વાર્તા – શશિ શ્રીવાસ્તવ.

પથારીમાં ઊંઘેલી અંજલિની આંખમાંથી ઊંઘ માઈલો દૂર હતી. તે વિચારી રહી હતી કે તેના જીવનમાં આ ઊથલપાથલ કેવી રીતે થઈ? પૂરી રાત વિચારોમાં વીતી ગઈ.
તેણે સવારે ૧૦ વાગે ઓફિસે જવાનું હતું, પણ તેનું મન નહોતું. તે વિચારવા લાગી… ગયા વર્ષે તેના અમન સાથે ધામધૂમથી લગ્ન થયા હતા.
અમનને ઘણા સમય પહેલાંથી જાણતી હતી.
બંને કોલેજમાં સાથે ભણતા હતા.
હંમેશાં બંનેના ઘરના પરિવાર પણ હળતામળતા રહેતા હતા.
બંનેના પરિવારને આ લગ્ન મંજૂર હતા. તેથી લવ મેરેજ એરેન્જ મેરેજમાં ફેરવાતા વાર ન લાગી.
લગ્ન પછી અમને અંજલિને ખૂબ પ્રેમ અને માન આપ્યા. તેથી અમન સાથે લગ્ન કરીને અંજલિ સ્વયંને ખૂબ ખુશહાલ સમજી રહી હતી.
સમસ્યા ત્યારે થઈ જ્યારે તે રાત્રે ફોન આવ્યો.
ફોન અમન માટે હતો. કોઈ મહિલા હતી. તેણે કહ્યું. ‘‘પ્લીઝ અંજલિ, ફોન અમનને આપ.’’
ફોન સાંભળીને અમન બેચેન થઈ ગયો. અંજલિએ પૂછયું તો કહ્યું, ‘‘કાકીનો ફોન છે.’’ અને કહ્યા સાંભળ્યા વગર નીકળી ગયા.
સવારના ૪ વાગ્યે આવ્યો ત્યારે ઉદાસ અને પરેશાન હતો.
અંજલિએ તેને પરેશાન જોયો પણ અત્યારે પૂછવું યોગ્ય નથી. વિચાર્યુ કે આરામથી પૂછશે, પણ સવારે ઘરના કામથી તેને નવરાશ ન મળી અને રાત્રે પૂછે તે પહેલાં તેનો ફોન આવ્યો.
અંજલિના ફોન ઉઠાવતા જ તે મહિલાએ કહ્યું. ‘‘અંજલિ અમનને જલદી ફોન આપ.’’ અંજલિ બોલાવે એ પહેલાં જ અમને હાથમાંથી ફોન લીધો. અંજલિ કિચનમાં હતી.
થોડી વારમાં અમને કહ્યું, ‘‘ચિંતા ન કરો, હું હમણાં આવું છું.’’ અમન કોઈને કહ્યા વિના ગયો.
અમન અંજલિના વારંવાર પૂછવા છતાં કંઈ ન કહી શક્યો.
હવે જ્યારે ફોન આવતા અમન બહાર નીકળ્યો ત્યારે અંજલિ પણ સાવચેતીથી તેની પાછળપાછળ નીકળી ગઈ. તેણે નિશ્ચય કરી લીધો કે આજે હકીકત જાણીને રહેશે.
આ મહિલા કોણ છે? મને પણ ઓળખે છે. અમન તેના વિશે કંઈ કહેતો કેમ નથી?
શું ખોટું થઈ રહ્યું છે? અમન ની કાર જાણીતી હોટલ સામે ઊભી રહી. તે સીડીઓ ચઢીને ઉપરના માળે ગયો. અંજલિ પણ તેની પાછળ ગઈ.
અમન એક રૂમમાં ગયો અંદરથી દરવાજો બંધ થયો.
થોડી વાર પછી બંને બહાર ગયા. અંજલિ જાણવા ઈચ્છતી હતી કે આ બધું શું થઈ રહ્યું છે, પણ ઓફિસ માટે મોડું થાય. તેથી કમને ઓફિસ માટે નીકળી ગઈ.
