રમકડાં બાળકના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. માત્ર જરૂર હોય છે યોગ્ય ઉંમરમાં બાળકોને યોગ્ય રમકડાં આપવામાં આવે, પરંતુ આ રમકડા એવા હોવા જેાઈએ જેની સાથે રમતી વખતે બાળકો રમતમાં સંપૂર્ણપણે વ્યસ્ત રહી શકે અને રમતાંરમતાં પોતાના વ્યક્તિત્વના વિકાસ વિશે શીખી શકે. રિમોટ અને બેટરીવાળા રમકડાના બદલે એવા રમકડા તેમને શીખવામાં મદદ કરે છે જેની સાથે બાળક પોતે રમે. ખૂબ સારા એવા રમકડા પણ હોય છે જે સસ્તા હોવા છતાં બાળકો માટે ખૂબ ઉપયોગી હોય છે. પેરન્ટ્સ માટે પણ જરૂરી છે કે તેમણે રમકડાની કિંમતને સ્ટેટસ સિમ્બોલ ન બનાવવા જેાઈએ. માત્ર એ જેાવું જેાઈએ કે તે બાળકો માટે કેટલા ઉપયોગી છે અને બાળકો તેને કેટલા પસંદ કરે છે.

આપણે જ્યારે પણ બાળકોને સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે કોશિશ એ રહેતી હોય છે કે આપણે તેમના ન બોલેલા શબ્દોને પણ સમજી જઈએ. આપણો પ્રયાસ એ જ રહેતો હોય છે કે કોઈક રીતે આપણે પણ તેમની દુનિયામાં પહોંચી જઈએ. આ દુનિયા એટલે જ્યાં એક માચીસનું બોક્સ પણ ઊડતું વિમાન લાગે, જ્યાં નાનાનાના રમકડામાં ઘણા બધા મોટા સપના સજાવેલા હોય અને કાકો સુધી પોતાની સાથે વાતો કરતા રહેવું. ક્યારેક ગાડીના પૈડાની તો ક્યારેક જેાડીજેાડીને માચીસથી મહેલ બનાવવો. આ જ રીતે કોઈ રમકડાના તૂટવાથી કલાકો સુધી આંસુ વહેવડાવવા અથવા નવા રમકડા મળતા જાણે કોઈ ખજાનો મળી ગયો ન હોય તેવી ખુશી વ્યક્ત કરવી.

ભવિષ્યના વિકાસનો પાયો
એ બાળપણને બાળપણ જ ન કહેવાય, જેમાં રમકડાની યાદો ન હોય, પરંતુ શું તમે જાણો છો કે રમકડા સાથે રમવું માત્ર એક ક્રિયા નથી, પરંતુ તેનાથી એક સોનેરી ભવિષ્યના વિકાસનો પાયો પણ નખાતો હોય છે. રમકડા અને રમતથી સ્વયંમાં જાગૃતિ, સ્વયંના બીજા સાથેના સંબંધ, આત્મવિકાસ અને આત્મ અભિવ્યક્તિ જેવી ઘણી બધી બાબત બાળકો શીખતા હોય છે, જે યોગ્ય વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જરૂરી છે. ચાઈલ્ડ, અડોલસેન્ટ એન્ડ પેરન્ટલ હેન્ડલિંગ એક્સપર્ટ સાઈકોલોજિસ્ટ ડોક્ટર સોનલ ગુપ્તા જણાવે છે કે ઘણી વાર જે વાતોને બાળકો પોતાના માતાપિતાને નથી કહી શકતા તેને તેઓ રમકડાના માધ્યમથી કહી શકે છે. તેથી પેરન્ટ્સ માટે પણ જરૂરી છે કે તેઓ પોતાનો થોડો સમય બાળકો સાથે રમવામાં પસાર કરે અને તેમની દુનિયાનો ભાગ બને. મનોવૈજ્ઞાનિક આ પ્રક્રિયાથી ‘પ્લે થેરપિ’ થી બાળકોની દુનિયામાં પ્રવેશ કરે છે અને તેમની ઘણી બધી ગૂંચવણને ઉકેલવાનો પ્રયાસ કરતા હોય છે.

મોંઘા રમકડા જરૂરી નથી
સામાન્ય રીતે પેરન્ટ્સ એવું વિચારતા હોય છે કે મોંઘા રમકડા બાળકોને વધારે પસંદ આવશે. જેાકે આ સંપૂર્ણ સત્ય નથી. ઘણી વાર જેાવા મળે છે કે બાળકો સસ્તા રમકડા જેાઈને વધારે આકર્ષિત થતા હોય છે. તેથી તેમના માટે રમકડા ખરીદતી વખતે તેમની પસંદ પર ધ્યાન આપો. ઉંમરના હિસાબે બાળકોને શું શીખવવું જેાઈએ તે વાતને ધ્યાનમાં રાખીને રમકડા ખરીદો.
આમ પણ રમકડા બાળકોના જીવન સાથે જેાડાયેલ સૌથી મીઠા અનુભવ હોય છે, પરંતુ એ વાત જરૂરી નથી કે આ રમકડા મોંઘા હોય. ધ્યાન રાખો કે ક્યાંક તમે લાવેલા રમકડાથી ક્યાંક બાળકની જિદ્દ અને ઘમંડના દ્વાર ખૂલી ન જાય. રમકડા બાળકની કલ્પનાનું પ્રતીક હોય છે, પછી ભલે ને તે કાગળની એક હોડી હોય કે સૂકા લાકડામાંથી બનાવેલું આધુનિક વિજ્ઞાનનું પ્રતીક એક આકાશમાં ઊડતું વિમાન. જરૂરી એ છે કે તેમની કલ્પનાના આ શહેરમાં તમારું સ્થાન છે?

