તાજેતરમાં દિલ્લીમાં ઢોંગી બાબા વીરેન્દ્રદેવ દીક્ષિતની પોલ ખૂલ્યા પછી ફરીથી દરેક ન્યૂઝ ચેનલ ‘બાબા કી ગુફા કા રહસ્ય’, ‘દત્તક- પુત્રી કા સચ’, ‘બાબા કી અય્યાશી કા અડ્ડા જેવા પ્રોગ્રામ દર્શાવી રહી છે. આવી કેટલીય કહાણીઓ અને ગુુફાના આભાસી વીડિયો દર્શાવીને લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે આટલી સતર્ક અને શોધખોળ કરનાર મીડિયા ચેનલ આટલા બધા વર્ષોથી ક્યાં હતી, કારણ કે ન તો બાબા નવા છે કે ન આ ગુફાઓ રાતોરાત બની ગઈ છે. વળી, આ તે કેવું માથાભારે પત્રકારત્વ જે અત્યાર સુધી ઊંઘી રહ્યું હતું? હવે બાબાના જેલ જતા જનતા સમક્ષ હાજર થઈ ગયું છે. આ સ્વાર્થી અને અવસરવાદી ચેનલ પર પણ જાણીજેાઈને ગુનાને છુપાવવાનો આરોપ મુકાવો જેાઈએ, કારણ કે તેઓ દાવા કરતા હોય છે કે ‘દેશદુનિયાના સમાચાર સૌથી પહેલાં’, ‘તમને રાખે સૌથી આગળ’ વગેરે વગેરે. મીડિયા કહી રહ્યું છે કે લોકો એટલા અંધશ્રદ્ધાળુ કેમ થઈ ગયા છે? તેઓ તો પ્રજાને જ દોષી ઠેરવી રહ્યા છે. હવે તમે જ જણાવો કે સવારે ટીવી ચેનલ શરૂ કરતા રાશિફળ, બાબાના પ્રવચન, તથાકથિત રાધેમાના રંગીલા શો, પ્યાસી ચૂડેલ, નાગિન કા બદલા, કંચના, સ્વર્ગનર્ક, શનિદેવ, જય સંતોષી મા, જય ગણેશ વગેરે તમામ અંધશ્રદ્ધા પર આધારિત કાર્યક્રમ રાતદિવસ ચલાવીને લોકોને અંધશ્રદ્ધાળુ કોણ બનાવે છે? નિર્લજ્જ બનીને ટીવી પર વાળ કપાવી નાખો જેવા મુદ્દે ડિબેટ કોણ કરાવે છે? અને હવે પૂછી રહ્યા છો કે લોકો અંધશ્રદ્ધાળુ કેમ બની ગયા છે? બસ તેમને તો માત્ર કોઈ મુદ્દો મળવો જેાઈએ. પછી જ્યાં સુધી કોઈ નવો મુદ્દો ન મળી જાય, ત્યાં સુધી પહેલાંના મુદ્દાને ચટપટો બનાવીને ટીવી પર દર્શાવતા રહો.

અંધશ્રદ્ધાનો કારોબાર : સરકાર મૌન છે અને મીડિયા આવા ઢોંગીઓના ફેલાવામાં સહયોગી બની ગઈ છે. આ નજરઅંદાજનું જ પરિણામ છે કે અંધશ્રદ્ધા ફેલાવનારનું ખૂબ મોટું નેટવર્ક ઈન્ટરનેટ પર ફેલાયેલું છે. આજે પણ લોકો ડોક્ટર કરતા વધારે આવા ઢોંગીતાંત્રિક પર વિશ્વાસ કરે છે. જેાકે આ બહુરૂપીઓનો શિકાર મહદ્અંશે મહિલા જ રહી છે અને મહિલાઓ દ્વારા પુરુષ પણ તેમના શિકાર બની રહ્યા છે. વિડંબણા તો એ છે કે જે જાદૂટુચકાને વિજ્ઞાન સ્વીકારવાનો ઈન્કાર કરે છે, આજે તો ચારેય બાજુ તે જ મંત્રતંત્રની જાળ પથરાઈ ગઈ છે. આજે દરેકના હાથમાં ફોન આવી ગયા છે તો ઈન્ટરનેટ સુધી પહોંચ પણ વધી રહી છે અને તેના કારણે અંધશ્રદ્ધાનો કારોબાર પણ. ચારેય બાજુ આ વિષય પરની જાહેરાત અને અનેક સાઈટ્સ દેખાઈ રહી છે, જે એક ક્લિકની સાથે જીવનને ખુશીથી ભરી દેવાના દાવા કરી રહી છે.

