વાર્તા – પલ્લવી પુંડીર.

હેવલુક અંદામાનનો એક ટાપુ છે.
અહીં કેટલાય નાનામોટા રિસોર્ટ્સ છે.
વધતી જનસંખ્યાએ શહેરમાં કુદરતને નષ્ટ કરી દીધી છે, તેથી કુદરતને માણવા લોકો પૈસા ખર્ચીને ઘરથી દૂર અહીં આવે છે.
૧ વર્ષથી સૌરભ ‘સમંદર રિસોર્ટ’ માં સીનિયર મેનેજરના હોદ્દા પર કામ કરતો હતો.
રાતની શાહી ચાદર ઓઢીને સમુદ્ર પાસે બેસવું તેને ખૂબ ગમતું હતું.
રિસોર્ટની નજીક એક બીચ પણ હતો, તેથી તેણે દૂર નહોતું જવું પડતું.
પોતાનું કામ પૂરું કરી તે અહીં આવીને બેસી જતો હતો.
લોકો ઘણી વાર તેને પૂછતા કે તે અહીં રાત્રે જ કેમ બેસે છે? સૌરભનો જવાબ હોય, ‘‘રાતની શાંતિ, તેની ખામોશી મને ખૂબ ગમે છે.’’
તે તેના જીવનથી ભાગીને દૂર અહીં આવી તો ગયો હતો, પણ તેની યાદોથી પીછો છોડાવવો એટલું સરળ નહોતો.
આજે સવારે જ્યારથી પ્રજ્ઞાનો ફોન આવ્યો તે સમયથી સૌરભ પરેશાન હતો.
રાતના અંધારામાં તેના જીવનની યાદો તેની સામેથી ચલચિત્રની જેમ પસાર થઈ રહી હતી…

૪ વર્ષ પહેલાં જ્યારે સૌરભ અને શાલિનીના લગ્ન થયા હતા ત્યારે તેને લાગ્યું હતું જાણે તેણે જેાયેલું સપનું હકીકતનું રૂપ લઈને આવ્યું છે.
શાલિની અને સૌરભ ગોવામાં ૨ અઠવાડિયા હનીમૂન મનાવીને નવા જીવનની શરૂઆત કરવા દિલ્લી આવ્યા.
આટલી સારી નોકરી, શાલિની જેવી સુંદર અને સમજદાર છોકરી પત્ની રૂપે મેળવીને સૌરભ જાણે વાદળો પર સવાર હતો.
પણ સૌરભ ભૂલી ગયો હતો કે વાદળ એક ને એક દિવસ વરસે છે અને પોતાની સાથે બધું વહાવીને લઈ જાય છે.
લગ્નના ૧ વર્ષમાં જ સૌરભ તેનું અને શાલિની વચ્ચેનું અંતર જાણી ગયો.

શાલિની સુંદર હોવાની સાથેસાથે બોલ્ડ વિચારોવાળી હતી, સૌરભના વિચારોથી તદ્દન વિપરીત.
તેને ખુલ્લા હાથે ખર્ચ કરવાની ટેવ હતી, પણ સૌરભ ઓછો ખર્ચાળુ હતો.
નાનામોટા ઝઘડા તેમની વચ્ચે થતા રહેતા હતા, જેમાં જીત હંમેશાં શાલિનીની થતી હતી.
શાલિનીના વ્યક્તિત્વ સામે જાણે સૌરભનું વ્યક્તિત્વ નાના કદનું થઈ ગયું હતું.
રાત ની અંતરંગ પળોમાં પણ શાલિની સૌરભને અનેક ફરિયાદ કરતી હતી.
તેના કહેવા મુજબ સૌરભ તેને સંતુષ્ટ નથી કરતો.
શાલિનીને પાર્ટીમાં જવું ગમતું હતું, બીજી તરફ સૌરભને ત્યાં ગમતું નહોતું, પરંતુ શાલિનીની જિદ્દ આગળ તે તમામ પાર્ટીમાં જતો હતો.
પાર્ટીમાં ગયા પછી શાલિની ભૂલી જતી હતી કે તે અહીં સૌરભ સાથે આવી છે.

