ચટણી આપણા ભોજનની વાત છે. જેા ખાવાની થાળીમાં કોઈ ચટપટી ચટણી મળી જાય તો ભોજનનો સ્વાદ અનેકગણો વધી જાય છે. ચટપટી ચટણીનું સેવન તૃપ્તિનો અહેસાસ કરાવે છે, સાથે સ્વાસ્થ્યની દષ્ટિએ પણ ચટણી ખૂબ લાભદાયી છે. ચટણીને તાજા ફળ, લીલાં પાંદડાં તથા વિવિધ હેલ્ધિ મસાલાને મિક્સ કરીને બનાવવામાં આવે છે. વળી તેને વઘારવામાં પણ નથી આવતી, તેથી તેના પ્રયોગમાં મસાલા ફળ, શાકભાજી, દાળ વગેરેના ખનીજ તથા વિટામિન સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. ચટણી ફેટ ફ્રી હોય છે, તેના સેવનથી વજન નિયંત્રિત રહે છે. વધારે કેલરી ખાવાની સમસ્યા પણ નથી થતી અને પાચનતંત્ર સુચારુ રીતે કામ કરે છે. ટામેટાં, આમળાં, અળસી, લસણ, તલ તથા આંબલી જેવી વસ્તુની ચટણી એન્ટિઓક્સિડેન્ટનું કામ કરે છે. લીલા ધાણા, ફુદીનો, રીંગણ તથા તૂરિયાની ચટણી આયર્ન તેમજ ક્લોરોફિલથી ભરપૂર હોય છે, જ્યારે જુદીજુદી દાળ તથા દહીં સાથે બનાવવામાં આવેલી ચટણી પ્રોટીનથી ભરપૂર હોય છે. પોતાના સ્વાદ તથા ઋતુ અનુસાર વિવિધ પ્રકારની ચટણી બનાવીને ફ્રિજમાં મૂકી રાખો. કેટલીક ચટણીઓને પૂરા વર્ષ માટે પણ સુરક્ષિત રાખી શકાય છે. વિવિધ દાળ, લીલા ધાણા, ફુદીનો, તૂરિયા અને રીંગણ વગેરેની ચટણીને પણ ૫-૬ દિવસ સુધી ફ્રિજમાં સુરક્ષિત રાખી શકાય છે. અહીં રજૂ કરીએ છીએ, વિભિન્ન ચટણી બનાવવાની રીત :

મગફળીની ચટણી


સામગ્રી :
૧ કપ છાલ કાઢેલી મગફળી, તળેલા ૪-૫ લીલાં મરચાં, ૧ નાની ચમચી ખાંડ, ૧ મોટી ચમચી લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું.

રીત :
બધી સામગ્રીને મિક્સ કરીને પીસી લો. તૈયાર થયેલ ચટણીને ૮-૧૦ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકો છો.

લાભ :
મગફળી પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ તથા ફોસ્ફરસનો ઉત્તમ સ્રોત છે. તેનાથી ગેસની સમસ્યામાં રાહત થાય છે.

દ્રાક્ષની ચટણી


સામગ્રી :
૨ કપ દ્રાક્ષ, ૫૦ ગ્રામ પીસેલી ખાંડ, ચપટી પીસેલા મરી, ૧/૪ નાની ચમચી પીસેલી નાની ઈલાયચી,૧/૨- ૧/૨ ચમચી શેકેલું તથા પીસેલું જીરું અને સંચળ.

રીત : બધી સામગ્રીને મિક્સ કરીને ગ્રાઈન્ડરમાં ૧ મિનિટ પીસો. ખાટીમીઠી ચટણી તૈયાર છે. તેને ૫-૬ દિવસ સુધી રાખી શકો છો.

ખજૂર તથા સૂકી દ્રાક્ષની ચટણી


સામગ્રી :
૧ કપ ઠળિયા વિનાની ખજૂર, ૧ કપ સૂકી દ્રાક્ષ, ૧ નાની ચમચી પીસેલા મરી, ૧ નાની ચમચી ઈલાયચી, ૧-૧ નાની ચમચી સંચળ અને શેકેલા જીરાનો પાઉડર, ચપટી હિંગ, ૧ મોટી ચમચી લીંબુનો રસ, ૧ નાની ચમચી ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ.

રીત :
ખજૂર અને સૂકી દ્રાક્ષને ગરમ પાણીથી ધોઈને અડધા કલાક સુધી પલાળી રાખો. પછી પૂરી સામગ્રીને મિક્સીમાં નાખીને પીસી લો. આ ચટણીને ૮-૧૦ દિવસ સુધી રાખી શકો છો.

લાભ :
દ્રાક્ષ અને ખજૂર બંને આયર્નના ઉત્તમ સ્રોત છે. ખજૂરમાં ખનીજ, ફાઈબર, કેલ્શિયમ તથા વિટામિન હોય છે.

