બ્રાઈડલ સીઝન આવી ગયો છે તેમ છતાં બ્યૂટિપાર્લરને પહેલાં જેવો બિઝનેસ નથી મળી રહ્યો, જેથી બ્યૂટિનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. જીએસટીથી મહિલાઓનું બ્યૂટિ એક્સપેન્સ પણ વધી ગયું છે. લખનૌના પોશ માર્કેટના બ્રાન્ડેડ બ્યૂટિપાર્લરમાં એક મહિલા કસ્ટમરે હેર કટિંગ અને હેર સ્પા કરાવ્યા. જ્યારે તેણે બિલ જેાયું ત્યારે તે ગુસ્સે થતા બોલી કે થોડા સમય પહેલાં તેણે આ બંને સેવા ઓછા ખર્ચમાં લીધી હતી. આ વાત સાંભળીને કાઉન્ટર પર બેઠી છોકરીએ સમજાવતા કહ્યું કે પહેલાં સર્વિસ ટેક્સ ૧૨ ટકા હતો, હવે જીએસટી ૧૮ ટકા થઈ ગયો, ટેક્સ વધવાથી બિલ એમાઉન્ટ વધ્યું છે. તે મહિલા આ વાત સમજી ન શકી. તે બિલનું પેમેન્ટ કરવા નહોતી ઈચ્છતી. તેથી તે બોલી, ‘‘તમે બિલ ના આપો, હું ટેક્સ નહીં આપું.’’ સલૂનવાળાએ કહ્યું, ‘‘બિલ વિના અમે કામ નથી કરતા, તમારે ટેક્સ ભરવો જ પડશે.’’ કેટલીય કચકચ પછી મહિલાએ બિલનું પેમેન્ટ કરી દીધું, પણ સલૂનમાંથી જતાંજતાં કહી ગઈ કે જેા તમે ટેક્સ બંધ નહીં કરો તો હવે તે ત્યાં સર્વિસ લેવા નહીં આવે.

જીએસટીથી મોટી મુશ્કેલી સલૂન વાળા સાથે વાત કરતા જાણવા મળ્યું કે જીએસટી લાગુ થયા પછી દરરોજ ગ્રાહકો સાથે આ રીતે કચકચ થાય છે. આ સ્થિતિમાં કેટલાક ગ્રાહક એવા બ્યૂટિપાર્લરમાં જાય છે જ્યાં કોઈ ટેક્સ નથી લાગતો. હકીકતમાં આ લોકો ગ્રાહકોને કોઈ બિલ નથી આપતા, પણ જીએસટી લાગુ થયા પછી આ પાર્લરે પણ તેમના રેટ વધારી દીધા છે, પરંતુ બ્રાન્ડેડ પાર્લરની સરખામણીમાં તેમનો રેટ ઓછો હોય છે. પોતાના ઠપ થતા બિઝનેસને બચાવવા માટે બ્રાન્ડેડ પાર્લરે નવી રીતે ગ્રાહકોને સમજાવવાનું શરૂ કર્યું છે. જીએસટી લાગુ થયા પછી પાર્લર સર્વિસના રેટ રિવાઈઝ થયા છે. આ રિવાઈઝ રેટમાં માત્ર ગ્રાહક દ્વારા લેવાતી સર્વિસના રેટ લખ્યા છે. તેની પર કોઈ ટેક્સ લેવાતો નથી. હેર કટિંગ અને હેર સ્પાનો ચાર્જ પહેલાં રૂપિયા ૫૦૦ અને ટેક્સ આપવો પડતો હતો તો રેટને રિવાઈઝ કરીને રૂપિયા ૬૦૦ લેવાય છે. આ રૂપિયા ૬૦૦ પર ગ્રાહક પાસે કોઈ ટેક્સ લેવાતો નથી. તેથી ગ્રાહકો સમજે છે કે હવે તે ટેક્સ નથી આપતા. તેના પૂછતા પાર્લર વાળા સમજાવે છે કે હવે કંપની જાતે ટેક્સ ચૂકવે છે. તમારા દ્વારા લેવાતી સર્વિસ પર ટેક્સ લેવાતો નથી. ગ્રાહક સાથે કચકચ તો બંધ થઈ ગઈ, પણ તેમને એ વાતનો અહેસાસ થઈ જાય છે કે પાર્લરે તેની સર્વિસના રેટ વધારી દીધા છે.

