વાર્તા – આશા શર્મા
૧૮ વસંત પૂરી કરતા જ જેવું રવીનાના હાથમાં વોટરકાર્ડ આવ્યું, તેને લાગ્યું જાણે કે પૂરી દુનિયા હવે મુઠ્ઠીમાં સમાઈ ગઈ ન હોય.
‘હવે હું કાનૂની રૂપે પુખ્ત બની ગઈ છું. મારી મરજીની માલિક. પોતાની જિંદગીની સર્વેસર્વા. મારા નિર્ણય લેવા માટે સ્વતંત્ર, ઈચ્છા મુજબ કરીશ. મરજી મુજબ જઈશ, ગમે તેની સાથે રહીશ. કોઈ જ બંધન કે રોકટોક નહીં. બસ ખુલ્લું આકાશ અને ઊડવું.’ મનોમન ખુશ થતા રવીના પલ્લવ સાથે પોતાની આઝાદીની ઉજવણી કરવાની રીતના સપનાં જેાવા લાગી હતી.
ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષની સ્ટુડન્ટ રવીના પોતાના માબાપની એકમાત્ર દીકરી હતી. ફેશન અને હાઈપ્રોફાઈલ લાઈફની ચાહક રવીના ખૂબ લાડપ્રેમથી ઊછરી હોવાથી થોડી જિદ્દી અને મનમોજી પણ હતી, પરંતુ ભણવામાં તે એક સામાન્ય વિદ્યાર્થિની હતી, તેથી પાસ થવા માટે તેને દર વર્ષે ટ્યૂશન અને કોચિંગનો સહારો લેવો પડતો હતો.
તેનો કસબાનો યુવક પલ્લવ થોડા દિવસ પહેલાં તેના કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવવા આવ્યો હતો. પહેલી નજરમાં રવીના તેની તરફ ઢળવા લાગી હતી. ઊંચું કદ, શ્યામ વર્ણ, ઘેરી ગંભીર આંખો અને બેદરકારીથી પહેરેલા ગ્રામ્ય ફેશનના આધુનિક કપડાં હતા પલ્લવના. જેાકે બીજી બધી છોકરીઓની નજરમાં પલ્લવનું ખાસ આકર્ષણ નહોતું, પરંતુ તેના બેફિકર અંદાજે અતિ આધુનિક શહેરી રવીનાના દિલદિમાગમાં હલચલ મચાવી દીધી હતી.
પલ્લવ કહેવા પૂરતો કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવતો હતો, પરંતુ હકીકતમાં તે પોતે પણ એક સ્ટુડન્ટ હતો. તેણે આ વર્ષે જ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે શહેરમાં રોકાયો હતો. કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવવા પાછળ તેનો હેતુ પુસ્તકોના સંપર્કમાં રહવાનો હતો, સાથે ખિસ્સાખર્ચી માટે વધારાની આવક પણ થશે.

જેાકે પલ્લવના પિતા તેના આ નિર્ણય સાથે સહમત નહોતા. તે ઈચ્છતા હતા કે પલ્લવ પોતાનું પૂરું ધ્યાન માત્ર પોતાના ભવિષ્યની તૈયારી પર લગાવે, પરંતુ પૂરો દિવસ એક જ જગ્યાએ બંધ રૂમમાં બેસીને અભ્યાસ કરી શકતો નહોતો, તેથી તેણે પોતાની ઈચ્છા વિરુદ્ધ જઈને અભ્યાસની સાથેસાથે ભણાવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો અને આ રીતે તે રવીનાના સંપર્કમાં આવ્યો હતો.
૨ વિપરીત ધ્રુવ એકબીજાને આકર્ષિત કરતા હોય છે. આ સામાન્ય નિયમથી ભલા પલ્લવ કેવી રીતે દૂર રહી શકે. ધીરેધીરે તે પણ રવીનાને પોતાના પ્રતિ આકર્ષિત થતી અનુભવવા લાગ્યો હતો, પરંતુ એક તો તેનો શરમાળ સ્વભાવ અને બીજું એ કે સામાજિક સ્તરે પોતે નીચા હોવાનો અહેસાસ તેને મિત્રતા માટે આમંત્રિત કરતી રવીનાના હાસ્યના નિમંત્રણને સ્વીકાર કરવા દેતો નહોતો.
આખરે વિજ્ઞાનનો વિજય થયો અને પ્રારંભિક ઔપચારિકતા પછી હવે બંને વચ્ચે સારું એવું ટ્યૂનિંગ થવા લાગ્યું અને ફોન પર વાતનો સિલસિલો પણ શરૂ થઈ ગયો હતો.
