થોડા સમય પહેલાં સરકારે નવા સંસદ ભવનના નિર્માણનો આદેશ બહાર પાડ્યો હતો અને તેની પર ઝડપથી કામ પણ થઈ રહ્યું છે. એક વાર તમે રાજપથ ફરી આવો, બધું વેરવિખેર પડેલું દેખાશે. ઠેરઠેર નો એન્ટ્રીના બોર્ડ લગાવેલા છે. રસ્તા દૂરદૂર સુધી ખોદી નાખવામાં આવ્યા છે અને ઠેરઠેર કાટમાળના ઢગલા છે. ગાડીઓએ ફરીફરીને જવું પડી રહ્યું છે. જનતા પરેશાન થઈ રહી છે અને આ વાત ૨-૪ દિવસની નથી, પરંતુ મહિનાઓ સુધી આ જ સ્થિતિ રહેવાની છે. આવી જ અથવા એમ કહો કે તેનાથી પણ ખરાબ સ્થિતિ ત્યારે થશે જ્યારે કોઈ વિસ્તારમાં નવી મેટ્રો લાઈન અથવા ફ્લાયઓવર વગેરેનું નિર્માણકાર્ય શરૂ થાય છે. ચારે બાજુ કાટમાળના ઢગલા, લોખંડનો ભંગાર અને ક્રેન જેવી મોટીમોટી ગાડી આડીઅવળી પડેલી રસ્તા પર દેખાતી હોય છે. માટી અને પાણીના લીધે રસ્તા પર ચારે બાજુ કીચડ થાય છે અને આ કારણસ્ર્ લોકોને રસ્તા પર આવ-જા કરવી મુશ્કેલ છે. ટ્રાફિક જામ અને ગાડીના કર્કશ અવાજથી જિંદગી દોજખ થઈ જાય છે.

આ સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે આ પ્રકારના નિર્માણકાર્યમાં જ્યારે મનગમતા પૈસા કમાવવામાં આવી રહ્યા છે તો પણ બધું વ્યવસ્થિત કેમ નથી? જનતાને તકલીફ કેમ સહેવી પડી રહી છે? પરંતુ જેા થોડું ધ્યાન રાખવામાં આવે અને પૂર્વ યોજના તથા વ્યવસ્થાની સાથે કામ કરવામાં આવે તો જનતાની તકલીફોને ખૂબ સહજતાથી ઘટાડી શકાય છે. હકીકતમાં આ ભારતીય મનોવૃત્તિ છે. દેશ હોય, સમાજ હોય કે પછી નાનકડું ઘર, દરેક પ્રકારના લોકોને અસ્તવ્યસ્ત રહેવાની ટેવ પડી ગઈ છે. ઘરમાં દરેક સભ્યને પોતાનો સામાન આમતેમ ફેંકવાની ટેવ હોય છે. પતિ હોય કે બાળકો સ્કૂલ અથવા ઓફિસથી ઘરે આવતા પોતાની બેગ ટેબલ, બેડ કે સોફા પર ફેંકી દેતા હોય છે અને મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે. બાળકો પણ પોતાનું એક જૂતું એક રૂમમાં તો બીજું બીજા રૂમમાં ઉતારીને અને મોજને ક્યાંક દૂર ફેંકતા પલંગ પર જઈને લંબાવે છે. બહારથી આવીને પોતાના કપડાં પણ બાથરૂમમાં કે પથારીમાં ફેંકીને પોતાની દુનિયામાં મશગૂલ થઈ જાય છે.

સામાન્ય રીતે : આ કામ ગૃહિણીનું માનવામાં આવે છે કે તે જ બધાના સામાનને વ્યવસ્થિત રાખે. જેા ગૃહિણી ક્યાંક ભૂલ કરે તો સવારે દોડધામ મચી જાય છે. સામાન્ય રીતે આ પ્રકારના ઘરમાં સવારનું દશ્ય ખૂબ મનોરમ્ય હોય છે. પતિ ટાઈ અથવા ફાઈલ વગેરે શોધતા દેખાય છે, જ્યારે બાળકો મોજા અને પુસ્તક શોધતા હોય છે. મા પણ ટિફિન બનાવવાની વચ્ચેવચ્ચે તેમની ચીજવસ્તુને શોધવા દોડતી હોય છે. આ સ્થિતિમાં ક્યારેક તેની રોટલી બળી જાય છે, તો ક્યારેક બાળકોની બસ છૂટી જાય છે અને પતિને ઓફિસ પહોંચવામાં મોડું થઈ જાય છે. આ સ્થિતિનું કારણ છે અસ્તવ્યસ્ત રહેવાની ટેવ. જિંદગીની દોડધામ અને પરેશાનીથી બચવું હોય તો જીવનમાં વ્યવસ્થિત રહેવાની ટેવ ખૂબ જરૂરી છે. આ ટેવ જેાકે ઘરના દરેક સભ્યમાં હોવી જેાઈએ, નહીં તો કોઈ એકની બેદરકારીના લીધે ઘરના બીજા સભ્યોએ પરેશાનીનો સામનો કરવો પડે છે.

