આરતીને ફરિયાદ છે કે લગ્નના ૮ વર્ષમાં તેના લગ્નજીવનનો પૂરો ચાર્મ ગાયબ થઈ ગયો છે. તેના પતિ અનુરાગને હવે કદાચ તેનામાં કોઈ રસ રહ્યો નથી. તે મોડી રાત્રે ઓફિસેથી આવે છે, ખાવાનું ખાય છે અને ઊંઘવા ચાલ્યો જાય છે. આરતીએ પોતાના દાંપત્યજીવનમાં રોમાન્સ પેદા કરવાની બધી રીત અજમાવીને જેાઈ લીધી. પતિને ખુશ કરવા માટે તે સાંજથી શણગાર સજવામાં જેાડાઈ જતી હતી. પતિને ગમતું ભોજન બનાવતી, બેડરૂમને પણ સજવતી. પોતે તો ખુશબૂદાર બનાવી દેતી, સાથે હળવી સુગંધ ધરાવતા રૂમ ફ્રેશનરથી પૂરા ઘરને પણ સુગંધીદાર બનાવી દેતી. તેમ છતાં પતિની અંતરંગના પ્રાપ્ત કરવાના તેના બધા પ્રયત્ન વ્યર્થ થઈ જતા હતા.

અનુરાગ થાકેલોપાકેલો ઓફિસેથી ઘરે આવતો ત્યારે એક ઊડતી નજર આરતી પર નાખીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જતો હતો. થોડો સમય પોતાના દીકરા રાહુલ સાથે રમતો અને ત્યાર પછી ખાવાનું ખાઈને ઊંઘવા ચાલ્યો જતો. હવે તો આરતીને પણ શંકા થવા લાગી હતી કે પોતાના લગ્નજીવનમાં કોઈ બીજી મહિલા આગ તો નથી લગાવી રહી ને. અનુરાગનો આવો વ્યવહાર તેનાથી સહન થઈ રહ્યો નહોતો. પ્રેમ અને સેક્સના અભાવમાં બંને વચ્ચેનું અંતર વધી ગયું હતું. ઘણા દિવસો સુધી અનુરાગ તેને સ્પર્શ સુધ્ધાં કરતો નહોતો. એક જ રૂમમાં એક પલંગ પર બંને કોઈ અપરિચિતની જેમ પડ્યા રહેતા હતા. આ સમસ્યા માત્ર આરતી અને અનુરાગની નથી, પણ દર ૧૦ માંથી ૩ કપલની રહી છે. પત્ની સમજી નથી શકતી કે તેનો પતિ તેની ઉપેક્ષા કેમ કરી રહ્યો છે? તે પોતાનાથી દૂરદૂર કેમ રહેવા લાગ્યો છે. તેને મનમાં શંકા પણ થવા લાગે છે કે શું પતિનું કોઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે.

આ માનસિકતા પત્નીઓને તાણથી વધારે ભરી દે છે. કેટલીક પત્નીઓ વિચારતી હોય છે કે કદાચ તેમના રંગરૂપ હવે પહેલાં જેવા મોહક નથી રહ્યા. તેઓ શણગાર સજતી હોય છે, કારણ કે પતિને પોતાના તરફ આકર્ષી શકે. વિવિધ પ્રકારના વ્યંજન બનાવતી હોય છે, જેથી પતિનો પ્રેમ પ્રાપ્ત કરી શકે, પરંતુ તેમ છતાં પતિનું દિલ પીગળતું નથી હોતું. હકીકતમાં, પત્ની પ્રત્યે પતિ દ્વારા ઉપેક્ષાનું કારણ હંમેશાં એ જ નથી હોતું, જેના વિશે પત્નીઓ વિચારી વિચારીને પરેશાન રહેતી હોય છે, પણ પ્રોબ્લેમ બીજેા કોઈ હોય છે. પતિ દ્વારા ઉપેક્ષા થવાનું કારણ તેમનામાં મેલ હોર્મોનની ઊણપ હોઈ શકે છે, જેથી પતિ શારીરિક સંબંધ બનાવવાથી દૂર રહેવા લાગે છે. આ વાતથી તેમને ડર રહેતો હોય છે કે પથારીમાં પોતે પત્નીને સંતુષ્ટ કરી શકશે નહીં અને ત્યાર પછી તેમના પર નપુંસકનો આરોપ લાગી જશે. તેઓ પત્નીની નજારમાંથી ઊતરી જશે. જે પત્નીને જાણ થશે કે તે તેને સંતુષ્ટ કરવામાં અક્ષમ છે તો તે કોઈ બીજા પુરુષનો સાથ શોધી લેશે અને છુપાઈને પોતાની શારીરિક જરૂરિયાત પૂરી કરવા લાગશે. આ બધા ડર પુરુષના મન પર હાવિ થાય છે અને પતિ મૌન ધારણ કરીને પત્નીથી અંતર બનાવી લે છે તેમજ પત્નીને તેની દ્વિધામાં ફસાયેલી રહેવા દે છે. હવે આ સ્થિતિમાં પતિ પણ પોતાની પત્નીને કેવી રીતે કહે કે પોતે તેને પથારીમાં સંતુષ્ટ કરવા લાયક નથી રહ્યો.

