મારી ઉંમર ૨૫ વર્ષ છે. મને પીરિયડમાં અસહ્ય પીડા થાય છે. શું પીડા દૂર કરવાની દવા લેવી જેાઈએ?
પીડા દૂર કરવાની દવાની સીધી કિડની પર અસર થાય છે. હકીકતમાં, હાલમાં બદલાતી જીવનશૈલી અને ખાણીપીણીના લીધે પીરિયડના દિવસોમાં અસહ્ય પીડાની સમસ્યા સામાન્ય છે. સંતુલિત ખોરાક અને એક્સર્સાઈઝની કમીના લીધે શરીરમાં સહન કરવાની શક્તિ નથી રહેતી. જેથી પીડા વધારે થાય છે. તે ઉપરાંત કેટલીય વાર પીરિયડ દરમિયાન ફ્લો બરાબર નથી આવતો, તેથી મહિલાઓને વધારે પીડા થાય છે. આમ તો એક્સર્સાઈઝ રોજ કરવી જેાઈએ, પણ પીરિયડના દિવસોમાં મહિલાઓ પીડાના લીધે એક્સર્સાઈઝ કરતી નથી. આ બિલકુલ ખોટું છે. લોહીના પરિભ્રમણને સુચારુ અને પીડાને દૂર કરવા એક્સર્સાઈઝ કરવી જરૂરી છે. કેટલીય વાર હોર્મોન્સની સમસ્યાથી પણ આ મુશ્કેલી થતી હોય છે. જેા સતત પીડા થાય, તો સ્ત્રીરોગ નિષ્ણાતની સલાહ જરૂર લો.
હું ૧ બાળક પછી કોપર ટી મુકાવવા ઈચ્છુ છું. ક્યારે મુકાવવી યોગ્ય છે?
કોપર ટી એક અસરકારક ગર્ભનિરોધક છે. તે યૂટરસમાં શુક્રાણુ અને અંડાણુને મળવા નથી દેતી. જેથી ગર્ભ રહેતો નથી. તે બાળકો વચ્ચે યોગ્ય અંતર રાખવાનો સારો ઉપાય છે. તેને સુવિધાનુસાર દૂર પણ કરી શકાય છે. અનુભવી મેડિકલ પર્સન પાસે જ મુકાવવી જેાઈએ. કોપર ટી મુકાવતા પહેલાં કેટલીક વાતનું ધ્યાન રાખો, જેમ કે ડિલિવરી કે એબોર્શન પછી ઈન્ફેક્શન થાય, પીરિયડ સિવાય પણ બ્લીડિંગ થાય, મહિલા ગર્ભવતી હોય કે યૂટરસ અથવા સર્વિક્સનું કેન્સર હોય તો ન મુકાવવી જેાઈએ. તેની સાથેસાથે જેા યૌન ઈન્ફેક્શનનું રિસ્ક હોય તો પણ કોપર ટી મુકાવતા પહેલાં તેનો ઈલાજ કરાવવો જરૂરી છે. કોઈ પણ મહિલા જે બાળકો વચ્ચે અંતર રાખવા ઈચ્છે છે તેે પીરિયડ પછી ૫ થી ૭ દિવસમાં મલ્ટિ લોડ લગાવી શકે છે. કોપર ટી મુકાવતા પહેલાં તમે કોઈ અનુભવી સ્ત્રીરોગ નિષ્ણાત પાસે તપાસ કરાવો.
મારી ઉંમર ૨૭ વર્ષ છે. પીરિયડ આવતા પહેલાં જમણી બાજુ પેટમાં ખૂબ પીડા થાય છે. શું કરું?
બદલાતી જીવનશૈલી, પ્રદૂષણ અને ખાણીપીણીમાં બદલાવના લીધે ઘણી વાર મહિલાઓમાં પીરિયડ દરમિયાન અસહ્ય પીડાની સમસ્યા આજે સામાન્ય છે. પીરિયડમાં અનિયમિતતા હોવાથી મહિનાના તે દિવસો ખૂબ જ પીડાભર્યા હોય છે. તમને પેટના ખાસ ભાગમાં ખૂબ પીડા થાય છે. તેની તપાસ કરાવવી જરૂરી છે. તેનું કારણ અંડાશયમાં ગાંઠ પણ હોઈ શકે છે. અલ્ટ્રાસાઉન્ડ કરાવો. સંપૂર્ણ તપાસ પછી જાણી શકાય. સામાન્ય સ્થિતિમાં પીરિયડ દરમિયાન પ્રોસ્ટાગ્લેન્ડિન નામના આણિવક યૌગિક સ્રાવિત હોય છે. પીરિયડ સમયે ગર્ભાશયની વોલ ઝડપથી ખેંચાય છે. જ્યારે ગર્ભાશયની વોલ ખેંચાય છે ત્યારે ગર્ભાશયની માંસપેશીઓ સંકોચાય છે. તે ગર્ભાશયના રેશામાં લોહીને અવરોધે છે, તો થોડી વાર માટે ઓક્સિજનની પૂર્તિ ઘટી જાય છે અને ઓક્સિજનની ઊણપથી ગર્ભાશયના રેશા પ્રોસ્ટાગ્લેન્ડિન નામના કેમિકલનો સ્રાવ કરે છે, જેથી પીડા થાય છે.
