અભ્યાસ પૂરો કરીને સિલ્કીને નોકરી શરૂ કર્યાને હજી ૭-૮ મહિના થયા હતા ત્યાં તો પાડોશીઓ અને સંબંધીઓએ તેનું જીવવું હરામ કરી દીધું હતું. ઘરપરિવાર અથવા આડોશપાડોશમાં કોઈ પણ જગ્યાએ લગ્નપ્રસંગ હોય કે પછી કોઈ ગેટટુગેધર હોય, તેને જેાતા જ પ્રશ્નોનો વરસાદ વરસતો હતો. ‘‘અરે સિલ્કી, અભ્યાસ પૂરો થઈ ગયો? ક્યાં જેાબ કરી રહી છે? કેટલું પેકેજ મળે છે?’’ ‘‘અરે બોલ, શું ચાલી રહ્યું છે આજકાલ…’’ આ પ્રશ્નથી તો સિલ્કી પણ ખૂબ ડરતી હતી, કારણ કે પછીનો પ્રશ્ન તે જાણતી હતી. ‘‘તો પછી લગ્ન ક્યારે કરી રહી છે? કોઈ છોકરો શોધી રાખ્યો છે કે શું, જેા એવું હોય તો જણાવ અમને?’’ ખાંસતી કોઈ પણ આંટી, ફોઈ અથવા માસીના આત્મીયતા પ્રદર્શિત કરતા આ પ્રશ્નથી સિલ્કીને ખૂબ ચીડ ચડતી હતી. પરિણામે તેણે ધીરેધીરે આવા પારિવારિક સમારંભથી સ્વયંને દૂર કરી લીધી. ‘‘અરે, જેના લગ્ન/જન્મદિવસ/મુંડનમાં ગયા છો તેની વાત કરો ને અને પ્લેટ ભરીને જમો. મારી જેાડી કેમ બનાવવા લાગો છો.’’ સિલ્કી મનમાં ગણગણતી. આ જ સ્થિતિ તેના મમ્મીની હતી. જ્યારે પણ ફ્લેટની મહિલાઓનું મુંડન એકઠું થતું ત્યારે તેમને જેાતા જ બધા મેરેજ બ્યૂરો ખોલી દેતા હતા, ‘‘મારો દીકરો સિલ્કીથી ૩ વર્ષ નાનો છે એટલે કે સિલ્કીની ઉંમર કેટલી થઈ.’’ એક બોલતી. ‘‘અરે, આ ઉંમરમાં તો મને ૨ બાળકો પણ થઈ ગયા હતા.’’ બીજી ગર્વથી બોલી. ‘‘જેા તારે હવે છોકરા જેાવા શરૂ કરી દેવા જેાઈએ.’’ ત્રીજીએ સમજાવતા કહ્યું. ‘‘ક્યાંક કોઈની સાથે તેનું ચક્કર ચાલતું નથી ને, તે કઈ જાતિ/ધર્મનો છે? ભાઈ આજકાલ તો છોકરીઓ પહેલાંથી કોઈને પટાવી લેતી હોય છે. સારું છે ને તારે દહેજ નહીં આપવું પડે.’’ ૨ દીકરાની મા અનીતા ઉદાસ સ્વરે કહેતી જાણે તેના ભલાભોળા દીકરાઓનો શિકાર કરવા માટે છોકરીઓ ભણતીગણતી ન હોય. હજી તો સિલ્કી આગળ ભણવા ઈચ્છે છે, એકાદ વર્ષ નોકરી કરીને તે આગળ ભણશે પહેલા… સિલ્કીની મા રડમશ સ્વરે કહેતી.

