યુવાનીના દરવાજા પર પગ મૂકી રહેલી દીક્ષાને હવે દુનિયા ખૂબ સુંદર લાગતી હતી અને હવે પછીની જિંદગી માટે તેણે અનેક સપના સજાવી રાખ્યા હતા. સમૃદ્ધ આર્મી ઓફિસરના પરિવારની સુંદર દીક્ષા એમ.એ. કરતી હતી. અંગ્રેજીના નવાજૂના લેખકોના પુસ્તકને વાંચવા દીક્ષાની હોબી હતી. તેને ગમતા પુસ્તક જે બુકશોપ પર મળતા હતા, ત્યાં બધા તેને સારી રીતે ઓળખતા થઈ ગયા હતા. ત્યાં તેની મુલાકાત અમર સાથે થઈ હતી. તેને જેાતા જ અમર તેની પાસે આવતો અને પુસ્તકો પસંદ કરવામાં તેને મદદ કરતો. તેના પિતા સેનામાં સિપાહી હતા. તે સેનામાં જવા ઈચ્છતો હતો, પરંતુ ભરતીમાં સફળ થઈ શક્યો નહોતો.
લાંબો, થોડો શ્યામ, મજબૂત કદકાઠી ધરાવતો અમર જ્યારે હસતો ત્યારે તેના ગાલ પર સુંદર ખાડા પડતા હતા, જેને જેાઈને દીક્ષાનું દિલ બેકાબૂ થઈ જતું હતું. શેક્સપિયર, કીટ્સ અને બર્નાર્ડ શોને વાંચતાંવાંચતાં દીક્ષા ક્યારે પ્રેમના પાઠ ભણવા લાગી તેની તેને ખબર જ ન રહી. જ્યારે તેના ઘરના લોકોને ખબર પડી ત્યારે ઘરમાં તોફાન મચી ગયું. મમ્મીપપ્પા જાણીજેાઈને ભૂલ કરવા માંગતા નહોતા. તેઓ કહેતા કે છોકરાનું મગજ બગડી ગયું છે, પરંતુ અમારે સમાજમાં રહેવાનું છે. લોકો કહેશે કે મેજર સબરવાલનો જમાઈ ઈન્ટરપાસ સેલ્સમેન છે.

બેકાર ગયું સમજાવવું
ઘરમાં બધાએ દીક્ષાને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ નિષ્ફળ રહ્યા. અંતે તેના ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, પરંતુ એવો પ્રેમ શું કામનો જે પ્રતિબંધને ચુપચાપ સહન કરી લે. પછી એક દિવસ રાત્રે ચુપચાપ પોતાની સૂટકેસ લઈને અમર પાસે પહોંચી ગઈ. કોર્ટમાં મિત્રોની હાજરીમાં અમર અને દીક્ષાએ લગ્ન કરી લીધા. જેાકે અમરના ઘરના લોકો તેમાં સામેલ થયા, પરંતુ દીક્ષાના પરિવારજનો માટે તે મરી ચૂકી હતી.
આ સમયગાળા દરમિયાન અમરના પિતા સેનામાંથી રિટાયર થઈ ગયા હતા. ૩-૪ વર્ષ પહેલાં તે અચાનક લકવાની બીમારીનો શિકાર થઈ ગયા, તેથી ઘરને ચલાવવા માટે અમરેે સેલ્સમેનની નોકરી કરવી પડી. તેની માનો સ્વભાવ ખૂબ કર્કશ હતો. દીકરી પણ તેની માના સૂરમાં સૂર મિલાવતી રહેતી હતી. દીક્ષા કોઈ પણ જાતનું દહેજ સાથે લાવ્યા વિના આવી હતી. તેથી તેને પૂરો દિવસ સાસુનણંદના મહેણાંટોણાં સાંભળવા પડતા હતા. અમર દીક્ષાને સાથ આપવાનો પ્રયાસ કરતો ત્યારે તેને વહુના ગુલામની પદવીથી વિભૂષિત કરવામાં આવતો હતો. અમરના પિતા તો ક્યારેય પોતાની કર્કશ પત્ની સામે કંઈ બોલી શકતા નહોતા. પત્નીના રૌદ્રરૂપને જેાતા બિચારા ડરીને ચુપ થઈ જતા હતા. હવે તેમનું સ્વાસ્થ્ય ઠીક થયું ત્યારે તેમણે ફરીથી પોતાની જૂની નોકરી પર જવાનું શરૂ કરી દીધું.