‘‘લો મહાશય, સરકારે મને કાયદેસર પુખ્ત જાહેર કરી દીધી છે.’’ પલ્લવના ચહેરા સામે પોતાનું વોટરકાર્ડ હવામાં લહેરાવતા રવીના ખડખડાટ હસી પડી.
‘‘તો પછી તેની ઉજવણી પણ થવી જેાઈએ?’’ પલ્લવે પણ તેવા ઉત્સાહથી જવાબ?આપ્યો.
‘‘ચાલો, આજે તને પિઝા હટ લઈ જઉં.’’
‘‘ના, પિઝા હટ નહીં. તું તારા સુંદર હાથથી એક કપ ચા બનાવીને પિવડાવી દે. હું તેમાં પણ ખુશ થઈ જઈશ.’’ પલ્લવે રવીનાના ચહેરા પર આવી ગયેલી વાળની લટને દૂર કરતા કહ્યું.
રવીના તેના પ્રસ્તાવને સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ, ‘‘ચા, કેવી? અને ક્યાં?’’ રવીનાએ પૂછ્યું.
‘‘મારા રૂમ પર, બીજે ક્યાં?’’ પલ્લવે તેના આશ્ચર્યને દૂર કરતા કહ્યું.
રવીના પણ રાજી થઈ ગઈ.

રવીનાએ હસીને પોતાનું સ્કૂટર સ્ટાર્ટ કરતા પલ્લવને પોતાની પાછળ બેસી જવા ઈશારો કર્યો. આ પહેલો પ્રસંગ હતો જેમાં પલ્લવ બિલકુલ અડીને તેની સાથે બેઠો હતો.
થોડી મિનિટ પછી બંને પલ્લવના રૂમ પર આવી ગયા. જેવું સામાન્ય રીતે ભણતા યુવાનોનું જીવન હોય છે તેવું જ અહીં હતું. પલ્લવના રૂમમાં સામાનના નામે એક પલંગ, ટેબલખુરશી અને થોડો ઘણો રસોઈનો સામાન હતો. રવીના બેસવા માટે જગ્યા શોધી રહી હતી ત્યારે પલ્લવે તેને પલંગ પર બેસવા ઈશારો કર્યો. રવીના સંકોચ સાથે પલંગ પર બેસી ગઈ. પછી પલ્લવ પણ તેની પાસે આવીને બેસી ગયો.
એકાંતમાં ૨ યુવાન દિલ એકબીજાના ધબકારા અનુભવવા લાગ્યા અને થોડા સમયમાં તે બંનેના સંબંધ એક આત્મીયતામાં ફેરવાઈ ગયા. બંને વચ્ચે ઘણી બધી ઔપચારિકતા સમાપ્ત થઈ ગઈ. એક વાર મર્યાદા તૂટી પછી તો વારંવાર તે તૂટતી ગઈ.
કહેવાય છે ને કે પ્રેમ અને કસ્તુરી છુપાવવા છતાં છુપાવી શકાતા નથી. પછી એક દિવસ બંનેના સંબંધની જાણ રવીનાના પરિવારજનોને થઈ ત્યારે તેને પૂછપરછ માટે સામે ઊભી કરી દેવામાં આવી.
‘‘હું પલ્લવને પ્રેમ કરું છું.’’ રવીનાએ હિંમતપૂર્વક પ્રેમનો સ્વીકાર કરી લીધો.
દીકરીની હિંમત જેાઈને પપ્પા ખૂબ ગુસ્સે થયા. પપ્પાએ તેને સખત શબ્દોમાં ઠપકો આપતા કહ્યું, ‘‘આ ઉંમર કરિયર બનાવવાની છે નહીં કે પ્રેમ કરવાની, સમજી?’’
‘‘હવે હું પુખ્ત છું અને મારી જિંદગીના નિર્ણય લેવાનો અધિકાર મને પણ છે.’’ રવીના બળવો કરવા ઉતારુ થઈ ગઈ.
આ દરમિયાન રવીનાનો પક્ષ લેતા મા વચ્ચે આવી ગઈ.
‘‘કાલથી રવીનાનું કોલેજ અને ઈન્સ્ટિટ્યૂટ બંને જગ્યાએ જવાનું બંધ.’’ પપ્પાએ તેની મા તરફ ફરતા કહ્યું ત્યારે રવીના પગ પછાડતા પોતાના રૂમમાં જતી રહી અને થોડી વારમાં કપડાથી ભરેલી સૂટકેસ હાથમાં લઈને તેમની સામે ઊભી રહી ગઈ.
