ક્યારેક રાજસ્થાન ફરવા જવાનું મન થાય, ત્યારે ત્યાંના રેતાળ ટીલા અને સૂકા તથા કાંટાળા જંગલ નજર સમક્ષ ઊભરી આવે, પરંતુ રાજસ્થાન તો પહાડો અને તળાવ ધરાવતો પ્રદેશ છે. રાજસ્થાનમાં કુંભલગઢ પણ એક એવું સ્થળ છે, જે માત્ર આપણા દેશમાં નહીં, વિદેશમાં પણ પ્રખ્યાત છે. અહીં બારે માસ પ્રવાસીઓની ભીડ જેાવા મળે છે. ઉદયપુરથી ૮૦ કિમી દૂર તથા દરિયાની સપાટીથી ૧૦૮૭ મીટરની ઊંચાઈ પર વસેલું આ શહેર અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે. આ શહેર કિલ્લા, કુદરતી અભ્યારણ, તળાવ, કલા અને સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. આમ તો અહીં દરેક ઋતુમાં પ્રવાસીઓ આવે છે, પરંતુ ખાસ ચોમાસાની ઋતુમાં અહીંની લીલોતરી જેાવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. અહીં ઉદયપુરથી બસ અથવા પ્રાઈવેટ ટેક્સી દ્વારા પહોંચી શકાય છે. ત્યાર પછી સ્થાનિક સ્થળ પર ફરવા માટે ઘણા સાધનો ઉપલબ્ધ થઈ જાય છે.

અહીંના આકર્ષક સ્થળ : ટ્રાવેલ ડેસ્ક પર કામ કરનાર પ્રશાંત કુમાર ઝા જણાવે છે કે કુંભલગઢમાં કુંભલગઢનો કિલ્લો, હમીરનો તંબુ, કુંભલગઢ વાઈલ્ડ લાઈફ સેન્યુરી, અરવલ્લીના ઊંચાંઊચાં પહાડો, હલ્દીઘાટી મ્યુઝિયમ વગેરે સ્થળ જેાવાલાયક ગણી શકાય, પરંતુ આ બધામાં કુંભલગઢનો કિલ્લો પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં આવેલા આ કિલ્લાની દીવાલ ચીની દીવાલ પછી દુનિયાની બીજા નંબરની સૌથી લાંબી દીવાલ છે. આ કિલ્લો ૧૫૦ કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે. અહીંનું વાતાવરણ ખૂબ આહ્લાદક હોવાથી દરેક મોસમમાં પ્રવાસી અહીં ફરવા માટે આવતા હોય છે. અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને ઈટાલીના ટૂરિસ્ટને અહીં બારેમાસ જેાઈ શકાય છે. કુંભલગઢ કિલ્લા વિશે કહેવામાં આવે છે કે આ કિસ્સો મેવાડના યશસ્વી રાજા રણ કુંભાએ પોતાની સૂઝબૂઝ અને પ્રતિભાથી બનાવ્યો હતો. આ કિલ્લો મેવાડની સંકટકાલીન રાજધાની હોવાની સાથેસાથે મહારાણા પ્રતાપનું જન્મસ્થળ પણ છે. આ કિલ્લાને અજયગઢ પણ કહેવામાં આવે છે, કારણ કે તે જમાનામાં આ કિલ્લા પર વિજય પ્રાપ્ત કરવો અશક્ય હતો. આ કિલ્લાનું નિર્માણ કાર્ય પૂરું થતા ૧૫ વર્ષ થયા હતા. આ કિલ્લામાં પ્રવેશદ્વાર, કોટ, જળાશય, બહાર જવા માટેનો સંકટકાલીન રસ્તો, મહેલ, સ્તંભ, છત્રીઓ વગેરે આવે છે. અહીં ફેશન શોપ ચલાવનાર દિનેશ માલવીય જણાવે છે કે કુંભલગઢનો કિલ્લો જેાવા વર્ષોથી પ્રવાસી અહીં આવે છે, કારણ કે તે વિશ્વ પ્રસિદ્ધ છે. કિલ્લાની ફરતે ૩૬ કિ.મી.