અપરાધનો બોજ ઉઠાવતી પ્રથા : અંધશ્રદ્ધાનું ભયાવહ પરિણામ હત્યામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે થોડા વર્ષ પહેલાં એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ભારતમાં ૧૯૮૭થી ૨૦૦૩ માં ૨૫૫૬ મહિલાને ડાકણ અથવા ચુડેલ કહીને મારી નાખવાની વાત કહેવામાં આવી હતી. આ રીતે હત્યા કરવાના કિસ્સામાં ઝારખંડ પ્રથમ નંબરે રહ્યું છે. બીજા નંબરે ઓરિસ્સા અને ત્રીજા નંબરે તામિલનાડુ છે. જેાકે આ ડાકણ કુરિવાજ વિરુદ્ધ કાયદો પણ છે, પરંતુ તેની કોઈ ખાસ અસર દેખાતી નથી. તેમાં મારપીટ, અત્યાચારની સાથે ડાકણ જાહેર કરવામાં આવેલી મહિલાને મૂત્ર પિવડાવવું, જાહેરમાં નિર્વસ્ત્ર ફેરવવાથી લઈને તેની પાયાની જરૂરિયાતથી વંચિત રાખીને છોડી દેવા જેવા કિસ્સા સામે આવ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગ સમયાંતરે અંધશ્રદ્ધા વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે વિચાર ગોભિ અને વર્કશોપનું આયોજન કરતું રહે છે, પરંતુ જે અંધશ્રદ્ધા હત્યા સુધી પહોંચી હોય તેને આ રીતે નાનામોટા કાર્યક્રમ સુધી સીમિત રાખવી કેટલા અંશે વાજબી છે?

પૈસા કમાવા એકમાત્ર હેતુ : સામાન્ય તંત્રમંત્ર, ઝાડફૂંકથી શરૂ થતી અંધશ્રદ્ધા લોકો પરના અત્યાચાર અને હત્યાનું કારણ બની રહી છે. જેાકે તેની શરૂઆત તો ઢોંગી ઓઝા અને તાંત્રિકોની બેઈમાની અને ખોટી સલાહથી શરૂ થતી હોય છે. ઘણી જગ્યાએ તો કેટલીક ખોટી પરંપરા પણ આગમાં ઘી હોમવાનું કામ કરે છે. આ કહેવાતા બાબાના પાખંડની અનેક પોલ ખૂલી તેમ છતાં પણ જે કોઈ પોતાની આંખ પર અંધશ્રદ્ધાના પાટા બાંધી રાખે તો ભલા કોઈ શું કરી શકે? હવે બાબાઓ પર નહીં, પણ તેમના ફોલોઅર્સ પર ગુસ્સો આવે છે. જ્યારે દેશને સાચો માર્ગ બતાવતા નેતા, ફિલ્મકાર, ડોક્ટર, શિક્ષક, વિજ્ઞાન સાથે જેાડાયેલા લોકો, મોટામોટા મૂડીપતિઓ વગેરે પણ આવા અંધશ્રદ્ધાળુ બાબા અને ઢોંગી માઓના ચક્કરમાં ફસાતા હોય, તો સહજ રીતે સમજી શકાય છે કે હવે સમાજને કોણ અરીસો બતાવવાનું કામ કરશે? સામાન્ય પ્રજા જેમને પોતાના આદર્શ માને છે અને તેમને જ આવું કરતા જેાઈને તે પણ પોતાના આદર્શ પુરુષની પાછળ ભાગતા ઢોંગ, પાખંડ અને અંધશ્રદ્ધા ફેલાવનારનો શિકાર બની જાય છે.

ધર્મ સાથે દુશ્મની કોણ કરે : અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે આટલી મોટી સંખ્યામાં બાબા આવે છે ક્યાંથી અને જે આવે છે તો પછી આટલા બધા અનુયાયી આવે છે ક્યાંથી? આ પ્રશ્નનો જવાબ છે શ્રદ્ધાની આંધીમાં દલીલના તીર હંમેશાં હવા થઈ જાય છે. અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકો આવા બાબાના ફોલોઅર હોય છે. પછી ભલે ને તે ઓછું ભણેલાગણેલા હોય કે વધારે ભણેલા, પણ મુશ્કેલી એ વાતની પણ છે કે જે લોકો અંધશ્રદ્ધાળુ નથી હોતા, તેઓ ડરના કારણે ધર્મના નામે બનાવટી દુકાન ચલાવનારને ઓપન ચેલેન્જ નથી કરતા. ઢોંગી બાબાઓ પહેલા તો ભોળા લોકોને તેમની લાચારીનો લાભ ઉઠાવીને પોતાના ફોલોઅર બનાવે છે, પછી જ્યારે અનુયાયીની સંખ્યાનો આંકડો લાખો સુધી પહોંચી જાય છે ત્યારે કાયદા કે રાજનીતિનું કોઈ મહત્ત્વ રહેતું નથી, પૂરી સિસ્ટમ તેમની ગુલામ બની જાય છે.

