વાર્તા – મિની સિંહ

બસ એટલું જ તો મેં કહ્યું હતું કે કિશોરને કે ‘કેસરી’ ફિલ્મ જેાવા જઈએ, કારણ કે મને અક્ષય કુમારની ફિલ્મ ખૂબ ગમે છે. તો કહેવા લાગ્યા કે નકામા કામ કરવા માટે મારી પાસે સમય નથી. ઓફિસ જવું પડશે, ક્લોઝિંગ ચાલી રહ્યું છે. બીજી બાજુ જુઓ, રજા લઈને રાજન તેની પત્નીને ગોવા ટૂર પર લઈ જઈ રહ્યો છે. ઈર્ષા નથી થતી. તે મારી બહેન છે, તો ઈર્ષા કેમ થાય? પણ મારા ભાગમાં આ સુખ કેમ નથી? તે વિચારીને હું ઉદાસ થઈ ગઈ, કારણ કે હું પણ એ જ કૂખેથી જન્મી હતી, જેમાંથી મૃદુલા. બસ ૧ મિનિટનું જ અંતર હતું. તો પછી સુખમાં આટલું અંતર કેમ? ‘‘શું થયું, ક્યાં ખોવાઈ ગઈ મંજરી?’’ મૃદુલાએ પૂછ્યું, તો મને ધ્યાન આવ્યું કે તે ફોન પર જ છે, ‘‘તારા માટે ગોવાથી શું લાવું? હા, ત્યાં કાજુ સારા મળે છે. તે જ લઈ આવીશ.’’ ‘‘અરે, કંઈ નહીં, બસ તું ફરીને આવ… કાજુ તો અહીં પણ મળે છે. ત્યાંથી શું લાવીશ?’’ મેં કહ્યું, પણ તે જિદ્દ કરવા લાગી કે ના, હું કહું કે મારે શું જેાઈએ. ‘‘સારું ઠીક છે, જે તને ગમે તે લેતી આવજે.’’ કહીને મેં કામનું બહાનું બનાવીને ફોન મૂકી દીધો, નહીં તો તે ખબર નહીં શું શું બોલીને મારું મગજ બગાડતી.’’ તે અવારનવાર મને ફોન કરીને કંઈ ને કંઈ કહેતી રહે છે. જેમ કે આજે રાજન તેને મોલમાં શોપિંગ કરાવવા લઈ ગયો, આજે તેના પતિ સાથે તે ફિલ્મ જેાવા ગઈ. ના પાડતી રહી, તેમ છતાં રાજન તેને હોટલમાં ડિનર કરાવવા લઈ ગયો, આજે રાજન તેના માટે સાડી લાવ્યો, આજે રાજન તેના માટે ઝૂમખાં લાવ્યો. અરે, તેની વાતો સાંભળીને મારા તો કાન દુખવા લાગે છે.

ક્યારેક-ક્યારેક તો લાગે છે કે તે મને બાળવા માટે આવું કરે છે. મૃદુલા દર વર્ષે તેના લગ્નની વર્ષગાંઠ આ જ રીતે કોઈ જગ્યાએ સેલિબ્રેટ કરે છે. ક્યારેક સિમલા, ક્યારેક દાર્જિલિંગ, ક્યારેક સિંગાપુર અને આ વર્ષે ગોવા, પણ કિશોરને એક વાર પણ નથી લાગતું કે આપણે પણ ક્યારેક કોઈ સારી જગ્યાએ વર્ષગાંઠ સેલિબ્રેટ કરવી જેાઈએ, પણ તે તો આ વાતને ફાલતુ ખર્ચ માને છે. કહે છે કે આ બધું નાટક છે. એકદમ જૂના જમાનાનો છે કિશોર અને બીજી બાજુ મૃદુલાના પતિ રાજન એટલા જ નવા અને રોમેન્ટિક વિચારસરણીવાળા છે એકદમ મારી જેમ. હું પણ જિંદગી જીવવામાં વિશ્વાસ રાખું છું ન કે ઝેલવામાં. સારાસારા કપડાં પહેરવા, હોટલમાં ખાવું, પાર્ટી કરવી, ઢગલો શોપિંગ કરવી મને ગમે છે, પરંતુ મારો કંજૂસ પતિ આ બધું કરવા દે તો ને. ક્યારેક-ક્યારેક તો લાગે છે કે તે જ મહિલા સુખી છે, જે કમાય છે. આખરે તે પોતાની જાત પર ખર્ચ તો કરી શકે છે, પણ મૃદુલા ક્યાં કમાય છે… તેમ છતાં જિંદગીનો સંપૂર્ણ આનંદ ઉઠાવી રહી છે ને. હવે તેનો પતિ જ આટલો દિલદાર…

