મે, ૨૦૨૨ ના છેલ્લા અઠવાડિયામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના કાર્યકર્તા સાથે વાત કરી રહ્યા હતા. તેમાંનો એક કાર્યકર્તા કંઈક કહેવા માટે ઊભો થયો ત્યારે મમતાથી રહેવાયું નહીં. તેમણે તેને પૂછી જ લીધું, ‘‘તમારું મધ્યપ્રદેશ કેમ આટલું મોડું થઈ ગયું છે. શું તમે બીમાર છો?’’ કાર્યકર્તા બિચારો સ્પષ્ટતા કરતો રહ્યો, પરંતુ મમતાએ તેનો પીછો ન છોડ્યો. વાસ્તવમાં અયોગ્ય આહારની ટેવના લીધે વધી ગયેલી ફાંદ ઘણા બધાની પર્સનાલિટીને જમીનદોસ્ત કરી દે છે. વધારે ખાવું અને પેટનું વધવું અનેક બીમારીને શરીરમાં પેદા કરે છે. આ સમસ્યાના લીધે આજે એક મહાકાય ફિટનેસ ઉદ્યોગ આ સ્થૂળતાને કંટ્રોલ કરવા માટે દુનિયાભરમાં ચાલી રહ્યો છે અને તેમાં અધધ કમાણી પણ થઈ રહી છે. આપણી ભૂખને સંતોષનાર, આપણા શરીરને ઊર્જા આપનાર, શરીરનું યોગ્ય પોષણ કરનાર અને પાક કુશળતાનો અનુભવ કરાવનાર યોગ્ય આહાર, આપણને સ્વસ્થ, આનંદિત અને સૌથી મહત્ત્વપૂર્ણ ફિટ અને ફાઈન રાખે છે, પરંતુ ક્યારેક-ક્યારેક અજાણતા અથવા તે સમયની માનસિક અથવા આસપાસની પરિસ્થિતિ અનુસાર કે પછી બીજા કોઈ કારણસર સરેરાશ ખોરાકથી વધારે પ્રમાણમાં ખવાઈ જાય છે. ખોટી રીતનું, ખોટી રીતે અને ખોટા સમયે ખોરાક લેવામાં આવે છે, જેનું પરિણામ ધીરેધીરે શરીર પર દેખાવા લાગે છે. પછી અચાનક આવેલા આ બદલાવનો અહેસાસ થવા લાગે છે, પરંતુ દેખાવા પણ લાગે છે અને ત્યાર પછી શરૂ થાય છે પોતાની સ્વયંની શોધ. ઘણી વાર આ શોધ અર્થહીન, કંટાળાજનક અને ક્યારેય પૂરી ન થનારી હોય છે. પછી તેના માટે શોધવામાં આવે છે અનેક ઉપાય, પરંતુ આ ઉપાયોથી ઘણી વાર માત્ર ને માત્ર નિરાશા જ હાથ લાગે છે. સ્થૂળતાથી લઈને સુડોળ કાયા એટલે કે આજની આધુનિક ભાષામાં કહીએ તો ‘ઝીરો ફિગર’. સુડોળ, સુંદર અને ફિટ દેખાવું કોને નથી ગમતું? બધા ઈચ્છે છે અને તેનું સપનું બતાવનાર અને તેને વાસ્તવિક ઓપ આપનાર ને દાવો કરનારા ઘણા બધા નામ અવારનવાર ચમકતા આપણી સામે આવે છે, પરંતુ તેમની પાસેથી આપણને જે જેાઈએ છે તે પ્રાપ્ત નથી થતું, પરંતુ કંઈક જુદું જરૂર મળી જાય છે.