કેટલાક નવાજૂના ઉદાહરણ :
પહેલું : જે તમને યાદ હોય તો ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સમયમાં યોગગુરુ સ્વામી ધીરેન્દ્ર બ્રહ્મચારીનો ખૂબ દબદબો હતો. બ્રહ્મચારીની ઈન્દિરા સાથેની નિકટતાનો અંદાજ એ વાત પરથી કાઢી શકાય છે કે તેઓ ટોચના અધિકારીની નિયુક્તિ, બદલીથી લઈને મંત્રીઓની ખુરશી સુધ્ધાં નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવવાની સાથેસાથે પડદા પાછળ ઈન્દિરા માટે રાજકીય સોદાબાજી, મંત્રણામાં પણ પૂરી રીતે ભાગ ભજવતા હતા. આ કારણસર જૂના નેતા, મંત્રીગણ, અધિકારી સ્વામીના ભક્તમાં હતા. ત્યાર પછી આ લોકોના કારણે આ તથાકથિત સ્વામી અબજપતિ બની ગયા હતા, જ્યારે બીજી તરફ તેમણે જમ્મુમાં એક ગન ફેક્ટરી પણ શરૂ કરી હતી. જ્યારે ઈન્દિરાનું કટોકટી પછી પતન થયું ત્યારે આ સ્વામીએ પોતાની સામેના ઘણા અપરાધિક કેસનો સામનો કરવાની સાથે પોતાની સંપત્તિને બચાવવા માટે પણ ઘણી લડાઈ લડવી પડી હતી. જેાકે આ સમયગાળા દરમિયાન તેઓ એક જહાજ દુર્ઘટનામાં માર્યા ગયા હતા.

બીજું : ભાજપાના સમર્થનમાં આસારામે ગુજરાતમાં પ્રચાર અભિયાનમાં સક્રિયતા બતાવી હતી, પરંતુ તેને હત્યાના એક કેસના કારણે પોતાના પગલાં પાછા ખેંચવા પડ્યા હતા. હાલમાં આસારામ બળાત્કાર જેવા ગંભીર આરોપ હેઠળ જેલમાં બંધ છે. તેની પર સાક્ષીઓને ડરાવવા ધમકાવવા અને મારી નખાવવાના આરોપ મૂકવામાં આવ્યા છે.

ત્રીજું : સ્વામી ચિન્મયાનંદ પર પણ બળાત્કારનો આરોપ તેમની એક મહિલા શિષ્યાએ મૂક્યો છે.

ચોથું : દિલ્લીથી પકડાયેલો ઈચ્છાધારી બાબા પ્રવચન અને પાખંડની આડમાં સેક્સ રેકેટ ચલાવતો હતો. આ ઈચ્છાધારી બાબાને શિવમૂરત દ્વિવેદી ઉપરાંત સંત સ્વામી ભીમાનંદ મહારાજ ચિત્રકૂટવાળાના નામથી ઓળખવામાં આવતો હતો. સ્વયંભૂ બાબા શિવમૂરત દ્વિવેદીની કથિત રૂપે દેહવેપારનો ધંધો ચલાવવાના આરોપમાં મકોકા હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે.

પાંચમું : સારથી બાબા વિશે પણ એક ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે તે એક ફાઈવ સ્ટાર હોટલમાં ૩ દિવસ કોઈ મહિલા સાથે રોકાયો હતો.