મારા પતિ તો બસ સાદું જીવન ઉચ્ચ વિચારસરણીવાળા છે. એકદમ બોરિંગ. વિચાર્યું નહોતું કે આવા પુરુષ સાથે રહેવું પડશે, જે એકદમ નીરસ હશે. વાતેવાતે પૈસાપૈસા કરતા રહે છે. અરે, પૈસા જ સર્વસ્વ છે કે શું? જીવનની ખુશીઓ કંઈ જ નથી? લોકો કમાય કેમ છે? ખર્ચ કરવા માટે જ ને? પણ કિશોર જેવા પુરુષ પૈસાને તિજેારીમાં સાચવીને તેની પૂજા કરવામાં માને છે, જેથી તે વધી જાય, પરંતુ સાચવીને રાખેલા પૈસાને કાટ લાગી જાય છે. માણસે એક દિવસે મરવાનું જ છે, તો કેમ ન મોજશોખ કરીને મરે? પણ આ વાત તે મંદબુદ્ધિ માણસને કોણ સમજાવે. અરે, શીખો કંઈક રાજન જીજાજી પાસેથી… તે કેવી રીતે શાનથી જીવે છે અને પત્ની બાળકને પણ એ રીતે જીવાડે છે. કોઈ વાત મૃદુલાના મોંથી નીકળે કે તે વસ્તુ લાવીને તરત હાથમાં મૂકી દે છે. આ વાત મને મૃદુલાએ જણાવી હતી કે જ્યારે ત્યારે રાજન તેના માટે મોંઘીમોંઘી સાડીઓ અને ઘરેણાં ખરીદી લાવે છે તે ના પાડતી રહે છતાં અને એક હું છું જે નાનીનાની વસ્તુ માટે પણ તરસું છું. કેટલી શાનથી કહે છે મૃદુલા કે તેના પતિનો પૂરો પગાર તેના હાથમાં આવે છે… અને એક કિશોર છે ગણીગણીને મને ઘર ચલાવવા પૈસા આપે છે જાણે કે હું તેમના પૈસા લઈને ભાગી જઈશ. આશ્ચર્ય થાય છે…

ચમકધમકથી દૂર રહેતી મૃદુલાની જિંદગી આટલી રંગીન બની ગઈ અને મને જે ચમકધમકવાળી જિંદગી ગમતી હતી, તો એવો પતિ મળ્યો કે તેને આ બધું નાટક લાગે છે. લાગે છે અમારી જેાડી જ ખોટી બની ગઈ. આખરે કેમ, કેમ જે વસ્તુ જેને મળવી જેાઈએ, તેને ન મળી? તેનાથી વિપરીત જ થાય છે… આપણને એક વસ્તુ આપી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે તેની સાથે તારે પૂરી જિંદગી નિભાવવું પડશે. પછી તે વસ્તુથી નફરત જ કેમ ન થાય. હા, ક્યારેક-ક્યારેક મને કિશોરના વર્તન પ્રત્યે નફરત થવા લાગે છે. લાગે છે કયા ગમારના પાલવે બાંધી દીધી મને અને ત્યાં મૃદુલા છે જે મહારાણીનું જીવન જીવી રહી છે. સાચે, ક્યારેક-ક્યારેક તો લાગે છે બધું છોડીને ક્યાંક ભાગી જાઉં, કારણ કે આ પતિનો સાથ નિભાવવો મુશ્કેલ લાગે છે, પણ હું એવી સાંકળ સાથે બંધાઈ ગઈ છું કે મર્યા પછી જ આઝાદ થઈ શકીશ. ‘‘આજે ખાવામાં શું બની રહ્યું છે? સુગંધ તો સારી આવે છે.’’ કિચનમાં પ્રવેશતા જ કિશોરે પૂછી લીધું. હું બીજી બાજુ જેાઈને બોલી, ‘‘કંઈ ખાસ નહીં, દાળરોટી.’’ મન થયું કિશોરને કહું કે જુઓ, રાજન જીજા કેવી રીતે પોતાની પત્નીને દુનિયાની સહેલ કરાવી રહ્યા છે અને એક તમે… બસ મને તો ચૂલામાં જ બેસાડી રાખી, પણ શું ફાયદો, મારાથી રહેવાયું નહીં. આખરે સંભળાવી જ દીધું. કિશોર કહેવા લાગ્યો, ‘‘તો એમાં તું કેમ ઉદાસ થાય છે? તેમની જિંદગી છે ઈચ્છે ઐમ જીવે.’’ મને તેમની વાત પર ગુસ્સો આવ્યો. બોલી, ‘‘તો શું આપણે તેમની જેમ જીવી ન શકીએ? શું આપણી ઉંમર થઈ ગઈ છે? શું ક્યારેક તમારું મન નથી કરતું કે આપણે પણ આ રીતે બહાર ફરવા જઈએ? હવે કહેશો આટલા પૈસા ક્યાં છે, તો શું મૃદુલાના પતિથી ઓછી સેલરી મળે છે તમને? કહો ને કે મન જ નથી કરતું તમારું આ બધી વસ્તુનું.

બોરિંગ પતિ છો તમે બોરિંગ.’’ ગુસ્સામાં આજે મેં શાકમાં વધારે મીઠું નાખી દીધું. શું કરું? મારી ટેવ છે, જ્યાં સુધી ગુસ્સો ન ઊતરે, માથું ભારેભારે લાગે છે, પરંતુ શાક બગાડી દીધા પછી પણ મારો પારો ગરમ જ હતો. પણ સ્વભાવથી શાંત કિશોર કહેવા લાગ્યો, ‘‘હું બોરિંગ પતિ નથી મંજરી અને કંજૂસ નથી. તું સમજ… બાળકો મોટા થઈ રહ્યા છે. તેમના અભ્યાસ, લગ્ન વિશે પણ તો વિચારવું પડશે ને? દિવસેદિવસે બાળકોના મોંઘા થતા અભ્યાસ ઉપરથી ઘર, ગાડીની લોન. આ બધું મારા પગારથી જ થઈ રહ્યું છે ને? ઉપરની આવક પણ નથી. સમજ, હું આર્થિક રીતે કમજેાર થઈ જાઉં, તો તું પણ થઈ જઈશ અને હું આવું નથી ઈચ્છતો. બોલ ને, કોણ છે ચાર પૈસાની મદદ કરવાવાળું? કહેવા માટે આપણો પરિવાર મોટો છે, પણ બધાની પોતાની મજબૂરી છે. દોઢબે લાખ ફરવામાં બગાડીશું, તો પૂરું બજેટ બગડી જશે. બીજાને જેાઈને ન જીવવાનું હોય મંજરી, દુખ થશે. આપણે જેવા છીએ સારા છીએ. એ જ વિચાર. ખુશ રહીશ.’’ કિશોરે પોતાની તરફથી મને ખૂબ સમજાવી. પણ મારા દિમાગમાં કિશોરની એક વાત નહોતી ઘૂસી શકી. હું તો બસ એટલું જાણતી હતી કે કિશોર રાજન જેવો નથી. તેથી તેમની દરેક નાની વાતે હું ગુસ્સે થતી અથવા મહેણું મારતી અને તે બિચારા ચુપચાપ મારો ઠપકો સાંભળી લેતા, કારણ કે તે જાણતા હતા કે હું ઝઘડાના રસ્તા શોધી રહી છું અને તે ઘરમાં કલેશ નહોતા ઈચ્છતા. સાંજે પણ જ્યારે તે થાકીને ઓફિસેથી ઘરે આવે, ત્યારે ચુપ જ રહેતા. જાણીજેાઈને કોઈ ને કોઈ કામમાં બિઝી રહેતા, જેથી કોઈ વાત પર મારી સાથે વિવાદ ન થાય.

