નવા વર્ષે દરેક વ્યક્તિ કંઈ ને કંઈ નવું કરવા ઈચ્છે છે, તેમાં ખાસ તો ગૃહિણી ઘરની સજાવટને જેાઈને ખૂબ ચિંતિત રહે છે. તે વિચારે છે કે નવા વષે એવું તે શું કરવું, શું બદલી નાખવું કે ઘરના દરેક ખૂણામાં નવીનતાનો અહેસાસ થાય? સૌથી ખાસ હોય છે ઘરનો ડ્રોઈંગરૂમ, જેમાં બહારના લોકો અને અંગત લોકો બેસતા હોય છે. તેઓ ડ્રોઈંગરૂમના લુકને જેાઈને ગૃહિણીની પસંદ, તેની સુઘડતા અને ક્રિએટિવિટીનો અંદાજ લગાવે છે. તેથી મોટાભાગની મહિલાઓ નવા વષે નવા સોફા, નવા પડદા, નવા ગાલીચા ખરીદીને ડ્રોઈંગરૂમના લુકને બદલવા ઉત્સાહિત રહે છે. તેઓ ઈન્ટીરિયર ડેકોરેટર્સ સાથે પણ વારંવાર ચર્ચા કરે છે અને તેમની સલાહ લે છે. જેાકે આ બધામાં તેમને સારા એવા પૈસા ખર્ચવા પડે છે.
નવા વર્ષે ઘરમાં ચેન્જ લાવો. તેમાં ન માત્ર તમારા પૈસાની બચાઓે, પરંતુ ઘરનો લુક એવો બદલો કે લોકો તમારી કાર્યકુશળતા અને કલાત્મકતાના વખાણ કરતા ન થાકે. તેની સાથે તમારા ઘરનો આ નવો લુક તમારા સગાંસંબંધી વચ્ચેના સંબંધને વધારે ગાઢ બનાવશે. તમે પણ પરસ્પર આત્મીયતાનો અનુભવ કરશો. તો આવો જાણીએ, શું છે આ નવો અંદાજ :

રૂમની શોભા
સામાન્ય રીતે મધ્યમવર્ગીય અથવા ઉચ્ચવર્ગીય ઘરમાં પ્રવેશ કરતા સુંદર ફર્નિચર, પડદા, શોપીસ વગેેરેથી સુસજ્જ ડ્રોઈંગરૂમ નજરે પડે છે. બંગલા અથવા હવેલીમાં પણ પહેલા બેઠક રૂમ સુંદર સોફાસેટ અને સેન્ટ્રલ ટેબલથી સજાવેલો જેાવા મળે છે. બારી-દરવાજા પર સુંદર પડદા, સાઈડટેબલ પર શો-પીસ, ફ્લાવર પોટ અથવા ઈન્ડોર પ્લાંટ્સ પણ રૂમની શોભા વધારે છે.
આજકાલ ટૂ બીએચકે અને થ્રી બીએચકે ફ્લેટમાં એક વિશાળ હોલમાં પાર્ટિશન કરીને સામેની તરફ ડ્રોઈંગરૂમ અને પાછળની તરફ ડાઈનિંગ રૂમ બનાવવામાં આવે છે. ક્યાંક ક્યાંક આ બંને પોર્શન વચ્ચે એક પાતળો પડદો લગાવીને બે ભાગ કરવામાં આવે છે, તો ક્યાંક ક્યાંક લોકોને તેની જરૂરિયાત નથી અનુભવાતી. ડ્રોઈંગ રૂમ અને ડાઈનિંગ એક જ હોલમાં હોય છે.
ડાઈનિંગરૂમમાં ડાઈનિંગ ટેબલ સાથે ખુરશી, વુડન શોકેસમાં સજાવેલી ક્રોકરી અને દીવાલમાં તિજેારી, મોટાભાગના ઘરની રૂપરેખા લગભગ આવી જ હોય છે. બેડરૂમમાં પણ મોંઘા બેડ, ડ્રેસિંગ ટેબલ, સાઈડ ટેબલ્સ, તિજેારી વગેરેથી સજ્જ હોય છે. પછી બાળકોનો સ્ટડીરૂમ, જેમાં કમ્પ્યૂટર ટેબલ અને ચેર, પુસ્તકો મૂકવાનું કબાટ, નાની સેટ્ટી, બેડ સ્ટૂલ, બીન બેગ જેવી ઘણી બધી વસ્તુ ભરેલી હોય છે. કોઈ નવું ઘર ખરીદો તો તેમાં ફર્નિચર પર થતો ખર્ચ લાખોમાં આવે છે. વિભાએ શ્રીમંત હોવા છતાં ઘરને સજાવવામાં ફર્નિચરને મહત્ત્વ આપ્યું નહોતું. તેના ઘરમાં નામમાત્રનું ફર્નિચર ક્યાંક ક્યાંક દેખાતું હતું. વિભાનું ઘર સંપૂર્ણપણે જમીન પર સજાવેલું છે. ડ્રોઈંગરૂમથી લઈને બેડરૂમ સુધી બધું ફરસ પર છે.