છઠ્ઠું : હરિયાણા હજી તો રામરહીમનો કિસ્સો ચર્ચામાં હતો તે દરમિયાન બીજા એક સ્વયંભૂ આધ્યાત્મિક બાબા વીરેન્દ્રદેવ દીક્ષિત દિલ્લીમાં પ્રગટ થયા છે. આધ્યાત્મિક વિશ્વ વિદ્યાલયની આડમાં આ બાબા પર એવાએવા કૃત્ય કરવાના આરોપ મૂકવામાં આવ્યા જે સભ્ય સમાજ પર કલંક રૂપ છે. અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે એવું કયું કારણ છે, જેના લીધે લોકો આવા બાબાની માયાજાળમાં ફસાય છે, તેમને ભગવાન માનવા લાગે છે અને તેમની પાછળ પાગલ થઈ જાય છે? આવા આધુનિક બાબાની કેટલીક ઢોંગી કલાઓ પણ હોય છે, જેથી લોકો તેમના સકંજામાં ફસાઈ જાય છે અને ત્યાર પછી તેઓ તેમનું ખૂબ શોષણ કરવા લાગે છે.

ચારિત્ર્ય રચવાની કલા : સંત આસારામથી લઈને રાધેમા સુધીના કથિત ઢોંગી સંતની સૌથી મોટી કલા સ્વાંગ રચવાની રહી છે. સ્વાંગ એટલે કે એક ચારિત્ર્ય, સ્વયંને અન્ય ચારિત્ર્યમાં ઢાળીને તેઓ નાટક કરતા હોય છે. આસારામ અને રાધેમાની બોડી લેંગ્વેજ પર બારીકાઈથી નજર કરો, તો આ સ્વાંગ સ્પષ્ટ દેખાશે. ઢોંગી સંત પોતાને ભગવાનના રૂપમાં પ્રદર્શિત કરતા હોય છે. ભગવાનની કાલ્પનિક મુદ્રા અને ભાવભંગિમાઓ બનાવવાની તેઓ સતત કોશિશ કરતા હોય છે. આ સ્થિતિમાં જ્યારે આ ઢોંગી બાબાઓ ભગવાન જેવા સ્વાંગ રચે છે, ત્યારે ભક્તો તેમની તરફ આકર્ષિત થવા લાગે છે અને તેમને જ ભગવાન માનીને તેમની પૂજા શરૂ કરી દે છે. જેાકે મોટાભાગની મહિલાઓ જ તેમની શિકાર બનતી હોય છે.

સ્ટાઈલમાં રહેવું : ઢોંગી બાબાના કેસમાં હંમેશાં જેાવા મળે છે કે તેઓ એક આકર્ષક આવરણમાં હોય છે. ઉદાહરણ રૂપે જેઈએ તો ઈચ્છાધારી બાબા ભીમાનંદ, રાધેમા, સ્વામી નિત્યાનંદ અને નિર્મલ બાબા વગેરે. સામાન્ય વ્યક્તિથી દૂર જઈને એક અલગ વસ્ત્રો પહેરતા હતા. તેમના બેસવાના આસન, કપડાની સ્ટાઈલ, બેસવાની રીત અને મંચની સજાવટ લોકોને ખૂબ આકર્ષિત કરતી હોય છે.

સંમોહિત કરવાની ક્ષમતા : કથિત સંત રામપાલ અને આસારામ જેવા લોકોના વાકચાતુર્યના કારણે ભલાભોળા લોકો સરળતાથી સંમોહિત થતા હોય છે. ત્યાર પછી તેમણે કહેલી દરેક વાત ભક્તોને સાચી લાગતી હોય છે. લોકોને પોતાની વાતમાં ફસાવીને આ ઢોંગી બાબા લોકોને ફસાવવા લાગે છે. જાતજાતના બહાના બનાવીને તેમની પાસેથી પૈસા પડાવવા લાગે છે. જેાકે તેમની મીઠીમીઠી વાતમાં ફસાયેલી પ્રજાને છેતરપિંડીનો આભાસ પણ નથી થતો.

બાબા બનાવી દેવામાં આવે છે : બીજી એક કડવી હકીકત એ પણ છે કે હકીકતમાં બને છે ઓછા, પણ બનાવવામાં આવે છે વધારે. તમે ફિલ્મ ‘ઓહ માય ગોડ જેાઈ હશે. તેના માધ્યમ દ્વારા પણ આ બધી વાત સમજાવવાની અને દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ૧૯૬૫માં આવેલી ફિલ્મ ‘ગાઈડ જેમાં ફિલ્મનું મુખ્યપત્ર રાજુ (દેવઆનંદ) જેલમાંથી મુક્ત થયા પછી એકલો આમતેમ ભટકતો રહે છે. પછી એક દિવસ તે કેટલાક સાધુની ટોળી સાથે ગામના મંદિરના વરંડામાં ઊંઘી જાય છે અને બીજા દિવસે તે મંદિરમાંથી નીકળતા પહેલાં એક સાધુ ઊંઘી રહેલા રાજુ પર પીતાંબર વસ્ત્ર ઓઢાડી દે છે. બીજા દિવસે ગામનો એક ખેડૂત ભોલો પીતાંબર વસ્ત્રમાં ઊંઘેલા રાજુને પણ સાધુ સમજી લે છે. ભોલો આ વાત પૂરા ગામમાં ફેલાવી દે છે અને ગામના લોકો રાજુને પણ સાધુ માની લે છે અને તેના માટે ખાવાનું અને બીજી ભેટ લઈને આવે છે તેમજ પોતાની સમસ્યા તેને જણાવે છે. પછી તો રાજુ ગામમાં સ્વામીના નામે ઓળખાવા લાગે છે.

