પછી જ્યારે તે પહેલી વાર સાસરીમાં ગઈ ત્યારે તેને ત્યાંની કોઈ વસ્તુ ન ગમી.
તે પહેલાં ક્યારેય ગામમાં નહોતી રહી.
૨ દિવસમાં જ તે કંટાળી ગઈ.
૩-૪ દિવસ રહેવા માટે દીપેને ખૂબ મુશ્કેલીથી તેને રાજી કરી હતી.
શહેર માં જીન્સટોપ પહેરીને આઝાદ પતંગિયાની જેમ ફરતી સલોનીને સાડી પહેરી ઘૂંઘટ કાઢીને ચુપચાપ બેસવું કેવી રીતે ગમે… સાસરીવાળા પરંપરાગત વિચારો ધરાવતા લોકો હતા.
તેને સસરા, જેઠ સામે પાલવ રાખવાની સલાહ આપી.
સલોનીના સાસુ જુનવાણી હતા, પણ જેઠાણી અવનિ ખૂબ જ આધુનિક હતી.
નાની નણંદ ગૌરી નવી ભાભીની આગળપાછળ ફરતી હતી.
સલોની ગામની મહિલાઓની સાદાઈ જેાઈને આશ્ચર્યચકિત થતી.
તે દિલની સારી હતી, પણ ખબર નહીં કેમ પરંપરાગત મહિલા વિશે તેના વિચારો અલગ હતા.
માત્ર ઘરગૃહસ્થી સુધી સીમિત રહેતી આ મહિલાઓ તેની નજરમાં એકદમ અભણ હતી. શહેરમાં અલગ ગૃહસ્થી વસાવીને સલોની ખુશ હતી.
અહીં સાસુનણંદની કોઈ ઝંઝટ નહોતી. જે ગમતું તે કરતી. કોઈ રોકટોક નહોતી.
દીપેન અને સલોનીના મિત્ર સમય-કસમયે આવી જતા.
ઘરમાં અવારનવાર પાર્ટી કરતા.
દિવસ મોજમસ્તીમાં પસાર થતો હતો.
કેટલાક દિવસ પહેલાં જ દીપેનની નાની બહેન ગૌરીના લગ્ન નક્કી થયા હતા.
લગ્ન પ્રસંગ હતો. ઘરમાં મહેમાનોની ભીડ હતી.
ગરમીની મોસમ તેમાં પણ વીજળીનું કોઈ ઠેકાણું નહોતું.
હાથપંખાથી પવન કરતાંકરતાં સલોની કંટાળી જતી હતી.
એરકંડિશનના વાતાવરણમાં રહેતી સલોનીને માથા પર પાલવનું વજન લાગતું હતું.

ગામના આ જુનવાણી રીતરિવાજથી તેને ઘૃણા થવા લાગી.
એકાંત મળતા સલોનીનો ગુસ્સો ફૂટી પડ્યો, ‘‘દીપેન, તું મને ક્યાં લઈ આવ્યો? અહીં મારાથી નથી રહેવાતું… ઉપરથી માથા પર પાલવ રાખવાનો. તેનાથી તો સારું છે હું અહીં ન આવતી.’’
‘‘ધીરે બોલ સલોની… યાર થોડા દિવસ એડજસ્ટ કરી લે પ્લીઝ.
ગૌરીના લગ્નના બીજા જ દિવસે આપણે જતા રહીશું.’’ દીપેને તેને આશ્વસ્ત કરવાનો પ્રયાસ કર્યો.
સલોનીએ મોં બગાડ્યું.
બસ ફટાફટ લગ્ન થઈ જાય તો જીવ છૂટે.
ઘર સગાંસંબંધીથી ભરાયેલું હતું. તે લોકોની જવાબદારી ઘરની વહુઓ પર હતી.
સલોનીને ઘરના કામનો કોઈ અનુભવ નહોતો.
ઘરનું કામ કરવું તેને હંમેશાં નહોતું ગમતું.
પિયરમાં પણ તેણે ક્યારેય માને મદદ નહોતી કરી.
સાસરીમાં જ્યારે તેને કોઈ કામ સોંપાતું ત્યારે તેને પરસેવો આવવા લાગતો.