મૌન છે ખલનાયક :
જીવનસાથીને પોતાની ખામી વિશે ન જણાવી શકવાની વિવશતા અપરાધબોજ પેદા કરે છે, તેમ છતાં આશંકા અને માનહાનિના ભયથી તે મોં સીવેલું રાખે છે અને પોતાના દાંપત્યજીવનમાં અંતર અને વિખવાદ પેદા થવા દે છે. પતિ દ્વારા પોતાની શારીરિક સમસ્યા પર મૌનનો પડદો પાડી રાખવાથી દંપતી વચ્ચે ન માત્ર અંતર વધી રહ્યું છે, પણ કોઈકોઈ ઠેકાણે તો સ્થિતિ ડિવોર્સ સુધી જઈ પહોંચે છે. પૌરુષત્વની ખામીના લીધે પુરુષ ન માત્ર સેક્સથી દૂર રહેવા લાગ્યા છે, પણ નપુંસકતાના ડરથી પેદા થતી તાણના લીધે ઘણા પ્રકારની બીમારીનો પણ તેઓ શિકાર બની રહ્યા છે. તાજેતરમાં દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ૬૦ ટકા પુરુષો પોતાની યુવાનીમાં પોતાનું પૌરુષત્વ ગુમાવવાના કિનારા પર આવી ગયા છે.

દેશમાં ૪૦ વર્ષની ઉંમર સુધી પહોંચનાર પ્રત્યેક ત્રીજેા પુરુષ સેક્સ્યુઅલ હોર્મોનની ઊણપની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એટલે કે પ્રત્યેક ત્રીજી પુરુષ વ્યક્તિ ટેસ્ટેસ્ટેરોન ડેફિસિઅેંસી સિન્ડ્રોમ એટલે કે ટીડીએસથી પીડિત છે. હોસ્પિટલે કરેલ ૭૪૫ વ્યક્તિઓ પર કરેલા અભ્યાસમાં થયેલા આ વાતના ખુલાસાથી મેડિકલ જગતમાં હોબાળો મચી ગયો છે. ડોક્ટરોનું માનવું છે કે આ સમસ્યા સતત વધી રહીછે. હોસ્પિટલે ટીડીએસની જાણકારી મેળવવા માટે કોઈ પણ તપાસ કર્યા વિના માત્ર લક્ષણના આધારે જાણકારી મેળવી હતી. આ માટે શોધમાં સામેલ યુવાનોને ૧૦ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. સર્વે કરનાર ડોક્ટરોએ જણાવ્યું હતું કે સેક્સ પ્રત્યે રુચિ એટલે કે કામેચ્છા, ક્ષમતા એટલે કે સ્ટેમિના અને સ્ટ્રેંથમાં ઊણપ જેવા ૩ લક્ષણના આધારે ૪૮.૧૮ ટકા લોકોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર ઓછું જેાવા મળ્યું હતું, પરંતુ જ્યારે આ બધાનો બાયોકેમિકલ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે આ સંખ્યા વધીને ૬૦.૧૭ ટકા થઈ ગઈ હતી.

