મર્દાનગી શબ્દ ભારતીય પુરુષ માટે ગૌરવની વાત રહી છે. તેઓ બધું જ ગુમાવી શકે છે, પરંતુ પોતાનું પૌરુષત્વ નહીં. પોતાની પત્નીને સહયોગ કરવાની તેમની આ તથાકથિત મર્દાનગીને કલંક લાગી જાય છે તથા પત્ની પર આધિપત્ય જમાવવાથી તેમની મર્દાનગીમાં વધારો થાય છે. તેઓ પ્રેમમાં પોતાનો જીવ આપી દેવા સુધીની વાત તો કરી શકે છે, પરંતુ પત્નીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા સ્વયંની નસબંધી કરાવવા વિશે તે વિચાર સુધ્ધાં નથી કરી શકતા જ્યારે મેડિકલ સાયન્સ તો આજે એટલી પ્રગતિ કરી રહ્યું છે કે પીડારહિત આ પ્રક્રિયા ગણતરીની મિનિટોમાં પૂરી થઈ જાય છે. તેમ છતાં હજારમાંથી કોઈ એક પુરુષ હોય છે જે નસબંધી માટે સહમત હોય છે અને તે પણ જાહેર કર્યા સિવાય, સગાંસંબંધી અને સમાજથી છુપાઈને. જ્યારે મહિલા નસબંધી તો ખુલ્લામાં શિબિર લગાવીને કરવામાં આવે છે. સરકાર પણ મહિલા નસબંધીનો જનપ્રચાર વધારે કરાવે છે. નસબંધી કરાવવા માટે મહિલાઓને રૂપિયા પણ મળે છે. ગ્રામીણ સંસ્થા ‘આશા’ પણ મહિલાઓને નસબંધીના લાભ અને ગેરલાભની માહિતી આપે છે. કેટલાક ગામમાં તો ટાર્ગેટને પૂરા કરવા માટે ટ્રકમાં મહિલાઓને ભરીભરીને શિબિરમાં લાવવામાં આવે છે અને મહિલાઓ પણ પૈસાની લાલચમાં અહીં આવી તો જાય છે, પણ યોગ્ય સારસંભાળ ન થવાથી ઘણી વાર દુર્ઘટનાનો ભોગ બનતી હોય છે. જેાકે આપણા દેશની આ વિડંબણા છે કે પરિવાર નિયોજનની સંપૂર્ણ જવાબદારી માત્ર મહિલાઓ પર જ છોડી દેવામાં આવી છે. મહિલાઓ પણ પુરુષને કોન્ડોમનો ઉપયોગ કરવા માટે નથી કહેતી, પરંતુ સ્વયં સમજ્યાવિચાર્યા વિના ઉપયોગ કરવામાં ખચકાટ નથી અનુભવતી. બાળપણથી જ ત્યાગ અને કર્તવ્યપાલનની જે જડીબુટ્ટી તેમને ઘસીઘસીને પિવડાવવામાં આવી હોય છે .

સરળ છે પુરુષ નસબંધી :
ડેનમાર્કમાં થયેલા એક સંશોધન પરથી માહિતી મળે છે કે ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરતી મહિલાઓ ઘણી વાર વિષાદમાં જતી રહે છે. આધુનિક મેડિકલ સાયન્સનું માનીએ તો બધા ડોક્ટર એમ જ કહેતા હોય છે કે મહિલા નસબંધીની સરખામણીમાં પુરુષ નસબંધી વધારે સરળ, સુરક્ષિત તથા ઓછી ખર્ચાળ હોય છે. પુરુષ નસબંધીમાં સ્પર્મને લઈ જતી ‘વાસડિફરન્સ’ નળી ને કાપી નાખવામાં આવે છે. તે માટે સર્જન સૌપ્રથમ અંડકોષની ઉપરની ચામડી પર સોય લગાવીને તેને બેભાન કરે છે, ત્યાર પછી એક ખાસ પ્રકારના ચીપિયાથી બારીક છેદ કરીને તે નળીને બહાર કાઢીને અંડકોષમાંથી વીર્યને પેશાબની નળી સુધી પહોંચાડવામાં આવે છે. પુન: આ થેલીને વચ્ચેથી કાપીને બંને કપાયેલા માથાને બાંધીને તેના મોં બંધ કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ૨૦-૨૫ મિનિટનો સમય થાય છે. વ્યક્તિને ન તો એનેસ્થેસિયાની જરૂર પડે છે કે ન તેણે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. આ પ્રક્રિયા કોઈપણ ચીરફાડ કર્યા વિના સંપન્ન થઈ જાય છે. આ પ્રક્રિયામાં થોડા કલાક પછી વ્યક્તિ ચાલીને પોતાના ઘરે જઈ શકે છે. આ પ્રક્રિયા ગર્ભનિરોધ માટે મહિલા નસબંધી જેટલી જ પ્રભાવશાળી હોય છે.

સેક્સ ક્ષમતા પર અસર :
પુરુષ નસબંધીથી વિપરીત મહિલા નસબંધીમાં મહિલાને લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે છે તથા એક ચીરો અને ટાંકા પણ લેવામાં આવે છે. મહિલાને સંપૂર્ણ રીતે સામાન્ય થવામાં ૧ અઠવાડિયું જેટલો સમય થાય છે. આ પ્રક્રિયામાં મહિલાને ઈંફેક્શન અને આંતરિક ભાગમાં ઈજા થવાનું પણ જેાખમ રહે છે. દૂરબીન પ્રક્રિયામાં તો સાધનો અંદાજથી અંદર નાખવામાં આવે છે. તેથી તેમાં કિડની બગડવાની અને આંતરિક રક્તસ્રાવ થવાની પણ શક્યતા રહે છે, જ્યારે પુરુષમાં આ પ્રકારની કોઈ સમસ્યા થતી નથી કે ન તેમની સેક્સ ડ્રાઈવમાં કોઈ ઘટાડો થાય છે.

જાગૃતિ જરૂરી :
તાજેતરમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘પોસ્ટર બોયસ’ માં પણ નિર્દેશક શ્રેયસ તલપડેએ આ સમસ્યાને ઉજાગર કરી છે. ફિલ્મમાં નાયકો પર નસબંધીની માત્ર શંકા થવાથી તેમના સામાજિક અને પારિવારિક જીવનમાં જાણે ધરતીકંપ આવી જાય છે. એક ગુનેગારની જેમ તેમણે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે કોર્ટ સુધ્ધાંનો સહારો લેવો પડે છે. ફિલ્મના અંતમાં મુખ્યમંત્રીના મોઢેથી પુરુષ નસબંધીનો સંદેશ અપાવવામાં આવે છે. આ ફિલ્મ એક રીતે તો પુરુષ નસબંધીને જે પ્રમોટ કરે છે અને એ સંદેશ આપે છે કે આ પ્રક્રિયાના લીધે પુરુષમાં કોઈ પણ પ્રકારની ખામી નથી આવતી કે ન તો તે કોઈ શરમજનક કૃત્ય છે, પણ પરિવાર નિયોજનના અન્ય સાધનોની જેમ તે પણ એક સાધન માત્ર છે.

– આરતી પ્રિયદર્શની.

વધુ વાંચવા કિલક કરો....