એક એવી જ પાર્ટીમાં સૌરભની કંપનીનો એક ક્લાયન્ટ વિમલ આવ્યો હતો.
તે શાલિનીનો કોલેજનો મિત્ર હતો તથા મોટા ઉદ્યોગપતિનો એકનો એ છોકરો હતો.
તેને મળીને તો શાલિની ભૂલી જ ગઈ કે પાર્ટીમાં અન્ય લોકો પણ છે.
વાત કરતા વિમલના હાથનો શાલિનીના ખભા પર સ્પર્શ થવો સૌરભને નહોતો ગમ્યો, પણ તેણે શાલિનીને પાર્ટીમાં કંઈ જ ન કહ્યું.

ઘરે આવીને સૌરભે શાલિની સાથે વાત કરી તો તે ગુસ્સે થઈ, ‘‘તારી વિચારસરણી જુનવાણી છે… સાચે જ, કોન્વેંટ સ્કૂલમાં ભણવાથી અંગ્રેજી તો આવડી જાય છે, પણ માનસિકતા જ નિમ્ન હોય તો શું કરવું?’’
‘‘શાલુ, તે વિમલ ખૂબ જ બદનામ વ્યક્તિ છે. તું જાણતી નથી…’’
‘‘મારે જાણવું પણ નથી… જે સફળ ન થઈ શકે તે બીજની સફળતા જેાઈને આ જ રીતે ચિડાય છે.’’ સૌરભ વાતને લાંબી કરવા નહોતો ઈચ્છતો. તેથી ચુપ થઈ ગયો.

બીજા દિવસે શાલિનીની તબિયત સારી નહોતી તો સૌરભે તેને પરેશાન ન કરી અને નાસ્તો કર્યા વગર ઓફિસ ગયો.
બપોરે શાલિનીની તબિયત પૂછવા સૌરભ લેન્ડલાઈન પર સતત ફોન કરતો રહ્યો, પણ શાલિનીએ ફોન ન ઉઠાવ્યો.
મોબાઈલ પણ શાલિનીએ ઓફ રાખ્યો હતો.
ઘણા પ્રયાસ પછી શાલિનીનો ફોન લાગ્યો. ‘‘શું થયું શાલિની? તું ઠીક તો છે ને? હું કેટલી વારથી લેન્ડલાઈન પર ફોન કરી રહ્યો હતો… તેં મોબાઈલ પણ ઓફ રાખ્યો હતો.’’
‘‘હા, હું ઠીક છું. વિમલે લંચ માટે બોલાવી હતી… ત્યાં ગઈ હતી… મોબાઈલની બેટરી ઊતરી ગઈ હતી.’’
‘‘શું… વિમલ સાથે…’’
‘‘હા, કેમ?’’
‘‘મને કહી તો શકતી હતી…’’
‘‘હવે શું આટલી નાની વાત માટે પણ તારી મંજૂરી લેવી પડશે?’’
‘‘વાત મંજૂરીની નથી. માહિતી આપવાની છે. હું જાણતો હોત તો આટલો ચિંતિત ન થાત.’’ ‘‘તને તો પરેશાન થવાનું બહાનું જેાઈએ સૌરભ.’’
‘‘ભલે, છોડ શાલિની… ઘરે વાત કરીશું.’’ રિસીવર મૂકીને સૌરભ વિચારવા લાગ્યો કે સવાર સુધી તો શાલિની ઊઠવાની હાલતમાં પણ નહોતી અને બપોરે એટલી સારી થઈ ગઈ કે બહાર લંચ કરવા ગઈ.
ફોન પર પણ તેનો વ્યવહાર સૌરભને જખમી કરી ગયો હતો.