આજે ફરી મૃદુલાએ મને એ કહીને શોક આપ્યો કે લગ્નની વર્ષગાંઠે રાજને તેને હીરાની અંગૂઠી આપી. પછી કહેવા લાગી કે તે ક્યાંક્યાં ફરવા ગયા, શું શું ખરીદી કરી, વગેરેવગેરે, જે સાંભળીને કિશોર પ્રત્યે મારો ગુસ્સો વધી ગયો. ‘‘હું તો ના પાડી રહી હતી, પણ આ છે કે શોપિંગ પર શોપિંગ કરાવી રહ્યા છે અને ખબર છે મંજરી, રાજન તો કહી રહ્યા હતા કે જે તું અને જીજા પણ અમારી સાથે ગોવા આવ્યા હોત તો વધારે મજા આવત. સાચે જ, ગોવા સુંદર જગ્યા છે. રાજને તો મને જબરદસ્તી નાનાનાના કપડાં કેપરી, જીન્સ, ટીશર્ટ વગેરે ખરીદાવ્યા અને કહ્યું કે આ જ પહેરું. જ્યાં સુધી ગોવામાં રહ્યા ત્યાં સુધી પહેરવા પડ્યા. શું કરું.’’ મૃદુલા કહી રહી હતી અને મને ઈર્ષા થઈ રહી હતી. ‘‘સારું મૃદુલા, હવે ફોન મૂકું છું. ખાવાનું બનાવવાનું છે ને. કિશોર ઓફિસેથી આવતા જ હશે.’’ અને વાત ન કરવાના વિચારથી હું બોલી, તો તે કહેવા લાગી, ‘‘અરે, સાંભળ ને મંજરી, હું તો કહેવાનું ભૂલી ગઈ. તારા જીજા પોતાની પસંદની તારા માટે સાડી ખરીદી લાવ્યા છે. કહી રહ્યા હતા કે બ્લૂ કલર, ગોરી મંજરી પર સારો લાગશે. સાચું કહી રહ્યા હતા. તેમણે મારા માટે પણ એવા જ કલરની સાડી ખરીદી. કહેવા લાગ્યા કે ભલે શ્યામ છે, પણ મારા માટે દુનિયાની સૌથી સુંદર મહિલા છે. સારું, ચાલ હું ક્યારેક આવું છું તારી ભેટ લઈને.’’ સમજાયું નહીં કે મંજરી શું બડબડ કરી રહી છે. લાગે છે, બોલવા બીજું ઈચ્છતી હતી, બોલે છે બીજું. ‘‘સારું મૃદુલા.’’ કહીને મેં ફોન મૂકી દીધો અને કમને ખાવાનું બનાવવા લાગી. આજે ખાવાનું બનાવવાનું અને કોઈ કામ કરવાનું મન નહોતું. મૂડ ઓફ થઈ ગયો હતો. એટલામાં કિશોરનો ફોન આવ્યો. કહેવા લાગ્યા કે આજે તે ઓફિસમાં જ જમશે, તો હું જમી લઉં તેની રાહ ન જેાઉં. સારું છે, આમ પણ મારું ખાવાનું બનાવવાનું મન નહોતું, તેથી બાળકોને મેગી બનાવીને ખવડાવી દીધી અને મને તે ખાવાની ઈચ્છા નહોતી.

