આજે ઓફિસના કામથી દિલ્લી આવ્યો હતો. કામ પૂરું કરીને સાંજે તે ટાઈમ પાસ માટે એક મોલમાં ગયો અને ત્યાં ફૂડ કોર્ટમાં બેસીને ચાઈનીઝ ખાવા લાગ્યો. સામે એક ખુરશી પર તેને એક ૭-૮ વર્ષની છોકરી દેખાઈ જેના વાળની સ્ટાઈલે તેને અંશુની યાદ અપાવી દીધી. તે ધ્યાનથી બાળકીને જેાવા લાગ્યો. સાઈડ ફેસથી તે અંશુ જેવી લાગતી હતી. તેની જેમ બેસીને ડ્રોઈંગ બનાવી રહી છે. તેની મમ્મી કદાચ ઓર્ડર આપવા ગઈ હતી.
એટલામાં બાળકીની બાજુમાં એક યુવક આવીને બેઠો તો બાળકીએ જેારથી કહ્યું, ‘‘અંકલ, અહીં અમે બેઠા છીએ. તમે બીજા ટેબલ પર બેસી જાઓ. મારી મમ્મી આવવાની છે.’’
યુવક બાળકીને આ રીતે નિર્ભીકતાથી બોલતી જેાઈને ગભરાઈ ગયો અને તરત જ ત્યાંથી ઊઠીને દૂર જઈને બેસી ગયો. બાળકી મનોમન હસી અને ફરીથી પોતાનું કામ કરવા લાગી.
બાળકીએ એક વાર ફરી તેને અંશુની યાદ અપાવી. અંશુ પણ એવી જ નીડર અને સ્પષ્ટવાદી છોકરી હતી.
અંશુ સાથે તેનો સંબંધ લગભગ ૩ વર્ષ ચાલ્યો હતો. અંશુ ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો કોર્સ કરતી હતી અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. વિશાલ પણ તે જ કોલેજમાં હતો. બંનેને સાંજના સમયે લાઈબ્રેરીમાં જવાની ટેવી હતી. ત્યાં જ તેમની મુલાકાત થઈ અને પછી વાતો એવી થવા લાગી કે બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ.
અંશુ હંમેશાં દરેક જગ્યાએ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવતી અને પાર્ટટાઈમ જેાબ કરીને પોતાનો ખર્ચ ઉઠાવતી હતી. તે સુંદર અને હોશિયાર પણ હતી. વિશાલ તેના વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત થયો હતો. એક દિવસ તેણે અંશુને પોતાના દિલની વાત કરી તો અંશુએ પણ તેનો પ્રેમ સ્વીકારી લીધો.
ત્યાર પછી બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને ૫-૬ મહિના લિવ ઈનમાં રહ્યા. વિશાલને તે રાત આજે પણ યાદ છે જ્યારે બંને એકબીજાની આગોશમાં હતા. પ્રેમ તેમના તનને ભીંજવી રહ્યો હતો.
તે દરમિયાન અંશુએ વિશાલને સવાલ કર્યો, ‘‘વિશુ આપણી જાતિ અલગ છે. હું ઉચ્ચ જાતિની છું જ્યારે તું યાદવ છે. આજે નહીં તો કાલે આપણે ઘરવાળા પાસે લગ્નની મંજૂરી લેવી પડશે. વિચાર કે તેઓ નહીં માને તો શું થશે ખાસ તારા ઘરવાળા જેમ કે તું જણાવે છે આ બાબતે ઘણા સ્ટ્રિક્ટ છે. જેા તેઓ ઈન્કાર કરશે તો શું કરીશ?’’
વિશાલે કહ્યું, ‘‘ડોંટ વરી, હું મનાવી લઈશ. એ વાત અલગ છે કે તેઓ જાનથી મારવાની ધમકી આપી શકે છે.’’