કલાત્મક અને શ્રીમંત લુક
વિભાના ઘરના ફાટકમાં પ્રવેશ કરતા જ હરિયાળીથી છલોછલ બગીચા વચ્ચે બનેલા પથ્થરનો એક રસ્તો પોર્ટિકો સુધી જાય છે. ૩ નાની સીડીના ટોપ પર એકની ઉપર એક મૂકેલા ૩-૩ કલાત્મક કળશ અને તેની પર મૂકેલા ફૂલ મહેમાનોનું સ્વાગત કરે છે. સીડી ચઢતા ડાબી સાઈડ પર જૂતા-ચંપલ ઉતારવાની વ્યવસ્થા છે, કારણ કે દરવાજા પાસેથી તેમનો પૂરો ડ્રોઈંગરૂમ સુંદર મખમખલી કાર્પેટથી આચ્છાદિત છે.
સામેની દીવાલથી લઈને અડધા રૂમ સુધી ઊંચા ગાદલા પર રંગીન ચાદર ઉપર વિભિન્ન રંગ અને ડિઝાઈનના ઘણા બધા તકિયા કોઈ રાજામહારાજાના દરબાર જેવો અહેસાસ કરાવે છે. વચ્ચેવચ્ચે ચા-પાણી વગેરેના કપ-ગ્લાસ મૂકવા માટે સામાન્ય લાકડાના જે નાના સ્ટૂલ્સ છે તેની ટોપ પર સ્વયં વિભાએ ઓઈલ પેઈન્ટથી સુંદર વેલબુટ્ટા કંડારેલા છે, જે દેખાવે ખૂબ કલાત્મક અને શ્રીમંત લુક આપે છે.
ડ્રોઈંગરૂમના બીજા ખૂણા પર નાના ગાદલા પર મખમલી ચાદર અને તકિયા લગાવીને એક મ્યૂઝિક કોર્નર બનાવવામાં આવ્યો છે. જ્યાં સિતાર અને હાર્મોનિયમ મૂકવામાં આવ્યા છે. નવરાશની ક્ષણમાં તે આ ખૂણામાં બેસીને સ્વયં રાગરાગિણીમાં ડૂબી જાય છે. કલાત્મક નેચર ધરાવતી વિભાના મોટાભાગના મિત્ર પણ ગીતસંગીતમાં રસ ધરાવે છે.
વીકેન્ડ પાર્ટી અથવા કોઈના જન્મદિવસના પ્રસંગે આવેલા મહેમાનો માટે મુખ્ય આકર્ષણ આ સંગીત કોર્નર હોય છે. સંગીતના સૂર રેલાતા બધા ગાવા માટે ઉત્સુક દેખાવા લાગે છે.
સુંદર તકિયાના સહારે ફરસ પર સજેલી મહેફિલ જે મજા આપે છે તે આનંદ મોંઘા સોફા પર બેસીને ક્યારેય માણી શકાય તેમ નથી. જમીન પર બધા સાથે બેસવાથી અજાણ્યા લોકો વચ્ચે ઘર જેવું વાતાવરણ બની જાય છે અને વાતચીતમાં આત્મીયતા આપમેળે પેદા થઈ જાય છે.

એકએક ખૂણો સુંદર દેખાય છે
ડ્રોઈંગ રૂમની એક દીવાલમાં બનાવવામાં આવેલા સેલ્ફમાં પ્રસિદ્ધ લેખકોના પુસ્તક ખૂબ વ્યવસ્થિત રીતે સજાવેલા છે, સેલ્ફની નીચે ૨ નાના બીન બેંગ મૂકેલા છે, જ્યાં શાંતિથી બેસીને પુસ્તકો વાંચવાનો આનંદ લઈ શકાય છે. ખૂણામાં મૂકેલી ટીપાઈ પર ફલાવર પોટમાં તાજા ફૂલ અને સુંદર કેન્ડલ સ્ટેન્ડમાં સુગંધિત કેન્ડલ્સ મૂકેલી છે. કુલ મળીને વિભાનો ડ્રોઈંગરૂમ એક સુંદર આશ્રમ જેવો લાગે છે.
ઘરની અંદર એક નાનકડા વરંડા સાથે ઓપન કિચન અને ડાઈનિંગ એકસાથે છે. ડાઈનિંગ હોલની ફરસ પર પણ કારપેટ બિછાવેલી છે. વિભાએ પ્રાચીન પદ્ધતિને અનુરૂપ ૧ ફૂટ ઊંચાઈના લાંબા પાર્ટને ડાઈનિંગ ટેબલનું રૂપ આપીને તેને રૂમની વચ્ચોવચ મૂકવામાં આવ્યું છે. તેની પર સફેદ ચાદર બિછાવીને વચ્ચે એક નાનકડું તાજા ફૂલોનું ફ્લાવર પોટ મૂકેલું છે. આ નીચા ટેબલની ચારે બાજુ બેસવા માટે કાર્પેટ પર ચોરસ ગાદી બિછાવવામાં આવી છે, જેની પર ખાવા માટે જૂની સ્ટાઈલમાં લોકો પલાઠી વાળીને બેસે છે. ફરસથી થોડો ઊંચો ઊઠેલો આ મંચ ફરસ પર બેસવાને વધારે આરામદાયક અને સુવિધાજનક બનાવે છે, ખાસ કરીને વૃદ્ધ લોકો માટે.
વિભા જણાવે છે કે જૂના ગ્રંથમાં ભોજન કરવાની આ રીતને ખૂબ ઉત્તમ માનવામાં આવી છે. કિચનમાંથી ગરમાગરમ ખાવાનું અને રોટલી આવતીજતી રહે છે અને ઘરના બધા સભ્યો એકસાથે નીચે બેસીને ભોજનની મજા માણે છે. વિભાના ઘરે આવનારા મહેમાનોને ભોજન પીરસવાની આ રીત બધાને ખૂબ આકર્ષિત કરે છે.