મારી ઉંમર ૩૦ વર્ષ છે અને પતિની ઉંમર ૩૩ વર્ષ છે. અમે બંને હેલ્ધિ છીએ, અમને હેલ્થની કોઈ સમસ્યા નથી. છેલ્લા દોઢ વર્ષથી બીજા બાળક માટે પ્રયાસ કરી રહ્યા છીએ અને પીરિયડ પણ સામાન્ય છે. કૃપા કરીને મને માર્ગદર્શન આપો?
ક્યારેક-ક્યારેક સમસ્યા બાળકના જન્મ પછી ખબર પડે છે. તેમ છતાં એક વાર સ્ત્રીરોગ નિષ્ણાતને મળો અને તમારા અંડોત્સર્ગના દિવસોની માહિતી લો. તે દિવસોમાં તમે તમારા પતિ સાથે યૌન સંબંધ બનાવો. એક વાર તમારા પતિની પણ તપાસ કરાવો.
મારી ઉંમર ૨૬ વર્ષ છે. દર વખતે પીરિયડ લગભગ ૪ દિવસ પહેલાં થઈ જાય છે. પૂરા શરીરમાં ભયંકર દુખે છે. જણાવો શું કરું?
અનિયમિત પીરિયડના અનેક કારણ હોય છે જેમ કે અચાનક વજન વધવું કે ઘટવું, એક્સર્સાઈઝ વધારે કરવી, નશો કરવો, કુપોષણ, તાણ થવી, દવાનો પ્રયોગ વધારે કે હોર્મોન્સ અસંતુલન. તેની તપાસ પછી જ કહી શકાય કે આવું કેમ થઈ રહ્યું છે. તેમ છતાં પીરિયડ સમયે બ્લડપ્રેશર ચેક કરાવો. કેટલીક અન્ય વાતનું પણ ધ્યાન રાખો જેમ કે : ડોક્ટરને તમારી દરેક સમસ્યા વિશે જણાવો. સંકોચ ન કરો અને ડોક્ટર પાસે ખાણીપીણી સંબંધિત માહિતી મેળવો. તળેલું, પેક, ચિપ્સ, કેક, બિસ્કિટ અને સ્વીટ પ્રવાહી વગેરે વધારે ન લો. યોગ્ય પીરિયડ માટે સ્વસ્થ ભોજન લેવું જરૂરી છે. મર્યાદામાં જ ખાઓ. પૌષ્ટિક ભોજનનું સેવન કરો. અનાજ, મોસમી ફળ, શાક, પિસ્તાબદામ, ફેટવાળા દૂધમાંથી બનેલો ખોરાક પણ સામેલ કરો. દિવસની શરૂઆત ૨-૩ ગ્લાસ પાણી પીને કરો અને પૂરા દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી જરૂર પીઓ. પાણીથી શરીરના ઝેરી પદાર્થ નીકળી જાય છે અને તેનાથી તમે ફિટ રહો છો. તેની સાથે કોઈ સ્ત્રીરોગ નિષ્ણાત પાસે તમારા હોર્મોન્સની તપાસ કરાવો.
હું ૨૬ વર્ષની મહિલા છું. મારા પરિવારમાં કિડની ડિસીસનો ઈતિહાસ રહ્યો છે. હું કિડની સ્વસ્થ રાખવા માટે કયા ઉપાય કરું?
જીવનશૈલીમાં કેટલાક પરિવર્તન લાવીને કિડનીની બીમારી ઘટાડી શકાય છે. તેમાં સામેલ છે :
- સમતોલ અને પૌષ્ટિક ભોજનનું સેવન કરો.
- દારૂનું સેવન ન કરો.
- શારીરિક રીતે સક્રિય રહો.
- નિયમિત એક્સર્સાઈઝ કરો.
- તે દવાનું સેવન કરવાથી બચો, જે કિડનીને નુકસાન કરે છે.
- રક્તમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત રાખો.
- મીઠાનું સેવન ઓછું કરો.
- વજન નિયંત્રિત રાખો.
– ડો. શોભા ગુપ્તા.