ના વિસ્તારમાં કિલ્લાની દીવાલ બનાવવામાં આવેલી છે. આ દીવાલને ‘ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા’ પણ કહેવામાં આવે છે. અહીં પ્રવેશ ફી ભારતીયો માટે ૧૫ રૂપિયા અને વિદેશીઓ માટે રૂપિયા ૧૦૦ રાખવામાં આવી છે. જેાકે કેમેરા માટે કોઈ ફી નથી. આ કિલ્લો સવારના ૮ વાગેથી સાંજના ૬ વાગ્યા સુધી ખુલ્લો રહે છે. વર્ષ ૨૦૧૩ માં આ કિલ્લાને ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યો છે. કુંભલગઢ કિલ્લાનો વધારે આનંદ લેવા માટે સાંજે યોજાતો લાઈટ એન્ડ સાઉન્ડ કાર્યક્રમ જેાવો જરૂરી બની જાય છે, જે ૭ થી ૮ વાગ્યા સુધી યોજાય છે. આ કાર્યક્રમમાં કિલ્લાનો પૂરો ઈતિહાસ બતાવવામાં આવે છે. કુંભલગઢના કિલ્લાથી ૪૮ કિલોમીટરના અંતરે હલ્દીઘાટી અને ૬૮ કિલોમીટરના અંતરે રનકપુરના જૈન દેરાસર જેાઈ શકાય છે. આ જૈન મંદિર આરસપહાણ પર વિશેષ રીતે કોતરેલી કલાકૃતિ માટે પ્રખ્યાત છે. વાઈલ્ડ લાઈફ સફારી : ફોરેસ્ટ ગાઈડ રતનસિંહ ૧૫ વર્ષથી કુંભલગઢમાં વાઈલ્ડ લાઈફ સફારી ગાઈડ કરે છે. તેમનું કહેવું છે કે પહેલાં માત્ર ૧-૨ ખુલ્લી જીપ સફારી માટે જતી હતી, પરંતુ હવે દરરોજ ૧૫ થી ૨૦ ગાડી જાય છે. કુંભલગઢ અભ્યારણમાં લોકો આસપાસના વિસ્તારમાંથી પણ વીકેન્ડમાં આવે છે અને જંગલ સફારીનો આનંદ માણે છે. અહીં ૫૭૮ કિલોમીટર એરિયામાં ફેલાયેલું ખૂબ આકર્ષક જંગલ છે. અહીં ચિત્તા, સાબર, હરણ, સાંભ’, જંગલી બિલાડી, રીંછ, નીલગાય, લંગૂર, વાંદરા, શાહૂડી જેવા પ્રાણીઓ અને વિવિધ પ્રકારના પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં જેાવા મળે છે.?આ જંગલમાં પહેલાં રાજામહારાજા શિકાર કરવા માટે આવતા હતા, પરંતુ હવે સરકારની માલિકી હોવાથી અહીં શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હેન્ડિક્રાફ્ટનો સામાન વેચનાર જગદીશ કુંભાર જણાવે છે કે અહીંના જંગલની વનસ્પતિ પણ ખૂબ સુંદર છે. જંગલમાં મહુડા, કેરી, ખાખરા, ગેમકી, ઘોસ્ટના વૃક્ષ ઉપરાંત શીશમની દુર્લભ પ્રજાતિ ડલવજિયા સેલેશિયાના ઝાડ પણ જેાવા મળે છે. પ્રશાંત કુમાર ઝા જણાવે છે કે સફારીમાં પ્રવેશનો સમય દિવસે સવારના ૬ થી લઈને રાત્રિના ૯ વાગ્યા સુધીનો હોય છે. બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી અને રાત્રે ૯ થી ૧૧ સુધી લાઈટ સફારી હોય છે. નાઈટ સફારીમાં લોકો વધારે જતા હોય છે, કારણ કે રાત્રિના સમયે વધારે પ્રમાણમાં પ્રાણીઓ ફરતા જેાવા મળે છે અને વાતાવરણ પણ ઠંડું રહે છે. જેાકે ચોમાસામાં જંગલ સફારી બંધ રહે છે. તેની એન્ટ્રી ફી ૨૩૦૦ થી લઈને ૨૫૦૦ સુધીની છે. નાઈટ સફારી માટે ફોરેસ્ટ ગાઈડ જીપના ડ્રાઈવર પાસે બેસીને લેડ ટોર્ચ લાઈટનો ઉપયોગ કરે છે, જેથી પ્રાણીઓને જેાઈ શકાય. જંગલ સફારીમાં હંમેશાં થોડી સાવચેતી તો રાખવી પડે છે. દાખલા તરીકે પ્રાણીઓને ન છંછેડવા, મોબાઈલ ફોન સાઈલન્ટ રાખવો વગેરે, જેથી પ્રાણીઓ અસહજતા ન અનુભવે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....