તે ઓફિસ આવી પણ તેનું મન કામમાં લાગતું નહોતું. તેનું ધ્યાન તો હોટલના રૂમમાં થઈ રહેલ હલચલમાં હતું.
તે વિચારતી હતી કે શું અમન હજી હોટલમાં હશે અથવા ઓફિસ ગયો હશે.
તેણે અમનની ઓફિસમાં ફોન કર્યો ત્યારે ખબર પડી તે ૨ દિવસથી ઓફિસ નથી આવ્યો, અંજલિ આશ્ચર્યચકિત થઈ ગઈ કે જો ઓફિસ નથી જતો તો ક્યાં જાય છે?
ઘરેથી તો સમયસર ઓફિસ માટે નીકળી જાય છે, તેણે વિચાર્યું કંઈક તો ગરબડ છે.

અંજલિનો સમય અટકી ગયો.
તેણે નિશ્ચય કરી લીધો કે જે પણ થાય આજે ઘરે જઈને અમન સાથે સ્પષ્ટ વાત કરશે.
રાત્રે અંજલિ ઘરે પહોંચી ત્યારે અમનની ચિઠ્ઠી મળી.
તેમાં લખ્યું હતું કે ઓફિસના કામથી બહાર જઈ રહ્યો છું. ચિંતા ન કરતી. ૨ દિવસમાં પાછો આવીશ. ક્યાં ગયો છે તે પણ લખ્યું નહોતું.
અંજલિને ખૂબ ગુસ્સો આવતો હતો. ઓફિસથી ખબર પડી કે અમને ઓફિસમાં એ કહીને રજા લીધી હતી કે ઘરે કામ છે, પણ ઘરે કોઈ કામ નહોતું.
એક ફોન પણ ન કર્યો. ફોન કરીને જણાવી શકતો હતો કે તે ક્યાં ગયો છે?
પછી તેણે વિચાર્યું કે ફોન તો હું પણ કરી શકું છું ને. તેથી અમનને ફોન લગાવ્યો ત્યારે ફોન સ્વિચઓફ આવી રહ્યો હતો.
હવે તો અંજલિ ચિંતાગ્રસ્ત અને ગુસ્સે થઈ ગઈ કે તે હોટલમાં હશે તેની કાકી પાસે… કાકી… કાકી તો કોઈ સંજોગે ન હોય.
જો કાકી છે તો હોટલમાં કેમ રોકાયા. ઘરમાં પણ રોકાઈ શકતા હતા?
મને ઓળખે છે તો મને મળવા કેમ ન આવી?
જરૂર અમનની કોઈ પ્રેમિકા છે.
વિચારીને અંજલિને ચક્કર આવવા લાગ્યા કે હવે તેનું શું થશે?
પહેલાં જાણ કરવી પડશે, પછી શું કરવું છે, વિચારીશું, અંજલિએ નક્કી કર્યું. પણ ક્યાંથી શરૂઆત કરે? પછી યાદ આવ્યું કે અરે અમનનાં ભાઈભાભી તો કાકીને ઓળખતા હશે.
જો કાકી આવ્યા છે તો મોટાભાઈને પણ મળ્યા હશે.
સૌપ્રથમ ભાભી સાથે વાત કરું છું.
વિચારીને અંજલિ બીજા દિવસે વહેલી સવારે શહેરમાં રહેતી તેની જેઠાણી મીતાને ઘરે ગઈ.
અંજલિને જોઈને તેની જેઠાણી ખુશ થઈને બોલી, ‘‘અરે અંજલિ, આવ.
તું તો ઈદનો ચાંદ થઈ ગઈ છે. એકલી આવી છે? અમન ક્યાં છે?
નથી આવ્યો કે શું?’’ ‘‘ભાભી, ભાભી થોભો બધું જણાવું છું… અમન શહેરની બહાર ગયો છે.