‘‘હું પલ્લવ સાથે રહેવા જઈ રહી છું.’’ રવીનાનો આ નિર્ણય સાંભળીને ઘરમાં બધાના હોશ ઊડી ગયા.
‘‘તું લગ્ન કર્યા વિના એક પારકા પુરુષ સાથે રહીશ? કેમ પૂરા સમાજમાં અમારું નાક કપાવવા ઉતારુ થઈ છે? આ વખતે તેની મા પણ તેની વિરુદ્ધ થઈ ગઈ.’’
‘‘અમે બંને પુખ્ત છીએ. હવે હાઈકોર્ટે પણ એ વાતને મંજૂરી આપી દીધી છે કે ૨ પુખ્ત વ્યક્તિ લિવ ઈનમાં રહી શકે છે, પછી ભલે ને ઉંમર ગમે તે હોય.’’ રવીનાએ આ સમયે કેરળ હાઈકોર્ટનો ચુકાદો ટાંકીને માના વિરોધને પડકાર આપ્યો.
‘‘કોર્ટ પોતાના ચુકાદા, નિયમ, કાયદા અને પુરાવાના આધારે આપે છે. જ્યારે સામાજિક વ્યવસ્થા આ બધાથી બિલકુલ અલગ હોય છે. કાયદા અને સમાજના નિયમો તો હંમેશાં અલગ રહ્યા છે.’’ પપ્પાએ તેને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો.

પરંતુ રવીનાના કાન પલ્લવના નામ સિવાય બીજું કંઈ જ સાંભળવા તૈયાર નહોતા. તેને હવે પલ્લવ અને પોતાની વચ્ચે કોઈ અડચણ સ્વીકાર નહોતી. તે પાછું વળીને જેાયા વિના પોતાના ઘરમાંથી બહાર નીકળી ગઈ.
આ રીતે અચાનક રવીનાને સામાન સાથે પોતાની સામે જેાઈને પલ્લવ ચોંકી ગયો. રવીનાએ એકશ્વાસે તેને પૂરા ઘટનાક્રમથી વાકેફ કરી દીધો.
‘‘કોઈ વાત નહીં, હવે તું મારી પાસે આવી ગઈ છે ને. જૂનું બધું ભૂલી જ અને આપણા મિલનની તૈયારી કર.’’ પછી રૂમ બંધ કરીને પલ્લવે તેને પોતાની પાસે ખેંચી લીધી અને થોડી વારમાં હંમેશાંની જેમ તેમની વચ્ચેનું રહ્યુંસહ્યું અંતર પણ દૂર થઈ ગયું. રવીનાએ ફરી એક વાર પોતાનું સર્વસ્વ પલ્લવને સમર્પિત કરી દીધું.
૨-૪ દિવસમાં પલ્લવના મકાનમાલિકને પણ પૂરી હકીકતની જાણ થઈ ગઈ કે પલ્લવે પોતાની સાથે કોઈ છોકરીને રાખી છે. તેમણે પલ્લવને ધમકાવતા રૂમ ખાલી કરવાનું એલ્ટિમેટમ આપી દીધું. સમાજ તરફથી આ બંને પ્રેમીઓ પર આ પહેલો હુમલો હતો, પરંતુ તેમણે હાર ન સ્વીકારી. પછી રૂમ ખાલી કરીને બંને એક સસ્તી હોટલમાં રહેવા માટે આવી ગયા.

થોડા દિવસ અને રાત તો સોનાચાંદીની જેમ પસાર થઈ, પરંતુ વર્ષ પૂરું થતાંથતાં તેમના પ્રેમનું ઈન્દ્રધનુષ્ય ફિક્કું પડવા લાગ્યું. આમ પણ પ્રેમથી પેટ નથી ભરાતું. આ કહેવતનો અર્થ હવે પલ્લવ સારી રીતે સમજવા લાગ્યો હતો.
સમાજમાં બદનામી થવાથી પલ્લવનું કોચિંગ છૂટી ગયું હતું અને હવે તેની આવકનું બીજું કોઈ માધ્યમ પણ રહ્યું નહોતું. તેની પાસે સ્પર્ધાત્મક પરીક્ષાની ફી ભરવા સુધ્ધાના પૈસા રહ્યા નહોતા. પછી તેણે હોટલ પણ છોડી દીધી અને રવીનાને લઈને ખૂબ નિમ્ન સ્તરના મહોલ્લામાં રહેવા આવી ગયો.
