જીવનની ૫૫ વસંત જેાઈ ચૂકેલા નીતા આંટી આજકાલ એકલતાથી પરેશાન છે. બાળકો નોકરીને લીધે તેમનાથી દૂર બીજા શહેરમાં રહે છે. પતિ નોકરીની જવાબદારીના લીધે તેમને પ્રોપર સમય નથી આપી રહ્યા. બિચારા નીતા આંટી કરે તો શું કરે. આ ઉંમરે નીતા આંટી કોઈ નવી નોકરી પણ નથી કરી શકતા. ફ્રી સમયમાં તેમને એકલતા ખાવા દોડે છે. આ સ્થિતિ આજની વ્યસ્ત જીવનશૈલીમાં અનેક ગૃહિણીઓની થઈ છે. શરૂઆતમાં તેઓ ઘર અને બાળકની જવાબદારી નિભાવવાના લીધે નોકરી નથી કરી શકતા. પછી જવાબદારી પૂરી થતા પોતાના જીવનમાં ખાલીપો અનુભવે છે. હવે તે તેની એકલતાને દૂર કરવામાં સ્વયંને અસહજ જુએ છે. તે સમજી નથી શકતા કે છેવટે કરે તો શું કરે. ઘણી ઓછી મહિલાઓ પોતાના જીવનમાં આ વળાંક પર એક નવી શરૂઆત કરવાનું વિચારે છે. તેમને લાગે છે કે હવે તો જીવન પૂરું થઈ ગયું, હવે શું કરવાનું. હવે નવું કરીને શું કરીશું.

પ્રકૃતિ દરેક મનુષ્યને કોઈ ને કોઈ હુન્નર સાથે આ દુનિયામાં મોકલે છે. જરૂર છે બસ પોતાના તે હુન્નરને ઓળખવાની. આપણી આસપાસ એવા કેટલાય ઉદાહરણ મળશે. આપણે તેમની પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે. આ વાતને સત્ય પુરવાર કરી કુમારી દીપશિખાએ. તે એક ગૃહિણી હોવાની સાથેસાથે છેલ્લા ૧૦ વર્ષથી પોતાની સીવણ સંસ્થા ચલાવી રહ્યા છે. તે તેમના ઘરના એક રૂમમાં યુવતીઓ અને મહિલાઓને સીવણનું કામ શિખવાડે છે. તેનાથી તેને ખૂબ ખુશી મળે છે. તેમનું કહેવું છે કે આપણે મહિલાઓ આપણું જીવન ઘર સંભાળવામાં વિતાવી દે છે. પોતાનું ધ્યાન જ નથી રહેતું. જ્યારે આપણે જ આપણા શોખ અને હુન્નરને સામે લાવવા જેાઈએ. જેાકે આજે જમાનો આત્મનિર્ભરતાનો છે.

હુન્નર ઓળખો
મહિલાઓ તો હુન્નરની શાન હોય છે. કોઈ ગીત, તો કોઈ વાદ્યયંત્ર વગાડવાની કલામાં, તો કોઈ કુકિંગમાં એક્સપર્ટ હોય છે. કોઈ ચિત્રકલામાં પારંગત હોય છે, કોઈનું લેખન ઉત્કૃષ્ટ હોય છે તો કોઈ મેંદી ડિઝાઈનિંગમાં એક્સપર્ટ હોય છે. તેથી તમારી એકલતાને કહો બાયબાય અને હુન્નર ઓળખીને તેને નિખારો.

સંકોચ દૂર કરો
તમારા હુન્નરની શરૂઆતને લઈને મનમાં થતા સંકોચને દૂર કરો. શક્ય છે કે તમને પહેલી વાર સફળતા ન મળે કે પછી લોકો મજાક ઉડાવે, પરંતુ આ બધાને નજરઅંદાજ કરતા શીખો, તમે કોઈ કામ કરવાનું વિચાર્યું છે તો તેને પૂરા દિલથી કરો. તેનાથી આજે જે તમારી મજાક ઉડાવી રહ્યા છે કાલે તે જ સફળતા મળતા તમારી પ્રશંસા કરશે. નિશુ શ્રીવાસ્તવને સીવણનો જબરદસ્ત શોખ હતો, પરંતુ પોતાના શોખ માટે તેની પાસે સમય નહોતો. પછી બાળકો આવ્યા તો તેમના કપડાં સીવવાનો વિચાર આવ્યો. જ્યારે બાળકોને મમ્મીના હાથે સીવેલા કપડાં ગમ્યા તો તેમની માનસિકતા બદલાઈ ગઈ. આજે તે તેમના ફ્રી સમયમાં પોતાનો હુન્નર અજમાવે છે.

સ્કિલ્સ અપડેટ કરતા રહો
તમે તમારી પસંદ અને હુન્નરનું જે પણ કામ શરૂ કરો છો, તે આજના સમય મુજબ અપડેટ કરતા રહો, કારણ કે તમે આ બધું વર્ષો પહેલાં શીખ્યું હતું. આજે તેમાં થોડું પરિવર્તન કરી શકો છો. આ ટેક્નોલોજી યુગમાં તમારી કલાને થોડો ટેક્નિકી ટચ આપો. યૂટ્યૂબ અને ગૂગલ પર દરેક કલા સંબંધિત અનેક વીડિયો અને જાણકારી ઉપલબ્ધ છે. તેની મદદથી તમારી કલા નિખારો.

નજર ખુલ્લી રાખો
આજે ડ્રોઈંગ, કુકિંગ, હોમ ડેકોર એટલે કે દરેક કલાની બજારમાં ડિમાન્ડ છે. બસ જરૂર છે એક ખુલ્લી નજરની. આપણી આસપાસ તે કલાને રિલેટેડ કેટલાય નિષ્ણાત છે. તેમની પાસે કાઉન્સેલિંગ લો. એવા કેટલાય લોકો છે જેમણે કોઈ યુનિવર્સિટીની ડિગ્રી વિના સફળતા મેળવી છે. તેથી પૂરા આત્મવિશ્વાસથી આગળ વધો. આજે જરૂરી છે કે તમે તમારા વિશે પણ વિચારો. તમારી પસંદનું કામ કરો. શું ખબર તમારો હુન્નર તમને નવી ઓળખ આપે. તેથી તમારા હુન્નરને અજમાવો. તેનાથી તમારી એકલતા તો દૂર થશે જ તમારામાં આત્મવિશ્વાસ પણ વધશે. તેમાંથી તમને આવક પણ થશે.
– અલકા સોની.

વધુ વાંચવા કિલક કરો....