મિડલ ક્લાસ નોકરિયાત લોકો મોટાભાગે પોતાની આવકથી સંતુષ્ટ નથી હોતા. તેમને ક્યાંક ને ક્યાંક પૈસાની અછત અનુભવાતી હોય છે. પોતાના સગાંસંબંધી અને મિત્રોથી વધારે શ્રીમંત દેખાવા માટે તથા સમાજમાં પોતાનું સ્ટેટસ મેઈન્ટેન રાખવા તેમનું દિલ પૈસા માટે તરફડિયા મારતું રહે છે. ક્યારેક દીકરાએ કોઈ સારા ડ્રેસની માગણી કરી અથવા દીકરીએ પોતાની સાહેલીઓ સાથે પિકનિક પર જવા માટે રૂપિયા માંગી લીધા તો ઘરનું બજેટ ખોરવાઈ જાય છે. સેલરી મહિનો પૂરો થતા પહેલા જ સ્વાહા થઈ જાય છે. જેા તમારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હોય તો અમારી સલાહ માનો અને નોકરીની સાથે કોઈક એવું કામ કરો જેને તમે એન્જેાય કરી શકો અને તમારી આવકમાં વધારો થાય. અહીં અમે તમને કેટલાક પાર્ટટાઈમ સ્મોલ બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ, જેનાથી મધ્યમવર્ગના લોકો પોતાની કમાણીમાં વૃદ્ધિ કરી શકે છે.
તેના માટે તમારે પૂરા દિવસમાંથી ૧ કલાકથી વધારે સમય નહીં આપવો પડે, પરંતુ આ બધા માટે પહેલા થોડી ટ્રેનિંગ લેવી જરૂરી છે અને તે માટે થોડો ખર્ચ કરવો પડશે. જેા તેને પૂરા ઉત્સાહથી શીખશો તો જલદીથી હુન્નર તમારી સમજમાં આવી જશે.

ફિટનેસ ઈંસ્ટ્રક્ટર બનો
હાલના દિવસોમાં નાનામોટા બધા શહેરમાં ફિટનેસ ક્લાસિસનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. જેા તમે પણ થોડી ટ્રેનિંગ લેશો તો પોતાની આસપાસના લોકોને ૩૦ મિનિટના પેઈડ ફિટનેસ ક્લાસિસ રોજ આપી શકો છો. તેનાથી તમે પોતે પણ સ્વસ્થ રહી શકશો અને તમારી ઈન્કમ પણ વધશે. આ બિઝનેસમાં તમે પ્રતિ વ્યક્તિ મહિનાના રૂ. ૧૦૦૦ થી રૂ. ૨૦૦૦ સુધીની ફી ચાર્જ કરી શકો છો.
તમારા ક્લાસિસમાં ૧૦ લોકો પણ આવે તો પૂરા મહિનાના હિસાબે તમે માત્ર ૧૫ કલાકમાં રૂપિયા ૩ થી ૫ હજાર સુધીની કમાણી કરી શકો છો. જેા તમે સવારસાંજ અડધા અડધા કલાકના ક્લાસ લો, તો આ રકમ બેવડી થઈ જશે. ફિટનેસ ક્લાસમાં આમ પણ સંખ્યા વધવામાં વધારે સમય પણ નથી લાગતો. આસપાસનાં લોકો એકબીજાની નકલ કરીને ક્લાસિસ જેાઈન કરવા લાગે છે.

સંગીત શીખવો
જેા તમને સંગીતનું સારું જ્ઞાન હોય તો તમે સાંજના સમયે ઓફિસથી આવ્યા પછી ૧ કલાકના મ્યૂઝિક ક્લાસ શરૂ કરી શકો છો. ક્લાસિસ શરૂ કરવામાં તમે જે ઈંસ્ટ્રુમેન્ટ વગાડવામાં તજ્જ્ઞ છો તેના મ્યૂઝિક ક્લાસ શરૂ કરી શકો છો. માની લો કે તમને ગિટાર સારું વગાડતા આવડે છે, તો બાળકોને ગિટાર વગાડતા શીખવો.
મ્યૂઝિક ક્લાસિસ દ્વારા તમને સારી એવી કમાણી થશે. આ જ રીતે તમને ગાવાનો શોખ હોય તો હાર્મોનિયમ પર ગઝલ, ભજન, લોકગીત વગેરે શીખવી શકો છો. ગાયન શીખવા માટે મહિલાઓ પણ ખૂબ ઉત્સાહિત રહેતી હોય છે. તેના માટે તેઓ રૂપિયા ૧ હજારથી રૂપિયા ૨૦૦૦ પ્રતિમાસ સરળતાથી ખર્ચી શકશે.

ટ્યૂશન ક્લાસ
તમે શિક્ષણના કોઈ વિષયના સારા જાણકાર છો તો તેના વિશે પોતાની આસપાસના લોકોને જણાવો. ત્યાર પછી ડેઈલી ટ્યૂશનનું એક બોર્ડ ઘરની બહાર લગાવી દો. તેની સાથે એવા વિષયો વિશે પણ લખો, જેનું બાળકોને તમે ટ્યૂશન આપી શકો છો. જેા તમારી આસપાસ સ્કૂલ અથવા કોલેજ હોય તો ત્યાં પણ તમે તમારા ક્લાસના પેમ્ફ્લેટ વહેંચી શકો છો કે બેનર્સ લગાવી શકો છો. ટ્યૂશનમાં રોજ ૧ કલાક ભણાવીને તમે દર મહિને રૂપિયા ૧૫ થી ૨૦ હજારની કમાણી કરી શકો છો.