‘‘જુઓ, પહેલા લગ્ન કરાવી દો, પછી અભ્યાસ તો થતો રહેશે.’’ પછી એકે કહ્યું. ‘‘યોગ્ય સમયે લગ્ન થઈ જવા જરૂરી છે, નહીં તો પછીથી શોધતી રહી જઈશ.’’ બીજી ડરાવવામાં કઈ બાકી રાખતી નહીં. ‘‘જેા મારી દીકરી હોત તો ક્યારના હાથ પીળા કરીને નિશ્ચિંત થઈ ગઈ હોત. મારા દીકરાના તો ૨૫ વર્ષ પહેલાં લગ્ન કરાવી જ દઈશ, કારણ કે આજકાલની છોકરીઓ તો ખૂબ તેજ હોય છે. કોણ જાણે કોણ તેને પોતાની ચુંગાલમાં ફસાવી લે.’’ ૨ દીકરાની ઉદાસ મા પાછી પ્રવચન આપવા લાગતી. સિલ્કીની મા આ પ્રકારના શબ્દો સાંભળી શકતી નહોતી. પછી અહીંથી ચાલ્યા જવા સિવાય બીજે કોઈ માર્ગ બચતો નહોતો, પરંતુ શંકાના બીજ તો મગજમાં અંકુરિત થવા લાગતા કે શું હકીકતમાં છોકરીને વધારે ભણાવવી ખોટી છે કે પછી મોટી ઉંમરે લગ્ન કરવામાં ખરેખર કોઈ મુશ્કેલી આવશે? પગ ખેંચવામાં આગળ આ એ જ ૪ લોકો છે, જેમના ડરથી અથવા તો એમ કહો કે આ ૪ લોકોને ખુશ કરવા માટે નિર્ણય લેવામાં આવે છે. આ ૪ લોકોની વાત પર કોઈ છોકરીના સમય પહેલાં લગ્ન કરાવી દેવામાં આવે છે અથવા તો નોકરી છોડાવી આવતી હોય છે. આ લોકો છોકરા કરતા વધારે બીજા લોકોની છોકરીમાં રસ ધરાવતા હોય છે. આ જ ૪ લોકોને ખુશ રાખવા માટે ક્યારેક મોડી રાત્રે આવવા પર છોકરીને ઠપકો આપવામાં આવતો હોય છે, તો ક્યારેક કોઈ ડ્રેસ પહેરવા પર મનાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ શું હકીકતમાં આ ૪ લોકો ક્યારેય ખુશ થતા હોય છે? ના, ક્યારેય નહીં. તેઓ પગ ખેંચવામાં ભલે અગ્રેસર રહેતા હોય, પરંતુ કોઈના વખાણ કરવાના બે શબ્દો ક્યારેય તેમના મોંથી નથી નીકળતા. જેમ કે અહીં આપણે સિલ્કીની વાત કરી રહ્યા હતા.

ક્યારેક કોઈ સંબંધી કે ક્યારેક કોઈ પાડોશી સમયાંતરે આ વિશે ચર્ચા શરૂ કરી દે છે, તે પણ વિભિન્ન ઉદાહરણ સાથે કે જ્યાં ઉંમર વધી જવાથી છોકરીના લગ્ન નથી થતા અથવા તો છોકરીએ કોઈ ખોટું પગલું ભરી લીધું તો તાણગ્રસ્ત રહેતી સિલ્કીને મમ્મીએ આખરે કંટાળીને તેના માટે વર શોધવાનું શરૂ કરી દીધું. પછી તો થોડા જ મહિનામાં લગ્ન પતાવીને તેની મમ્મી એક દિવસ ફરીથી મહિલા મંડળમાં જઈને બેઠી ત્યારે પાછળથી ગણગણાટ સંભળાયો. ‘‘કેટલી ગેરવ્યવસ્થા હતી સિલ્કીના લગ્નમાં.’’ એક મહિલાએ કહ્યું. ‘‘મને તો સ્વીટ ડિશ મળી જ નહોતી. જેા વ્યવસ્થા ન થઈ શકતી હોય, તો પછી આટલા બધા લોકોને બોલાવવાની શું જરૂર હતી.’’ બીજી ગણગણી. ‘‘છોકરાને જેાયો, મને તો તે મોટી ઉંમરનો દેખાતો હતો.’’ ત્રીજી બોલી. સિલ્કીની મમ્મી વિચારી રહી હતી કે તેણે સિલ્કીના લગ્ન આ લોકોની સલાહ અનુસાર કરાવી દીધા હતા, તેથી વખાણ કરશે લગ્નના, પરંતુ અહીં તો જુદી જ કોઈ રેકોર્ડ સંભળાતી હતી કાને. અંદરથી ચિડાતા, પરંતુ ચહેરા પર હાસ્ય સાથે તેઓ પાછળ ફર્યા અને કહ્યું, ‘‘બહેન, શું સમાચાર છે તમારા દીકરાના? કાલે તેને બજારમાં જેાયો હતો. કોઈ છોકરી તેની મોટરસાઈકલ પાછળ બેઠી હતી.’’ ‘‘અરે… એ તો… હા, દીકરો કહી રહ્યો હતો કે તેની ઓફિસની જ કોઈ છોકરી છે, જે જબરદસ્તી તેને ગળે પડતી રહે છે.’’ પણ સાંભળીને છોકરાની માના ચહેરાનો રંગ ઊડી ગયો. હવે ૪ લોકો સામે તેનું નાક કપાઈ રહ્યું હતું ને. પછી વાતચીતનો વિષય સિલ્કીના લગ્ન પરથી બીજા વિષય તરફ વળી ગયો. માત્ર અફસોસ જ્યાં ૪ લોકો ભેગા થાય ત્યાં ૪ વાતો તો થશે જ. દેશવિદેશ, રાજ્યમાંથી પસાર થતા ચર્ચાનો વિષય પોતાની આસપાસ રહેતો હોય છે. મહદ્ અંશે તે લોકો પર જેમની ગેરહાજરી હોય છે. પછી બીજાના જીવનમાં દખલ કરવી હંમેશાં પ્રિય વિષય રહ્યો છે. આ વાત માટે માત્ર મહિલાઓને જવાબદાર ન ઠેરવવી જેાઈએ, પુરુષો પણ આ જવાબદારી એટલા જ ઉત્સાહથી નિભાવે છે. પરંતુ આપણે તો અહીં સિલ્કીની વાત કરી રહ્યા છીએ.

સિલ્કીના મમ્મીને લાગ્યું કે તેમણે દીકરીના લગ્ન કરાવી દીધા. તેને આગળ ભણવા ન દીધી. હવે ૪ લોકો આમ થતા ખુશ થશે અને તે એક ઉદાહરણરૂપ બની જશે આ ૪ લોકો વચ્ચે, પરંતુ અફસોસ એવું કંઈ જ ન થયું, પરંતુ વર્ષ દોઢવર્ષ પસાર થતા આ લોકો તેને પ્રશ્નોના પાંજરામાં ઊભી કરવા લાગ્યા હતા. ‘‘સિલ્કી મજામાં તો છે ને? લગ્ન પછી તે ખુશ તો છે ને?’’ એકે પૂછ્યું. ‘‘કેટલાં વર્ષ થઈ ગયા તેના લગ્નને? ખુશખબર ક્યારે સંભળાવી રહી છે?’’ બીજી વાતો જાણવા ખૂબ ઉત્સુક થઈ ગઈ હતી. ‘‘અરે, હજી તો નવીનવી નોકરી જેાઈન કરી છે તેણે. પહેલા બરાબર સેટલ તો થવા દે.’’ સિલ્કીની માએ સમજાવવા ઈચ્છ્યું. ‘‘યોગ્ય સમયે બાળકો થઈ જવા જેાઈએ, નહીં તો જીવનભર પસ્તાવું પડશે. કોણ જાણે કઈકઈ દવા લોકો ખાઈ લેતા હોય છે કે પછી ગર્ભધારણ નથી કરી શકતા.’’ ૪ બાળકની મા મફતમાં પોતાની સલાહ આપવા લાગી હતી. પછી તો સિલસિલો ચાલી નીકળ્યો જાતજાતના ઉદાહરણનો, જ્યાં છોકરીને બાળક થવામાં મુશ્કેલી પડી હતી. ૪ લોકો બેસીને પોતાના જ્ઞાનના પટારામાંથી મોતી લૂંટાવા લાગ્યા હતા. હવે સિલ્કીની મા સમજી ગઈ હતી કે કોઈ તર્ક નથી આ લોકોની શિખામણનો. જેાકે તેઓ પણ હવે હોશિયાર થઈ ગયા હતા. તરત વાતને બીજી તરફ વાળતા તેમણે પોતાના પ્રશ્નોના તીર ચલાવી દીધા. પછી તો બધાં તીર એ તરફ વરસવા લાગ્યા અને આ સમય દરમિયાન સિલ્કીની માને નાની બનવા હેતુ દીકરીને સમજાવવા જેવી ટિપ્સથી રાહત મળી ગઈ. જ્યારે તે હોશિયાર થઈ જ ગઈ હતી ત્યારે તેને પણ આ ૪ લોકોની સંગત ગમવા લાગી. આ ૪ લોકો સાથે બેસીને તે પણ બીજાને જ્ઞાનની વાત શીખવવા લાગી. ખરેખર હવે તો તેને પણ આ સમયે અદ્વિતીય સુખનો અનુભવ થવા લાગ્યો હતો જ્યારે તે વિના માંગે કોઈને સલાહ આપતી હતી. ૪ લોકો સાથે કોઈ પાંચમાને શરમજનક સ્થિતિમાં મૂકી દેવા, તેની ખોટી વાત કરવી જેવા સ્વર્ગીય આનંદનો રસ હવે તો તે પણ લેવા લાગી હતી. અંગત જીવનમાં ચંચૂપાત હવે સિલ્કીની મા પણ વિચારતી નહોતી કે કોઈને વારંવાર ટોકવા કે તેમની દીકરી અથવા દીકરાના લગ્ન કેમ નથી થતાથી કોઈની પર આ વાતની કેટલી અસર થશે.

બીજા પાસેથી ખુશખબર સાંભળવા માટે આતુર તેમનું મન હવે એક ક્ષણ માટે પણ વિચારતું નહોતું કે કયા કારણસર કોઈ મા નહીં બની શકતી હોય. આસપાસની નાનામાં નાની વાતને જાણી લેવાની પ્રવૃત્તિ તેને સંકોચ રાખવા નથી દેતી કે તે કોઈના અંગત જીવનમાં ચંચુપાત કરી રહી છે. બાળકો ભલે ને ફેલ થઈ રહ્યા હોય, પરંતુ બીજાના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષામાં કેટલા માર્ક્સ લાવ્યા છે, આ ઉત્સુકતા તે ૪ લોકો સાથે અચૂક જાહેર કરે છે. સાસુને ભલે ને ખાવાનું ન આપી શકતી હોય. સિલ્કીની માને મન તો અનીતાની વહુ કેમ પિયર જતી રહી તે વાત જ પ્રિય વિષય રહે છે. હવે તો સિલ્કીની માને પણ ખબર ન રહી કે તે પણ આ ૪ લોકામાં સામેલ થઈ ગઈ છે, જેમનાથી લોકો બચવા ઈચ્છે છે, જેમની વાતને કોઈ ગંભીરતાથી નથી લેતું અને જેમનું તો કામ જ છે કે કંઈ ને કંઈ કહેતા રહેવાનું. બેગાની શાદી મેં અબ્દુલા દીવાના ટાઈપ તેમના વ્યવહારને લોકો તો માત્ર સાંભળે છે, પરંતુ કરે છે તો પોતાના મનનું જ.

– રીતા ગુપ્તા.

વધુ વાંચવા કિલક કરો....