રાત્રે તેણે શાલિની સાથે આ વિશે વાત કરવાનું નક્કી કરી લીધું.
પણ રાત્રે તો શાલિનીનો વ્યવહાર એકદમ બદલાયેલો હતો.
તેણે ઘરને સજાવેલું હતું.
ટેબલ પર એક કેક તેની રાહ જેાઈ રહી હતી.
‘‘શાલિની, આ બધું શું છે? આજે કોનો જન્મદિન છે?’’
‘‘કેક કાપવા માટે કોઈ અવસરની રાહ કેમ જેાવી… પોતાના પ્રેમને સેલિબ્રેટ કરવા માટે કેક ન કાપી શકાય કે શું?’’

શાલિનીની નશીલી આંખોમાં સૌરભ ડૂબી ગયો હતો.
બંનેએ સાથે કેક કાપી, પછી શાલિનીએ તેના હાથથી સૌરભને ડિનર કરાવ્યું.
શાલિનીએ પહેલાંથી બધું નક્કી કરી રાખ્યું હતું.
સ્લો મ્યૂઝિક વાતાવરણને વધારે રોમેન્ટિક બનાવી રહ્યું હતું.
તે રાત્રે બંનેએ એકબીજાને ખૂબ પ્રેમ કર્યો.
વહેલી સવારે શાલિની ઊઠીને નહાવા ગઈ.
હજી તે ડ્રેસિંગટેબલ પાસે પહોંચી હતી કે સૌરભે તેને પાછળથી આગોશમાં લીધી અને ચુંબનની વર્ષા કરી દીધી.
‘‘અરે છોડ ને, શું કરે છે? પૂરી રાત મસ્તી કરી છે, તેમ છતાં તારું મન ભરાયું નથી.’’ શાલિની બોલી.
‘‘હું તને જેટલો પ્રેમ કરું છું, તેટલો વધારે પ્રેમ કરવાનું મન થાય છે.’’
‘‘સારું… જેા હું આજે કંઈ માંગું તો આપીશ?’’
‘‘જીવ માંગ, પણ હમણાં મને પ્રેમ કરવા દે.’’
‘‘અરે, આટલી બેચેની… સારું સાંભળ, મેં નોકરી કરવાનો નિર્ણય લીધો છે.’’ ‘‘અરે, હું તો તને કહી ચૂક્યો છું… ઘરે બેસીને કંટાળી જવાથી તો સારું છે… સારું સમજી ગયો. સારું તું ઈચ્છે છે તો હું તારી નોકરી માટે કોઈને વાત કરીશ.’’
‘‘ના… મને નોકરી મળી ગઈ છે.’’
‘‘મળી ગઈ, ક્યાં?’’
‘‘વિમલે મને તેની ઓફિસમાં કામ કરવાની ઓફર આપી અને મેં સ્વીકારી લીધી.’’ સૌરભ સમજી ગયો હતો વિરોધ નકામો છે.

શાલિની તેને પૂછી નહોતી રહી, પણ તેને જણાવી રહી હતી.
સૌરભે શાલિનીને ભેટીને અભિનંદન આપ્યા અને તે પછી બંને એકબીજામાં સમાઈ ગયા.
શાલિનીએ વિમલની ઓફિસમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
ઓફિસના કામથી બંનેે કેટલીય વાર શહેરની બહાર જતા હતા, પણ સૌરભને ક્યારેય તેમની પર શંકા ન ગઈ, કારણ કે શંકા કરવા જેવું કંઈ નહોતું.
વિમલ સાથે દરેક ટૂરમાં તેની પત્ની રમા જતી હતી.
શાલિની તો હંમેશાં સૌરભ સાથે વિમલ અને રમાના પ્રેમની ચર્ચા પણ કરતી હતી.
એક આવી જ ટૂરમાં વિમલ અને રમા સાથે શાલિની પણ ગઈ.