ફૂલોનો બિઝનેસ
ફ્લાવર બિઝનેસ પણ ખૂબ સારો લાભ આપે છે. દરેક ફંક્શનમાં ફૂલોની માંગ રહેતી હોય છે. બર્થ-ડે, મેરેજ એનિવર્સરી, લગ્ન, ઓફિસ ફંક્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ દરેક જગ્યાએ ફૂલોની ખૂબ ડિમાન્ડ રહેતી હોય છે. લોકો ફૂલને બુકે અથવા સજાવટ માટે ખરીદતા હોય છે. ફૂલોની વેરાઈટી જાણીને તે કઈ જગ્યાએથી મળશે કે ક્યાં તેની ખેતી થાય છે તેની તપાસ કરો. પછી પોતાનું બજેટ બનાવીને સીધા ખેડૂતો પાસેથી ફૂલ ખરીદો. પછી પોતાની શોપ શહેરમાં એવી જગ્યાએ શરૂ કરો, જ્યાં તમારા માટે કોમ્પિટિશન ઓછી હોય અને બજાર મોટું હોય, સાથે આસપાસ સારો રહેઠાણ વિસ્તાર પણ હોય.

કેબ બિઝનેસ
જેા તમે પ્રથમ પ્રયાસમાં કંઈક મોટું કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે કેબ બિઝનેસ ઉત્તમ ઓપ્શન છે. કેબ બિઝનેસમાં તમે લોન પર નવી કાર ખરીદી શકો છો અને તેને બજારમાં કેબ કંપનીની સાથે મળીને ચલાવી શકો છો. જેાકે આ બિઝનેસમાં મૂડીનું રોકાણ થોડું વધારે કરવું પડશે, તેથી કોઈને પાર્ટનર તરીકે પણ સામેલ કરી શકો છો.

ઝેરોક્ષ અને બુક બાઈન્ડિંગ
આજકાલ સ્કૂલકોલેજના બાળકો મોટી સંખ્યામાં નોટ્સ વગેરે એકબીજા સાથે શેર કરતા હોય છે અને તેના માટે તેઓ ફ્રેન્ડ્સની પૂરી બુક્સ કે નોટબુકની ઝેરોક્ષ કરાવવા પહોંચી જાય છે. આજે પણ ઘણી બધી સ્કૂલ, કોલેજની આસપાસ ઝેરોક્ષ અને બુક બાઈન્ડિંગની સુવિધાનો અભાવ હોય છે. આ સ્થિતિમાં જેા તમે આવી જગ્યાની આસપાસ ઝેરોક્ષ કે બુક બાઈન્ડિંગનું કામ શરૂ કરશો, તો આ બિઝનેસ પણ તમારા માટે નફાકારક સાબિત થઈ શકે છે.
જેા તમે પ્રોગ્રામિંગમાં સારા છો તો ઘણી બધી ફ્રીલાન્સ બહુવિકલ્પી વેબસાઈટ છે, જ્યાંથી તમને ફ્રીલાન્સ કામ મળી શકે છે અને તેનાથી તમે સારું કમાઈ શકો છો. એટલું જ નહીં. તમે અનુવાદ કરવામાં હોશિયાર હોય તો પણ તમે શાંતિથી ઘરે બેઠાંબેઠાં સારા એવા પૈસા કમાઈ શકો છો.

સ્નેક્સ સેન્ટર
જેા રેસ્ટોરન્ટ અને ચાનાસ્તાના બિઝનેસમાં સમજદારીથી રોકાણ કરવામાં આવે તો ક્યારેય ખોટ જતી નથી. તમે પણ ઓછા રોકાણમાં સ્નેક્સ સેન્ટર શરૂ કરી શકો છો. સવારે અને સાંજના સમયે શહેરોમાં મોટાભાગના યુવાનો સ્નેક્સમાં કંઈ ને કંઈ ખાતા હોય છે. તમે તમારી રેસ્ટોરન્ટમાં કોઈ એક યૂનિક આઈટમ રાખી શકો છો, જે સરળતાથી દરેક જગ્યાએ ન મળતી હોય.
ઉદાહરણ્ તરીકે જેાઈએ તો ૨-૩ વેરાઈટીના સમોસા રાખો, જેનાથી તમારી દુકાનની ઓળખ બીજાથી અલગ બને અથવા ૪-૫ પ્રકારના પાણીવાળી પકોડીનું પણ એક અલગ કોર્નર રાખો. હીંગ, વરિયાળી, ફુદીનો, જીરું, ધાણા વગેરેની સોડમવાળું પાણી પકોડીમાં ભરીને વેચો. શરૂઆતમાં તમે તમારા મેનુમાં ઓછામાં ઓછી આઈટમ રાખો. આ બિઝનેસમાં સફળ થવા પર મેનુની આઈટમની સંખ્યા વધારી શકો છો.

રિયલ એસ્ટેટ સલાહકાર
રિયલ એસ્ટેટનું કામ આમ પણ હંમેશાં ચાલનારું કામ છે, તેથી જેા તમે આ ક્ષેત્રના જણકાર છો તો રિયલ એસ્ટેટ અને લે-વેચ, ભાડાપટ્ટે વગેરે વિશે લોકોને સલાહ આપવા માટે એક કંસલ્ટન્સી શરૂ કરી શકો છો, જે એક ઉત્તમ આઈડિયા બની શકે છે. સાંજે કામકાજ પરથી પરત આવીને તમે તમારી શોપ પર ૨-૩ કલાક માટે બેસી શકો છો અથવા ફોન પર ક્લાયંટની જરૂરિયાત પૂરી કરી શકો છો.
– રાજીવ.

વધુ વાંચવા કિલક કરો....