હું ઘરમાં એકલી હતી. તમારી યાદ આવી આજે શુક્રવાર છે.
આજે મેં રજા લીધી. કાલે, પરમ દિવસે રજા છે જ.
હું તમારી પાસે આવી ગઈ. ભાઈ ક્યાં છે?’’ ‘‘તારા ભાઈ પણ બહાર ગયા છે. આપણે બંને મળીને ખૂબ મસ્તી કરીશું.’’ મીતાએ અંજલિને જણાવ્યું.
બંને વાત કરતાંકરતાં કામ પણ કરતી હતી.
અંજલિ કાકી વિશે પૂછવાની તક શોધી રહી હતી. મીતાએ વાતવાતમાં અંજલિને પૂછયું કે કોઈ ખુશખબર છે શું, અંજલિએ શરમાઈને હામાં જવાબ આપ્યો.
મીતાએ ખુશીથી અંજલિને ગળે લગાવી.
પછી મીતાએ પૂછયું, ‘‘ડિલિવરી માટે ક્યાં જઈશ પિયર? ના જવું હોય તો મારી પાસે આવી જજે.’’ ‘‘ના… ના… પિયર તો નથી જવાની.
તમે તો જાણો છો મમ્મી હવે પથારીવશ થઈ ગઈ છે.
તે હવે કામ કરી શકે તેમ નથી.
તમારે જ પરેશાન થવું પડશે.
આપણા સાસુસસરા જીવિત હોત તો મારે કંઈ વિચારવું જ ન પડે.’’ અંજલિએ કહ્યું.
‘‘તેમની કમી તો મને પણ ખૂબ લાગે છે, પણ શું કરીએ.
બંને ભાઈ ખૂબ નાના હતા ત્યારે એક દુર્ઘટનામાં મમ્મીપપ્પા ગુજરી ગયા.
બંને ભાઈએ કેટલા દુ:ખ ઉઠાવ્યા, પણ ત્યારે હિંમત રાખી અને આજે બંને પરિવાર કેટલા ખુશહાલ છે.’’ ‘‘શું કોઈ દૂરના સંબંધી કાકાકાકી પણ નથી, જેમને ડિલિવરી સમયે બોલાવી શકાય?’’ અંજલિએ પૂછયું.
‘‘ના. કાકી તો નથી, હા એક નાની હતા. જે ગયા વર્ષે ગુજરી ગયા હતા.’’ અંજિલનો હેતુ પૂરો થયો. તેને જે માહિતી જોઈતી હતી તે મળી ગઈ. તેમ છતાં વધારે જાણવા માટે તેણે પૂછયું, ‘‘કોઈ દૂરની બહેન પણ નથી? કોઈ બહેન હોત તો કેટલું સારું હતું?’’ ‘‘હા, બંને ભાઈને એક બહેનની કમી ખૂબ લાગે છે.
બહેનના નામે બંનેની આંખમાં આંસુ આવી જાય છે.
રક્ષાબંધનના દિવસે બંને ક્યાંક જતાં રહે છે. બધાના હાથમાં રાખડી જોઈને દુખી થાય છે.’’ અંજલિને ખબર પડી ગઈ કે અમનની કોઈ કાકી નથી.
તેનો સીધો અર્થ છે કે અમન ખોટું બોલીને તે મહિલાને મળવા જાય છે.
તેની પ્રેમિકા હશે.
બંને વચ્ચે અનૈતિક સંબંધ હશે.
હવે હું અમન સાથે ન રહી શકું. તેથી અંજલિએ બીજા દિવસે પાછા જવાની તૈયારી કરી લીધી.
મીતાએ તેને જવાની તૈયારી કરતા જોઈ તો કહ્યું કે રોકાઈ જા અમન આવે ત્યારે જતી રહેજે.
ખાલી ઘરમાં શું કરીશ?
પણ અંજલિ જરૂરી કામ છે હું પાછી આવીશ, કહીને મીતાને ચુપ કરાવી અને તેના પિયર જવા નીકળી પડી.