એક તરફ પલ્લવને રવીના સાથે પોતાનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું હતું, જ્યારે બીજી તરફ રવીના હવે પલ્લવમાં પોતાનું ભવિષ્ય શોધવા લાગી હતી. તે આ લિવ ઈનને એક સ્થાયી સંબંધમાં ફેરવવા ઈચ્છતી હતી. રવીનાને વિશ્વાસ હતો કે જલદીથી પોતાની જિંદગીમાંથી આ અંધકાર દૂર થશે અને તેને પોતાની મંજિલનો માર્ગ પણ મળશે. માત્ર પલ્લવ થોડો સેટ થઈ જાય ત્યાં સુધી રાહ જેાવાની હતી.

એક વાર વિજ્ઞાનનો આ આકર્ષણનો નિયમ પલ્લવ પર લાગુ થઈ રહ્યો હતો કે બે વિપરીત ધ્રુવ જ્યારે એક નિશ્ચિત સીમા સુધી નજીક આવી જાય છે ત્યારે તેમનામાં વિકર્ષણ પેદા થવા લાગે છે. હવે પલ્લવ પણ આ વિકર્ષણનો શિકાર બનવા લાગ્યો હતો.
પરિસ્થિતિની સામે હાર માનીને જ્યારે તે પોતાના પિતા સામે રડી પડ્યો ત્યારે તેમણે રવીનાથી અલગ થવાની શરત પર તેને મદદ કરવાનું સ્વીકારી લીધું. આમ પણ મરતો શું નથી કરતો. પિતાની શરત અનુસાર તેણે ફરીથી કોચિંગ જવાનું શરૂ કરી દીધું અને ત્યાંની હોસ્ટેલમાં રહેવા લાગ્યો, પરંતુ આ વખતે કોચિંગમાં ભણાવવા માટે નહીં, પરંતુ સ્વયં ભણવા માટે.
જેાકે તેનો આ નિર્ણય સ્વયં રવીના માટે પણ કોઈ ઝાટકાથી ઓછો નહોતો. તે પોતાને છેતરાયેલી અનુભવી રહી હતી, પરંતુ દોષ આપે તો પણ કોને? આ તેનો પોતાનો નિર્ણય હતો. આ માર્ગ પર ચાલવાનું તેણે પોતે પસંદ કર્યું હતું.
પલ્લવના ગયા પછી તે એકલી આ મહોલ્લામાં રહેવા લાગી. આટલું બધું થયા પછી પણ તે પલ્લવના પરત આવવાની રાહ જેાઈ રહી હતી. જેાકે તે પણ પોતે આપેલી બેંકની પરીક્ષાના રિઝલ્ટની રાહ જેાઈ રહી હતી.
‘‘એક વાર પલ્લવને નોકરી મળી જાય, પછી બધું ઠીક થઈ જશે અને અમારો મૃતપ્રાય સંબંધ પણ ફરીથી ખીલી ઊઠશે.’’ આ આશા પર તે દરેક પીડાને સહન કરી રહી હતી.
આખરે રિઝલ્ટ પણ આવી ગયું. આ વખતે પલ્લવની મહેનત સફળ રહી હતી અને તેણે બેંકની પરીક્ષા પાસ કરી લીધી હતી. રવીના આ ખુશીને ઉત્સવની જેમ ઊજવવા ઈચ્છતી હતી. તે પૂરો દિવસ તૈયાર થઈને તેની રાહ જેાતી રહી, પરંતુ તે ન આવ્યો. રવીના પલ્લવને ફોન પર ફોન કરતી રહી, પરંતુ તેણે ફોન ઉઠાવ્યો નહોતો. આખરે રવીના તેની હોસ્ટેલ પહોંચી ગઈ. ત્યાં જતા તેને જાણ થઈ કે પલ્લવ સવારે જ રિઝલ્ટ આવતા પોતાના ઘરે ચાલ્યો ગયો છે.

રવીના બિલકુલ નિરાશ થઈ ગઈ. તે વિચારવા લાગી કે હવે તે શું કરે અને જાય પણ ક્યાં? પોતાનો વર્તમાન ખરાબ થયો સાથે ભવિષ્ય પણ અંધકારમય બની ગયું. આકાશ પ્રાપ્ત ન થયું, પરંતુ પગની નીચેની જમીન પણ પોતાની ન રહી. પલ્લવનો પ્રેમ ન મળ્યો, પોતે માબાપના પ્રેમને પણ પાછળ છોડીને આવી ગઈ હતી. તે વિચારવા લાગી કે કાશ તેણે થોડો સમય વિચાર્યું હોત તો કેવું સારું હતું, પરંતુ હવે શું થાય. પાછા ફરવાના તમામ રસ્તા તે બંધ કરીને પલ્લવ પાસે આવી ગઈ હતી. તેની સમજમાં કંઈ જ નહોતું આવી રહ્યું અને તે કોઈ પણ નિર્ણય કરવાની સ્થિતિમાં નહોતી. આખરે તેણે એક અત્યંત જેાખમી નિર્ણય લઈ લીધો.