વ્યવસ્થિત રહેવાની ટેવ પાડો
મોટાભાગના લોકોને વ્યવસ્થિત રહેવું બિલકુલ પણ સરળ નથી લાગતું. યાદ રાખો વ્યવસ્થિત રહેવાની ટેવ પાડવામાં સમય લાગી શકે છે, પરંતુ એક વાર જ્યારે તમે એ શરૂ કરી દો છો ત્યારે તે સમય જતા તમારી ટેવમાં સામેલ થઈ જાય છે. તેનાથી તમારી જિંદગી ખૂબ સરળ બની જાય છે. તમારી રહેવાની જગ્યાને વ્યવસ્થિત કરવાની સાથે તમારે દરેક કામ વ્યવસ્થિત રીતે કરવાની ટેવ પાડવી પડશે, જેથી તમે ઓછા સમયમાં પણ અનેક કામ સારી રીતે કરી શકો. વ્યવસ્થિત રહેવાથી તમારી ચિંતા અને તાણ ઓછા થઈ જાય છે.

સમયની સાથે ચાલો
સૌપ્રથમ તમારા સમયને વ્યવસ્થિત કરો. એક કેલેન્ડર લો અને બધી મહત્ત્વની તારીખો જેમ કે પરિવારના લોકોની અથવા મિત્રોની બર્થ-ડે, એનિવર્સરી વગેરેને નોટ કરો. પછી તેને પોતાના કિચનમાં, બેડ સામે અથવા પોતાના હોમ કે ઓફિસની દીવાલ જેવી કોઈ એવી જગ્યાએ લગાવી દો જ્યાં રોજ તેની પર તમારી નજર પડે. તમે ઈચ્છો તો કમ્પ્યૂટર ડેસ્કટોપ પર એક કેલેન્ડર લગાવીને રાખી શકો છો. રોજ અન્ય જરૂરી તારીખ, મીટિંગ, ડેટ્સ અને એપોઈન્ટમેન્ટને પણ ટિક કરતા રહો, જેથી તે સતત અપડેટ થતા રહે અને તમને યાદ રાખવામાં સરળતા રહે. હવે એક સમય નિશ્ચિત કરો કે રોજ તે જ સમય જેમ કે સવારે ઊઠ્યા પછી અથવા ઊંઘતા પહેલાં આ કેલેન્ડર ચેક કરવાની ટેવ પાડો. તમે ઈચ્છો તો જરૂરી ડેટ્સને રેડ કલરથી હાઈલાઈટ કરી શકો છો. તમે ફોન પર કેલેન્ડર એપનો ઉપયોગ કરીને રિમાઈન્ડર પણ સેટ કરી શકો છો. તેનાથી તમે સમયસર દરેક જગ્યાએ હાજર રહી શકશો અને તે સંબંધ હોય કે કરિયર, દરેક જગ્યાએ કોઈ પણ જાતના ટેન્શન વિના સ્વયંને આગળ રાખી શકશો. આ બધાની સાથે સ્વયંને સમયના હિસાબે શિસ્તબદ્ધ રાખવા પણ જરૂરી છે, તેથી પોતાના દરેક કામનો સમય નિશ્ચિત કરી રાખો. સવારે જલદી ઊઠી જાઓ અને પછી શાંતિથી બધા કામ કરો.

