માયા જ્યારે ૫ વર્ષ પછી તેની મોટી બહેન સિયાને મળી ત્યારે તેને થોડી ઉદાસ દેખાઈ. તેણે તેને પૂછી જ લીધું, ‘‘દીદી, શું વાત છે, તમારા ચહેરાની રોનક તો જાણે ગાયબ થઈ ગઈ છે, કોઈ તકલીફ છે?’’ ‘‘તકલીફ તો નથી માયા, માત્ર ઢળતી ઉંમર છે. સાંધા દુખવા લાગ્યા છે અને ઉપરથી વાળ ખરવા અને ચહેરા પર કરચલીઓ. ઉંમર પોતાની અસર બતાવી રહી છે. આ બધાના લીધે ચહેરો તો ઉદાસ દેખાશે જ ને.’’ સિયાએ કહ્યું. ‘‘તમે આવું કેમ વિચારો છો, દીદી. ઉંમરથી શું ફરક પડે છે. થોડા સજીધજીને અને સ્ફૂર્તિલા રહો.’’ ‘‘કોના માટે માયા. હવે આ ઉંમરમાં કોણ જેાવાનું છે? બાળકો પણ હોસ્ટેલમાં છે. વળી હું તો એક વિધવા છું. સજીધજીને રહીશ તો લોકો શું કહેશે? લોકો તો મને શંકાની નજરથી જેાવા લાગશે.’’ સિયાએ કહ્યું. અરે, તેમાં ખરાબી શું છે? કેમ શંકા કરશે લોકો? કોઈ જેાનાર નથી અને વિધવા હોવું તેમાં તમારો તો કોઈ વાંક નથી. જીવન અને શરીર પ્રત્યે આમ ઉદાસ થવું યોગ્ય નથી. જ્યારે બાળકો પોતપોતાના પરિવારમાં વ્યસ્ત થશે ત્યારે કોણ સંભાળશે તમને. જેા આજે જીજૂ હોત તો તેઓ તમારું ધ્યાન રાખતા, પરંતુ હવે તેમની ગેરહાજરીમાં તો તમારે જ તમારું ધ્યાન રાખવું જેાઈએ, નહીં તો ૪૦ પછી વધતી ઉંમરની સાથેેસાથે શરીરમાં બીમારી પણ ઘર કરવા લાગે છે.’’ ‘‘તારી વાત તો બરાબર છે માયા, પણ એકલતા સહન નથી થતી. પહેલાં તો બાળકોમાં વ્યસ્ત રહેતી હતી, પણ હવે પૂરો દિવસ એકલી જ ઘરમાં બેસી રહું છું. સમય પસાર થતો નથી.’’ સિયાએ કહ્યું. આવા કોણ જાણે કેટલાંય ઉદાહરણ આપણી આસપાસ હશે, જેમાં મહિલાઓ ગમે તે કારણસર સિંગલ રહી જતી હોય છે અને ૪૦ પછી પોતાના જીવન પ્રત્યે નીરસ બની જતી હોય છે. મારી જ પાડોશમાં રહેતી સ્મિતા એક ફાર્મા કંપનીમાં કાર્યરત છે. પિતાના આકસ્મિક નિધન પછી ૨ નાની બહેનની જવાબદારી તેની પર આવી ગઈ હતી. મા વધારે ભણેલીગણેલી નહોતી. તેથી સ્મિતાએ જ નોકરી કરીને ન માત્ર બંને બહેનને પોતાના પગ પર ઊભી કરી, પણ તેમના માટે યોગ્ય વર શોધીને તેમનાં લગ્ન પણ કરાવી દીધા હતા. પછી બહેનના તો ઘર વસી ગયા, પણ તે જીવનભર માટે એકલી રહી ગઈ. પહેલાં તો તે મા સાથે રહેતી હતી, પણ ૨ વર્ષ પહેલાં તેમનું અવસાન થયું અને સાંધાનો દુખાવો તેને પરેશાન કરી રહ્યો છે. ગઈ કાલ સુધી પોતાના ખભા પર પૂરા પરિવારની જવાબદારી ઉઠાવનારી સ્મિતા ચહેરા અને મનથી દુખી દેખાવા લાગી છે. એક દિવસ મેં તેને સોસાયટીમાં યોજાતા કાર્નિવલનો આમંત્રણ પત્ર પકડાવતા કહ્યું, ‘‘જરૂર આવજે, ખૂબ મજા આવશે.’’ ‘‘તારે તો બાળકો છે, હું ત્યાં આવીને શું કરું?’’ સ્મિતાએ કહ્યું. ‘‘અરે, તું આવ તો ખરી, તને પણ થોડો ચેન્જ મળી જશે.’’ મારા વધારે આગ્રહ પર તે કાર્નિવલમાં આવી. હવે તો તે સોસાયટીના દરેક પ્રોગ્રામમાં ખુશીખુશી આવે છે અને મહત્ત્વની ભૂમિકા પણ નિભાવે છે. આમ કરવાથી ન માત્ર સ્મિતાના ચહેરા પર રોનક વધી ગઈ, પણ એક્ટિવ રહેવાથી તેનામાં ફરીથી આત્મવિશ્વાસ પણ આવી ગયો. સોસાયટીના બાળકો પણ તેને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા, કારણ કે તે તેમના માટે વર્ષ દરમિયાન કોઈ ને કોઈ આયોજન કરતી રહેતી હતી. સિંગલને પણ પૂરો હક છે કે તે પોતાના જીવનને સંપૂર્ણ રીતે જીવે અને પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લે, કારણ કે ૪૦ પછી મહિલા સિંગલ હોય કે પછી પરિવારવાળી. બધાની મેનોપોઝની ઉંમર આવે છે. ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરમાં મહિલાઓનું માસિક ચક્ર બંધ થવાના આરે હોય છે, જેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે. ઘણી વાર આ સમસ્યા ખૂબ જ પીડાદાયક હોય છે. તેથી શારીરિક તેમજ માનસિક એમ બંને પરિવર્તન આવવા લાગે છે. આળસ આવવી, ઊંઘ ન આવવી, શરીરમાં નબળાઈ આવવી, શરીર વધવું, શરીરના વિભિન્ન અંગમાં દુખાવો થવો વગેરે સમસ્યા હંમેશાં ૪૦ પછી થવા લાગે છે. આ સ્થિતિમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું મહિલા માટે ખૂબ જરૂરી બની જાય છે :