બીજી તરફ દીક્ષા પણ ઈચ્છતી હતી કે તેનો પતિ ભણીગણીને અધિકારી બને, પરંતુ અહીં ઘરનું વાતાવરણ ખૂબ તાણપૂર્ણ રહેતું હતું. એક દિવસ માર્કેટમાં તેની સાહેલી જયા મળી ગઈ. તેના આગ્રહ પર દીક્ષાએ પોતાની સાચી સ્થિતિ કહી સંભળાવી. જયાની મા સરિતા એક મેરેજ કાઉન્સેલર હતી. પછી જયા દીક્ષા અને અમરને પોતાની મા પાસે લઈ ગઈ.

ત્રીજાની જરૂર નથી
સરિતાએ બંનેને સમજાવ્યું કે જ્યારે તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે તો પછી બીજા કોઈને પોતાની વચ્ચે આવવા ન દેવા જેાઈએ. તેમણે અમરને કહ્યું કે આ તેની જિંદગીની શરૂઆત છે અને હવે ઘરમાં પિતા પણ કમાઈ રહ્યા છે. તેથી અમરે પણ અલગ રહીને પોતાનો અભ્યાસ પૂરો કરવો જેાઈએ. દીક્ષા પણ કોઈ જેાબ કરીને તેને મદદ કરી શકે છે. જેા દઢ મનોબળ હશે તો સફળતા મળવામાં વાર નહીં લાગે.
બંનેએ બીજા દિવસે એક અલગ રૂમ લીધો. માએ ખૂબ હોબાળો મચાવ્યો, પરંતુ તેમણે તેને મહત્ત્વ ન આપ્યું. દીક્ષાએ હવે નજીકની એક સ્કૂલમાં નોકરી શરૂ કરી લીધી. દીક્ષાના પરિવારજનોએ તેને માફ કરી દીધી હતી અને તેને મદદ કરી રહ્યા હતા. બીજી તરફ અમરે સારા માર્ક્સથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરીને સિવિલ સર્વિસિસની પરીક્ષા આપીને ઉત્તીર્ણ થતા આઈપીએસમાં તેની પસંદગી થઈ ગઈ. દીક્ષાનું સપનું પૂરું થયું, પરંતુ બધા સાથે આવું સુખદ નથી થતું.

પ્રેમ અને નફરત છુપાવ્યા છતાં છુપાતા નથી
જ્યારે રીના સમીરને પહેલી વાર મળી ત્યારે તેને લાગ્યું હતું કે તેના સપનાનો રાજકુમાર હવે મળી ગયો છે. ગોરો, હેન્ડસમ સમીર બિલકુલ ફિલ્મ સ્ટાર જેવો હતો. કોલેજમાં છોકરીઓ તેની પર મરતી હતી, પરંતુ તે રીના પાછળ પાગલ હતો. કહેવાય છે કે પ્રેમ અને નફરત લાખ છુપાવ્યા છતાં છુપાતા નથી અને થયું પણ એવું જ. કોલેજની ચાર દીવાલ ઓળંગીને તેમના પ્રેમના કિસ્સા રીનાના પપ્પાના કાન સુધી પહોંચી ગયા. તેમણે રીનાને સમજાવવાની ભરપૂર કોશિશ કરી. સમીરથી નાનો ૧ દીકરો અને ૨ દીકરી પરિવારમાં હતા. સમીરને હજી નોકરી મળી નહોતી. બીજી તરફ રીનાના પિતા ઉચ્ચ સરકારી અધિકારી હતા. પત્નીના મૃત્યુ પછી તેમણે રીના અને તેના ભાઈ રાજીવને માબાપ બંનેનો પ્રેમ આપ્યો હતો. તેમણે રીનાને ખૂબ સમજાવી હતી કે તે સમીરના પરિવારમાં ક્યારેય ખુશ નહીં રહી શકે.