આમ તો આ એક ઓફિશિયલ ટૂર હતી, પણ મનાલીની સુંદરતાએ તેમનું મન મોહી લીધું.
નક્કી થયું કે હમણાં ત્રણેય જશે.
સૌરભ પાછળથી તેમની સાથે સામેલ થવાનો હતો.
મીટિંગ પછી વિમલ અને શાલિની પાછા આવી રહ્યા હતા.
વિમલને ડ્રાઈવ કરવું ગમતું હતું, તેથી તે હંમેશાં ગાડી ચલાવતો હતો.
અચાનક એક સૂમસામ સ્થળે તેણે ગાડી ઊભી રાખી.
‘‘શું થયું વિમલ, ગાડી ખરાબ થઈ ગઈ કે શું?’’
‘‘ગાડી નહીં મારી દાનત ખરાબ થઈ છે અને તેનું કારણ તું છે શાલિની.’’
‘‘હું… હું કેવી રીતે?’’ શાલિનીએ નિર્દોષતાનું નાટક કરતા પૂછ્યું.
‘‘તું આટલી સુંદર છે તો તારી પ્રેમ કરવાની રીત પણ સુંદર હશે ને?’’ કહીને વિમલે શાલિનીનો હાથ પકડી લીધો.

‘‘મને તારી સમીપ આવવા દે… તેમાં આપણા બંનેનો જ ફાયદો છે.’’
‘‘તું પાગલ થઈ ગયો છે વિમલ?’’ શાલિનીએ હાથ છોડાવવાનું નાટક કર્યું.
‘‘ના શાલિની, હજી પાગલ નથી થયો, પણ જેા તું ન મળી તો જરૂર થઈ જઈશ.’’
‘‘ના… ના… કોઈને પાગલ કરવાનો દોષ હું મારી પર કેમ લઉં?’’
‘‘તો પછી આપણે આ હોઠને…’’ વાત અધૂરી મૂકીને વિમલ શાલિનીને તેની આગોશમાં લેવાનો પ્રયાસ કરવા લાગ્યો.
‘‘અરે… અરે… ઊભો રહે. આટલી જલદી શું છે? પહેલાં એ તો નક્કી થઈ જાય કે તેમાં મારો ફાયદો શું છે?’’
‘‘તું જે ઈચ્છે… હું તો તારો ગુલામ છું.’’

શાલિની સમજી ગઈ હતી, લોખંડ ગરમ છે અને તેની પર મારવાનો આ યોગ્ય સમય છે, તેથી બોલી, ‘‘મને નવા પ્રોજેક્ટની હેડ બનાવી દે વિમલ. બોલ, મારા માટે શું આ કરી શકીશ?’’
‘‘બસ, સમજ બનાવી દીધી.’’
‘‘મને ખોટી ન સમજ વિમલ, પણ હું આ રીતે જ તારી વાત પર વિશ્વાસ…’’
‘‘એવું છે તો પછી આ લે.’’ કહીને તે જ સમયે તેની સામે ઓફિસમાં ફોન કરીને શાલિનીની ઈચ્છાનો અમલ કર્યો.
જ્યારે શાલિનીના મનની વાત થઈ ગઈ ત્યારે વિમલના મનની વાત કેવી રીતે અધૂરી રહેતી.
તે દિવસ પછી વિમલ અને શાલિની વધારે નજીક આવી ગયા.
બંને સાથે ફરતા, ખાતાંપીતાં અને પૂરી રાત મસ્તી કરતા.
રમા હોટલના રૂમમાં એકલી પડી રહી, પણ તેણે વિમલને ક્યારેય આ વિશે કંઈ ન પૂછ્યું.