અંજીરની ચટણી


સામગ્રી :
૨૫૦ ગ્રામ અંજીર, ૨ મોટી ચમચી દ્રાક્ષ, ૧ મોટી ચમચી કાપેલી ખજૂર, ૧-૧ નાની ચમચી સંચળ અને શેકેલો જીરા પાઉડર, ૧ નાની ચમચી આદુંની પેસ્ટ, ૧ નાની ચમચી લાલ મરચું, ૧/૨ કપ લીંબુનો રસ, ૧ મોટી ચમચી પીસેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું.

રીત :
દ્રાક્ષ, ખજૂર અને અંજીરને ધોઈ લો. હવે અંજીરને કાપીને તેના બીજ કાઢી નાખો. ત્યાર પછી આ ત્રણેય વસ્તુને લીંબુના રસમાં ૧ કલાક સુધી પલાળી રાખો. પછી બધી સામગ્રીને મિક્સીમાં બારીક પીસી લો. હવે એક પેનમાં નાખીને ધીમી આંચ પર થોડું ગાઢ થાય ત્યાં સુધી ચડવા દો. ઠંડું થતા બોટલમાં ભરીને મૂકી દો. આ ચટણીને ૨-૩ મહિના સુધી રાખી શકો છો.

મેથીદાણાની ચટણી


સામગ્રી :
૨ મોટી ચમચી મેથીદાણા, ૧/૪ કપ દ્રાક્ષ, ૧/૨- ૧/૨ ચમચી હળદર અને લાલ મરચું, ૧ નાની ચમચી વરિયાળી પીસેલી, ૧ નાની ચમચી આમચૂર પાઉડર, ૧/૨ કપ છીણેલો ગોળ, ચપટી હિંગ, ૧ નાની ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું.

રીત :
મેથીને ધોઈને સ્વચ્છ પાણીમાં ૨ કલાક સુધી પલાળી રાખો. પછી સ્ટીમ કરો. પેનમાં તેલ ગરમ કરીને હિંગને શેકીને હળદર નાખો. પછી મેથી નાખીને ફરી થોડા સમય માટે શેકો. હવે ૧/૨ કપ પાણી નાખીને બાકી રહેલી સામગ્રી નાખો અને ધીમી આંચ પર તે ગાઢ ન થાય ત્યાં સુધી ચડવા દો.

લાભ :
આ ચટણી પિત્ત તથા વાયુની વૃદ્ધિને અટકાવે છે. વાયુજન્ય રોગમાં પણ તે લાભદાયી છે અને પાચનશક્તિને સુચારુ બનાવે છે. આ ચટણીને પણ ૫-૬ મહિના સુધી રાખી શકો છો.

આદુંની ચટણી


સામગ્રી :
૫૦ ગ્રામ આદું, ૧ નાની ચમચી આંબલીની પેસ્ટ, ૧ મોટી ચમચી ગોળ, ૧ નાની ચમચી લાલ મરચાનો પાઉડર, ૧ નાની ચમચી તેલ અને મીઠું સ્વાદ મુજબ.

રીત :
આદુંને ધોઈને છીણી લો. પેનમાં તેલ ગરમ કરો. આદુંની છીણ નાખીને થોડી વાર શેકી લો પછી આંબલીની પેસ્ટ નાખીને ફરીથી શેકો. હવે ઠંડું કરીને ગોળ બાકી રાખીને પૂરી સામગ્રીને મિક્સ કરીને પીસી લો. છીણીને તેમાં ગોળ મિક્સ કરો અને થોડો સમય ચઢવા દો. સામગ્રી ઠંડી થતા બોટલમાં ભરી દો. આ ચટણીને ૩-૪ મહિના સુધી રાખી શકો છો.

લાભ :
વાયુની તકલીફમાં લાભદાયી છે. ગેસ, ખાંસીશરદી તથા દમ વગેરેમાં પણ તેનું સેવન લાભદાયી છે.

લસણ અને અળસીની ચટણી


સામગ્રી :
૧/૨ કપ લસણની કળીઓ, ૨ મોટી ચમચી અળસી, ૮-૧૦ સૂકાં લાલ મરચાં, ૧ મોટી ચમચી લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું.

રીત :
લસણને છોલીને બીજી સામગ્રી મિક્સ કરીને તેને બારીક પીસી લો. બ્રેડ સ્પ્રેડની જેમ તેનો ઉપયોગ કરી શકો છો. તેને પણ ૧૦-૧૫ દિવસ સુધી રાખી શકો છો.

લાભ :
લસણ એન્ટિઓક્સિડેન્ટ છે, જ્યારે અળસી ઓમેગા એસિડથી ભરપૂર છે, જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેનાથી કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો થાય છે.