ટીડીએસનું જેાખમ :
સર ગંગારામ હોસ્પિટલના યૂરોલોજી વિભાગના ચેરમેન ડોક્ટર સુધીર ચડઢા જણાવે છે કે આ સ્ટડી પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આપણી જનસંખ્યામાં દર ત્રીજી વ્યક્તિ સેક્સ હોર્મોનની ખામીથી પીડિત છે. લોકો ડાયાબિટીસ, હાઈપરટેન્શન, વિટામિન ડીની ઊણપ, હાર્ટ ડિસીસ જેવી બીમારીથી પીડિત હોય તો તેમનામાં ટીડીએસ એટલે કે ટેસ્ટોસ્ટેરોનની ઊણપનું જેાખમ અનેક ગણું વધી જાય છે. ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં યૌન ક્ષમતાને જાળવી રાખનાર મહત્ત્વપૂર્ણ હોર્મોન છે. કોઈ પુરુષમાં તેની ઊણપથી સેક્સ સંબંધિત સમસ્યા પેદા થાય છે. ૪૦ વર્ષની ઉંમર પછી ટેસ્ટોસ્ટેરોનમાં દર વર્ષે ૦.૪ થી ૨.૬ ટકાનો ઘટાડો થવા લાગે છે. ભારતમાં ૪૦ વર્ષથી વધારે ઉંમરની પ્રત્યેક ત્રીજી વ્યક્તિ સેક્સ્યુઅલ હોર્મોનની ઊણપનો સામનો કરી રહી છે, જેથી પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવાથી દૂર રહેવાથી તેમના દાંપત્યજીવનમાં અંસતુષ્ટિ, શંકા, કડવાશ, તાણ અને અંતર વધી રહ્યું છે. ૪૦ વર્ષથી વધારે ઉંમર ધરાવતા એવા લોકો જેઓ ડાયાબિટીસ, હાર્ટ ડિસીસ, બીપી, વિટામિન ડીની ઊણપનો સામનો કરી રહ્યા છે. તેમણે દર વર્ષે ટીડીએસની તપાસ અવશ્ય કરાવવી જેાઈએ. સેક્સ સંબંધમાં અનિચ્છાનું મુખ્ય કારણ તો આ છે જ, સાથે તાણ, બીપી અને હાઈપરટેન્શનનું પણ જન્મદાતા છે. આ સ્ટડીમાં જેાવા મળ્યું છે કે જે લોકોને ડાયાબિટીસ નથી, તેમનામાં ટીડીએસનું સ્તર ૫૨.૮ ટકા અને ડાયાબિટીસ ધરાવનારામાં સ્તર ૭૧.૩ ટકા હતું. આ જ રીતે હાઈ બીપીના દર્દીમાં ટીડીએસનું જેાખમ ૭૨.૮૯ ટકા જેાવા મળ્યું હતું, જ્યારે નોન-બીપીવાળામાં ટીડીએસ માત્ર ૫૪.૮૬ ટકા હતું. કોરોનરી હાર્ટ ડિસીસના ૩૨ દર્દી પણ આ સ્ટડીમાં સામેલ થયા હતા. તેમાંના ૨૭ ટકા એટલે કે ૮૪.૩૦ ટકામાં ટીડીએસની બીમારી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, એવા લોકો જેમની ઉંમર વધારે છે અને તેઓ ડાયાબિટીસ, હાર્ટ ડિસીસ, બીપી, વિટામિન ડીની ઊણપનો સામનો કરી રહ્યા છે તેમણે દર વર્ષે ટીડીએસની તપાસ કરાવવી જેાઈએ.

શું છે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન :
ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને પિટ્યૂટરી ગ્રંથિ અને હાઈપોથેલેમસ નિયંત્રિત કરે છે. તેનો સ્રાવ અંડકોષમાં હોય છે. સેક્સ અને શુક્રાણુઓની સંખ્યા માટે આ હોર્મોન જવાબદાર હોય છે. ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં પૌરુષત્વના લક્ષણોને પેદા કરનાર મુખ્ય ઘટક છે. સરળ ભાષામાં કહીએ તો યુવાવસ્થામાં આ હોર્મોન એક છોકરાને પુરુષ બનાવે છે, જેવું કે ચહેરા પર દાઢીમૂછ આવવા, છાતી પર વાળ ઊગવા, અવાજ ભારે થવો, જનનાંગનું વિકસિત થવું, શરીર સુડોળ બનવું, માંસપેશી શક્તિશાળી બનવી, આ બધું આ હોર્મોનના લીધે થાય છે. શારીરિક અને મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય માટે આ હોર્મોન પુરુષો માટે ખૂબ જરૂરી છે. જેાકે ઉંમર વધવાની સાથે તે ઘટવા લાગે છે. એક સર્વે અનુસાર ૩૦ થી ૪૦ વર્ષની ઉંમર પછી તેમાં દર વર્ષે ૨ ટકાનો ઘટાડો થાય છે. જેાકે તેમાં થતો ક્રમિક ઘટાડો સ્વાસ્થ્ય સાથે જેાડાયેલ કોઈ સમસ્યા નથી, પરંતુ કોઈ ખાસ બીમારી, સારવાર અથવા ઈજાના લીધે આ હોર્મોન સામાન્ય કરતા ઘટી જાય છે, ત્યારે પરેશાની શરૂ થાય છે. અંડકોષમાં ઈજા, તેની સર્જરી, ક્લાઈનફેલ્ટર સિંડ્રોમ અને આનુવંશિક અનિયમિતતાના લીધે પિટ્યૂટરી ગ્રંથિ અને હાઈપોથેલેમસ પ્રભાવિત થાય છે, જેનાથી હાઈપોગોનેડિઝમની સ્થિતિ પેદા થતી હોય છે. ઈંફેક્શન, લિવર અને કિડનીમાં બીમારી, દારૂની ટેવ, કીમોથેરપિ અથવા રેડિયેશન થેરપિના લીધે પણ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે.