તેણે અમનને કંઈ જણાવ્યું નહીં.

ઓફીસના સરનામે એક પત્ર લખીને તેને જણાવી દીધું કે હવે તે ક્યારેય પાછી નહીં આવે.
પપ્પાએ અચાનક અંજલિને જોઈને પૂછયું, ‘‘અમન નથી આવ્યો? તું એકલી આવી છે.’’
અંજલિ ચૂપચાપ રડવા લાગી ત્યારે પપ્પાએ ગભરાઈને પૂછયું, ‘‘શું થયું, અમન સાથે ઝઘડો થયો કે શું?’’
‘‘પપ્પા, હું તે ઘર અને અમનને છોડીને આવી છું. હવે પાછી નહી જાઉં.’’
કહીને અંજલિ તેની મમ્મીને મળવા તેના રૂમમાં ગઈ.
બીજી તરફ અમન ૨ દિવસ પછી રાત્રે ૧૨ વાગે ઘરે આવ્યો ત્યારે દરવાજા પર તાળું મારેલું જોઈને વિચારમાં પડ્યો કે આ સમયે અંજલિ ક્યાં ગઈ હશે.
તેને ખબર તો નથી પડી ગઈ? ના… ના… આ શક્ય નથી.
જરૂર તેના પપ્પાના ઘરે ગઈ હશે, પણ કહી તો શકતી હતી ને. પછી તેણે વિચાર્યું કે તેણે ફોન કર્યો હશે.
ફોન ચાર્જ નહોતો તો મારી સાથે વાત કેવી રીતે થશે? હાલમાં ફોન કરવો ઠીક નથી.
કાલે સવારે જતી વખતે પહેલાં તેના પપ્પાના ઘરે જતો આવીશ.
૨ દિવસનો થાકેલો અમન એવો ઊંઘ્યો કે સવારે ૧૦ વાગે આંખ ખૂલી.
ઘડિયાળ જોઈને અમન બધું ભુલીને ઓફિસ જવા દોડ્યો.
ઓફિસમાં તેને અંજલિનો પત્ર મળ્યો.
પત્ર વાંચીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
તે અંજલિના પપ્પાના ઘરે ગયો.
તેણે અંજલિને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે કંઈ જ સાંભળવા તૈયાર નહોતી.
અમન ઘરે આવી ગયો.
દિવસો વીત્યા.
એક દિવસ જ્યારે ઘરનો ડોરબેલ રણક્યો ત્યારે અંજલિએ દરવાજો ખોલ્યો.
બહાર એક સુંદર મહિલા ઊભી હતી.
દરવાજો ખૂલતા જ તેણે તેમનો પરિચય આપ્યો. ‘‘હું અમનની…’’ હજી તેની વાત પૂરી નહોતી થઈ કે અંજલિ ગુસ્સે થઈ, ‘‘સારું, તું તે છોકરી છે જેના માટે અમને મને દગો આપ્યો.
તારી હિંમતના વખાણ કરવા પડે… અહીં સુધી આવી ગઈ. બોલ શું કહેવું છે?
છૂટાછેડાના કાગળ લાવી છે કે શું?’’ મહિલા અંદર આવીને થોડીવાર ચૂપચાપ બેસીને વિચારતી રહી. પછી બોલી, ‘‘વાત થોડી લાંબી છે. આરામથી સાંભળવી પડશે.
મારી વાત સાંભળીને તારો ગુસ્સો શાંત થઈ જશે અને તું અમનને મળવા દોડીને જઈશ.’’
‘‘સારું, કહો શું કહાણી બનાવી લાવ્યા છો?’’
અંજલિની વાતનું ખરાબ ન માનીને તેણે કહેવાનું શરૂ કર્યું, ‘‘હું અમન અને રમણની મોટી બહેન છું…’’ તેની વાત કાપીને અંજલિ બોલી, ‘‘તું ખોટું બોલી રહી છે.
અમન અને રમણની કોઈ બહેન નથી.