તલ તથા નાળિયેરની ચટણી


સામગ્રી :
૧ કપ શેકેલા સફેદ તલ, ૧ કપ છીણેલું નાળિયેર, ૫-૬ કળી લસણ, ૩-૪ લીલાં મરચાં, ૨ મોટી ચમચી કોથમીર, ૧ કપ આંબલીનો રસ અને મીઠું સ્વાદ મુજબ.

રીત :
તલ, નાળિયેર, લસણ, લીલાં મરચાં અને લીલા ધાણાને મિક્સ કરીને પીસી લો. પછી તેમાં મીઠું અને આંબલીનો રસ મિક્સ કરો. આ ચટણીને પણ ૫-૬ દિવસ રાખી શકો છો.

લાભ :
તલ કેલ્શિયમથી ભરપૂર હોય છે. નાળિયેરમાં ફોસ્ફરસ, પ્રોટીન, કેલ્શિયમ તથા આયર્ન જેવા ખનીજ અને વિટામિન પણ હોય છે.

સફરજનની ચટણી


સામગ્રી :
૨૫૦ ગ્રામ ખાટામીઠા સફરજન, ૧/૨ નાની ચમચી તજ પાઉડર, ૧/૨ નાની ચમચી પીસેલા મરી, ૫૦ ગ્રામ પીસેલી ખાંડ, શેકેલું જીરૂ, ૧ નાની ચમચી લીંબુનો રસ, સંચળ અને મીઠું સ્વાદ મુજબ.

રીત :
સફરજનને છોલીને નાના ટુકડામાં કાપી લો. પછી બધી સામગ્રી મિક્સ કરીને પીસી લો. તૈયાર થયેલ ચટણીને ૪-૫ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકો છો.

લાભ :
સફરજનમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન વગેરે ખનીજ હોય છે.

દહીંની ચટણી


સામગ્રી :
૧ કપ દહીં, ૧ કપ કોથમીર અથવા ફુદીનો, ૫-૬ લીલાં મરચાં, ૧/૨ કપ છીણેલું નાળિયેર, ૨ મોટી ચમચી લીંબુનો રસ, ૨ મોટી ચમચી ખાંડ અને મીઠું સ્વાદ મુજબ.

રીત :
બધી સામગ્રીને મિક્સીમાં નાખીને બારીક પીસી લો. પછી તેને ફ્રિજમાં ઠંડી કરીને સર્વ કરો. પછી તેને ફ્રિજમાં ઠંડી કરીને સર્વ કરો. આ ચટણીને પણ ૫-૬ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકો છો.

લાભ :
દહીં, ધાણા તથા નાળિયેર બધાં વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં આ ચટણી ખાસ ઠંડક પ્રદાન કરે છે.

લીમડાની ચટણી


સામગ્રી :
૧/૨ -૧/૨ કપ નાળિયેર તથા લીમડો, ૬ લીલાં મરચાં, ૧ મોટી ચમચી આમલીની પેસ્ટ, ૧ મોટી ચમચી અડદની દાળ અને સ્વાદ મુજબ મીઠું.

રીત :
અડદ દાળને ડ્રાઈ રોસ્ટ કરી લો. પછી બધી સામગ્રી મિક્સ કરીને પીસી લો. તેને ૭-૮ દિવસ ફ્રિજમાં રાખીને સાચવી શકાય છે.

લાભ :
લીમડો ઔષધિ ગુણોની ખાણ છે, તે કબજિયાતને દૂર કરે છે, વાળ કાળા રાખે છે તેમજ પાચનતંત્ર પણ ઠીક કરે છે.

ચણાની દાળની ચટણી


સામગ્રી :
૧/૨ ચણાની દાળ, ૩ લાલ મરચાં, ચપટી હિંગ, ૫-૬ લીમડો, ૧ મોટી ચમચી તેલ, ૧ મોટી ચમચી લીંબુનો રસ ૧/૨ નાની ચમચી રાઈ, ૨ મોટી ચમચી દહીં અને મીઠું સ્વાદ મુજબ.

રીત :
દાળને સૂકવીને રોસ્ટ કરો. પછી ધોઈને ૧/૨ કલાક માટે પાણીમાં પલાળી લો. દાળ અને લાલ મરચાને બારીક પીસી લો. હવે પેનમાં તેલને ગરમ કરીને રાઈ, હિંગને શેકી લો. પીસેલી દાળમાં શેકી લો. પછી લીમડો નાખીને ફરીથી શેકો. પીસેલી દાળમાં આ વઘારને નાખી દો. ત્યાર પછી દહીં અને મીઠું મિક્સ કરો. આ ચટણીને પણ ૪-૫ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકો છો.

લાભ :
આ ચટણી પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. – માધુરી ગુપ્તા

વધુ વાંચવા કિલક કરો....