ગ્રાહકની સમસ્યા એ છે કે જેા તે અલગઅલગ સર્વિસ લેવા ઈચ્છે તો તેને ટેક્સ આપવાનું કહે છે અને જેા તે ૨-૪ સર્વિસવાળું પેકેજ લે તો તેની પર ટેક્સ લેવાતો નથી. ગ્રાહકોમાં રોષ ગ્રાહક કહે છે કે આવા પેકેજ તેમના ખિસ્સા પર ભારે પડે છે. મોટાભાગના ગ્રાહક હેર કટિંગ, ફેસિયલ માટે આવે છે. જેા તે બંને સર્વિસ અલગઅલગ લે તો ટેક્સ ચૂકવવો પડે છે અને જેા તેમાં ૧-૨ સર્વિસ લખીને પેકેજ બનાવી દેવામાં આવે તો ટેક્સ ન લેવાની વાત જરૂર કરવામાં આવે છે, પણ આ પેકેજનો ખર્ચ બેગણો થઈ જાય છે. સલૂન ચલાવનારના પોતાના અલગ તર્ક છે. તે જીએસટી માટે અવાજ ઉઠાવવાથી બચવા ઈચ્છે છે. તે કહે છે કે પાર્લર દ્વારા અપાતી સર્વિસ પર તે માત્ર ૧૮ ટકા જ ટેક્સ આપે છે. ત્યાર પછી પણ તેમણે કેટલીક પ્રોડક્ટ પર ૨૫ ટકા કે તેથી વધુ ટેક્સ આપવો પડે છે. આ સ્થિતિમાં તેઓ રેટ વધારે છે. સલૂન ચલાવનાર માને છે કે જીએસટી લાગુ થયા પછી બ્યૂટિ સર્વિસ જ નહીં, હેલ્થ સર્વિસ પણ મોંઘી થઈ ગઈ છે. તેની ગ્રાકહો પર ૨ રીતે અસર થઈ છે. એક તો ઓછા પૈસા આપવા માટે તે એવા પાર્લરમાં જવા લાગ્યા છે, જે હાઈજીન મુજબ યોગ્ય નથી અને બીજું તે નોનબ્રાન્ડેડ બ્યૂટિ પ્રોડક્ટનો પ્રયોગ કરે છે, જે હેલ્થ અને બ્યૂટિ બંને માટે સલામત નથી. પાર્લરમાં ચાર્જ વધારી દીધો નોનબ્રાન્ડેડ પાર્લરવાળાએ તેમના રેટ પહેલાં કરતા વધારી દીધા, પણ સર્વિસમાં સુધારો નથી કર્યો. અપર ક્લાસ ગ્રાહક થોડા દિવસમાં પાછા બ્રાન્ડેડ પાર્લરમાં આવવા લાગ્યા છે. તે મોંઘા પેકેજ લેવા મજબૂર છે. બ્યૂટિ પર થતો ખર્ચ પહેલાંની સરખામણીમાં વધી ગયો છે. નિયમિત આવા પાર્લરમાં જતી નેહા ત્રિપાઠી જણાવે છે, ‘‘જીએસટી હેઠળ ભલે ૧૨ ટકાથી વધીને બ્યૂટિપાર્લરમાં ટેક્સ ૧૮ ટકા થયો હોય, પણ તેની આડમાં પાર્લરોએ સર્વિસ રેટ વધારી દીધા, જેથી ગ્રાહકોનો ખર્ચ વધી ગયો. જ્યાં પહેલાં નોર્મલ રીતે ૧ મહિનામાં અઢી હજારનો રૂપિયાનો ખર્ચ કરતા હતા હવે ૪ હજાર સુધીનો ખર્ચ કરવો પડે છે. તેમાં મેકઅપનો ખર્ચ સામેલ નથી.’’ લગ્ન સીઝનમાં પણ ખાલી નોનબ્રાન્ડેડ પાર્લરમાં જતી પ્રિયંકા રાજપૂત જણાવે છે, ‘‘મને ખબર છે કે નોનબ્રાન્ડેડ પાર્લર ટેક્સ નથી આપતા. તેમ છતાં તે હાથથી લખીને પહોંચ આપે છે. આ પહોંચમાં પાર્લરનું નામ સુધ્ધાં નથી હોતું.’’ બ્રાન્ડેડ અને નોનબ્રાન્ડેડ પાર્લરમાં ચાલતી સર્વિસમાં દોઢથી ૨ ગણા સુધીનું અંતર હોય છે. પહેલાંની સરખામણીમાં બંને સ્થળે સલૂનની સર્વિસ લેતા વધારે પૈસા આપવા પડે છે. સામાન્ય રીતે મહિલાઓને લાગે છે કે સરકાર દ્વારા લેવાતા ટેક્સથી તેમને શું લેવાદેવા? તે એ નથી સમજાતી કે કોઈ પણ પ્રકારનો ટેક્સ હોય તેની અસર મહિલાઓ પર થાય છે. જીએસટી તેનું સૌથી પ્રબળ ઉદાહરણ છે. જીએસટી લાગુ થવાથી બ્યૂટિ ખર્ચ વધી ગયો છે, જેની અસર બ્રાઈડલ સીઝન પર થઈ છે.

પહેલાં બ્રાઈડલ સીઝનમાં ગ્રાહક મોટી સંખ્યામાં આવતા હતા, પરંતુ હવે તેમની સંખ્યા ઘટી ગઈ છે. મહિલા વેપાર મહાસંઘ લખનૌ પશ્ચિમ વિધાનસભાની અધ્યક્ષા અનીતા વર્મા જણાવે છે, ‘‘૫૦૦ ગ્રામના વેક્સના પેકેટ પર રૂપિયા ૨૫ થી ૩૦ કિંમત વધી ગઈ. આ સ્થિતિમાં વેક્સિંગનો રેટ જે પહેલાં રૂપિયા ૧૫૦ હતો તે પણ વધી ગયો. તેથી ગ્રાહકો હવે ઘરે જાતે વેક્સ કરે છે. કેટલીય વાર સારું પરિણામ નથી મળતું. દરેક બ્યૂટિ સર્વિસમાં આ રીતે જ રેટ વધ્યા છે, જેથી ગ્રાહકોની સંખ્યા ઘટી ગઈ છે. જે ગ્રાહક આવે છે તેમણે વધારે પૈસા ચૂકવવા પડે છે. મહિલા વર્ગનું કહેવું છે કે જીએસટીના ખોટા નિર્ણયની અસર તેમના અંગત જીવન પર થઈ રહી છે.’’

– શૈલેન્દ્ર સિંહ

વધુ વાંચવા કિલક કરો....