આહાર પર ધ્યાન આપો : દૈનિક ભોજનમાં એવી વસ્તુને સામેલ કરો, જેમાં શરીર માટે જરૂરી ન્યૂટ્રિશંસ હોય, કારણ કે ૪૦ વર્ષ સુધી પહોંચતાંપહોંચતાં પાચનતંત્ર નબળું પડવા લાગે છે. આ જ કારણસર મસલ્સ અને માંસ ૪૫ ટકા સુધી ઘટી જાય છે, જેથી શરીરમાં ફેટ વધવા લાગે છે. વધતી ઉંમરની સાથે તમારું મેટાબોલિઝમ સ્લો થવા લાગે છે. આ સ્થિતિમાં તમને પહેલાંની સરખામણીમાં ઓછી કેલરીની જરૂર પડે છે. તેથી તમે જે પણ ખાઓ, કેલરી પર ચોક્કસ ધ્યાન આપો.

એક્સર્સાઈઝને બનાવો દિનચર્યાનો ભાગ : એક્સર્સાઈઝ કરવાથી તમે સ્વસ્થ રહેશો અને સ્વયંને યુવાન અનુભવશો. એક્સર્સાઈઝથી તમારી માંસપેશીઓને તાકાત મળશે. તમને સારી ઊંઘ આવશે. શરીર જકડાશે નહીં અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. ઘણી વાર ૪૦ પછી સાંધામાં દુખાવાની સમસ્યા થતી હોય છે, જેથી જિમમાં એક્સર્સાઈઝ કરવી મુશ્કેલ બની જાય છે. ત્યાં સુધી કે ચાલવામાં પણ તકલીફ પડવા લાગે છે. આ સ્થિતિમાં વોટર એક્સર્સાઈઝ પણ લાભદાયક રહે છે. તમે એક્સર્સાઈઝનું કોઈ પણ સ્વરૂપ અજમાવી શકો છો જેમ કે મોર્નિંગ વોક, એરોબિક્સ, નૃત્ય, સ્વિમિંગ વગેરે. ઝુમ્બા ડાન્સ પણ એક્સર્સાઈઝ રૂપે સમૂહમાં કરી શકાય છે. તેનાથી ન માત્ર તમે શારીરિક રીતે સ્ફૂર્તિલા રહેશો, પણ મ્યૂઝિકની સાથે સાહેલી સાથે નૃત્યનો આનંદ પણ લઈ શકશો.

