સરેરાશ વયસ્ક વ્યક્તિના માથામાં લગભગ ૧ લાખથી દોઢ લાખ વાળ હોય છે, ‘અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજિસ્ટ’ ના જણાવ્યા અનુસાર પ્રતિદિન ૫૦ થી ૧૦૦ વાળનું ખરવું સામાન્ય છે, પરંતુ જેા તમારા વાળ વધારે ખરતા હોય અને ગુચ્છામાં નીકળતા હોય તો સમજી જાઓ કે તમારા વાળ ખરવા લાગ્યા છે. જેા સમયસર આ સમસ્યા પર ધ્યાન આપવામાં નહીં આવે તો પરિણામ સ્વરૂપ તમને ટાલ પડવાની ભેટ મળી શકે છે. મહિલાઓમાં ટાલ પડવાની સમસ્યા ખૂબ ઓછી જેાવા મળે છે, પરંતુ વધારે સમય સુધી વાળ ખરવાની સમસ્યા જળવાઈ રહેવાથી પીડિતના વાળ પાતળા અને નાના થઈ જાય છે, તેથી સમય રહેતા પોતાની ચિંતા કરો, તેની કાળજી લો અને જેા વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા હોય તો તેના કારણ સમજવાના પ્રયાસ કરો.
હકીકતમાં, વાળ ખરવાની સમસ્યા મોટાભાગે અયોગ્ય હેરકેર રૂટિન, યોગ્ય ડાયટ ન લેવા અને સ્કેલ્પ સાથે જેાડાયેલી બીમારીના લીધે થાય છે. જેા મનમાં કોઈ પણ પ્રકારની તાણ હોય તો વાળ ઓછા થઈ જાય છે.

વાળ ખરવાની પેટર્ન –
માથા પરથી ધીરેધીરે વાળ ખરવા : આ વાળ ખરવાનો સૌથી સામાન્ય પ્રકાર છે. વાળ ખરવાની આ સમસ્યા વધતી ઉંમરની સાથે લોકોને પ્રભાવિત કરે છે. પુરુષોમાં મોટાભાગે માથા પર હેરલાઈન પરથી વાળ ખરવા લાગે છે, પરંતુ મહિલાઓ સાથે આવું નથી થતું. તેમના પૂરા વાળ ઓછા થવા લાગે છે.

ગોળાકારમાં વાળ ખરવા : કેટલાક લોકોમાં ગોળાકારમાં વાળ ખરવાની સમસ્યા થાય છે. આ સમસ્યામાં કેટલાક લોકોને માથા પર સિક્કાના આકારમાં ગોળાકારમાં વાળ ખરે છે.

સામાન્ય સ્પર્શ કરવાથી પણ ગુચ્છામાં વાળ ખરવા : કેટલાક લોકોને એકસાથે અનેક વાળ તૂટવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં વાળ ગુચ્છામાં તૂટતા હોય છે, જેથી ટાલ ઝડપથી પડવા લાગે છે. જેાકે આ સમસ્યા ખૂબ જલદી ઠીક થઈ જાય છે. વાળ સાથે જેાડાયેલ આ સમસ્યા કોઈ વ્યક્તિ કોઈ ગંભીર અને લાંબા સમય સુધી શારીરિક સમસ્યાનો સામનો કરતો હોય ત્યારે થતી હોય છે.

પૂરા શરીર પરથી વાળ ખરવા : કેટલાક લોકોને પૂરા શરીર પરથી વાળ ખરવાની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં આકસ્મિક શરીર પરથી વાળ ખરવા શરૂ થાય છે. કેટલાક ચિકિત્સીય ઉપચાર જેમ કે કેન્સર માટે કીમોથેરપિથી પણ પૂરા શરીર પરથી વાળ ખરવા લાગે છે. પછી સામાન્ય રીતે વાળ ફરીથી ઊગવા લાગે છે.