લગ્ન પછી રીના જ્યારે સાસરીમાં આવી ત્યારે તેને બધાનો વ્યવહાર લગભગ ઠંડો લાગ્યો. લગ્ન પહેલાં જે લોકો તેને પ્રેમ અને માનસન્માન આપતા હતા તે લોકો હવે તેની સાથે સરખી રીતે વાત પણ કરતા નહોતા. સમીરે પણ રીનાને ખૂબ સમજીવિચારીને ફસાવી હતી કે રીનાના પિતા દહેજથી તેમનું ઘર ભરી દેશે, પરંતુ રીનાના પિતા તો એક ઈમાનદાર અધિકારી હતા અને આમ પણ તેઓ દહેજ પ્રથાની વિરુદ્ધમાં હતા.

ચહેરા પર મહોરુ
થોડા દિવસમાં સમીરના ચહેરા પર લગાવેલું મહોરુ ઊતરવા લાગ્યું. ઘરમાં સાસુનણંદ વાતવાત પર તેને મહેણાંટોણાં માર્યા કરતા હતા કે પાડોશના રામનાથની વહુ દહેજમાં કાર લાવી છે. ગુપ્તાના ઘરે લગ્નમાં રોકડા ૨૦ લાખ આવ્યા છે. આ બધું સાંભળીને રીના ખૂબ ગુસ્સે થતી હતી. જેા સમીરને કઈ કહેતી તો તે પણ તેને ઊલટુંસીધું બોલીને ઘરમાંથી બહાર નીકળી જતો હતો.
એક દિવસે રીના બજારમાં ખરીદી કરવા ગઈ ત્યારે સમીરને કોઈ છોકરીનો હાથ પકડીને હોટલમાંથી નીકળતા જેાઈને તેના પૂરા શરીરમાં જાણે આગ ફેલાઈ ગઈ. જ્યારે સમીર ઘરે આવ્યો ત્યારે રીનાના પ્રશ્નોનો જવાબ તેણે થપ્પડ અને લાતઘૂંસાથી આપ્યો. આ સમયે તેના ઘરવાળાએ પણ રીનાના બદલે પોતાના દીકરાને સાથ આપ્યો.
શોરબકોર સાંભળીને પાડોશી ભેગા થયા, ત્યારે રીના મારથી બચી શકી. તે જ પળે રીના પોતાની એટેચી ઉઠાવીને પિયરમાં આવી ગઈ. ઘરેલુ હિંસા અને દહેજના કાયદાની ફરિયાદ કરતા તેની સાસરીના બધા સભ્યોને જેલ થઈ ગઈ. જેાકે તેના પતિ સમીરને હજી જામીન નથી મળ્યા. બંને વચ્ચે ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે. આ જ રીતે બીજા એક કેસમાં વન્યા ખૂબ સુંદર છોકરી હતી. માબાપ અને ભાઈની ખૂબ લાડકી. પિતા એક ડિગ્રી કોલેજમાં પ્રોફેસર હતા, કોલેજમાં અભ્યાસ પૂરો થતા તેના માટે માંગાની લાઈન લાગી ગઈ હતી. તેના પિતાએ ખૂબ સમજીવિચારીને તેના માટે રાહુલની પસંદગી કરી. રાહુલ વિદેશથી ઉચ્ચ શિક્ષણ મેળવીને આવ્યો હતો અને હવે એક વિદેશી કંપનીમાં ઉચ્ચ પદ પર કાર્યરત હતો.

માત્ર શિક્ષણ અને કમાણી
વન્યાની માએ પતિને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે રાહુલ અને વન્યાની જેાડી ઠીક નહીં રહે, કારણ કે રાહુલનો રંગ ખૂબ શ્યામ અને દેખાવ સામાન્ય છે, પરંતુ તેના પિતાનું કહેવું હતું કે લગ્ન નક્કી કરતી વખતે છોકરાનો દેખાવ જેાવામાં નથી આવતો, તેનું શિક્ષણ અને કમાણી જેાવામાં આવે છે. સંસ્કારના બોજા તળે દબાયેલી વન્યા પોતાની પસંદનાપસંદને ખૂલીને માબાપને જણાવી ન શકી અને રાહુલ સાથે ૭ ફેરા ફરીને ચુપચાપ સાસરીમાં ચાલી આવી.
સાસરીમાં આવતા જ તેનું ગ્રાન્ડ સ્વાગત થયું, પરંતુ ઝાટકો તેને ત્યારે લાગ્યો, જ્યારે બંને હનીમૂન માટે મસૂરી ગયા. માલ રોડ પર બંને એકબીજાનો હાથ પકડીને ફરી રહ્યા હતા, બરાબર તે જ સમયે છોકરાની ટોળકી નીકળી અને તેમાંનું કોઈ બોલ્યું, ‘બ્યૂટિ એન્ડ ધ બીસ્ટ.’ એટલામાં બીજાએ કહ્યું, ‘‘અરે ના યાર, લંગૂરના હાથમાં અંગૂર.’ પછી બધા હસવા લાગ્યા.
