પૂજા બેનર્જી ટીવીની લોકપ્રિય અભિનેત્રી છે. તે રાષ્ટ્રીય લેવલની સ્વિમર પણ રહી ચૂકી છે. એમ ટીવી ‘રોડીઝ સીઝન ૮’ ની તે ફાઈનાલિસ્ટ રહી છે. ‘સ્વિમ ટીમ’, ‘નાગાર્જુન – એક યોદ્ધા’, ‘ચંદ્ર નંદિની’, ‘ચંદ્રકાંતા’, ‘દિલ હી તો હૈ’ જેવા કેટલાય શોમાં તે જેાવા મળી છે. તાજેતરમાં ‘કસોટી જિંદગી કી’ અને આલ્ટ બાલાજીની વેબ સીરિઝ ‘કહને કો હમસફર હૈં સીઝન -૨ ’ માં જેાવા મળી રહી છે. વેબ સીરિઝના પ્રમોશન માટે દિલ્લી આવી હતી. અહીં પૂજા બેનર્જીએ ફિટનેસ વિશે વિસ્તારથી જણાવ્યું. આવો જાણીએ, શું કરે છે પૂજા પોતાની ફિટનેસ માટે અને શું સૂચન કરે છે પોતાના ફેન માટે:

સ્વયં પર ધ્યાન આપો :
આપણે જીવનમાં એટલા બિઝી રહીએ છીએ કે સૌથી વધારે આપણે સ્વયંને નજરઅંદાજ કરીએ છીએ, જે ખોટું છે. આપણી પાસે ઓછામાં ઓછા ૨૪ કલાકમાંથી ૧ કલાક તો ફિટનેસ માટે હોવો જેાઈએ. તે આપણી શારીરિક અને માનસિક શાંતિ માટે જરૂરી છે. હું સ્વયંને પ્રેમ કરું છું, તેથી રોજ ૧ કલાક સ્વયં માટે કાઢું છું ભલે ગમે તેટલી બિઝી રહું. હું માનું છું કે ફિટનેસ સૌપ્રથમ સ્વયં માટે જરૂરી છે, તેથી આપણે પરિવાર વિશે વિચારી શકીશું, બીજાની મદદ કરી શકીશું. ફિટ રહેવાની ભાવના આપણા મગજમાં હોવી જેાઈએ. મેં જણાવ્યું કે સ્વયંની ફિટનેસ માટે ૧ કલાક હોવો જેાઈએ. તો આપણે આ ૧ કલાકમાં કરવાનું એ છે કે જેને જે કામ ગમે છે તે કરી શકે છે. કોઈને સ્વિમિંગ કરવું ગમે છે તો તે સ્વિમિંગ કરે, કોઈને ડાન્સ કરવો ગમે છે તો તે ડાન્સ કરે અથવા પોતાની પસંદની કોઈ રમત રમે. ફિઝિકલ એક્સર્સાઈઝ કરો એટલે કે શરીરને એવા ઝોનમાં લઈ જાઓ કે પરસેવો વહે અને શરીર એક્ટિવ રહે. આ દરેક મહિલાએ કરવું જેાઈએ, કારણ કે આપણે અહીં મહિલાઓ ફિટનેસ બાબતે બેદરકાર રહે છે. શહેરમાં તો હવે જાગૃતિ આવી છે, પણ નાના શહેર અને ગામડામાં આજે પણ મહિલાઓ આ વાતને સમજતી નથી કે રોજ એક્સર્સાઈઝ કરવી કેટલી જરૂરી છે. મારા દિવસની શરૂઆત એક્સર્સાઈઝથી થાય છે.

ડાયટનું ધ્યાન રાખો :
આજે શહેરમાં મોટાભાગની મહિલાઓ વ્યવસાયી છે, તેથી તેમને બહાર જવાની તક વધારે મળે છે, પરંતુ બહારનું ભોજન સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું, તેથી જરૂરી છે કે રોજ ઘરેથી ટિફિન બનાવીને લઈ જાઓ. હું બહાર પણ હંમેશાં ઘરનું બનાવેલું ભોજન જમું છું. હું જાતે ભોજન બનાવું છું.

