લોકો હંમેશાં ફિલ્મી હસ્તીથી પ્રભાવિત થતા રહ્યા છે. તેમાં પણ ખાસ મહિલાઓ અને છોકરીઓ હીરોઈનના પહેરવેશ અને ફેશનની કોપી કરવાની કોશિશ કરે છે. આખરે સુંદર દેખાવું કોને ન ગમે? જ્યારે આપણને કોઈની સ્ટાઈલ ગમતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે આપણે પણ તેમના જેવું કરવાનો પ્રયત્ન કરીશું. આમ પણ બોલીવુડ દીવાની ફેશન સેન્સ હંમેશાં શાનદાર રહી છે. તેમની અદાઓ, ભવ્યતા અને સુંદરતા લોકોને ખૂબ આકર્ષિત કરે છે. એવી અનેક હીરોઈન છે, જે યંગ જનરેશનને પ્રભાવિત કરી રહી છે.
આવો, એવી કેટલીક હીરોઈનોની સ્ટાઈલ પર ધ્યાન આપીએ જેને જેાઈને તમે પણ સ્ટાઈલિંગ ટિપ્સ શીખી શકો :

ઐશ્વર્યા રાય બચ્ચનની મેકઅપ ટિપ્સ
ઉંમરના ૪૫ મા પડાવને પાર કર્યા પછી પણ ઐશ્વર્યાની સુંદરતામાં કોઈ ફરક નથી પડ્યો. નેચરલી સુંદર વિશ્વ સુંદરી ઐશ્વર્યાના મેકઅપ અને હેરસ્ટાઈલ હંમેશાં આકર્ષક રહ્યા છે. ઐશ્વર્યા રાય ન માત્ર ઓનસ્ક્રીન આકર્ષક દેખાય છે, પરંતુ તેનો રેડકાર્પેટ લુક પણ મેકઅપ લવર્સ માટે બ્યૂટિ લેસન્સનું માધ્યમ બનતો હોય છે. તમે પણ ઐશ્વર્યા પાસેથી શીખી શકો છો કે મેકઅપથી પોતાની કુદરતી સુંદરતામાં ચાર ચાંદ કેવી રીતે લગાવી શકાય :

વિંગ્ડ આઈ મેકઅપ : આંખોનો આ મેકઅપ તમારી આંખોને સારો શેપ આપવામાં મદદ કરે છે. તેમાં પણ ખાસ બદામ આકારની આંખો ધરાવતી મહિલાઓએ વિંગ્ડ આઈલાઈનર જરૂર ટ્રાય કરવી જેાઈએ. ઐશ્વર્યાની આંખો પણ વિંગ્ડ આઈલાઈનરના પ્રયોગથી વધારે સુંદર અને લાંબી દેખાય છે. તેની સાથે તેની ભરાવદાર પાંપણ તેના લુકને વધારે સુંદર બનાવે છે.

બ્લો ડ્રાઈ હેર : ઐશ્વર્યા હંમેશાં ક્લાસિક સિંપલ બ્લો ડ્રાય હેરમાં જેાવા મળે છે. આ એવરગ્રીન હેરસ્ટાઈલ ન માત્ર તેને સૂટ કરે છે, પરંતુ કોઈને પણ એટ્રેક્ટ કરી શકે છે. એક ક્લાસિક લુક માટે તમે પણ એશની જેમ એક બાઉન્સી બ્લો ડ્રાઈ હેરસ્ટાઈલ પસંદ કરી શકો છો. તેનાથી તમારા વાળ શાઈની અને ભરાવદાર દેખાશે, સાથે સ્મૂધ પણ થશે.

ઓવરઓલ ગ્લો : મોટાભાગની મહિલાઓ ચીકબોન, નાક અને બ્રો બોન પર હાઈલાઈટર લગાવતી હોય છે, પરંતુ ઐશ્વર્યા ઓવરઓલ ગ્લો પર વિશ્વાસ ધરાવે છે. તેના દરેક લુકમાં તે જેાવા મળે છે. આ એક એવી ટ્રિક છે જેનાથી તેના ચહેરાનો વચ્ચેનો ભાગ ગ્લો કરે છે અને આ એ ભાગ હોય છે જેની પર સૌથી વધારે લાઈટ પડે છે. તેનાથી તે હંમેશાં પિક્ચર પરફેક્ટ લુકમાં દેખાય છે.