બાળકોની રુચિ રમકડા દર્શાવે છે
સાઈકોથેરાપિસ્ટ ડોક્ટર નેહા આનંદ જણાવે છે કે રમકડાની સાથે જ્યારે બાળક રમતું હોય છે ત્યારે તેના સ્વભાવના વિષયની આપણને જાણ થતી હોય છે. ઘણી વાર તે સમયે જાણ થતી હોય છે કે બાળક કઈ દિશામાં જવા માંગે છે. ક્રિકેટ રમવાનો શોખ ધરાવતું એક બાળક કેવી રીતે મોટા થતા ક્રિકેટર બની જાય છે તે જેાવા જેવી વાત છે. રમકડા રમવાની રીતથી બાળકના વ્યવહારની જાણકારી મળી જાય છે. કેટલાક બાળકો રમતી વખતે એવા ગુસ્સાવાળા કામ કરે છે જેનાથી તેમના ગુસ્સાવાળા સ્વભાવને સમજી તેનું નિદાન કરી શકાય છે.
બાળક જ્યારે બોલને કેચ કરવાની રમત રમતું હોય ત્યારે આ રમત સીધીસરળ દેખાય છે. વાસ્તવમાં બોલને કેચ કરવાની આ રમતમાં શારીરિક એક્સર્સાઈઝ સાથે મેન્ટલ એક્સર્સાઈઝ થતી હોય છે. તેનાથી બાળકમાં એકાગ્રતા વધે છે, સાથે તેમને બોલની સ્પીડનો અંદાજ લગાવતા આવડી જાય છે. પેપર ફાડવું, દીવાલ પર બાળકનું પેન્સિલથી લખવું ઘણી વાર પેરન્ટ્સને બાળકનો ખરાબ વ્યવહાર લાગતું હોય છે. વાસ્તવમાં બાળક માટે આ પણ એક રમત છે, જેના માધ્યમથી તે ઘણી બધી વસ્તુ શીખે છે. નાના બાળકો સાથે રમવામાં જેા પેરન્ટ્સ પણ પોતાના સમય આપે તો તેમનું આ કામ બાળકોના વિકાસમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

રમકડા બાળકોને ખુશ રાખવાનું માધ્યમ નથી
મોટાભાગના પેરન્ટ્સ એવું વિચારે છે કે રમકડા બાળકોને ખુશ રાખવાનું માધ્યમ છે. આ સ્થિતિમાં તેઓ બાળકોને મોંઘામાં મોંઘા અને સારામાં સારા રમકડા ખરીદીને આપતા હોય છે, પરંતુ તેઓ તેમના વિકાસમાં સહાયક નથી બનતા. પેરન્ટ્સના આ વ્યવહારથી બાળકમાં જિદ્દ કરવાની આદત પડી જાય છે. પછી તે જિદ્દ કરીને રમકડા ખરીદવા લાગે છે. જેા કોઈ બાળક રિમોટથી ઊડતા હેલિકોપ્ટર સાથે રમી રહ્યું હોય તો તેને માત્ર રિમોટનું બટન દબાવતા આવડશે. તે એવું માનવા લાગશે કે માત્ર એક બટન દબાવવાથી પ્લેન ઊડે છે, પરંતુ જેા કોઈ સામાન્ય વિમાનનું રમકડું તેને લાવી આપશો તો તેના પંખા, પૈડા વગેરેની જરૂરિયાતની તેને જાણકારી મળશે. તે જાણી શકશે કે પ્લેન ઉડાવવા માટે સમથળ રસ્તો જેાઈએ. આ જ કારણસર રિમોટવાળા રમકડાના બદલે નોર્મલ રમકડાથી બાળકોને વધારે શીખવી શકાય છે.
આજના સમયમાં જ્યારે પણ બાળક રડે છે ત્યારે મા તેને પોતાનો મોબાઈલ અથવા ઘરમાં પડેલું લેપટોપ પકડાવી દે છે. બાળક તેને રમવા લાગે છે, પછી ધીરેધીરે તે તેની આદત બની જાય છે. સાઈકોથેરપિસ્ટ ડોક્ટર નેહા આનંદ જણાવે છે કે બ્લૂ સ્ક્રીનનો નશો બાળકના મન પર ખૂબ ખરાબ રીતે પ્રભાવ પાડે છે. થોડા સમય પછી તે તેની આદત બની જાય છે. પેરન્ટ્સ પણ ઘમંડ માટે મોંઘા ફોન બાળકોને આપી દેતા હોય છે. પછી જેમજેમ સ્ક્રીન મોટો થતો જાય છે તેમતેમ તેની અસર પણ વધતી જાય છે. તેથી પેરન્ટ્સ માટે જરૂરી છે કે રમકડાના બદલે બાળકોને મોબાઈલ ન આપો, તેની નકારાત્મક અસર બાળકના મન પર ખૂબ લાંબા સમય સુધી રહે છે.
– શૈલેન્દ્ર સિંહ.

વધુ વાંચવા કિલક કરો....