હોર્મોન્સમાં બદલાવ : ૪૦ પછી મેનોપોઝ શરૂ થવાથી હોર્મોન્સમાં પણ બદલાવ આવે છે, જેથી વજન વધે છે, પરંતુ હોર્મોન્સ પર ધ્યાન ન આપતા પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપો, જેથી તમે શરીરમાં થઈ રહેલા હોર્મોન્સના બદલાવને સંતુલિત કરી શકો.

પ્રોટીનયુક્ત ભોજન લો : વધતી ઉંમરની સાથે નખ ખરાબ થવા લાગે છે, વાળ ખરવા લાગે છે અને સ્કિન પર કરચલીઓ પડવા લાગે છે. આ સમસ્યા માટે ભોજનમાં પ્રોટીન લેવાથી શરીરની સાથેસાથે માંસપેશીઓ, વાળ, સ્કિન અને કનેક્ટિવ ટિશ્યૂ સારા રહે છે. માંસપેશીઓ ફરીથી બનવા લાગે છે. સાથે લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી. કેટલાક પ્રોટીનયુક્ત આહાર જેા તમે ભોજનમાં લઈ શકો છો તેમાં મુખ્ય છે માંસ, માછલી, ચિકન, ઈંડાં, દૂધ, દહીં, દાળ, પાલક, છોલે, રાજમા, સ્પ્રાઉટ્સ, સોયાબીન, મગફળી, અંજીર, બદામ, અખરોટ વગેરે.

થોડા સોશિયલ પણ રહો : જેા મહિલાઓ પોતાના પરિવાર સાથે રહે છે. તેમને તો કોઈ ને કોઈ બહાનાં હેઠળ બીજા લોકો આમંત્રિત કરતા રહે છે, પરંતુ સિંગલ મહિલા માટે એક સમસ્યા એ છે કે તે કોની સાથે વાતચીત કરે, કારણ કે તેના વિચાર બીજા સાથે મેચ નથી કરતા. આ સ્થિતિમાં તમે સોસાયટીમાં યોજાતા કાર્યક્રમમાં ભાગ લો. તેને સફળ બનાવવામાં તમારું યોગદાન આપો, જેથી તમારા સમયનો સદુપયોગ થાય અને સોસાયટીમાં તમારી ઓળખ બને. તમારા સહયોગને જેાઈને લોકો સ્વયં તમને આમંત્રિત કરવા લાગશે અને આ બહાનાં હેઠળ તમારી લોકો સાથેની મુલાકાત વધશે, જેથી તમારી એકલતા પણ દૂર થશે. તદુપરાંત તમે સ્વયં મહિલાઓ સાથે એક માસિક કિટી પાર્ટીની શરૂઆત કરો, જેમાં અલગઅલગ થીમ રાખીને નવી નવી ગેમનું આયોજન કરો, જેથી તમને પણ પોતાની પસંદગીના કપડાં પહેરવાની તક મળશે. જેા તમે નોકરિયાત મહિલા છો તો ઓફિસમાં પિકનિકનું પણ આયોજન કરી શકો છો. આ રીતે તમે તમારા ટેલેન્ટને પણ બીજા સામે રજૂ કરી શકશો અને તમે બધાના ગમતા વ્યક્તિ બની જશો.

અહીં એક ખાસ વાત એ છે કે જે મહિલાઓ પોતાના પરિવાર સાથે રહેતી હોય છે, તેમના સમય અને જરૂરિયાત પ્રમાણે કોઈને કોઈ ધ્યાન રાખનાર હોય છે, પણ સિંગલ પાસે આ સુવિધા નથી રહેતી. આ સ્થિતિમાં પોતાની ઓફિસ અને આસપાસના લોકો સાથેની તમારી મિત્રતા તમારા મુશ્કેલ સમયમાં કામ આવશે. તેથી સ્વયં દરેક રીતે પોતાની કાળજી લો. જજ કરો સ્વયંને કે ક્યાંક તમે તમારા જીવન પ્રત્યે બેદરકાર તો નથી ને? તમારા સોશિયલ સર્કલમાં જરૂર વાત કરો કે હું સારી તો દેખાઈ રહી છું ને. જેમના દિલ પર તમે રાજ કરો છો તેઓ નહીં ઈચ્છે કે તમે કોઈનાથી ઊતરતા દેખાઓ.

– રોચિકા શર્મા.

વધુ વાંચવા કિલક કરો....