શેપ્ડ આઈબ્રોઝ : આજકાલ છોકરીઓ અને સેલિબ્રિટીની પહેલી પસંદ હેવી અને સ્ટ્રેટ બ્રોઝ હોય છે, પરંતુ ઐશ્વર્યા હંમેશાં શેપ્ડ આઈબ્રોઝનો ઓપ્શન પસંદ કરે છે. એ વાત પણ સાચી છે કે જેા બ્રોઝ યોગ્ય રીતે શેપમાં ન હોય તો ચહેરાનું આકર્ષણ ઓછું થઈ જાય છે, પરંતુ શેપ્ડ આઈબ્રોઝ લુકને સ્માર્ટનેસ આપે છે.

રેડ લિપ્સ : ઓવરઓલ મેકઅપ ગમે તે કેમ ન હોય, પરંતુ ઐશ્વર્યા રેડ લિપ્સને પસંદ કરે છે. તમે પણ તેને રેડ લિપસ્ટિકના લગભગ બધા શેડમાં જેાઈ ચૂક્યા હશો. પછી તે ડાર્ક રેડ હોય, વાઈન રેડ હોય કે પછી ફાયરી રેડ શેડ, દરેક પ્રસંગે રેડ કલર પરફેક્ટ હોય છે.

અનન્યા પાંડે પાસેથી સ્ટાઈલ અને બ્યૂટિ ટિપ્સ શીખો
અનન્યા પાંડેએ વર્ષ ૨૦૧૯ માં તારા સુતરિયા સાથે ટાઈગર શ્રોફની ઓપોઝિટ પોતાની ફિલ્મ ડેબ્યૂ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ થી કર્યું હતું. આટલા ઓછા સમયમાં પોતાના ચંચળ અને સ્ટાઈલિશ લુકના લીધે તેણે પોતાનું સારું એવું ફેન ફોલોઈંગ બનાવી લીધું છે. તેમાં ખાસ યંગ જનરેશન તેને ખૂબ પસંદ કરે છે. અનન્યા એક્ટિંગની સાથેસાથે પોતાની ફેશન સેન્સને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. કેટલીક ફેશન ટિપ્સ છે, જે તમે તેની પાસેથી શીખી શકો છો :

કોકટેલ ડ્રેસનો જાદૂ : અનન્યા મોટાભાગે કોકટેલ ડ્રેસમાં દેખાય છે. તે આ ડ્રેસને પ્રસંગ અનુસાર હીલ્સ અને એક્સેસરિઝ સાથે પાર્ટીવેર બનાવી લેતી હોય છે અને ક્યારેક ડેનિમ અને સ્નીકર સાથે કેઝ્્યુઅલ લુકમાં દેખાતી હોય છે.

મોનોક્રોમેટિક મેકઅપ : મોનોક્રોમેટિક મેકઅપ લુક થોડો મુશ્કેલ હોય છે, કારણ કે તેમાં આંખ, ગાલ અને હોઠ માટે એક જ કલર પેલેટનો ઉપયોગ કરવામાં?આવે છે, પરંતુ અનન્યાને આપણે ઘણી વાર સુંદર રીતે બેલેન્સ કરેલા આ લુકમાં જેાઈએ છીએ. આ તેની હોટ સ્ટાઈલ છે. ઉદાહરણ તરીકે, તમે પીચ, પિંક અને ન્યૂડ શેડનો ઉપયોગ કરીને આ લુક મેળવી શકો છો. પીચ આઈશેડો, પિંક ગાલ અને ન્યૂડ લિપ્સની સાથે તમારો લુક ખૂબ ઈમ્પ્રેસિવ અને ડિફરન્ટ દેખાશે. જેાકે આ પ્રકારના ઘણા બધા કલર કોમ્બિનેશન કરી શકાય છે. આ લુકમાં હેરસ્ટાઈલની સાથે પણ એક્સપરિમેન્ટ કરી શકાય છે.

બેબી હેર : અનન્યાને વિવિધ પ્રકારની હેરસ્ટાઈલ ટ્રાય કરવી ખૂબ ગમે છે. પછી ભલે ને તે ગ્લેમરસ પોનીટેલ્સ હોય કે પછી ફિશટેલ બ્રેડ્સ. આમ તો અનન્યાની પહેલી પસંદ છે સારી રીતે બ્લો ડ્રાઈ કરેલા બેબી હેર. આ હેરસ્ટાઈલ દરેક પ્રકારના આઉટફિટ તેમજ લુક સાથે સારી લાગે છે.

