ઘણુંખરું મહિલાઓ પોતાના બોડી શેપને લઈને પરેશાન રહેતી હોય છે. તેમનું માનવું હોય છે કે જ્યાં સુધી તેમનો બોડી શેપ પરફેક્ટ નહીં હોય ત્યાં સુધી તે સ્ટાઈલિશ નહીં દેખાય. શરીરનો આકાર, રંગ, રચના સુંદરતાની ઓળખ હોય છે. જેા તમે પણ આવું વિચારો છો તો જરા ધ્યાન આપો. જ્યારે વાત કપડાની આવે છે ત્યારે તમારા શરીરના આકારનું મહત્ત્વ નથી હોતું, પરંતુ મહત્ત્વ છે કે તમે કેવા ફિટિંગના કપડાં પહેરો છો. તમારો બોડી શેપ ગમે તેવો હોય, પણ જેા તમે તેને અનુરૂપ યોગ્ય અને સ્ટાઈલિશ કપડાં પહેરો છો તો તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે સુંદર દેખાશો. આવો, જાણીએ ફેશન ડિઝાઈનર આશિમા શર્મા પાસે કે આ પ્રકારના બોડી શેપને કેવી રીતે ઓળખશો અને તે પ્રમાણે યોગ્ય અને સ્ટાઈલિશ કપડાની પસંદગી કેવી રીતે કરવી :
બોડી શેપ ૫ પ્રકારના હોય છે :
એપલ શેપ :
આ શેપ ધરાવનારનો શરીરનો આકાર નીચેની તુલનામાં ઉપરથી ભારે હોય છે. આવા શરીરનું મોટાભાગનું વજન હિપ્સના ઉપરના ભાગમાં હોય છે. એપલ બોડી શેપ ધરાવતી મહિલાના ખભા અને છાતીકમર થોડા પહોળા હોય છે, તેથી કપડાં એવા લેવા કે આ ભાગ પર લોકોનું ધ્યાન ઓછું જાય અને તમારું સૌંદર્ય ઊભરે. પગને દર્શાવે તેવો અથવા તો ડીપ વી ગળાનો ડ્રેસ પસંદ કરી શકો છો. આમ કરવાથી તમારું ઉપરનું શરીર લાંબું દેખાશે. ઉપરના ભાગથી લોકોનું ધ્યાન હટાવવા પ્રિન્ટેડ ડ્રેસ અને પ્રિન્ટેડ જેકેટ પસંદ કરી શકો છો. મોનોક્રોમ લુક, ઘેરા રંગના કપડાં, પૂરી અથવા થ્રી ફોર્થ સ્લીવનો ડ્રેસ પણ પસંદ કરી શકો છો, પરંતુ સ્કિની જીન્સની સાથે ફિગર હગિંગ ડ્રેસ અથવા ટોપ પહેરવાનું ટાળો.
ઓવરગ્લાસ બોડી શેપ :
આ પ્રકારનો શેપ ધરાવતા બોડીનો ઉપરનો અને નીચેનો એમ બંને ભાગ સમાન હોય છે અને કમર પાતળી તથા આકર્ષક હોય છે. આજે મોટાભાગની મહિલાઓ આવું બોડી મેળવવા જિમનો સહારો લઈ રહી છે. આ પ્રકારના બોડી ટાઈપ પર દરેક પ્રકારના કપડાં સારા લાગે છે. લુકને વધારે સુંદર બનાવવા માટે એવા ડ્રેસ પસંદ કરો, જેને કમરથી બાંધવા પડે. વીનેક, ડીપ વી અને સ્વીટહાર્ટ નેક ડ્રેસ પણ આ પ્રકારના બોડી શેપ પર ખૂબ સુંદર લાગે છે. આ ડ્રેસ તમારા ઉપરના શરીરને દર્શાવવામાં મદદ કરશે. એ લાઈન ડ્રેસ અથવા આ પ્રકારના કટ શરીરના નીચેના ભાગને વધારે સારો દર્શાવે છે. સાથે બોડીહગિંગ ડ્રેસ પણ તમને આકર્ષક લુક આપશે.
પીયર શેપ બોડી :
આ શેપની બોડી ધરાવતી મહિલાઓનો બાંધો ઉપરના બદલે નીચેથી વધારે બ્રોડ હોય છે. તેમના હિપ્સ અને જાંઘ ઉપરના શરીરની સરખામણીમાં વધારે મોટા હોય છે. આ પ્રકારનો બોડી શેપ ધરાવતી મહિલાઓ પર પેટર્ન ધરાવતી વાઈટ લેગ્ડ પેન્ટ એટલે કે પહોળું પેન્ટ, એલાઈન સ્કર્ટ અને રફલ્ડ ટોપ જેવા કપડાં વધારે સારા લાગે છે. તેનાથી શરીરના ઉપરના ભાગને વધારે સારો શેપ મળે છે અને તમે ખૂબસૂરત દેખાઓ છો. જેા તમે ઓવરગ્લાસની જેમ બોડીને શેપમાં દર્શાવવા ઈચ્છો છો તો તમારે ઢીલા ટોપની સાથે સ્કિની જીન્સ પહેરવું જેાઈએ.
રેક્ટેંગલ બોડી શેપ :
આ પ્રકારના શરીરનો આકાર સામાન્ય રીતે ખભાથી હિપ્સ સુધી સારી રીતે સંતુલિત હોય છે. આ બોડી શેપમાં બસ્ટ, કમર અને હિપ્સની પહોળાઈ લગભગ એકસમાન હોય છે. આ પ્રકારનો શેપ ધરાવતી મહિલાઓએ લાઈન સ્કર્ટ, રફલ્ડ અને લેયર્ડ ટોપ પહેરવું જેાઈએ. સ્લીવલેસ, સ્ટ્રેપલેસ અને સ્વીટહાર્ટ લાઈન્સ ડ્રેસ તેમની પર શોભી ઊઠે છે. પોતાની સ્ટાઈલને વધારે આકર્ષક બનાવવા માટે બ્લેઝર, લોંગ જેકેટ વગેરે પણ અજમાવો.
ઈન્વર્ટેડ ટ્રાયએંગલ બોડી શેપ :
આ પ્રકારનો બોડી શેપ મહદ્અંશે ખેલાડીઓનો હોય છે. તેમના ખભા હિપ્સ કરતા વધારે પહોળા હોય છે. વળી હાથ અને ખભા પણ મોટા હોય છે. આ પ્રકારનો બોડી શેપ હોય તો તમે પેન્સિલ કટ સ્કર્ટ અને સ્કિની જીન્સ સાથે ટોપ પહેરી શકો છો, પરંતુ રફલ્સ, લેયર્સ પહેરવાથી દૂર રહો અને મિનિમલિસ્ટિક ડ્રેસ ટ્રાય કરો.