જીવનશૈલી કેવી હોવી જેાઈએ
આહાર વિશેષજ્ઞોનું કહેવું છે કે આપણા ઘરના કિચનમાં આપણા આહારની રીતો છુપાયેલી હોય છે, પરંતુ ઘરમાં બનેલા આહારની રીત છોડીને ખોટી દિશામાં ચાલ્યા જશો તો તેની શરીર પર ખરાબ અસર દેખાવા લાગે છે. તમે જેવું ખાઓ છો તેવા તમે બનો છો. ડાયટની સમયસીમા ખૂબ ટૂંકી હોય છે, કારણ કે માત્ર સૂપ્સ, સેલડ, ફળ કે શાકભાજીના જ્યૂસ પર આપણે પૂરી જિંદગી નથી વિતાવી શકતા. આપણો આહાર આપણી જીવનશૈલી માત્ર આપણા શરીર પર અસર નથી કરતી, પરંતુ તેની ઘેરી અસર આપણા મન પર થાય છે. ઘણી વાર ખોટા કારણો માટે પણ વેટ લોસ કરવાની કોશિશ કરવામાં?આવે છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે પોતાના આહાર પર કંટ્રોલ કરનાર અથવા યોગ્ય આહારની રીતને પોતાની જીવનશૈલી બનાવનાર લોકો ખૂબ ઓછા હોય છે. ઊંચાઈ અને વજનનો ખોટો તાલમેલ બેસાડીને ખોટી જાણકારીથી ડાયટ અથવા વેટલોસ કરવામાં આવે છે.

ખોટી માન્યતા
સાચું કહો તો આપણું વજન આપણા શરીરનો ખૂબ નાનકડો ભાગ હોય છે. ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે તેમને ફેટ લોસ કરવો છે કે વેટ લોસ. આમ તો વજન ઓછું થવાથી જીવન સ્વસ્થ અને આરોગ્યમય બને છે, આજે એ ખોટી માન્યતા ચારે બાજુ પ્રચલિત છે કે તમારું વજન મહત્ત્વપૂર્ણ નથી હોતું, પરંતુ તમે કેટલા સ્વસ્થ, ખુશહાલ અને આરોગ્યસંપન્ન અનુભવો છો તે વધારે મહત્ત્વનું હોય છે. ભોજનના વિષયમાં પોતાનો વૈચારિક દષ્ટિકોણ હંમેશાં વિશાળ રાખો, જેાકે તેના માટે આપણું શરીર સ્વસ્થ અને મન શાંત હોવું જેાઈએ. જ્યારે આપણા દ્વારા આરોગવામાં આવેલા આહારમાં વધારે પ્રમાણમાં પોષક તત્ત્વો હોય ત્યારે તે શક્ય બને છે. આપણે જ્યાં રહીએ છીએ, ત્યાંના વાતાવરણ અનુસાર ખાવાથી પેટ સમતોલ રહે છે. આપણે જ્યાં રહીએ છીએ ત્યાંના વાતાવરણ દ્વારા પેદા થતા જેાખમથી આપણું રક્ષણ કરે છે, તેથી લોકલ ફૂડને મહત્ત્વ આપવું જરૂરી છે. તમારે કેટલું ખાવું છે તે તમારા પેટને નક્કી કરવા દો. ડોક્ટર, મા, પ્રશિક્ષક, આહાર વિશેષજ્ઞ અથવા બીજા કોઈને નહીં. આપણે જેા આપણા પેટની માગ અનુસાર ખાઈશું તો સ્થૂળ થવાનો ડર નહીં રહે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે બાળપણથી ખાતા આવ્યા છો અથવા ખાઈને મોટા થયા છો તે વસ્તુ ખાઓ, કારણ કે તે વસ્તુની તમારા પેટને ટેવ હોય છે અને તેનાથી તમને કોઈ પણ તકલીફ નહીં થાય.