હાઈડ્રેટેડ સ્કિન : એક સારું સ્કિન કેર રૂટિન અને ખૂબ પાણી પીવું સ્કિન માટે ખૂબ લાભદાયી સાબિત થાય છે અને અનન્યા પણ આ વાતનું પૂરું ધ્યાન રાખે છે. આ જ કારણસર તે પોતાની નેચરલ સ્કિનમાં પણ ફ્લોલેસ અને ગ્લોઈંગ દેખાતી હોય છે. તેની સ્કિન પર એક અલગ ચમક દેખાય છે.

કરીના કપૂર ખાન પાસેથી મેકઅપ ટિપ્સ શીખો
કરીના કપૂર એક ઉત્તમ એક્ટ્રેસ હોવાની સાથેસાથે હંમેશાં સ્ટાઈલ આઈકોન પણ રહી છે. જેાકે કોઈ પણ લુકમાં તે અત્યંત સુંદર દેખાતી હોય છે. જેા તમે પણ કરીનાની જેમ સ્ટાઈલિશ દેખાવા ઈચ્છતા હોય તો તેના મેકઅપ લુકમાંથી આ ટિપ્સ લઈ શકો છો :

કાજલનો જાદૂ : કરીના કપૂરને કાજલ ખૂબ પસંદ છે. જેા તમે મેકઅપ કરવાના મૂડમાં ન હોય તો કરીનાની જેમ માત્ર આંખોમાં કાજલ લગાવી શકો છો. કાજલથી તમારી આંખો મોટી દેખાશે તેમજ તેનું આકર્ષણ પણ પૂરા ફેસ પર દેખાશે.

દિવસે લાઈટ મેકઅપ : આમ તો કરીનાને બોલ્ડ મેકઅપ અને રેડ લિપ્સ ખૂબ પસંદ છે, પરંતુ જ્યારે તેને કોઈ ડે ફંક્શનમાં જવાનું હોય છે ત્યારે તે ન્યૂડ શેડની લિપસ્ટિક અથવા લિપગ્લોસ લગાવવાનું પસંદ કરે છે. તમે પણ કરીનાની આ મેકઅપ ટિપથી ઈંસ્પિરેશન લઈ શકો છો.

યોગ્ય કંટૂરિંગ : કરીના કપૂરના ઉપસેલા ચીકબોન્સ તેને એક અલગ લુક આપે છે. તેના માટે કંટૂર પાઉડરનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. યોગ્ય કંટૂરિંગ માટે સારો બેઝ પણ ખૂબ જરૂરી હોય છે.

હાઈલાઈટરનો જાદૂ : કરીના જેવી ચમકદાર સ્કિન માટે સારા સ્કિન કેર રૂટિન ઉપરાંત કોઈ સારા હાઈલાઈટરની પણ જરૂર પડશે. ગાલ પર થોડું હાઈલાઈટર લગાવવાથી તમારા ચીકબોન્સ તેની તરફ શાર્પ અને અપલિફ્ટેડ દેખાશે. તમે ઈચ્છો તો ફાઉન્ડેશનમાં હાઈલાઈટરને મિક્સ કરીને લગાવી શકો છો.

આલિયા ભટ્ટ પાસેથી સ્ટાઈલિંગ ટિપ્સ શીખો
આલિયા ભટ્ટ ફિલ્મી દુનિયાની એક એવી અભિનેત્રી છે, જે હંમેશાં પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તેનો ચંચળ અને નટખટ અંદાજ લોકોને પસંદ આવે છે. સાથે તેનો ગોર્જિયસ લુક પણ લોકોને ઓછું એટ્રેક્ટ નથી કરતો. તો આવો જાણીએ તેની કેટલીક સ્ટાઈલિંગ ટિપ્સ.

સ્ટાઈલિશ દુપટ્ટા લુક : આલિયા ભટ્ટ જ્યારે પણ અનારકલી અથવા લોંગ સૂટ પહેરે છે ત્યારે તેની સાથે એક સ્ટાઈલિશ દુપટ્ટો લેવાનું ભૂલતી નથી. હકીકતમાં, એક સિંપલ કુરતી પર પણ જેા તમે સ્ટાઈલિશ દુપટ્ટો લીધો હોય તો તેનાથી તમારો લુક ગોર્જિયસ દેખાશે, તેમાં પણ ખાસ દુપટ્ટા પર હેવી વર્ક હોય અથવા તે પારદર્શક હોય તો પછી પૂરા સૂટનો લુક બદલાઈ જાય છે. આમ પણ દુપટ્ટાને પહેરવાનો આલિયાનો અંદાજ થોડો અલગ છે. તે દુપટ્ટાના એક ભાગને પોતાના ખભા પર તો બીજા ભાગને નીચે લટકતો છોડી દે છે. આમ કરવાથી તેને એલિગેન્ટ લુક મળે છે.