‘‘તને તારો નિર્ણય મુબારક. હું હવે મારા રસ્તે જઈ રહી છું. ખુશ રહે.’’ રવીનાએ એક મેસેજ પલ્લવને મોકલી દીધો અને ત્યાર પછી પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. મેસેજ વાંચતા જ પલ્લવના પગ નીચેથી જમીન સરકવા લાગી.
‘જેા આ છોકરીએ કંઈ અનૈતિક પગલું ભરી લીધું તો મારી કરિયર બરબાદ થઈ જશે.’ વિચારીને તેણે ૧-૨ વાર રવીનાને ફોન લગાવવાની કોશિશ કરી, પરંતુ નિષ્ફળ જતા તરત મિત્રોની સાથે બાઈક લઈને તેની પાસે પહોંચી ગયો. જેવી શંકા તેને હતી તેવું અહીં થયું હતું. રવીના વધારે પડતી ઊંઘની ગોળી ખાઈને બેભાન પડી હતી. પલ્લવ મિત્રોની મદદ લઈને તેને હોસ્પિટલ લઈ ગયો અને તેના ઘરે પણ સમાચાર આપી દીધા. પછી ડોક્ટરો દ્વારા સારવાર શરૂ થતા તે દવા લાવવાના બહાને ત્યાંથી જતો રહ્યો.

બેશક રવીના પોતાના પરિવાર સાથેના બધા સંબંધ પૂરા કરીને આવી હતી, પરંતુ ભલા લોહીના સંબંધ શું ક્યારેય તૂટે છે? સમાચાર મળતા મમ્મીપપ્પા તરત પોતાની દીકરી પાસે પહોંચી ગયા. સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ મળવાથી રવીના હવે જેાખમમાંથી બહાર આવી ગઈ હતી. પોતાના માબાપને નજર સામે જેાઈને તે ખૂબ રડી.
‘‘મા, હું ખૂબ શરમ અનુભવું છું. માત્ર આજના દિવસ માટે નહીં, પરંતુ તે દિવસના પોતાના નિર્ણય માટે પણ, જ્યારે હું તમને બધાને છોડીને આવી હતી.’’ રવીનાએ રડતાંરડતાં કહ્યું ત્યારે માએ ખૂબ પ્રેમથી તેનો હાથ પકડી લીધો.
‘‘જેા તે દિવસે મેં ઘર છોડ્યું ન હોત તો આજે ખૂબ સારી જિંદગી જીવી રહી હોત. મારા વર્તમાન અને ભવિષ્ય બંને ઉજ્જ્વળ હોત. મેં સ્વતંત્ર થવામાં ખૂબ ઉતાવળ કરી દીધી હતી. પોતાના પ્રેમને વિશ્વાસની કસોટી પર પારખ્યો નહોતો. હવે હું તમારા બધાની માફીને લાયક નથી રહી…’’ રવીનાએ આગળ કહ્યું.
‘‘બીતી તાહિ વિસાર દે, આગે કી સુધ લેય.’’ ચાલ હવે ઘરે પોતાના માટે સમય ફાળવ અને પોતાના નિર્ણયનું મૂલ્યાંકન કર. આમ પણ જિંદગી કોઈ પણ વળાંક પર અટકવાનું નામ નથી લેતી, પરંતુ તે સતત વહેતો એક પ્રવાહ હોય છે. તેની સાથે વહેનાર પોતાના મુકામને પ્રાપ્ત કરી શકતા હોય છે.’’ પપ્પાએ તેને સમજાવી.
‘‘હા, કોઈ જગ્યાએ થોભી જવાનું નામ જિંદગી નથી. તે અવિરત વહેતી રહેનાર નદી છે. તું પણ તેના પ્રવાહમાં પોતાને વહેવા દે અને ફરી એક વાર પોતાના નસીબને લખવાની કોશિશ કર. અમે બધા તારી સાથે છીએ.’’ માએ વહાલથી તેનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું.
પછી મનોમન પોતાના નિર્ણય પરથી બોધપાઠ લેવાનો સંકલ્પ કરતા રવીના પણ હસી પડી. હવે તેને સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ફરક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. •

વધુ વાંચવા કિલક કરો....