સાંભળીને રાહુલનો ચહેરો અપમાન અને ગુસ્સાથી લાલ થઈ ગયો. વન્યાએ રાહુલનો હાથ દબાવીને તેને તેમની પાછળ જતા અટકાવ્યો. જેાકે આ ઘટના પછી રાહુલનો પૂરો મૂડ ખરાબ થઈ ગયો અને બીજા દિવસે તે મસૂરીથી પાછા ઘરે આવી ગયા. ઘરના લોકો સામે રજા કેન્સલ થવાનું બહાનું બનાવીને તે વન્યાને લઈને બેંગલુરુ આવી ગયો. અહીં મિત્રોએ તેના માટે એક સરપ્રાઈઝ પાર્ટી એરેન્જ કરી હતી. પાર્ટીમાં બધા લોકો વન્યાને જેાઈને આશ્ચર્યમાં પડી ગયા. રાહુલને આટલી સુંદર પત્ની મળવા પર અભિનંદન પાઠવી રહ્યા હતા.

લઘુતાગ્રંથિનો શિકાર
બીજી તરફ રાહુલ લઘુતાગ્રંથિથી પીડાઈ રહ્યો હતો. ધીરેધીરે આ લઘુતાગ્રંથી તેની પર એ હદે હાવી થઈ ગઈ કે તેણે વન્યાને પોતાની સાથે લઈ જવાનું બંધ કરી દીધું. વન્યાને કોઈની સાથે વાત કરતા જેાતો તો તેની પર ગંદા આરોપ મૂકવા લાગ્યો હતો. એક દિવસે રાહુલના બોસે નવપરિણીત દંપતીને પોતાના ઘરે ડિનર પર બોલાવ્યા. પતિપત્ની બંનેએ વન્યાના ખૂબ વખાણ કર્યા અને જતી વખતે તેની સાથે હાથ મિલાવ્યો. પછી ઘરે પરત ફરતા રાહુલ વન્યા પર ખૂબ ખરાબ રીતે ગુસ્સે થયો કે તું મારા બોસની સામે જેાઈને હસી રહી હતી, તેથી તેમણે તારો હાથ પકડી લીધો હતો. વન્યાએ વિરોધમાં જવાબ આપવાની કોશિશ કરી ત્યારે રાહુલે તેના પર હાથ ઉપાડી દીધો. આ તો રોજનું થયું. રાહુલ દરેક સાથે વન્યાના અનૈતિક સંબંધ જણાવતો અને તેની ખૂબ પીટાઈ કરતો.
વન્યાએ ક્યારેય પોતાના ઘરના લોકોને આ વિશે કંઈ જ જણાવ્યું નહોતું. એક દિવસે તેના ભાઈ પોતાના મિત્રની બહેનના લગ્નમાં બેંગલુરુ આવ્યા ત્યારે પોતાની બહેન વન્યાને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું અને અચાનક તેના ઘરે પહોંચી ગયા. તે સમયે રાહુલ ઓફિસ ગયો હતો. વન્યાની સ્થિતિ જેાઈને તેના ભાઈ ચોંકી ગયા. તે વિચારવા લાગ્યો કે શું હાલત કરી નાખી છે આ રાક્ષસે મારી ફૂલ જેવી બહેનની.
વન્યાનો ફિક્કો પડી ગયેલો નિસ્તેજ ચહેરો, ફાટેલા હોઠ અને ચહેરા પર પડી ગયેલા કાળા ધબ્બાના નિશાન જેાઈને ભાઈ વન્યાને ભેટીને રડી પડ્યા. તેમણે તે જ સમયે બહેન વન્યાને પોલીસ સ્ટેશન લઈ જઈને ફરિયાદ નોંધાવી દીધી અને તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો. વન્યાને તે પોતાની સાથે લઈ ગયા. આજે વન્યાનો પતિ રાહુલ જેલમાં છે અને વન્યા પિયરમાં પોતાના પિતાના ઘરે, જ્યાં તેની ડિપ્રેશનની સારવાર ચાલી રહી છે.