જેાકે કોઈ પણ સમસ્યા થવા પાછળ કોઈ ને કોઈ કારણ જરૂર હોય છે. આ રીતે વાળ ખરવાની સમસ્યા થવા પાછળ ઘણા બધા કારણો હોય છે જેની ઓળખ કરીને વાળ ખરવાની સમસ્યાથી બચી શકાય છે. તો આવો, જાણીએ વાળ ખરવા પાછળના કેટલાક કારણો વિશે :
તાણ અથવા ડિપ્રેશનના લીધે : જ્યારે કોઈ વ્યક્તિ સતત લાંબા સમયથી ડિપ્રેશનની સમસ્યાનો સામનો કરી રહ્યો હોય ત્યારે તે દરમિયાન તેને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આમ ડિપ્રેશન એક માનસિક બીમારી છે, પરંતુ સમયસર સારવાર ન કરાવવાથી તે એક શારીરિક સમસ્યાના રૂપે પણ સામે આવે છે. આ સ્થિતિમાં માત્ર વાળ નથી ખરતા, પરંતુ વાળ સફેદ પણ થવા લાગે છે.

પોષણની ઊણપ : શરીરમાં પોષણની ઊણપ પણ વાળ ખરવાનું એક મૂળભૂત કારણ છે. તેમાં પણ ખાસ કરીને મહિલાઓ પોતાના પોષણનું બરાબર ધ્યાન રાખતી નથી હોતી. જેા તમે પણ સંતુલિત આહાર લેતા ન હોય તો તમને વાળ ખરવાની સમસ્યા સંભવિત રીતે થઈ શકે છે. તેથી પોતાના ખાતામાં હંમેશાં વિટામિન ઈ, આયર્ન, ઝિંક અને સૌથી વધારે જરૂરી એવા પ્રોટીનને જરૂર સામેલ કરવા જેાઈએ.

હેરસ્ટાઈલિંગ અથવા હેરસ્ટાઈલ : જરૂર કરતા વધારે હેરસ્ટાઈલિંગ કરવાથી વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે તમે વધારે હેરસ્ટાઈલિંગ કરાવતા હોય તો તેના લીધે તમારા વાળને ભારપૂર્વક ખેંચવામાં આવે છે અને કેમિકલ પણ લગાવવામાં આવે છે, જેથી વાળ નબળા પડી શકે છે.

ડેન્ડ્રફ અથવા ખોડો : ડેન્ડ્રફ અથવા ખોડાના લીધે સામાન્ય રીતે બધાના વાળ ખરતા હોય છે. આમ ડેન્ડ્રફ થવાના અનેક કારણો હોય છે, જેમ કે ડ્રાય સ્કેલ્પના લીધે, ઓઈલી વાળના લીધે, ગંદકીના લીધે, વાતાવરણ બદલાવાના લીધે અથવા ખરાબ હેર કેર રૂટિનના લીધે.

વારસાગત : વાળ ખરવાની સમસ્યા પારિવારિક પણ હોઈ શકે છે. ઘણું ખરું જેાવા મળ્યું છે કે જેા કોઈને વાળ ખરવાની સમસ્યા હોય તો તેની ભવિષ્યની પેઢીમાં આ સમસ્યા થતી હોય છે.

લૂપુસ ડિસઓર્ડર : ઓટોઈમ્યૂન ડિસઓર્ડરના લીધે ઘણું ખરું લોકોને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. લૂપુસ ઓટોઈમ્યૂન ડિસઓર્ડર થવા પર શરીરના ઘણા બધા ભાગમાં લાંબા સમય સુધી સોજેા આવી જાય છે, જેથી તે ભાગમાં લોહી બરાબર પહોંચી નથી શકતું અને ત્યાર પછી વાળ ખરવાની સમસ્યા શરૂ થાય છે.

હોર્મોન બદલવાના લીધે : જેા શરીરમાં અચાનક હોર્મોન બદલાવા લાગે અથવા હોર્મોન અસંતુલિત થઈ જાય તો તેના લીધે આ સમસ્યા થાય છે. વાળ ખરવાની સમસ્યા મહિલાઓમાં ઘણું ખરું માસિકધર્મ અને ગર્ભાવસ્થા દરમિયાન જેાવા મળે છે.