ટેસ્ટોસ્ટેરોનની ઊણપ :
દાંપત્ય જીવનમાં ઝઘડાનું કારણ બને છે. આ હોર્મોનની ઊણપના લીધે ઈચ્છવા છતાં પતિ પોતાની પત્નીને શારીરિક સુખ આપી શકતો નથી. સામાજિક બંધને જકડી રાખ્યા છે ભારતમાં સામાજિક બંધન અને શરમના લીધે પુરુષ ન તો પોતાની ખામી જાહેર કરે છે કે ન તેની સારવાર માટે ડોક્ટર પાસે જાય છે. તેનાથી વિપરીત શક્તિની દવાઓ, ઝાડફૂંક, યોગા અથવા આયુર્વેદ જેવી વસ્તુનો સહારો લે છે, જે તેમની સમસ્યામાં વધારો કરે છે. ટેસ્ટોસ્ટેરોનની ઊણપ એક પ્રકારની બીમારી છે, જેનો ઈલાજ એલોપેથીમાં સંભવ છે. મહિલાઓની જેમ પુરુષોમાં પણ સેક્સ હોર્મોન રિપ્લેસમેન્ટ સંભવ છે. માત્ર જરૂર છે સામાજિક બંધનોને ભૂલીને ડોક્ટર પાસે જવાની.

પત્નીને વિશ્વાસમાં લો :
તમારા જીવનસાથીનો તમારા જીવન પર પૂરો અધિકાર છે. તેનાથી પોતાની બીમારી, પોતાની ઊણપો અને ભૂલોને છુપાવશો નહીં. તેને વિશ્વાસમાં લો અને તેને જણાવો કે તમે કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો. જેા તમે યોગ્ય રીતે પત્નીને સમસ્યા જણાવશો તો ન માત્ર તમારું લગ્નજીવન બરબાદ થવાથી બચશે, પણ તમારી વચ્ચે બોન્ડિંગ પણ વધશે. જીવનસાથીનો સાથ અને વિશ્વાસ મેળવીને તમારામાં ડોક્ટર પાસે જવાની અને યોગ્ય સારવાર કરાવવાની હિંમત આવશે.

– નસીમ અંસારી કોચર

કેવી રીતે જાણશો આ ઊણપ :
આ ઊણપને એવા ઘણા લક્ષણ છે, જે પુરુષના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની ઊણપને પ્રદર્શિત કરે છે. યૌન સંબંધ બનાવવાની ઈચ્છા ન થવી એક સ્પષ્ટ સંકેત છે કે તમારામાં આ હોર્મોન ઓછો બની રહ્યો છે. તદુપરાંત જેા તમને થાક અને સુસ્તીનો અનુભવ વધારે પ્રમાણમાં થતો હોય તો આ પણ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઊણપનું લક્ષણ છે. વિષાદ, ચિંતા, ચીડિયાપણું, વધારે સમય સુધી એક્સર્સાઈઝ ન કરવી, યૌન અંગના ઉત્થાનની સમસ્યા પણ ટેસ્ટોસ્ટેરોનની ઊણપને દર્શાવે છે. આ જ રીતે દાઢીમૂછ ન ઊગવા, પરસેવો વધારે થવો, યાદશક્તિ ઘટવી અથવા એકાગ્રતામાં ઘટાડો થઈ રહ્યો હોય તો આ લક્ષણ પણ ટેસ્ટોસ્ટેરોનની ઊણપને દર્શાવે છે. લાંબા સમય સુધી હાઈપોગોનેડિઝમથી હાડકાને નુકસાન પહોંચાડવાનું જેાખમ રહે છે. ટેસ્ટોસ્ટેરોનની ઊણપથી હાડકાં નબળા પડવા લાગે છે અને ફ્રેક્ચર થવાની શંકા વધી જાય છે. તેથી જેવું તમે અનુભવો કે તમારામાં પૌરુષત્વ ઘટી રહ્યું છે કે તરત ટેસ્ટોસ્ટેરોનની તપાસ કરાવો અને તેની યોગ્ય સારવાર શરૂ કરી દો.