આ રીતે તાજગીસભર દેખાશો
એક વારમાં ભરપેટ ખાવું અને પાછળથી વ્રતઉપવાસ કરવા બંને વાત ખૂબ મુશ્કેલ છે. તેનો એકમાત્ર ઉપાય છે હંમેશાં પેટ અને મનનું સાંભળો અને ઈચ્છા જેટલું જ ખાઓ. આપણી ભૂખ ક્યારેક માત્ર ૧ રોટલીથી સંતોષાય છે, તો ક્યારેક ૩ રોટલીથી. આ સ્થિતિમાં ખોરાકની માત્રા નિશ્ચિત ન કરો કે આટલું ખાવાનું છે. દર ૨ કલાકે કંઈ ને કંઈ ખાવું ખૂબ મહત્ત્વનું હોય છે. જેા આપણે આ નિયમ બનાવી લઈએ તો આપમેળે થોડુંક ખાવાથી પણ આપણું પેટ ભરાઈ જશે. જેાકે ઓછું ખાવાનો આપણો હેતુ નથી, પરંતુ પેટને જેટલા ખોરાકની જરૂર હોય, તેટલું જ ખાવું મહત્ત્વનું હોય છે. આમ પણ જરૂરિયાત અનુસાર ખાવું મહત્ત્વપૂર્ણ હોય છે. ભૂખ લાગવી યુવાન રહેવાની સારા સ્વાસ્થ્યની નિશાની છે. તેથી યોગ્ય રીતે ખાઓ અને પોતાની ભૂખને જાળવી રાખો.
તમને યોગ્ય ભૂખ લાગે છે કે નહીં તેની પર ખાસ ધ્યાન આપો? જેા તમારો જવાબ હા હોય તો સમજી લો કે તમે સાચા માર્ગે જઈ રહ્યા છો. તેથી યોગ્ય સમયે ખાઓ અને સ્વસ્થ તેમજ તાજગીસભર દેખાઓ. તે માટે તમારી ભૂખને સમયાંતરે ઊર્જા આપીને પ્રદીપ્ત રાખો.

આહાર અને એક્સર્સાઈઝ
સુયોગ્ય આહાર સાથે એક્સર્સાઈઝ ખૂબ જરૂરી છે. એક્સર્સાઈઝ કરવી આપણા શરીરને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી હોય છે. તેથી તમને જે પસંદ હોય તે જ એક્સર્સાઈઝ કરો. ઈચ્છો તો માર્શલ આર્ટ માટે જાઓ, ડાન્સ કરો, દોડવા જઓ, વેઈટ ટ્રેનિંગ લો અથવા ચાલવા કે તરવા જાઓ, જેથી તમારા સાંધા, માંસપેશીઓ અને હાડકાને મૂવમેન્ટ મળે. આમ એક્સર્સાઈઝ યોગ્ય રીતે કરવા માટે પ્રશિક્ષણ પણ જરૂરી હોય છે. આપણું શરીર જેટલું હળવું થશે, તેટલું સ્વસ્થ અને મજબૂત બનશે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે વેટ લિફ્ટિંગની એક્સર્સાઈઝ માત્ર પુરુષો જ કરે છે, પરંતુ વાસ્તવમાં વજન ઊંચકવાની એક્સર્સાઈઝ કરવી એટલે પોતાની માંસપેશીઓને મજબૂત કરવી હોય છે. જ્યારે કોઈ મહિલા એમ કહેતી હોય કે તે સુઘડ અને સુડોળ બનવા ઈચ્છે છે, તો તેનો સીધો સંબંધ માંસપેશીઓને સુડોળ બનાવવા તરફ હોય છે. માત્ર ચાલતા રહેવું તે જાણે પહેલા ધોરણમાં ભણતા બાળકને એમ કહેવા બરાબર છે કે તારે ૧૦ વર્ષ સુધી પહેલા ધોરણમાં રહેવાનું છે. માત્ર ચાલવાને સંપૂર્ણ એક્સર્સાઈઝ ન કહી શકાય. કોઈ ચેલેજિંગ એક્ટિવિટી કરવાને સંપૂર્ણ એક્સર્સાઈઝ કહી શકાય. અઠવાડિયામાં ઓછામાં ઓછા ૫ દિવસ સુધી નિયમિત એક્સર્સાઈઝ કરો. એક્સર્સાઈઝને હંમેશાં બદલતા રહો, જેથી તમને અને તમારા શરીરને તેનાથી કંટાળો ન આવે.
– પ્રતિનિધિ.

વધુ વાંચવા કિલક કરો....