ડિલિવરી પછી : મહિલાઓમાં વાળ ખરવાનું એક કારણ ગર્ભાવસ્થા પણ છે. ગર્ભાવસ્થા પછી મોટાભાગની મહિલાઓના વાળ ખરવા લાગે છે. કેટલીક નવી માતાને ગર્ભાવસ્થા પછી વધારે પ્રમાણમાં વાળ ખરવાનો અનુભવ થતો હોય છે. વાળનું ખરવું સામાન્ય રીતે બાળકને જન્મ આપવાના લગભગ ૪ મહિના પછી શરૂ થાય છે. દવાઓના લીધે ડાયાબિટીસ અને લોહી પાતળું કરવાની દવાઓ, થાઈરોઈડ, આર્થ્રાઈટિસ, બ્લડપ્રેશર અને હૃદયરોગની દવાઓ લેવાથી વ્યક્તિને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

એનોરેક્સિયા અને બુુલિમિયા : વાળ ખરવાની સમસ્યા કિશોરોમાં જેાવા મળે છે. ઘણું ખરું કિશોરો સિલમ ફિટ બોડીની ઈચ્છામાં ડાયેટિંગ કરતા હોય છે, જેથી તેમને એનોરેક્સિયા અને લુલિમિયા જેવી ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા થાય છે. આ ડિસઓર્ડરથી પીડિત યુવાનોને કુપોષણનો સામનો કરવો પડે છે, જેથી વાળ ખરવાની સમસ્યા થવા લાગે છે.

એલોપેસિયા યુનિવર્સલિસ
એલોપેસિયા યુનિવર્સલિસ એક એવી બીમારી છે, જેમાં તમારા શરીર પરના વાળ ખરવા લાગે છે. જે લોકોના વાળ સંપૂર્ણપણે ખરી જાય છે. તેઓ એલોપેસિયા ટોટલિસનો શિકાર બની જાય છે, પરંતુ જેા લોકોના શરીરના વાળ ધીરેધીરે ખરવા લાગે છે તેને એલોપેસિયા યુનિવર્સલિસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એલોપેસિયા ડોક્ટરની સારવાર શરૂ કરાવવાથી થોડા મહિનામાં ઠીક થઈ શકે છે.

ટેલોજન એફ્લુવિયમ
ટેલોજન એફ્લુવિયમના લીધે લોકોના વાળ ઝડપથી ખરવા લાગે છે. આ સમસ્યા ત્યારે થાય છે, જ્યારે તમારું શરીર તાણ, આઘાત અથવા બીમારીમાંથી પસાર થઈ રહ્યું હોત. તેનાથી તમારી સિસ્ટમને નુકસાન પહોંચે છે. સર્જરી અને કેટલીક દવાનો ઉપયોગ, ક્રેશ ડાયેટિંગ વધારે પડતી તાણ, થાઈરોઈડ વગેરેના લીધે તમારા વાળ ટેલોજનની સ્થિતિ સુધી પહોંચી જાય છે અને વાળ પાતળા થઈને તૂટવા લાગે છે. આ સ્થિતિમાં મેડિકલ સારવારની જરૂર પડી શકે છે.

ટિનેઆ કેપિટિસ
ટિનેઆ કેપિટિસનો અર્થ છે એક દાદર ઈંફેક્શન, જેા સ્કિન અને સ્કેલ્પ પર વાળના રોમછિદ્રની અંદર વિકસિત થાય છે. આ એક પ્રકારનું ફંગલ ઈંફેક્શન છે જે સ્કિન પર અલગઅલગ જગ્યા પર બને છે. આ ઈંફેક્શન એક વાર માથા પર થઈ જાય તો તમારા વાળ ઝડપથી તૂટવા અને ખરવા લાગે છે.

સ્કેલ્પ ઈંફેક્શન
સ્કેલ્પ ઈંફેક્શન સ્કેલ્પમાં બેક્ટેરિયલ અથવા ફંગલ ઈંફેક્શનના લીધે થાય છે. તેમાં ફંગસ અથવા બેક્ટેરિયા વાળના રોમ અથવા ક્ષતિગ્રસ્ત સ્કિનના માધ્યમથી સ્કેલ્પમાં પ્રવેશે છે ત્યારે સ્કેલ્પ સંક્રમિત થઈ શકે છે અને તેના લીધે વાળ ઝડપથી તૂટવા લાગે છે.

બ્લડપ્રેશરની સમસ્યાના લીધે : બ્લડપ્રેશરની સમસ્યા થવાથી વાળ ખરવા શરૂ થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ બ્લડપ્રેશરની સમસ્યાનો સામનો કરી રહી હોય છે ત્યારે લોહીનું પરિભ્રમણ બાધિત થઈ જાય છે. સાથે બ્લડમાં સોડિયમનું પ્રમાણ વધારે થઈ જાય છે. આ કારણસર બ્લડ વાળ સુધી બરાબર પોષણને પહોંચાડી નથી શકતું અને વ્યક્તિના વાળ ઝડપથી ખરવા લાગે છે.