જેઠાણી અવનિ ઉંમરમાં થોડા જ વર્ષ મોટી હતી, પણ પૂરા ઘરની જવાબદારી તેણે હસીખુશી ઉઠાવી હતી.
ઘરના તમામ લોકો દરેક કામ માટે અવનિ પર નિર્ભર હતા, હંમેશાં બધાના મોઢા પર અવનિનું નામ રહેતું.
સલોની પણ તે ઘરની વહુ હતી, પણ તેનું અસ્તિત્વ અવનિ સામે જાણે હતું જ નહીં અને સલોની પણ આ વાત જલદી સમજી ગઈ હતી.

ઘર ના લોકોનો અવનિ પ્રત્યેનો પ્રેમવહાલ જેાઈને સલોનીના મનમાં ઈર્ષાની ભાવના થતી કે તે પણ આ ઘરની વહુ છે… તો પછી બધા અવનિને આટલું કેમ માને છે.
‘‘ભાભી, મારા શર્ટનું બટન તૂટી ગયું છે, જરા લગાવી દો ને.’’
બાથરૂમમાંથી નહાઈને નીકળતા દીપેને અવનિને બૂમ પાડી.
સલોની કિચન પાસે બેસીને વટાણા છોલી રહી હતી.
તે તરત દીપેન પાસે આવી. બોલી, ‘‘ આ શું, આટલી નાની વાત માટે તું અવનિ ભાભીને બોલાવે છે… મને પણ કહી શકતો હતો?’’ અને પછી તેણે દીપેન સામે ગુસ્સાથી જેાયું.
‘‘મને લાગ્યું કે તને આ બધું આવડતું નહીં હોય.’’ સલોનીને ગુસ્સામાં જેાઈ દીપેન આશ્ચર્યચકિત થઈ ગયો.
‘‘તું શું મને બિલકુલ અનાડી સમજે છે?’’ કહીને તેના હાથમાંથી શર્ટ લઈને સલોનીએ બટન ટાંકી દીધું.
ધીરેધીરે સલોની સમજી ગઈ કે કેવી રીતે અવનિ બધાની વહાલી બની ગઈ છે.

સવારે સૌપ્રથમ ઊઠીને નહાઈને કિચનમાં જઈને ચા-નાસ્તો બનાવીને બધાને આપતી. સસરાને શુગરની સમસ્યા છે.
અવનિ તેમની દવા અને ખાણીપીણીનું પૂરું ધ્યાન રાખતી.
સાસુ પણ અવનિથી ખુશ રહેતા.
તેમાં પણ પતિ અને ૨ નાના બાળકની જવાબદારી નિભાવવા છતાં વડીલ સામે પાલવ માથા પરથી ન સરકે. સવારથી સાંજ સુધી ખડે પગે નાચતી અવનિ બધાની જરૂરિયાતનું ધ્યાન ખૂબ જ પ્રેમથી રાખતી.
ઘરમાં આવેલા સગાંસંબંધી પણ અવનિને જ પ્રાથમિકતા આપે છે.
સલોની જાણે એક મહેમાન હતી તે ઘરમાં.
અવનિ હંમેશાં હસતી રહેતી સલોનીને જાણે દેખાડો લાગતો.
તે મનોમન અવનિથી ગુસ્સે રહેવા લાગી હતી.
ઘરમાં પોતાનું મહત્ત્વ નોંધાવવા માટે હવે સલોની દરેક કામમાં રસ લેતી હતી, પછી તે કામ તેને કરતા આવડે કે ન આવડે અને આ ચક્કરમાં ગરબડ કરી બેસતી, જેથી તેનો મૂડ બગડી જતો.
‘સારું છે મારે શું? આ કિચન અભણ મહિલાને જ શોભા આપે છે.
કદાચ ક્યારેય કોલેજની સૂરત પણ જેાઈ નહીં હોય. બે પૈસા કમાય ત્યારે ખબર પડે.’ સલોની મનોમન પોતાને દિલાસો આપતી.
તેને તેની કાબેલિયત પર ગર્વ હતો.
સલોની ના હાથથી અચારનો ડબ્બો નીચે પડીને તૂટી ગયો.
કિચન તરફ આવતી અવનિ લપસીને પડી ગઈ અને તેના પગમાં મચકોડ આવ્યો.
ઘરવાળા દોડીને આવ્યા.
અવનિને પલંગ પર ઊંઘાડી દીધી.
ઘરના લોકો તેની સેવાચાકરીમાં જેાડાઈ ગયા.
તેને આરામ કરવાની સલાહ આપી.
તેના બેસી જવાથી ઘરના કામ વિખેરાઈ ગયા.