સુંદર એરિંગ્સ : ડ્રેસની સાથેસાથે જ્વેલરી પણ તમારા ઓવરઓલ લુકને આકર્ષક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આલિયા પોતાની જ્વેલરી માટે મેચિંગ એરિંગ્સની પસંદગી કરે છે અને તેના સિવાય બીજી કોઈ વધારાની જ્વેલરી નથી પહેરતી. તેનાથી સિંપલ ડ્રેસ પણ સુંદર દેખાય છે.

વાળમાં ગજરો : જ્યારે પણ ટ્રેડિશનલ લુક સાથે ક્યાંક જવાનું છે અને તમારે સાડી અથવા લહેંગાચોલી પહેરવાના છો ત્યારે ગજરાથી તમે તમારા લુકમાં ચાર ચાંદ લગાવી શકો છો. આલિયા ભટ્ટનો ટ્રેડિશનલ ડ્રેસિસ સાથે વાળમાં ગજરાના લુકને લોકો ખૂબ પસંદ કરે છે. વાળને ઉપર બાંધીને સિંપલ જુડો અને તેની આસપાસ ગજરાની સજાવટ લુકને એલિગેન્ટ બનાવે છે.

કરિશ્મા કપૂરની સ્ટાઈલિંગ ટિપ્સ
કરિશ્મા કપૂર પણ લાંબા સમય સુધી સ્ટાઈલ આઈકોન રહી છે. આજે પણ તેનો લુક બધાને આકર્ષિત કરતો રહ્યો છે. તમે પણ ઘણા બધા પ્રકારની સ્ટાઈલિંગ ટિપ્સ તેની પાસેથી શીખી શકો છો :

રેડ લુક : કરિશ્મા કપૂર ઘણું ખરું લાલ રંગના ડ્રેસમાં દેખાય છે. પછી ભલે ને તે તેના વસ્ત્રોની વાત હોય કે પછી મેકઅપની તે લાલ રંગને સામેલ કરવાનું ક્યારેય ભૂલતી નથી. હોઠ પર લાલ રંગની લિપસ્ટિક હોય અથવા લાલ રંગનું સુંદર કામણ પાથરે છે. આ જ રીતે તમે પણ લાલ રંગ સાથે વિવિધ પ્રયોગ કરીને પોતાના માટે એક બેસ્ટ લુક પસંદ કરી શકો છો. આમ પણ લાલ રંગનું આકર્ષણ હંમેશાં રહ્યું છે.

અનારકલી સૂટ સાથે ખુલ્લા વાળ : કરિશ્મા કપૂર જ્યારે પણ સૂટ અથવા કોઈ એથ્નિક ડ્રેસ પહેરે છે ત્યારે તે વાળને આગળથી ડિઝાઈન કરીને તેને પાછળની તરફ ખુલ્લા છોડી દે છે, તેમાં ખાસ કરીને અનારકલી સૂટ સાથે તે આવું જરૂર કરે છે. તેનાથી તેનો ઓવરઓલ લુક પણ વધારે ખીલી ઊઠે છે. ખુલ્લા લહેરાતા વાળ એમ પણ તમારી સુંદરતાને વધારે છે અને જ્યારે તેનું કોમ્બિનેશન એથ્નિક ડ્રેસિસ સાથે હોય તો પછી કહેવું જ શું.

સ્ટાઈલિંગ બેગ : તમારા લુકને આકર્ષક બનાવવામાં એક્સેસરિઝનું મોટું યોગદાન હોય છે, તેમાં પણ ખાસ સ્ટાઈલિશ હેંડબેગના લીધે તમે વધારે સ્માર્ટ અને ગોર્જિયસ દેખાશો. કરિશ્મા અથવા બીજી કોઈ પણ હીરોઈન પણ હંમેશાં પોતાના વસ્ત્રોના રંગ સાથે મેચિંગ કરતી સ્ટાઈલિશ હેન્ડ બેગ સાથે લઈને નીકળતી હોય છે, જે તેમના લુકમાં એક્સ્ટ્રા શાઈન લઈ આવે છે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....