કેમ થાય છે ટેસ્ટોસ્ટેરોનની ઊણપ :
આજની ભાગદોડભરી જિંદગીમાં તાણ થવી સામાન્ય વાત છે. નોકરીનું ટેન્શન, પ્રમોશનનું ટેન્શન, સહકર્મી સાથેની ગળાકાપ પ્રતિસ્પર્ધાના લીધે શહેરોની તાણપૂર્ણ જિંદગીથી યુવા પેઢી પરેશાન થઈ ગઈ છે. તાણ ઘણી બીમારીનું મૂળ છે. ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઊણપ તાણના લીધે થાય છે. તદુપરાંત ફાસ્ટફૂડ કલ્ચરના લીધે વધી રહેલી સ્થૂળતા પણ આ હોર્મોનની ઊણપનું મુખ્ય કારણ છે. જેાકે સ્થૂળતાને કોઈ પણ દષ્ટિકોણથી યોગ્ય નથી માનવામાં આવતું. સ્થૂળતાનો અર્થ થાય છે ઘણી બીમારીને સ્વયં આમંત્રિત કરવી. ભારતીય વાતાવરણને અનુરૂપ ફળ, દાળ, લીલા શાકભાજી, જ્યૂસ, સેલડ જેવી વસ્તુ ખાવાના બદલે આજની યુવા પેઢી પાસ્તા, બર્ગર, પિઝા જેવી બિનસ્વસ્થકર વસ્તુથી પેટ ભરી રહી છે, જેથી બિનજરૂરી ચરબી તો શરીર પર વધી રહી છે, સાથે તેમાં યૂઝ થનાર સોલ્ટ જેવા કે અજીનોમોટો અથવા લાલ તીખું મરચું વગેરે આપણા સ્વાસ્થ્ય અને સેક્સ હોર્મોન માટે ખૂબ જેખમરૂપ છે. લાંબા સમય સુધી સાઈકલ ચલાવવી અવા લાંબા અંતર સુધી સ્કૂટર અથવા કાર ડ્રાઈવ કરવાથી અને લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી અંડકોષની આસપાસનું ઉષ્ણતામાન ખૂબ વધી જાય છે. તેથી ટેસ્ટોસ્ટેરોન બનવાની માત્રા તો પ્રભાવિત થાય છે, સાથે શુક્રાણુઓને પણ નુકસાન પહોંચે છે. તદુપરાંત અંત:વસ્ત્રો પર વધારે ધ્યાન આપવાથી પણ આ સમસ્યા પેદા થતી હોય છે. શરીરનું સામાન્ય ઉષ્ણતામાન જાળવી રાખવા માટે જરૂરી છે કે અંત:વસ્ત્રો એવા હોવા જેાઈએ જે હવાની આવજમાં અડચણરૂપ ન બને. વધારે ટાઈટ અંડરવેર પહેરવી પણ આ રોગને આમંત્રણ આપે છે. તેથી ઉત્તમ એ જ રહેશે કે જ્યાં સુધી તમે ઘરમાં છો, ત્યારે ટાઈટ અંડરવેરના સ્થાને સુતરાઉ કાપડમાંથી બનેલું અંત:વસ્ત્ર પહેરો. સાથે થોડી હળવી એક્સર્સાઈઝને પણ રોજબરોજની જિંદગીમાં સ્થાન આપો. એક્સર્સાઈઝથી તમારી તાણ દૂર થશે અને પૂરા શરીરનું બ્લડ સર્ક્યુલેશન પણ વધશે, જેનાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન બનવામાં મદદ મળશે.

વધુ વાંચવા કિલક કરો....