૨ અઠવાડિયા પછી તે લોકો દિલ્લી પાછા આવ્યા હતા.
સૌરભને ઓફિસમાંથી રજા નહોતી મળી, તેથી તેની મનાલીની ટૂર કેન્સલ થઈ હતી.
આ વાતનું બહાનું બનાવીને શાલિનીએ સૌરભ સામે ખોટી નારાજગીનું નાટક કર્યું હતું.
‘‘વિમલ અને રમા સાથે ફરતાં… હું હોટલમાં એકલી રૂમમાં પડખા ફેરવતી રહેતી.’’
સૌરભ બિચારો માફી માગતો રહ્યો અને પછી શાલિનીને મનાવવા માટે તેને ગમતી કિંમતી ગિફ્ટ લાવીને આપતો…
તેમ છતાં શાલિની અવારનવાર તે વાતને પકડી રાખતી હતી.
મનાલી થી પાછા આવીને શાલિનીની ચાલચલગત અને મિજાજ સતત બદલાઈ રહ્યા હતા.
હવે તો તે હંમેશાં ઘરે મોડા આવવા લાગી અને કેટલીય વાર તો તેના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતી.
શાલિની હંમેશાં બહાર ખાઈને આવતી હતી.
કુક સૌરભ માટે ખાવાનું બનાવીને જતો રહેતો હતો.
જ્યારે તે ઘરે આવતી ત્યારે તેના કપડાં, બગડેલો મેકઅપ પણ તેની ફરિયાદ કરતા હતા, પણ સૌરભે તો જાણે તેની આંખ બંધ કરી લીધી હતી.
તેને તો લાગતું હતું કે તે શાલિનીને સમય આપતો નથી, તેથી તે તેનાથી દૂર થઈ રહી છે.

એક દિવસ શાલિનીએ તેને જણાવ્યું કે વિમલ અને રમા આગ્રા ફરવા જાય છે અને આપણને પણ કહ્યું છે.
સૌરભને આ વખતે પણ રજા નહોતી મળી.
સૌરભના સમજાવવા પર શાલિની વિમલ અને રમા સાથે ગઈ.
બધું શાલિનીની મરજીથી થઈ રહ્યું હતું, તેમ છતાં તેણે તેની વાતથી સૌરભને ગુનેગાર બનાવી દીધો હતો.
ગાડીમાં આગળની સીટ પર વિમલની બાજુમાં બેસેલી શાલિની સૌરભની મૂર્ખામી પર હસી રહી હતી.
‘‘હવે બસ કર શાલિની ડાર્લિંગ… બિચારો સૌરભ… હાહાહા.’’
‘‘ચાલ છોડ. તું એ કહે તને ગાડીમાં જવાનું કેમ સૂઝ્યું?’’
‘‘દિલ્લી અને આગ્રા વચ્ચેનું અંતર છે જ કેટલું અને આમ પણ લોંગ ડ્રાઈવમાં રોમાન્સની મજા જ અલગ છે જાન.’’ અને બંને સાથે હસવા લાગ્યા.
રમા પાછળની સીટ પર બેસીને તેમની આ બેશરમીની દર્શક બની રહી.

સૌરભને બીજા દિવસે જ રજા મળી હતી, પણ તે શાલિનીને સરપ્રાઈઝ આપવા માગતો હતો. તેથી શાલિનીને જણાવ્યા વગર આગ્રા પહોંચી ગયો.
લાંબાંલાંબાં ડગ ભરતા તે હોટલમાં શાલિનીના રૂમ તરફ આગળ વધ્યો.
તેના હાથમાં ખૂબસૂરત ફૂલનો ગુલદસ્તો હતો.
દિલમાં શાલિનીને ખુશ કરવાની ઈચ્છા લઈને તે રૂમનો દરવાજેા ખખડાવવાનો જ હતો કે રૂમની અંદરથી આવતો અવાજ શાલિની અને કોઈ પુરુષના હાસ્યથી તે આશ્ચર્યચકિત થયો.

