આજકાલ બજારમાં વિભિન્ન પ્રકારના સોફ્ટ ડ્રિન્ક્સ, કોલ્ડ ડ્રિન્ક્સ ઉપલબ્ધ છે, જેને પીને ગળાને રાહત આપી શકાય છે. જેાકે આ બજારું ડ્રિન્ક્સ થોડા સમય માટે તમને રાહત આપે છે. જ્યારે ઘરમાં બનેલા ડ્રિન્ક્સની કોઈ સરખામણી કરી શકાય તેમ નથી. માત્ર થોડીક મહેનત અને અગાઉથી કરેલી થોડીક તૈયારીથી ફટાફટ તમે ગરમીથી રાહત આપતા ડ્રિન્ક્સ બનાવી શકો છો. સાથે તેમાં જે થોડીક હર્બલ વસ્તુ નાખી દો તો પછી પૂછવું જ શું. અહીં એવા ૭ ડ્રિન્ક્સની અમે વાત કરી રહ્યા છીએ જે મુશ્કેલીથી માત્ર ૧૦ મિનિટમાં ૫-૬ ગ્લાસ તૈયાર થશે.

તરબૂચનું શરબત : તરબૂચમાં વિટામિન સી, વિટામિન એ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ગુણકારી તત્ત્વો જેાવા મળે છે. જે શરીરમાં પાણીની ઊણપને પૂરી કરે છે. તરબૂચનો જ્યૂસ કાઢવા માટે સરળ રીત છે, તરબૂચના ટુકડાને સૌપ્રથમ એક જારમાં નાખો અને હળવા હાથે બ્લેન્ડર ચલાવો. પછી તેને ગાળી લો, જેથી બીજા અલગ થઈ જાય. પછી આ જ્યૂસમાં સ્વાદ અનુસાર શુગર શિરપ, સંચળ, મરી પાઉડર, ફુદીનો અને લીંબુનો રસ નાખો. હવે ક્રશ્ડ લેમન આઈસ સાથે તેને સર્વ કરો. તરબૂચના જ્યૂસનું તજ સાથે પણ શરબત બનાવી શકાય છે. બીજરહિત ૫૦૦ ગ્રામ ટુકડામાં ૧/૪ ચમચી તજનો પાઉડર, સ્વાદ અનુસાર શુગર સિરપ અને લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો. ત્યાર પછી ક્રશ્ડ આઈસ અને ફુદીનાના પાંદડાંથી સજાવીને સર્વ કરો.

કકુંબર મિંટ જ્યૂસ :

કકુંબર મિંટ જ્યૂસ બનાવવા માટે ૨ મીડિયમ આકારની કાકડી છોલીને નાના ક્યૂબમાં કાપો. પછી એક ચમચી મિક્સી જારમાં કાકડીના ટુકડા, ૧ લીંબુનો રસ, થોડા ફુદીનાનાં પાંદડાં, સંચળ, સાદું મીઠું અને ૧ મોટી ચમચી શુગર સિરપ નાખીને મિક્સીમાં મિક્સ કરો. પછી ૧ કપ ઠંડું પાણી નાખીને ફરીથી મિક્સી ફેરવો. હવે તેમાં ફુદીનાનો ક્રશ્ડ આઈસ નાખો. લીંબુની સ્લાઈસ લગાવીને સર્વ કરો.
નોંધ : ૪ કાકડીને બદલે ચીભડાનો પણ ઉપયોગ કરી શકો છો.

સત્તુવાળી છાશ :
દહીંમાં થોડું પાણી નાખીને મિક્સ કરવાથી લસ્સી બને છે. તેમાં તમે કોઈ પણ ફળ નાખીને અંગૂરી લસ્સી, મેંગો લસ્સી, ઓરેન્જ લસ્સી, બરફીલી લસ્સી જેવી લસ્સી બનાવી શકો છો. જેા જીરૂ અને મીઠું વગેરે નાખશો તો ચટપટી લસ્સી પણ બની જશે. ફુદીનાની છાશ, સત્તુવાળી ચટપટી છાશ, મસાલા છાશ વગેરે પણ બનાવી શકો છો. છાશ અને લસ્સી બંને પેટની બળતરા અને એસિડિટીને દૂર કરે છે અને તેના સેવનથી વજન પણ નથી વધતું. સત્તુવાળી છાશ બનાવવી ખૂબ સરળ છે. માત્ર ૪ ગ્લાસ ઠંડી છાશ લઈને તેમાં ૪ ચમચી લીંબુનો રસ, થોડા ફુદીનાનાં પાંદડાં અને સંચળ તથા સફેદ મીઠું નાખીને મિક્સ કરો. પછી ક્રશ્ડ આઈસ નાખીને તેને સર્વ કરો .