જરૂરી કામનું લિસ્ટ બનાવો
ઘણી વાર આપણે કોઈ જરૂરી કામ કરવાનું ભૂલી જઈએ છીએ અને તે પછી પસ્તાઈએ છીએ કે આટલું અર્જન્ટ કામ કેવી રીતે ભૂલી ગયા. આ ટેન્શનથી બચવા લિસ્ટ બનાવવાનું શરૂ કરો. દરરોજ સવારે તે દિવસે જે કામ કરવાના હોય તેનું એક લિસ્ટ બનાવો અને તેને ૨ ભાગમાં વિભાજિત કરો. પહેલો ભાગ ઘરના કામનો રાખો અને બીજા ભાગમાં એવા કામનું લિસ્ટ બનાવો, જેા તમારે ઓફિસમાં કરવાના હોય અથવા ઓફિસથી ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં પતાવવાના હોય. તમારા પહેલા લિસ્ટને કિચન અથવા બેડરૂમમાં રાખો અને બીજા લિસ્ટને ઓફિસ બેગમાં. પછી જે કામ પૂરા થતા જાય તેની પર ચોકડી મારતા જાઓ.

ઘરને વ્યવસ્થિત કરો
સૌપ્રથમ તમારા બેડરૂમને વ્યવસ્થિત કરો. તેને સાફ અને સજાવીને રાખો. ત્યાં મૂકેલી દરેક ચીજવસ્તુને યોગ્ય જગ્યાએ મૂકો, ત્યાર પછી ઘરના બીજા કામ કરો. બેડરૂમમાં રહેલા સામાનને પણ શક્ય તેટલો ઓછો કરતા રહો. ત્યાર પછી તમારા હોમ, ઓફિસ અને ડેસ્કટોપને વ્યવસ્થિત કરો. ડેસ્ક પરના બધા પેપર્સ અને બિલ્સ જેાઈ લો. આ વસ્તુને કોઈ ફોલ્ડરમાં અથવા વ્યવસ્થિત ફાઈલિંગ કરીને કેબિનેટમાં મૂકી દો. એવા બધા પેપર્સને દૂર કરી દો, જેની તમને જરૂર પડવાની નથી. ઓફિસ ફાઈલ્સને ડ્રોઅર અથવા કેબિનેટમાં મૂકી દો. બધી પેન, પેન્સિલ, સ્ટેપલર અને હાઈ લાઈટર વગેરેને એક પેન હોલ્ડરમાં મૂકી દો.

કિચનને ઓર્ગેનાઈઝ કરો
આમ પણ કિચન ઘરનો સૌથી મહત્ત્વનો એરિયા હોય છે. અહીંની દરેક આઈટમને ચેક કરો. યૂઝ ન થતા અથવા એક્સપાયર આઈટમનો વહેલી તકે નિકાલ કરો. તૂટેલા કિચન ટૂલ્સ અથવા જૂના વાસણને પણ બહાર કરો. બિનજરૂરી ભીડને ન વધારો. વસ્તુ મૂકવાની વસ્તુને વ્યવસ્થિત સાફ કરો અને ત્યાર પછી તેને વ્યવસ્થિત રીતે ગોઠવી દો. એક સમાન આઈટમ એક જગ્યાએ મૂકો, જેથી શોધવામાં સુવિધા રહે. ઈચ્છો તો ડબ્બા પર કાગળ ચોંટાડી દો, જેની પર અંદર મૂકેલી વસ્તુનું નામ લખેલું હોય. તેનાથી તમારા સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ કિચનમાં આવે તો તેને વસ્તુ શોધવામાં સગવડ રહે. બધી જરૂરી આઈટમને ડ્રોઅર અથવા કપબોર્ડમાં મૂકો. મોટાભાગે યૂઝમાં લેવામાં આવતી આઈટમ જેમ કે મસાલા વગેરેને કાઉન્ટર પર મૂકેલા મસાલાના રેક પર નજર પડે તેવી જગ્યાએ મૂકી શકો છો. એક જ સામાનની ૨-૩ બોટલ અથવા કેન હોય તો તેને તેની એક્સપાયરી ડેટના હિસાબે બહારથી અંદરની તરફ રાખો, જેથી જલદી ખરાબ થતી વસ્તુનો પહેલો યૂઝ કરી શકાય.