મને તો ક્યારેય જણાવ્યું નથી? મારાથી કેમ છુપાવે?’’
‘‘ન કહેવા પાછળ કોઈ મજબૂરી હશે?’’
‘‘એવી કઈ મજબૂરી કે બહેનને બહેન ન કહી શકે.
હોટલમાં રાખ્યા તે વિશે પત્નીથી છુપાવીને રાખે?’’ અંજલિ ગુસ્સામાં બોલી.
લાગે છે આજે વર્ષો જૂનું રહસ્ય ખોલવું જ પડશે. વિચારીને તે બોલી, ‘‘હું અમન અને રમણ ત્રણેય સગાં ભાઈબહેન છીએ.
એક દુર્ઘટનામાં મમ્મીપપ્પાના મૃત્યુ બાદ અમારો કોઈ સહારો નહોતો.
હું ૧૫ વર્ષની હતી. રમણ ૫ અને અમન ૩ વર્ષનો.
ઘર તો હતું પણ બાકીના ખર્ચ માટે મારે નોકરી કરવી પડી હતી.
નોકરી તો શું મળે. પેટની ભૂખે મને કોલગર્લ બનાવી દીધી.
પછી એક શેઠની મારી સુંદરતા પર નજર પડી અને તેમણેે મને એક અલગ ઘરમાં રાખી.
બદલામાં તેમણે મારો ને પરિવારનો ખર્ચ ઉઠાવ્યો, પણ એ શરતે કે હું મારા ભાઈને ક્યારેય ન મળું.
બસ તેમની બનીને રહું.
મેં તેમની શરત માની અને તેમણે મારા ભાઈને ભણાવીગણાવીને નોકરી પણ અપાવી.
આજે તેમનું સમાજમાં નામ છે તો તેમના લીધે.’’
‘‘સારું, પણ હું કેવી રીતે માનું કે તમે સાચું બોલો છો?’’ અંજલિએ પૂછયું, તે મહિલાએ પર્સમાંથી એક તસવીર કાઢીને બતાવી, તેમાં અમન અને રમણ સિવાય અંજલિના સાસુસસરા અને તે મહિલા પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી.
શંકાને કોઈ સ્થાન નહોતું. તેમ છતાં અંજલિએ પૂછયું, ‘‘આજ સુધી સામે નથી આવ્યા, ભાઈઓથી દૂર રહ્યાં તો હવે તેમના જીવનમાં આગ લગાડવા કેમ?’’ તું સાચું કહે છે. આગ તો લગાવી દીધી મેં તારા જીવનમાં…
વિશ્વાસ કર હું તો ગુમનામીમાં મરવા ઈચ્છતી હતી, પણ શેઠ ન માન્યા.

જ્યારે ડોક્ટરે તેમને સ્પષ્ટ જણાવી દીધું કે હવે તે મહિના ૨ મહિનાના મહેમાન છે તો તેમને મારી ચિંતા થઈ.
ઘરે તો નહોતા લઈ જઈ શકતા, તેથી અમન અને રમણને બોલાવી પૂરી વાત જણાવી અને મને સાથે લઈ જવાનું કહ્યું, કારણ કે મરતા પહેલાં તે મારી પૂરી જવાબદારી ભાઈઓને સોંપીને નિશ્ચિત થવા ઈચ્છતા હતા.
મેં ઈન્કાર કર્યો હતો, પણ તે માન્યા નહીં, કારણ કે હું કેન્સરના લાસ્ટ સ્ટેજ પર છું.
મને દેખરેખની જરૂર છે.
જોકે તે મારા નામે પ્રોપર્ટી કરીને ગયા છે.
હું વાયદો કરું છું કે હું મારો પડછાયો તમારી પર પડવા નહીં દઉં. બસ તું અમન પાસે જતી રહે.’’ પૂરી વાત સાંભળીને અંજલિએ ઊઠીને તેની નણંદ સીમાના પગ પકડીને કહ્યું.