મોટા ફોઈએ સલોનીને કિચનના કામમાં લગાવી દીધી.
સલોની આ બાબતમાં કોરો કાગળ હતી.
ખાવામાં કોઈ ને કોઈ કમી રહી જતી.
ઘરના લોકો ખાવામાં ભૂલ કાઢતા.
અવનિ સલોનીની હાલત સમજતી હતી.
તે પૂરો પ્રયાસ કરતી તેને કામ શિખવાડવાની, પણ પ્રેક્ટિસ ન હોવાથી જે કામમાં અવનિ નિષ્ણાત હતી તે કામ કરવામાં સલોનીને કલાક થતો.
વચ્ચેના ફોઈએ સ્વીટમાં ખીર ખાવાની ફરમાઈશ કરી ત્યારે સલોનીને ખીર બનાવવાનો હુકમ મળ્યો.
તેની પાસે એટલી ધીરજ ક્યાં હતી કે ઊભાંઊભાં ચમચો હલાવે, ઝડપથી ગેસ પર બનાવતા ખીર બળી ગઈ.
‘‘અરે, તને કંઈ આવડે પણ છે? પહેલાં ક્યારેય ઘરનું કામ કર્યું છે?’’ તમામ સગાંસંબંધી સામે વચ્ચેના ફોઈએ સલોનીને ઠપકો આપ્યો.
શરમના માર્યા સલોનીનું મોં લાલ થઈ ગયું.
તેને ખરેખર આવડતું નહોતું તો તેમાં તેનો પણ શું વાંક હતો.
‘‘ફોઈ, સલોનીએ આ બધું પહેલાં કર્યું જ નથી. આમ પણ આ નોકરી કરે છે… તેને આ બધું શીખવાનો સમય જ ક્યાં મળે છે… તમારા માટે હું ફરી ક્યારેક ખીર બનાવી દઈશ.’’ અવનિએ સલોનીનો રડમશ ચહેરો જેાયો તો તેને દયા આવી.

નણંદ ગૌરીના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા.
સગાંસંબંધી પણ ૧-૧ કરીને ગયા.
હવે માત્ર ઘરના લોકો રહ્યા હતા.
અવનિના સારા વ્યવહારથી સલોની તેની સાથે હળીમળી ગઈ હતી.
અવનિ તેને દરેક કામમાં મદદ કરતી.
૨ દિવસ પછી તે પાછા જવાના હતા.
દીપેને ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી.
એક દિવસ બપોરે સલોની જૂનો આલ્બમ જેાતી હતી.
એક ફોટામાં અવનિએ માથા પર કાળી ટોપી, કાળો ઝભ્ભો પહેર્યો હતો.
તે ફોટો જેાઈને સલોનીએ દીપેનને પૂછ્યું, ‘‘આ અવનિ ભાભી છે ને?’’
‘‘હા, આ ફોટો તેમના કોલેજનો છે.