ઘરના ભોજનને પ્રાથમિકતા આપો :
હું ભોજનમાં દેશી ઘીને સામેલ કરું છું. શહેરની બહાર જાઉં ત્યારે અલગ વાત છે, પણ મુંબઈમાં રહું ત્યારે સેટ પર ઘરેથી ભોજન બનાવીને લાવું છું. ભોજન બાબતે ખાસ વાત એ છે કે હું સ્વચ્છ ભોજન જમું છું, બાકીની વસ્તુ જાતે ઠીક થઈ જશે . બધા જાણે છે કે હું અભિનેત્રીની સાથેસાથે રાષ્ટ્રીય લેવલની સ્વિમર પણ રહી ચૂકી છું. સ્વિમિંગના લીધે હું ખૂબ ફિટ છું. હું રોજ સ્વિમિંગ કરું છું અને આ સિલસિલો બાળપણથી ચાલુ છે. તાણથી મુક્ત થવામાં સ્વિમિંગ મારી ખૂબ મદદ કરે છે. હું સ્વિમિંગ પૂલમાં ઊતરું છું ત્યારે મારો થાક, મારી તાણ પાણીમાં વહી જાય છે અને હું સ્વયંને ફ્રેશ અનુભવું છું. મેં એક શો કર્યો હતો, તેનું નામ ‘સ્વિમ ટીમ’ હતું. શો કરીને મને ખૂબ મજા આવી હતી, કારણ કે તેમાં મેં ઘણી સ્વિમિંગ કરી. કામની સાથે મારી એક્સર્સાઈઝ પણ થઈ જતી હતી. જે લોકો સ્વિમિંગ કરી શકે છે તે જરૂર સ્વિમિંગ કરે. જે શીખવા ઈચ્છે છે તે પણ શીખો, કારણ કે સ્વિમિંગ ફિટનેસ માટે ફાયદામંદ એક્સર્સાઈઝ છે. કેટલીય યુવતીઓ સ્વિમિંગથી એટલે દૂર રહે છે, કારણ કે તેમને સ્કિન ટેન થવાનો ડર રહે છે. તેમને લાગે છે કે સ્વિમિંગ કરીને તે કાળી પડી જશે, પણ એવું નથી. તમે જે કેટલીક વાતનું ધ્યાન રાખશો તો ટેનિંગની સમસ્યાથી દૂર રહેશો, જેમ કે તમે વહેલી સવારે અથવા મોડી સાંજે સ્વિમિંગ કરો. પ્રયાસ કરો કે સ્વિમિંગ ઈન્ડોર પુલમાં રહે. સ્વિમિંગ પહેલાં પછી સ્કિન પર સનસ્ક્રીન લોશન કે પછી એલોવેરા જેલ અથવા ક્રીમ લગાવો. આ વસ્તુ ટેનિંગથી રક્ષણ આપે છે.

છાશ કે દહીં છે લંચ કે ડિનરનો સાથી :
છાશ કે દહીંને તમારા ભોજનમાં સામેલ કરો. તે તમારી સ્કિન, તમારી પાચનશક્તિ અને તમારા વાળ માટે યોગ્ય રહે છે. ૧ વાગે મારો લંચ ટાઈમ હોય છે. લંચમાં દાળ, ભાત, શાક અને રોટલી સાથે દહીં લઉં છું કે પછી ચિકન અને ભાત સાથે દહીંનું સેવન કરું છું. સાંજે છાશ કે જ્યૂસ હોય છે. ડિનરમાં દહીં, ભાત, ચિકન, પાસ્તા કે પછી મનપસંદ માછલી ભાત હોય છે. તે કોઈ પણ સ્થિતિમાં રાત્રે ૮ વાગ્યા સુધી ડિનર કરી લે છે, જેથી ભોજનને સારી રીતે પાચન થવામાં સમય મળી રહે.

પૂરતા પ્રમાણમાં ઊંઘો :
સારી ઊંઘ સારા સ્વાસ્થ્યની નિશાની છે. તેથી રોજ ૮ કલાક ઊંઘો. શાંતિથી ઊંઘો. કોઈ કારણોસર ઊંઘ પૂરી ન થાય તો દિવસે ઊંઘો. જેાકે મારે સેટ પર જલદી જવાનું હોય છે, તેથી હું કેટલીક વાર કારમાં ઊંઘી જાઉં છું. મને જ્યારે પણ ફ્રી ટાઈમ મળે છે હું મ્યૂઝિક વગાડું છું અને ડાન્સ કરવા લાગું છું. ડાન્સ કરવાથી પરસેવો આવે છે. જે ફિટનેસ માટે ખૂબ જરૂરી છે. જિમ જઈને તો પરસેવો વહે છે અને ખુશ પણ રહો છો. આ સ્થિતિમાં જેા તમે જિમ નથી જતા તો રોજ ૧ કલાક કોઈ પણ ડાન્સ કરીને જુઓ. સ્વયંને ફ્રેશ અનુભવશો.

– રેણુ ખંતવાલ.

વધુ વાંચવા કિલક કરો....