મેળ વિનાના સંબંધનું ઝેર
આસપાસ નજર કરશો તો કોણ જાણે અનેક ઉદાહરણ તમને જેાવા મળશે જ્યાં મેળ વિનાના લગ્નના લીધે અનેક દંપતી રોજ મરીમરીને જિંદગી જીવી રહ્યા છે. જેાકે આપણા સમાજમાં લગ્ન સંસ્થાનું ખૂબ મહત્ત્વ છે. લગ્નના બંધનને ૭ જન્મોનું બંધન માનવામાં આવે છે, પરંતુ ઘણી વાર આ જન્મમાં બંધનને નિભાવવું મુશ્કેલ થઈ જાય છે. પછી એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ જાણેઅજાણે મેળ વિનાના સંબંધનું ઝેર ક્યારેક ને ક્યારેક જીવનમાં ભળી જાય છે. બંને પાત્રો વચ્ચેની ઉંમરનું અંતર સંબંધમાં નુકસાનકારક સાબિત થાય છે. તેમાં પતિપત્નીના શોખ, વિચારવાનો દષ્ટિકોણ ખૂબ અલગ હોય છે.
દરેક યુવાન કે યુવતીનું એક સપનું હોય છે કે લગ્ન પછી તેનું પારિવારિક જીવન ખુશીઆનંદમાં પસાર થાય. જીવનસાથી દરેક સુખદુખમાં તેને પૂરેપૂરો સાથ આપે, પરંતુ ઘણી વાર મેળ વિનાના લગ્ન જિંદગીમાં એવી કડવાશ ભરી દેતા હોય છે, જેનું પરિણામ પતિપત્ની અને તેમાં પણ ખાસ તોે તેમના બાળકોએ ઉઠાવવું પડે છે. તેનાથી બચવા જરૂરી છે કે આંખ બંધ કરીને બીજા પર ભરોસો ન કરો, સાથીને બરાબર ચકાસો. ઘણી વાર સંબંધમાં મોટામોટા જુઠાણા બોલવામાં આવે છે.
આ સ્થિતિમાં લગ્ન પછી હકીકત સામે આવતા જીવનસાથી પરનો જીવનભરનો વિશ્વાસ નાબૂદ થાય છે. અહીં હું એ વાત પણ જણાવવા ઈચ્છીશ કે મેળ વિનાના સંબંધમાં દુખ માત્ર મહિલાએ જ નથી વેઠવું પડતું, પરંતુ ઘણી વાર પત્નીનું શિક્ષણ તથા વૈચારિક સ્તર, રહેણીકરણી, પહેરવેશ વગેરે પોતાના હાઈપ્રોફાઈલ સ્ટેટસ સાથે મેળ નથી ખાતા અથવા પત્નીની અપેક્ષા એટલી વધારે હોય છે કે પતિ તેની અપેક્ષાને પૂરી કરવામાં સમર્થ હોય અથવા પત્ની પતિ સાથે દુર્વ્યવહાર કરતી હોય છે. આ સ્થિતિમાં ઘણી વાર પુરુષ પણ ડિપ્રેશનનો શિકાર બની જાય છે.
લગ્ન પછી જેા તાલમેલ બેસાડવામાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો ફરીથી કોશિશ કરો, જિંદગી કુદરતે આપેલી એક સુંદર ભેટ છે, જે માત્ર એક વાર મળે છે, તેથી તેને ખૂબ સુંદર રીતે ભરપૂર ખુશીઆનંદમાં જીવો. જેાકે આજે ડિવોર્સ અથવા સેપરેશન કોઈ સામાજિક અપરાધ નથી રહ્યા. એક સાથીની સાથે જિંદગીની ગાડી ડગમગવા લાગે તો જિંદગીની યાત્રા પૂરી નથી થતી. ફરીથી કોશિશ કરવી જેાઈએ, પરંતુ માત્ર એટલું ધ્યાન રાખવું જેાઈએ કે ભવિષ્યના જીવનમાં જૂની ભૂલોનું ફરીથી પુનરાવર્તન ન થાય, જેથી જિંદગીના કેનવાસ પર ખુશીઆનંદ અને સંતોષના રંગ ભરાઈ જાય.
– બીના શર્મા.

વધુ વાંચવા કિલક કરો....