આજકાલ બજારમાં હેર કેર સાથે જેાડાયેલ બધા પ્રકારના ઓઈલ અને શેમ્પૂ ઉપલબ્ધ છે. ઘણી બધી પ્રોડક્ટ એવી હોય છે જે વાળની ઉપરથી સંભાળ રાખે છે. વાળને થોડા સમય માટે કાળા અને ચમકદાર બનાવે છે, જેથી તે હેલ્ધિ દેખાવા લાગે છે. તેમાંની જે પ્રોડક્ટ કેમિકલ બેઝ હોય છે તેની ખરાબ અસર થોડા દિવસ પછી વાળ અને સ્કેલ્પને નુકસાન પહોંચાડવા લાગે છે. વાળ શુષ્ક અને નિસ્તેજ દેખાવા લાગે છે. જેાકે ઘણા લોકો હવે હેર કેર માટે ઘરેલુ ઉપાય અજમાવવા વધારે યોગ્ય માનવા લાગ્યા છે. તેઓ અરીઠા અને શિકાકઈમાંથી બનેલી પ્રોડક્ટ જેમ કે શેમ્પૂ અને હેર ઓઈલનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છે. જેાકે તેના ઉપયોગ વિશે જાણવું જરૂરી બની જાય છે.
અરીઠાનો ઉપયોગ વાળને ધોવા માટે કરવામાં આવે છે. આ કારણસર તેનો શેમ્પૂના ભાગ રૂપે વધારે પ્રયોગ કરવામાં આવે છે. અરીઠા ઝાડ પર થાય છે અને તેના ઝાડ પર ઉનાળામાં ફૂલ આવે છે, જે આકારમાં ખૂબ નાના હોય છે અને તેનો રંગ સામાન્ય લીલો હોય છે. અરીઠાના ફળ જુલાઈ ઓગસ્ટ સુધીમાં આવી જાય છે, જે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પાકી જાય છે. આ ફળને લોકો માર્કેટમાં વેચી દેતા હોય છે. સૂકવેલા આ ફળનો પ્રયોગ શેમ્પૂ, ડિટર્જન્ટ અથવા હેન્ડવોશ માટેના સાબુમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાળને મજબૂત, ચમકદાર અને ભરાવદાર બનાવવા માટે કરવામાં આવે છે.
અરીઠામાંથી ઓઈલ પણ નીકળે છે જેનો ઉપયોગ શેમ્પૂમાં એક ખાસ તત્ત્વ રૂપે કરવામાં આવે છે. તે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું રહે છે. જેા વાળમાં જૂ પડી ગઈ હોય તો અરીઠાના પ્રયોગથી જૂ બિલકુલ દૂર થઈ જાય છે. સૂકા અરીઠાને પેસ્ટ રૂપે પ્રયોગ કરવા માટે તેમાં ૧ ઈંડું, ૧ ચમચી આમળા પાઉડર, સૂકા અરીઠા અને શિકાકઈના પાઉડરને મિક્સ કરો. પછી આ પેસ્ટથી માથાની સ્કિન પર મસાજ કરો અને ૩૦ મિનિટ માટે તેને લગાવેલી રહેવા દો. પછી કોઈ હળવા શેમ્પૂથી માથાને ધોઈ લો. આ પ્રક્રિયાને ૨ મહિના સુધી અઠવાડિયામાં ૨ વાર કરવાથી તમારા વાળ ખરતા ઓછા થશે. અરીઠાનો પ્રયોગ કરતી વખતે ધ્યાન રાખો કે તે આંખથી દૂર રહે.