જૂના સમયની અલગ વાત
જૂના સમયને યાદ કરીએ તો ભારતીય ભોજન પદ્ધતિમાં પણ રસોડામાં ચૂલાની નજીક આસન બિછાવીને ગૃહિણી બધાને ભોજન પીરસતી હતી અને તવા પરથી ઊતરતી ગરમાગરમ રોટલી ૧-૧ કરીને બધાની થાળીમાં પીરસતી હતી.
વિભા પણ પોતાના મોટાભાગના કામ જમીન પર બેસીને કરે છે. તેનાથી તેના કૂલા, પગ અને ઘૂંટણને સારી કસરત મળી જાય છે. વિભાના ઘરના કોઈ પણ સભ્યને સ્થૂળતા અને સાંધાના દુખાવાની સમસ્યા નથી અને તેનું કારણ છે તેમની રહેણીકરણીની આ રીત, જેમાં બધા કામકાજ જમીન પર બેસીને કરવામાં આવે છે, ત્યાં સુધી કે આ ઘરમાં બધાની ઊંઘવાની વ્યવસ્થા પણ જમીન પર કરવામાં આવી છે.

બજારની ઝાકઝમાળ
પરંપરાગત રીતે ભારતીય ઘરોમાં લોકો હંમેશાં ફરસ પર ઓછી ઊંચાઈ પર બેસવાની પાટ મૂકતા હતા અથવા ફરસ પર બેસવાની વ્યવસ્થા કરતા હતા. જેાકે હાલના દિવસોમાં નાના થઈ રહેલા ઘરના લીધે ફર્નિચરના બદલે ફરીથી આ જૂની પરંપરા લોકપ્રિય થઈ રહી છે. આવું એટલે છે, કારણ કે જગ્યા રોકતા ફર્નિચરને દૂર કરવાથી રૂમમાં સારી એવી જગ્યા થઈ જાય છે અને વધારે લોકોને ત્યાં સમાવી શકાય છે.
ફરસ પર બેસવાથી ભારે, મોંઘા ફર્નિચરનો ખર્ચ બચી જાય છે અને આ બચતનો આપણે બીજા કોઈ જરૂરી કાર્ય માટે ઉપયોગ કરી શકીએ છીએ. દરેક વસ્તુ ફરસ પર હોવાથી નાના બાળકોનો ઊંચાઈથી પડી જવાનો કે તેની સાથે અથડાઈને ઈજાગ્રસ્ત થવાનો કોઈ ડર રહેતો નથી. ફરસ પર બેઠક રાખવાથી ઘરના નાના બાળકોની ચિંતા થવાની કોઈ શક્યતા રહેતી નથી.
યાદ કરીએ એ જૂના દિવસો જેમાં ઠંડીના નરમ તડકામાં ચટાઈ પાથરીને બેસતી હતી ત્યારે કેવી રીતે બધા ધીરેધીરે આવીને આ ચટાઈ પર બેસી જતા હતા. પછી તેની પર બધા સાથે બેસીને ખાવાનું ખાતા કે કોઈ નાસ્તો કરતા અને હસીમજાક કરતા ખુશીઆનંદમાં દિવસો પસાર કરતા હતા. આવી ઈન્ટીમસી મોંઘા ફર્નિચર પર બેસીને તો ક્યારેય પેદા નથી થતી. તો આવો, આ નવા વર્ષમાં પ્રવેશ કરતા આપણે પણ આપણા લોકો સાથે આત્મીયતા વધારીએ અને ઘરને ફર્નિચર મુક્ત કરી દઈએ.
– નસીમ અંસારી.

વધુ વાંચવા કિલક કરો....