સૌરભ દરવાજેા ખખડાવવા લાગ્યો. અંદરથી આવેલા અવાજે તેને સ્તબ્ધ કરી દીધો હતો.
‘‘કોણ છે… ડૂ નોટ ડિસ્ટર્બનું બોર્ડ દેખાતું નથી કે શું? જા હમણાં મારી જાનેમન સાથે બિઝી છું.’’ પણ સૌરભ દરવાજેા ખખડાવતો હતો.
દરવાજેા ખૂલતા જ અંદરનો નજારો જેાઈને સૌરભને ચક્કર આવ્યા.
બેડ પર તેની અર્ધનગ્ન પત્ની તેને અપરિચિત નજરથી જેાઈ રહી હતી.
જમીન પર પડેલા તેના કપડાં સૌરભની મજાક ઉડાડી રહ્યા હતા.
ક્યાંક કોઈ ખૂણામાં લગ્નનું બંધન મૃત પડ્યું હતું.
તેનો વિશ્વાસ તેની આ સ્થિતિ પર ડૂસકાં ભરતો હતો અને પ્રેમ તે તો પાછળના દરવાજેથી ક્યારનો બહાર જતો રહ્યો હતો.

‘‘શાલિની…’’ સૌરભે ચીસ પાડી. પણ શાલિની ચોંકી નહીં. બસ તેણે વિમલને રૂમની બહાર જવાનો ઈશારો કર્યો અને તે પડખું ફેરવીને છત બાજુ જેાતી સિગારેટ પીવા લાગી.
‘‘શાલિની… હું તારી સાથે વાત કરી રહ્યો છું. તું મારી સાથે આવું કેવી રીતે કરી શકે છે?’’ સૌરભે ફરીથી ચીસ પાડી.
આ વખતે તેનાથી પણ જેારથી ચીસ પાડી શાલિની, ‘‘કેમ… તારી સાથે આ કેમ ન કરી શકું? એવું છે શું તારામાં જે મને બાંધી શકે?’’
‘‘તું… વિમલને પ… પ… પ્રેમ કરે છે?’’
‘‘પ્રેમ… હા… હા… તું એટલો મૂરખ છે સૌરભ, તેથી તારી પ્રગતિ આટલી સ્લો છે… આ લેવડદેવડની દુનિયા છે.

વિમલે મને કંઈક આપ્યું છે તો બદલામાં ઘણું બધું લીધું છે.
કાલે જેા તેનાથી પણ સારો ઓપ્શન મળશે તો તેને છોડી દઈશ.
આમ પણ એક વાત કહું બેડમાં પણ તે તારાથી બેસ્ટ છે.’’
‘‘તું કેટલી નિમ્ન મહિલા છે, તેની સાથે પણ દગો…’’
‘‘અરે મૂરખ, વિમલ જેવા અમીર પરિણીત પુરુષના સંબંધ વધારે લાંબા ચાલતા નથી. તે મારાથી બેસ્ટ ઓપ્શનની શોધમાં હશે. જ્યાં સુધી સાથે છે.’’
‘‘તને શરમ નથી આવતી?’’
‘‘શરમ કેવી પતિ… આ વેપાર છે… શુદ્ધ વેપાર.’’
‘‘શાલિની…’’ ‘‘અવાજ ધીરે સૌરભ. બેડ પર ઉંદર પુરુષ આજે શેર બનવાની એક્ટિંગ કરી રહ્યો છે.’’ સૌરભ રડતાંરડતાં બોલ્યો,
‘‘શાલિની, મારી સાથે આવું ન કર. હું તને ખૂબ પ્રેમ કરું .છું.’’
‘‘સૌરભ, તું મારો ઘણો સમય બરબાદ કરી ચૂક્યો છે. હવે ચુપચાપ પાછો જા.. બાકીની વાત ઘરે થશે.’’