આજે મૃદુલાની જગ્યાએ હું હોત, પણ માએ એવું થવા ન દીધું. યાદ છે જ્યારે છોકરાવાળા મૃદુલાને જેાવા આવવાના હતા ત્યારે માએ મને પાડોશીના ઘરે મોકલી દીધી, જેથી આ વખતે પણ છોકરાવાળા મને જ પસંદ કરી લે. જેાકે મૃદુલા મારાથી ૧ મિનિટ મોટી છે, તેથી લગ્ન પણ પહેલાં તેના જ થયા હતા, પણ એક સામાન્ય દેખાવ અને શ્યામ છોકરીને આટલો સારો પતિ મળી શકે છે, એ કોઈએ વિચાર્યું નહોતું. મને લાગ્યું હતું, જ્યારે મૃદુલાને આટલો સુંદર રાજકુમાર જેવો પતિ મળી શકે છે, તો પછી મને કેમ નહીં, કારણ કે હું તો તેનાથી લાખ ગણી સુંદર છું, પણ મારું સપનું ત્યારે તૂટી ગયું જ્યારે પહેલી વાર મેં કિશોરને જેાયો. જેવું નામ એવું રૂપ. એકદમ બ્લેક, પણ હવે તો લગ્ન થઈ ગયા હતા. યાદ છે મને, મૃદુલાને જેાઈને મહોલ્લાની મહિલાઓ કહેતી હતી કે મંજરીના લગ્નમાં કોઈ વાંધો નહીં આવે, પણ આ શ્યામ વર્ણને કોણ પસંદ કરશે? ખાણમાંથી નીકળેલ, હીરા અને કોલસા સાથે લોકો અમારી સરખામણી કરતા હતા, જાહેર હતું હું હીરો હતી અને તે કોલસો. જેમજેમ અમે મોટા થયા, આ ભાવના પણ મારી અંદર ઊછરવા લાગી કે હું મૃદુલાથી સુંદર છું.

મારી વાતથી તે દુખી થઈ જતી, તેમ છતાં બધું ભૂલીને એક મોટી બહેનની જેમ મને વહાલ કરવા લાગતી. એક વાત હતી, તેનામાં છળકપટ અને ઈર્ષા નામની વસ્તુ નહોતી. એકદમ સાફ દિલની હતી. જ્યાં હું નાનીનાની વાતનો બખેડો બનાવીને માને સંભળાવતી, ત્યાં તે મોટી વાત પણ માથી છુપાવતી, જેથી તેમને દુખ ન થાય. કદાચ તેથી તેને જીવનમાં ઘણું બધું મળી ગયું. લગ્ન પછી જ્યાં તે જીવનના રસ ચાખી રહી હતી, બીજી બાજુ હું દરેક વસ્તુ માટે તરસી રહી હતી. શરૂઆતમાં તો કિશોરનો વ્યવહાર મને સમજાયો નહીં, પણ ધીરેધીરે સમજવા લાગ્યો કે માત્ર રૂપરંગથી જ નહીં, વર્તણૂકથી પણ ગમગીન માણસ છે. શું આ જ મારા ભાગ્યમાં લખ્યો હતો? ક્યારેક તો મન થાય, મા સાથે ઝઘડું. પૂછું કે કેમ, કેમ તેમણે મારી સાથે આવું કર્યું? શું તપાસ કરીને મારા લગ્ન નહોતા કરી શકતા? જે મળ્યો પકડાવી દીધો? માબાપ છે કે દુશ્મન? એક વાર આ વાત પર લડી પણ હતી, પણ મને સમજાવતા કહેવા લાગી કે છોકરાનું રૂપ નહીં ગુણ જેાવાના હોય મંજરી. ખબર નહીં તેમને કિશોરમાં કયા ગુણ દેખાયા, જે મારો હાથ પકડાવી દીધો. આ બધી વાતો કહીકહીને, વિચારીવિચારીને ક્યાં સુધી સંકોચાતી. તેથી તેનો મારા જીવનનો ભાગ સમજીને સંતોષ માની લીધો. આપણા મધ્યમ વર્ગના સમાજમાં એક વાર જેનો હાથ પકડી લીધો, મરતા દમ સુધી નિભાવવું પડે છે, તેથી કોઈ રસ્તો નહોતો, તેથી મેં મારું મન બાંધી લીધું અને ચાર દીવાલમાં બંધ થઈ ગઈ, કારણ કે હવે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો, પરંતુ વારંવાર મૃદુલાનું સુખી દાંપત્યજીવન જેાઈને ઈર્ષા તો થતી હતી. ન ઈચ્છવા છતાં તે વાતો મગજમાં ફરતી રહેતી કે તે મારાથી વધારે સુખી કેમ છે? તે દિવસે વહેલી સવારે માનો ફોન આવ્યો. ગભરાઈને બોલી, ‘‘તારી મૃદુલા સાથે કોઈ વાત થઈ? શું તેનો ફોન આવ્યો હતો?’’ ‘‘ના મા, પણ શું થયું, બધું ઠીક તો છે ને?’’ મેં પૂછ્યું તો મા કહેવા લાગી, ‘‘કાલથી હું મૃદુલાને ફોન લગાવી રહી છું, પણ બંધ આવી રહ્યો છે.’’ ‘‘અરે, તો જીજાને લગાવી જેા.’’ ‘‘તે પણ ફોન નથી ઉઠાવી રહ્યા.’’ ‘‘બની શકે છે તે બંને ફરીથી ક્યાંક ફરવા નીકળી ગયા હોય. હંમેશાં જતા તો રહે છે’’ આ વાત મેં ઈર્ષા થતા કહી, ‘‘સારું, તમે ચિંતા ન કરો, હું જેાઉં છું ફોન લગાવીને.’’ સાચે મૃદુલાનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો અને રાજનનો પણ. ક્યાંક કોઈ ગરબડ તો નથી? માની ગભરામણ જેાઈને મેં તેના ઘરે જવાનું વિચાર્યું, ‘‘મા, હું તેના ઘરે જઈને જેાઉં છું, તમે ચિંતા ન કરો.’’ હવે તો મને પણ ડર લાગી રહ્યો હતો, કારણ કે મેં તેને અનેક ફોન લગાવ્યા, પણ સ્વિચ ઓફ આવતા. કિશોરને જ્યારે મેં પૂરી વાત જણાવી, ત્યારે કહેવા લાગ્યા કે તું ચિંતા ન કર, જઈને જેાઈએ. ‘‘પણ તમારી ઓફિસ?’’ જ્યારે મેં પૂછ્યું, ત્યારે કિશોર બોલ્યા કે તે મને મૃદુલાના ઘરે મૂકીને ત્યાંથી ઓફિસ જવા નીકળી જશે અને આવતી વખતે લેતા આવશે. ‘‘હા, એ ઠીક રહેશે.’’ હું બોલી. ત્યાં પહોંચીને મેં જે જેાયું, તે જેાઈને ચકિત રહી ગઈ. મૃદુલા પથારીમાં પીડાઈ રહી હતી અને તેના શરીર પર ઈજાના નિશાન હતા. ચહેરો પણ વાદળી થઈ ગયો હતો. બહેનને આ સ્થિતિમાં જેાઈને મારી આંખમાં આંસુ આવી ગયા, ‘‘મૃદુલા, આ બધું શું થયું? આ ઈજા કેવી રીતે આવી અને રાજન જીજા ક્યાં છે?’’ મેં પૂછ્યું. તે રડી પડી.

પછી જે જણાવ્યું તે સાંભળીને મને મારા કાન પર ભરોસો નહોતો થઈ રહ્યો. તેણે રડતાંરડતાં જણાવ્યું, ‘‘જેા મારો પતિ કદરૂપો હોત, ગરીબ હોત, પણ જેા તે મને પ્રેમ કરતો, તો હું દુનિયાની સૌથી ખુશહાલ મહિલા હોત, પણ રાજનનું સુંદર હોવું મારા માટે અભિશાપ બની ગયો… ‘‘રોજ નવીનવી છોકરીઓ સાથે રાત વીતે છે. તેની પર દિલ ખોલીને પૈસા લૂટાવે છે. ક્યારેક-ક્યારેક તો છોકરીને ઘરે પણ લાવે છે અને જ્યારે હું કંઈ બોલું છું ત્યારે તેની સામે જ મને થપ્પડ મારવા લાગે છે. તે તો સારું છે કે બાળકો હોસ્ટેલમાં રહે છે, નહીં તો તેમની પર રાજનની હરકતની શું અસર થાય? જ્યારથી લગ્ન થયા છે, એક દિવસ પણ એવો નથી ગયો, જ્યારે રાજને મારા રંગરૂપને લઈને મહેણું ન માર્યું હોય.’’ ‘‘કહેવાય છે કે તેમને તો ગોરી છોકરી જેાઈતી હતી… કેવી રીતે શ્યામ છોકરી તેમના ગળે પડી ગઈ… ખબર છે મંજરી, આપણો ફોટો જેાઈને રાજનને લાગ્યું હતું, તેમના લગ્ન તારી સાથે થવાના છે, તેથી તેમણે લગ્ન માટે હા પાડી હતી, પણ જ્યારે પત્ની તરીકે મને જેાઈ, ત્યારે ગુસ્સે થઈ ગયા. પતિપત્ની વચ્ચેની વાત છે, એ વિચારીને હવે પરિવારે પણ મારો પક્ષ લેવાનો છોડી દીધો, પરંતુ સમાજમાં પોતાની પ્રતિભાના ડરના લીધે તે આ સંબંધ નિભાવી રહ્યા છે. કહેવા માટે તો હું તેમની સાથે ગોવા, મલેશિયા ફરું છું, પણ ત્યાં હોય છે તેમની સાથે પ્રેમિકા. હું તો બસ પાછળની સીટ પર બેસીને તમાશો જેાઉં છું.’’ રાજનના જે દોષ આજ સુધી ઢંકાયેલા હતા તે બધા મૃદુલા ૧-૧ કરીને મારી સામે ખોલવા લાગી. આજ સુધી હું કિશોરને બોરિંગ અને ખરાબ માણસ સમજતી હતી, પણ આજે મને ખબર પડી કે કિશોર કેટલા સારા અને સજ્જન માણસ છે. એક ઊંડા શ્વાસ લેતા મૃદુલા ફરી કહેવા લાગી, ‘‘તેમને તેમના બાળકોના ભવિષ્યની થોડી પણ ચિંતા નથી. મોજમસ્તીમાં બધા પૈસા લૂટાવી રહ્યા છે.

૨ મહિનાથી મકાનનું ભાડું બાકી છે. મકાનમાલિક બોલી જાય છે. કહે છે કે તમારું મોં જેાઈને ચુપ રહી જાઉં છું. તે મને બહેન માને છે, પણ ઘોડો ક્યાં સુધી ઘાસ સાથે મિત્રતા કરી શકે છે મંજરી? જે મકાનમાલિકે કાઢી દીધા તો અમે ક્યાં જઈશું? સાચું કહું છું, તારા પતિના પગની જૂતી પણ નથી રાજન. તે તમારા માટે કેટલું વિચારે છે, શું હું જેાતી નથી. એકદમ સીધાસાદા માણસ છે.’’ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મૃદુલા જે કહી રહી છે તે સાચું છે. જે માણસ માટે મારા દિલમાં સન્માન હતું, તે એક ક્ષણમાં જમીન પર આવી ગયું. હું રાજનને કેટલો સારો માણસ સમજતી હતી. વિચારતી હતી કે કાશ, તેની સાથે મારા લગ્ન થયા હોત તો હું કેટલી સુખી હોત, પરંતુ હું કેટલી ખોટી હતી. પોતાની જાતને કોસતી રહેતી હતી એ કહીને કે મારા જીવનમાં કિશોર કેમ આવ્યો, પણ આજે તે જ કિશોર પર મને ગર્વ થઈ રહ્યો છે. દેખાડો નથી કરતા, પણ મને પ્રેમ ખૂબ કરે છે. હવે મને સમજાયું. ‘‘પણ તું એકલી આ બધું કેમ સહન કરતી રહી? અમને જણાવ્યું કેમ નહીં?’’ મેં પૂછ્યું. ‘‘તો શું કરું અને તમને શું કહું? શું તમે બધા મારી સ્થિતિ બદલી શકતા હતા? તને હંમેશાં લાગતું હતું ને મંજરી કે હું ખૂબ સુખી છું, તારા આ ભ્રમને હું જીવિત રાખવા ઈચ્છતી હતી. તે લોકોને બતાવવા ઈચ્છતી હતી, જે કહેતા હતા, આ શ્યામ મૃદુલાને કોણ પૂછશે. જૂઠું ભલે, પણ લોકો તો સાચું માની રહ્યા છે ને કે હું ખૂબ સુખી છું અને મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે. મમ્મીપપ્પા પણ ખુશ છે, તો રહેવા દો. હું મારું દુખ જણાવીને તેમને જીવતેજીવ મારી દેવા નથી ઈચ્છતી. તેથી જેવું ચાલી રહ્યું છે એવું ચાલવા દો… તું આ વાત ક્યારેય તારા મોં પર ન લાવતી, નહીં તો તું મારું મરેલું મોઢું જેાઈશ.’’ હવે તેણે આટલી મોટી ધમકી આપી દીધી, તો પછી હું કેવી રીતે કોઈને કહેતી, પણ હું મૃદુલા વિશે શું વિચારતી હતી અને શું નીકળ્યું. સાંજે કિશોર આવીને મને લઈ ગયો. પૂરી રાત હું મૃદુલા વિશે વિચારીને રડતી રહી. મારો સૂજેલો ચહેરો જેાઈને કિશોરને એવું લાગ્યું કે હું મૃદુલાની તબિયતને લઈને પરેશાન છું, પણ વાત તો મોટી જ હતી, પણ કોઈને કહી નહોતી શકતી.

