મે, ૨૦૨૨ ના છેલ્લા અઠવાડિયામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના કાર્યકર્તા સાથે વાત કરી રહ્યા હતા. તેમાંનો એક કાર્યકર્તા કંઈક કહેવા માટે ઊભો થયો ત્યારે મમતાથી રહેવાયું નહીં. તેમણે તેને પૂછી જ લીધું, ‘‘તમારું મધ્યપ્રદેશ કેમ આટલું મોડું થઈ ગયું છે. શું તમે બીમાર છો?’’ કાર્યકર્તા બિચારો સ્પષ્ટતા કરતો રહ્યો, પરંતુ મમતાએ તેનો પીછો ન છોડ્યો. વાસ્તવમાં અયોગ્ય આહારની ટેવના લીધે વધી ગયેલી ફાંદ ઘણા બધાની પર્સનાલિટીને જમીનદોસ્ત કરી દે છે. વધારે ખાવું અને પેટનું વધવું અનેક બીમારીને શરીરમાં પેદા કરે છે. આ સમસ્યાના લીધે આજે એક મહાકાય ફિટનેસ ઉદ્યોગ આ સ્થૂળતાને કંટ્રોલ કરવા માટે દુનિયાભરમાં ચાલી રહ્યો છે અને તેમાં અધધ કમાણી પણ થઈ રહી છે. આપણી ભૂખને સંતોષનાર, આપણા શરીરને ઊર્જા આપનાર, શરીરનું યોગ્ય પોષણ કરનાર અને પાક કુશળતાનો અનુભવ કરાવનાર યોગ્ય આહાર, આપણને સ્વસ્થ, આનંદિત અને સૌથી મહત્ત્વપૂર્ણ ફિટ અને ફાઈન રાખે છે, પરંતુ ક્યારેક-ક્યારેક અજાણતા અથવા તે સમયની માનસિક અથવા આસપાસની પરિસ્થિતિ અનુસાર કે પછી બીજા કોઈ કારણસર સરેરાશ ખોરાકથી વધારે પ્રમાણમાં ખવાઈ જાય છે. ખોટી રીતનું, ખોટી રીતે અને ખોટા સમયે ખોરાક લેવામાં આવે છે, જેનું પરિણામ ધીરેધીરે શરીર પર દેખાવા લાગે છે. પછી અચાનક આવેલા આ બદલાવનો અહેસાસ થવા લાગે છે, પરંતુ દેખાવા પણ લાગે છે અને ત્યાર પછી શરૂ થાય છે પોતાની સ્વયંની શોધ. ઘણી વાર આ શોધ અર્થહીન, કંટાળાજનક અને ક્યારેય પૂરી ન થનારી હોય છે. પછી તેના માટે શોધવામાં આવે છે અનેક ઉપાય, પરંતુ આ ઉપાયોથી ઘણી વાર માત્ર ને માત્ર નિરાશા જ હાથ લાગે છે. સ્થૂળતાથી લઈને સુડોળ કાયા એટલે કે આજની આધુનિક ભાષામાં કહીએ તો ‘ઝીરો ફિગર’. સુડોળ, સુંદર અને ફિટ દેખાવું કોને નથી ગમતું? બધા ઈચ્છે છે અને તેનું સપનું બતાવનાર અને તેને વાસ્તવિક ઓપ આપનાર ને દાવો કરનારા ઘણા બધા નામ અવારનવાર ચમકતા આપણી સામે આવે છે, પરંતુ તેમની પાસેથી આપણને જે જેાઈએ છે તે પ્રાપ્ત નથી થતું, પરંતુ કંઈક જુદું જરૂર મળી જાય છે.