‘‘જો અમન પહેલાં પૂરી હકીકત જણાવી દેત તો વાત વધતી જ નહીં.
ભલે હવે હું કહું તે કરવું પડશે. ‘‘તેની જેઠાણીને ફોન કરીને ઘરે બોલાવી લીધી.
બંને મળીને કાર્યક્રમ બનાવીને પોતપોતાના ઘરે ગઈ.
અંજલિને પાછી આવેલી જોઈ અમન ખૂબ ખુશ થયો.
તેણે તેની ભાભીનો અંજલિને પાછી લાવવા માટે આભાર માન્યો. તેને ક્યાં ખબર હતી કે અંજલિ તેની મરજીથી ઘરે આવી છે.
૨ દિવસ પછી રક્ષાબંધનનો તહેવાર હતો.
અંજલિએ અમનને અડધા દિવસની રજા લઈને લંચમાં ઘરે આવવા કહ્યું, જેઠ અને જેઠાણીને પણ લંચ માટે ઘરે બોલાવ્યા.
બજારમાંથી સુંદર રાખડી ખરીદી અને થાળી સજાવીને બધાની રાહ જોવા લાગી.
અમન અને રમણ સાથે ઘરે પહોચ્યાં, જ્યારે મીતા સવારે જ ઘરે આવી ગઈ હતી.
અમન અને રમણ અંદર જઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ઘર સજાવેલું હતું.
ટેબલ પર એક થાળીમાં રાખડી જોઈને બંનેએ એકબીજાના મોઢા જોયા, પછી અંજલિને પૂછયું, ‘‘આ બધું શું છે?’’ ‘‘તમે રક્ષાબંધનના દિવસે હંમેશા ઉદાસ રહેતા હતા, અમે તમારી ઉદાસીને દૂર કરવા માટે એક નણંદ બનાવી છે, આવો દીદી. તમારા ભાઈઓને રાખડી બાંધો.’’
અંદરથી તેમની બહેનને આવતા જોઈને બંને ભાઈ ગભરાઈ ગયા.
જ્યારે અંજલિ અને મીતાએ તેમને કહ્યું, ‘‘તમે શું સમજતા હતા અમને ખબર નહીં પડે? અમે તમારાથી નારાજ છીએ. અમને જણાવ્યું કેમ નહીં? તમે બંને અમને પારકા સમજતા રહ્યા. ઘર હોવા છતાં બહેનને હોટલમાં રાખી.’’
આ સાંભળી બંને ભાઈના જીવમાં જીવ આવ્યો.
બંનેએ અંજલિ અને મીતાની માફી માંગી.
સીમાએ ખુશ થઈને અમન અને રમણને રાખડી બાંધી.
અંજલિ અને મીતાએ કહ્યું, ‘‘બહેનને રાખડી બાંધવા પર ગિફ્ટ આપવી પડે છે યાદ છે કે નહીં? અમન અને રમણ બંને ખિસ્સું ખંખેરવા લાગ્યા ત્યારે સીમા દીદીએ બંનેના હાથ પકડીને કહ્યું, ‘‘આજે તો મને આ જીવનની અમૂલ્ય ભેટ મળી છે. આજે મને મારું પિયર મળી ગયું. હવે મને કોઈ વસ્તુની જરૂર નથી. તમારી સાથે બાકીનું જીવન શાંતિથી પસાર કરીશ.’’ અંજલિનું માથું ચૂમીને કહ્યું, ‘‘તારું અહેસાન હું જીવનભર યાદ રાખીશ. તેં મને ખુલ્લા દિલથી સ્વીકારીને મને ખુશી આપી છે.’’
આજે બધાના ચહેરા ખુશીથી છલકાઈ રહ્યા હતા.
આ વર્ષનો રક્ષાબંધનનો તહેવાર જીવનનો યાદગાર દિવસ બની ગયો.
વર્ષો પછી અમન અને રમણના હાથમાં ફરીથી રાખડી બંધાઈ હતી.

વધુ વાંચવા કિલક કરો....