‘‘હા… હા… જેાઈશું… આમ પણ મારું કામ સરળ કરવા માટે આભાર.’’ કહીને બહાર નીકળતા સૌરભ રમા સાથે અથડાઈ ગયો.
‘‘તમે બધું જાણતા હતા ને.’’ તેણે પૂછ્યું.
‘‘હા, હું તે પડદો છું, જેનો ઉપયોગ કરીને તે બંને તેમના સંબંધને ઢાંકવાનું કહેતા હતા.’’
‘‘તમે આટલા શાંત કેમ છો?’ ’
‘‘તમને શું લાગે છે શાલિની મારા પતિના જીવનમાં આવેલી પહેલી મહિલા છે? તે પહેલી નથી અને છેલ્લી પણ નથી.’’
‘‘તમે કંઈ કરતા કેમ નથી? આ અન્યાય ચુપચાપ કેમ સહન કરો છો?’’
‘‘તમે શું કરી લીધું? શાલિનીને સુધારી લીધી?’’
‘‘હું તેને છૂટાછેડા આપી રહ્યો છું…’’
‘‘હા… પણ હું તે નથી કરી શકતી.’’
‘‘કેમ, હું જાણી શકું છું?’’
‘‘કારણ કે હું ભૂલી ગઈ છું કે હું એક મહિલા છું, કોઈની પત્ની છું. બસ એટલું યાદ છે કે હું ૨ નાની બાળકીની મા છું. આમ પણ આ દુનિયા હવસખોરથી ભરેલી છે અને મારામાં એટલી હિંમત નથી કે હું પોતાને અને મારી દીકરીને તેમનાથી બચાવી શકું.’’

‘‘માફ કરો રમા તમારી કાયરતાને તમારી મજબૂરીનું નામ ન આપો. જે દીકરી માટે તમે આ બધું સહન કરી રહ્યા છો તેમના માટે જ તમને પ્રાર્થના કરું છું, તેમની સામે એક ખોટું ઉદાહરણ ન બનો. આ બધું સહન કરીને તમે ૨ નવી રમત તૈયાર કરી રહ્યા છો.’’ મહિલાના આ બંને રૂપથી સૌરભને ઘૃણા થઈ ગઈ હતી.
એક અન્યાય કરવો પોતાનો અધિકાર સમજતી હતી તો બીજી અન્યાય સહન કરવાને પોતાની ફરજ.
દિલ્લી છોડીને સૌરભ એટલે દૂર અંદામાન આવી ગયો હતો.
કોર્ટમાં તેનો કેસ ચાલતો હતો.
દર તારીખે સૌરભ દિલ્લી જતો હતો.
શાલિનીએ તેની પર સેક્સ સુખ ન આપવાનો આરોપ મૂક્યો હતો.
સૌરભ તેના જીવનમાં આવેલા આ ત્રાસથી છેતરાઈ ગયો હતો, પણ શાલિની જીવનમાં નિતનવા વિકલ્પ શોધીને સતત પ્રગતિની સીડીઓ ચઢતી હતી.

આજે સવારે પ્રજ્ઞા, જે સૌરભની વકીલ હતી, તેનો ફોન આવ્યો હતો.
કોર્ટે છૂટાછેડાને મંજૂરી આપી હતી, પણ તેના બદલામાં શાલિનીએ સારી એવી કિંમત વસૂલી હતી.
આર્થિક નુકસાન તો જલદી ભરપાઈ થઈ જશે, પણ માનસિક અને ભાવનાત્મક જખમ ઠીક થવામાં સમય તો લાગશે જ.
સૌરભ તેના જીવનના ટુકડા ભેગા કરીને દરિયા કિનારે બેસીને રેતી પર આ પંક્તિ લખતો હતો : ‘‘કરમાયેલા છોડને વરસાદની આશા છે, અમૃતની નહીં, પાણીની તરસ છે, મંજિલની નહીં માર્ગની શોધ છે.’’

વધુ વાંચવા કિલક કરો....