ભાઈ માટે જ્યારે તેમનો સંબંધ આવ્યો હતો ત્યારે તેમના ઘરવાળાએ આ જ ફોટો મોકલ્યો હતો.’’
‘‘અવનિ ભાભી કેટલું ભણેલા છે?’’ સલોની આશ્ચર્યચકિત હતી.
‘‘અવનિ ભાભી ડબલ એમ.એ. છે. તે તો નોકરી પણ કરતા હતા.
તેમણે પીએચ.ડી. પણ કર્યું છે.
લગ્નના થોડા સમય પછી મમ્મી ખૂબ બીમાર થયા હતા.
બિચારા ભાભીએ તેમની દેખરેખમાં કોઈ કસર નથી રાખી.
તેમણે નોકરી સુધ્ધાં છોડી દીધી.
જેા આજે મમ્મી ઠીક છે તો માત્ર ભાભીના લીધે.
સલોની, તું જાણતી નથી, ભાભીએ આ ઘર માટે ઘણું બધું કર્યું છે.
તે ઈચ્છતા તો આરામથી પોતાની નોકરી કરી શકતા હતા, પણ તેમણે હંમેશાં પોતાના પરિવારને પ્રાથમિકતા આપી.’’
સલોની જે અવનિ ભાભીને અભણ સમજતી રહી તે આટલા કાબેલ હશે, તેનો તેને અંદાજ પણ નહોતો.
પૂરા ઘરની જવાબદારી લઈને પરિવાર સંભાળીને અવનિ ભાભીએ પોતાના શિક્ષણનો ઘમંડ બતાવીને ઘરગૃહસ્થીના કામને નાનું નહોતું સમજ્યું.
સલોનીને પોતાના વિચાર પર દુખ થયું.
તે આધુનિક કપડાં અને રહેણીકરણીને જ શિક્ષણનો માપદંડ માનતી હતી.

‘‘અરે ભાઈ, તમે લોકો ક્યાં છો, બિટ્ટુની સ્કૂલના પ્રોગ્રામમાં જવું નથી કે શું?’’ કહેતા અવનિ ભાભી સલોનીના રૂમમાં આવી.
‘‘હા, ભાભી બસ હમણાં ૨ મિનિટમાં તૈયાર.’’ સલોની અને દીપેને કહ્યું.
બિટ્ટુને ક્લાસના બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મળ્યો.
દરેક વિષયમાં તે પ્રથમ આવ્યો હતો. તેને પ્રાઈઝ આપીને પ્રિન્સિપાલે જ્યારે માતાપિતાને સ્ટેજ પર બે શબ્દ કહેવા માટે આમંત્રિત કર્યા તો ખચકાતા મોટા ભાઈ બોલ્યા, ‘‘અવનિ, તું જ. મને સમજાતું નથી કે શું બોલવું છે. ’’ આત્મવિશ્વાસ સાથે માઈક પકડતા અવનિ ભાભીએ અંગ્રેજીમાં પેરન્ટ્સની જવાબદારી પર જ્યારે શાનદાર સ્પીચ આપી, તો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો.
ઘરે આવીને સલોનીએ દીપેનને કહ્યું, ‘‘સાંભળો, અહીં થોડા દિવસ વધારે રહીએ તો.’’ ‘‘પણ તારું તો મન લાગતું નહોતું ને… એટલે જ તો જલદી જઈએ છીએ.’’ દીપેન આશ્ચર્યથી બોલ્યો.
‘‘ના, હવે મને અહીં ગમે છે… મારે અવનિ ભાભી પાસે ઘણું બધું શીખવું છે.’’
સલોની તેના ખભા પર માથું મૂકતા બોલી. ‘‘વાહ તો એમ વાત છે. તો સારું.
કંઈક શીખીશ તો કમ સે કમ બળેલું ખાવાનું તો ખાવું નહીં પડે.’’ દીપેને તેની છેડતી કરી અને પછી બંને હસવા લાગ્યા.

વધુ વાંચવા કિલક કરો....