સવારે ઊઠીને રોજની જેમ મેં એક બાજુ ચા અને બીજી બાજુ શાક બનાવવા કડાઈ ચઢાવી જ હતી કે પાછળથી કિશોરે મને આગોશમાં જકડી લીધી અને પૂછ્યું, ‘‘શું બનાવી રહી છે?’’ ‘‘નાસ્તો બીજું શું.’’ મેં કહ્યું. ‘‘ના બનાવીશ.’’ ‘‘પણ કેમ, મેં પ્રશ્નાર્થ નજરથી જેાયું.’’ તે કહેવા લાગ્યા, ‘‘આજે રજા લીધી છે ‘કેસરી’ ફિલ્મ જેાવા જઈશું.’’ ‘‘વધારે વાતો ન બનાવો. કાલ સુધી તો તમને ફિલ્મ નહોતી ગમતી, પછી આજે કેવી રીતે…’’ તે મારા મોં પર હાથ મૂકીને બોલ્યા, ‘‘તને અક્ષય કુમારની ફિલ્મ ગમે છે ને? અને મને તું.’’ સ્મિત કરતા કિશોર બોલ્યા. પણ હું મોં બગાડતા બોલી, ‘‘રજા રાખી હતી, તો પહેલા કહી દેતા, મોડા ઊઠી જાત. ખોટું વહેલા ઊઠવું પડ્યું.’’ ‘‘સારું. છોડ આ બધું. એ બોલ, આપણા લગ્નની વર્ષગાંઠ આવવાની છે. ક્યાં જવું છે સેલિબ્રેટ કરવા?’’ કિશોરે પૂછ્યું. ‘‘મતલબ?’’ ‘‘મતલબ કે ગોવા જઈએ?’’ મારા ગાલ પર ચુંબન કરતા કિશોર બોલ્યા, તો મારું મન ગદગદિત થવા લાગ્યું, ‘‘ના, કોઈ જરૂર નથી નકામો ખર્ચ કરવાની. ગામડે જઈશું મમ્મીપપ્પાના આશીર્વાદ પણ મળી જશે.’’ કહીને હું મારી પણ ચા લઈને બાલ્કનીમાં આવી ગઈ અને ચૂસકી લેવા લાગી. પહેલાં ક્યારેય સવાર આટલી સુંદર નહોતી લાગી, જેટલી આજે લાગી રહી હતી. વિચારવા લાગી, મારી પાસે બધું તો છે. પ્રેમ કરનાર પતિ, ૨ બાળક, મારું ઘર, જરૂરિયાતથી વધારે સુખ. તો પછી કઈ મૃગતૃષ્ણાની પાછળ ભાગી રહી હતી હું? જેાયું, તો કિશોર મને જ નિહાળી રહ્યા હતા. જ્યારે મારી નજર તેમની પર ગઈ, તો તે સ્મિત કરવા લાગ્યા અને હું પણ. ***

વધુ વાંચવા કિલક કરો....