કોકોનટ કૂલર :

ફ્રેશ નાળિયેર ન હોય તો નાળિયેર પાણીના કેન પણ બજારમાં ઉપલબ્ધ છે. તેના પાણીમાં ફુદીનાનાં પાંદડાં, લીલાં મરચાં, લેમન, થોડું શુગર સિરપ અને ચાટ મસાલો નાખીને મિક્સ કરીને સર્વ કરો. ચિયા સીડ્સ સાથે પણ બનાવી શકો છો. ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે એમ પણ ખૂબ સારા હોય છે. કોકોનટ ચિયા સીડ્સ કૂલર બનાવવા માટે ૧ કપ નાળિયેર પાણીમાં ૧ મોટી ચમચી ચિયા નાખીને ચમચીથી હલાવતા રહો, જેથી સીડ્સ ફૂલે તો એકઠા ન થાય. પછી તેમાં લીંબુનો રસ, ૨ કપ નાળિયેર પાણી તથા જલજીરા પાઉડર નાખો. લેમન ક્યૂબ્સને ક્રશ કરીને મિક્સ કરો, પછી કૂલકૂલ સર્વ કરો.

કેરીનું શરબત :

પાકી કેરી તો બધાને ગમતી હોય છે, પરંતુ કાચી કેરી પણ ઓછી સ્વાદિષ્ટ નથી હોતી. તેનું માત્ર અથાણું જ નાખવામાં નથી આવતું, તે ગરમીમાં પણ રક્ષણ આપે છે. કાચી કેરીને બાફીને છાલ કાઢી લો પછી ક્રશ કરીને ચાસણીમાં મિક્સ કરો અને ઠંડું પાણી મિક્સ કરીને સર્વ કરો. તેનું જલજીરા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જલજીરા બનાવવા માટે કાચી અથવા બાફેલી કેરીમાં ફુદીનો, આદું, સંચળ, મીઠું, શુગર સિરપ અને જલજીરા પાઉડર નાખીને મિક્સીમાં મિક્સ કરો. પછી તેને ગાળીને ક્રશ્ડ આઈસ ક્યૂબ્સ તથા બૂંદી નાખીને સર્વ કરો.

સક્કરટેટી શરબત :

સક્કરટેટીમાં ૯૫ ટકા પાણી હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. શરીરમાં પાણીની ઊણપને દૂર કરવા માટે સક્કરટેટીનું સેવન ઉત્તમ વિકલ્પ છે. સક્કરટેટીને ઠંડા દૂધ સાથે મિક્સ કરીને શેક બનાવી શકો છો. આ શેક ખૂબ સ્ફૂર્તિ આપે છે. સક્કરટેટીમાં ખસનું શરબત અને થોડું દૂધ નાખીને મિક્સ કરો. એક ઉત્તમ શેક તૈયાર થશે.

બીલાનું શરબત :

બીલુ એનર્જી બૂસ્ટર છે. તેનું શરબત ઘરે સરળતાથી બનાવી શકો છો. તેના ગરને અલગ કરીને ગરમાં થોડી ખાંડ અને લીંબુનો રસ નાખીને મિક્સ કરીને ફ્રિજમાં મૂકો. ૩-૪ દિવસ આરામથી ચાલશે. માત્ર ઠંડું પાણી અને થોડું શુગર સિરપ નાખીને પીઓ. લગભગ પાકા બીલાના પલ્પમાં ૫૦૦ ગ્રામ ખાંડ, ૧ નાની ચમચી લીંબુનો રસ નાખીને મિક્સ કરીને ગાળી લો, જ્યારે પણ પીવું હોય ત્યારે માત્ર ૨ ભાગ બીલા લઈ ૨ ભાગ ઠંડું પાણી તેમાં મિક્સ કરીને મિક્સ કરીને ફુદીનાના પાનથી સજાવીને સર્વ કરો.

– નીરા કુમાર.

વધુ વાંચવા કિલક કરો....