ખરતા વાળને કેવી રીતે અટકાવશો
તમે પણ વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહ્યો હોય તો નીચે જણાવેલ ઉપાયને અજમાવીને આ સમસ્યાથી સુરક્ષિત રહી શકો છો :

વાળને યોગ્ય રીતે ધુઓ : પાતળા અથવા ખરતા વાળ વધારે નાજુક હોય છે, તેથી તે સરળતાથી તૂટી જાય છે. આ સ્થિતિમાં તમારે વાળ ધોતી વખતે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ, જેમ કે કોઈ સારા સૌમ્ય શેમ્પૂનો ઉપયોગ કરો. પ્રત્યેક શેમ્પૂ પછી મોઈશ્ચરાઈઝિંગ કંડિશનર લગાવો. કંડિશનર તમારા સ્ટ્રેન્ડ્સને કોટ કરે છે, જેનાથી વાળનું તૂટવું અને સ્પ્લિટ એંડ્સ ઘટી
જાય છે.

યોગ્ય ડાયટનું ધ્યાન રાખો : પોતાના ડાયટને પૌષ્ટિક રાખો, જેથી તમારા વાળ મજબૂત બને. આયર્ન અને પ્રોટીનથી ભરપૂર વસ્તુ ખાઓ જે વાળને મજબૂત બનાવે છે. ખૂબ ઓછી કેલરીવાળા ખોરાકથી વાળ ખરી શકે છે. વાળના રોમ મહદ્અંશે પ્રોટીનમાંથી બને છે જેને કેરાટિન કહેવામાં આવે છે. તેથી આહારમાં આયર્ન અને પ્રોટીનને સામેલ કરો. આ બંનેની ઊણપના લીધે વાળ ખરવાની સમસ્યા સૌથી વધારે થાય છે અને વાળ સફેદ પણ થવા લાગે છે. તદુપરાંત પોતાના આહારમાં વિટામિન બીને પણ સામેલ કરો.

વિટામિન-બીની ઊણપથી વાળ ખરવાની સમસ્યા ઝડપથી વધે છે, પરંતુ ગાજર ખાવાથી વાળનું ખરવુ ઓછું થઈ જાય છે, કારણ કે તેમાં રહેલું વિટામિન-એ વાળને નરિશ કરે છે અને સ્કેલ્પને પણ હેલ્ધિ રાખે છે. આ રીતે હેરફોલ થઈ રહ્યું હોય તો વોલનટ્સનું સેવન કરવું જેાઈએ. તેમાં વિટામિન-બી, પ્રોટીન, ઝિંક અને આયર્ન હોય છે, જે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. વિટામિન બી-૧૨, આયર્ન, ઝિંક અને ઓમેગા-૬ એસિડની ઊણપ થવાથી વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે છે. ઈંડાને વાળની કાળજી માટે ખૂબ સારા માનવામાં આવે છે.

આ રીતે લો ફેટ ડેરી પ્રોડક્ટ તમારા વાળના ગ્રોથ માટે ઉત્તમ વિકલ્પ છે. તેમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે, જે વાળની મજબૂતાઈ માટે જરૂરી છે. પોતાના ડાયટમાં તાજા ફળ અને શાકભાજીને પણ સામેલ કરો. ફણગાવેલા અનાજ ખાઓ અને દહીંને દૈનિક આહારમાં સામેલ કરો. લીંબુ, ફળ અને શાકભાજીનો તાજેા કાઢેલો જ્યૂસ પણ પીઓ. સાથે નિયમિત રીતે એક્સર્સાઈઝ કરવાનું ભૂલશો નહીં.

વાળ ખેંચાય તેવી હેરસ્ટાઈલ ન બનાવો : ટાઈટ બ્રેડ અને પોનીટેલ અથવા આ પ્રકારની બીજી હેરસ્ટાઈલથી તમારા વાળ ખેંચાશે, જે વાળને નુકસાન પહોંચાડી શકે છે, તેથી આ પ્રકારની હેરસ્ટાઈલથી દૂર રહો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....