કપડાની તિજેારીને ઓર્ગેનાઈઝ રાખો
મોટાભાગે આપણે ઓફિસ અથવા બીજે ક્યાંક જવાની ઉતાવળમાં થોડા કપડાં બહાર કાઢીએ છીએ અને તે પછી કોઈ એકને સિલેક્ટ કરીને બાકીના વ્યવસ્થિત કર્યા વિના એમ જ પાછા ઠાંસી દઈએ છીએ. ન તો તે કપડાને વ્યવસ્થિત ફોલ્ડ કરવાની કે સારી રીતે મૂકવાની મહેનત કરીએ છીએ. જેાકે આ ટેવ ખરાબ છે, કારણ કે તેના લીધે હંમેશાં એક જેાડી કપડા કાઢવાના પ્રયાસમાં બધા કપડાં કાઢીને તેમાંથી મનપસંદ કપડાં શોધવા પડશે. આમ કરવામાં તમારો સમય બરબાદ થશે, સાથે કપડાં પણ અવ્યવસ્થિત થઈ જાય છે. તેથી તેને વ્યવસ્થિત રાખવા ખૂબ જરૂરી છે.

જેા તમારી પાસે અઢળક કપડાં હોય તો પહેલા બિનજરૂરી અથવા હવે પહેરવાના ન હોય તેવા કે નાના પડતા કપડાને દૂર કરી દો. જેા તમે કોઈ ડ્રેસને છેલ્લા ૧ વર્ષથી પહેર્યો ન હોય તો તેને વોર્ડરોબમાંથી બહાર કરી દેવો જેાઈએ. હવે તિજેરીને ઓર્ગેનાઈઝ કરો. કપડાની આઈટમને ગ્રૂપમાં મૂકો, જેમ કે એક શેલ્ફમાં બધા જીન્સને મૂકો. આ જ રીતે જેકેટ, ટોપ્સ અથવા સૂટ વગેરેને કોઈ એક જ જગ્યાએ મૂકો. કપડાની તિજેરીમાં રહેલી આઈટમને રોટેટ કરતા રહો, જેથી તમે હંમેશાં અલગઅલગ ડ્રેસ પહેરી શકો અને તમારા બધા કપડાનો યૂઝ પણ થતો રહેશે. બધા શૂઝ અને સેંડલ્સને એક શૂ રેકમાં મૂકો. આ રીતે તમે તમારી જૂતાની દરેક પેરને જેાઈ શકશો અને તમને જાણ રહેશે કે તમારી પાસે શું શું છે.

બેંકના અને બીજા જરૂરી કાગળો
આધાર કાર્ડ, પેન કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, રેન્ટ એગ્રિમેન્ટ, બેંક એફડી અને લોન પેપર્સ જેવા અનેક જરૂરી દસ્તાવેજ હોય છે, જેને સાચવીને રાખવા અને સમય પર તરત મળવા જરૂરી હોય છે. તમારે આ બધા દસ્તાવેજને અલગઅલગ ફાઈલમાં વ્યવસ્થિત રાખતા શીખવું જેાઈએ. કોઈ પણ દસ્તાવેજને બહાર કાઢ્યા પછી તે જ જગ્યાએ ફરીથી વ્યવસ્થિત મૂકો. દરેક દસ્તાવેજની ઝેરોક્ષ કોપીને પણ અલગથી મૂકો, જેથી જરૂર પડતા તમારે ઝેરોક્ષ કરાવવા દોડવું ન પડે.

કામની જગ્યાને સ્વચ્છ રાખો
બેડરૂમ, હોમ, ઓફિસ, ડેસ્ક, કિચન અને કબાટની રેગ્યુલર સાફસફાઈ કરતા રહો. અઠવાડિયાના એક ખાસ દિવસને સાફસફાઈ માટે નક્કી કરો. આમ કરવાથી તમારા ઘરના કોઈ પણ ભાગમાં કચરો એકઠો નહીં થાય. સાથે તમારા માટે ઘરના દરેક ભાગમાં વસ્તુને ઓર્ગેનાઈઝ રીતે રાખવી સરળ બનશે. એટલું જ નહીં, રોજ એક વાર ઘરમાં ડસ્ટિંગ કરો. આ જ રીતે એવા પેપર્સ અથવા બિલ્સનો નિકાલ કરો, જેની હવે તમને જરૂર પડવાની નથી.

આ રીતે નાનીનાની સાવધાની અને પ્રયાસથી તમે તમારા જીવનને વધારે વ્યવસ્થિત અને સુંદર બનાવી શકો છો અને જીવનમાં સફળતાનો સ્વાદ ચાખી શકો છો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....