નશાની આડમાં સેક્સ : ભૂતકાળમાં બનારસના લલિતા ઘાટ પર બનેલી આ ઘટના છે. ઘટના મુજબ રામાયણી બાબાનો એક ચેલો લલિતા ઘાટ પર દક્ષિણ ભારત તથા મહારાષ્ટ્રથી આવેલા કેટલાક શ્રદ્ધાળુઓને ચમત્કાર બતાવી રહ્યો હતો કે કેવી રીતે બાબા દુખને ક્ષણમાત્રમાં દૂર કરે છે. જે બાબા પ્રસન્ન થશે તો અશક્ય કામને પણ શક્ય બનાવી દેશે. બાબાના ચેલા પાસેથી સાંભળેલા તેમના ચમત્કારના ખોટા વખાણમાં ફસાઈને શ્રદ્ધાળુઓ એકએક કરીને બાબાના ચરણે પડવા લાગ્યા. પછી તો કોઈની પીઠ પર બાબાનો હાથ આશીર્વાદ રૂપે પડ્યો તો કોઈના વાળ પર હાથ ફેરવી રહેલા ભોગી રામાયણી બાબાની દક્ષિણા પેટી મિનિટમાં ભરાઈ ગઈ. જેાકે કેટલીક કિશોરીને બાબાનું આ પ્રકારે વાળમાં હાથ ફેરવવું અથવા પીઠને પંપાળવું ગમ્યું નહોતું, પરંતુ તેઓ તો પોતાના પરિવારજનોની અંધશ્રદ્ધા આગળ મૌન રહી હતી. રામાયણી બાબા જેવા કમ સે કમ ૨ ડઝન બાબા યોગીના વેશમાં ધૂણી ધખાવીને ગંગા કિનારે અશ્લીલતા ફેલાવી રહ્યા છે. તેઓ નશાની આડમાં સેક્સના ધંધા પણ ચલાવી રહ્યા છે.

વિદેશી પર્યટકો પણ નિશાના પર : હકીકતમાં, બનારસમાં મહદ્અંશે વિદેશી પર્યટકો નશાની શોધમાં આવતા હોય છે. સવારથી લઈને મોડી રાત સુધી તેઓ એક ઘાટથી બીજા ઘાટ પર ફરતા હોય છે. સામાન્ય ગાઈડ અને બીજા કેટલાક ગેરકાયદેસર ધંધા સાથે જેાડાયેલા નાવિકોનો અહીં જમાવડો હોય છે. નશાખોર અને ભોગી બાબાની ગાદીઓ પણ ખરી. પછી અહીંથી શરૂ થાય છે દેહવેપાર અને નશાનો ખેલ. ચરસ, ગાંજથી લઈને ભાંગદારૂ બધું જ અહીં મળી જાય છે. નશામાં વિદેશી એ હદે મસ્ત હોય છે કે ત્યાર પછી તેમને કંઈ જ સૂઝતું નથી. આ દરમિયાન બાબા વિદેશી યુવકયુવતીઓને હાથ ચાલાકીના એવો જાદૂ બતાવે છે કે વિદેશીઓ માટે તો આ બાબા ચમત્કારી જ બની જાય છે. નશા અને અંધશ્રદ્ધા પર વિશ્વાસ થયા પછી આ ભોગી બાબા પોતાના આસન જમાવી દે છે અને આશીર્વાદ આપવાના નામે ભોગી બાબા વિદેશી યુવતી સાથે સંભોગ કરતા હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભોગી બાબાના ઈશારે તેમના ચેલા વિદેશી યુવતી સાથે સંભોગના વીડિયો બનાવી લે છે અને ત્યાર પછી આ વીડિયોને પોર્ન બજારમાં વેચવામાં આવે છેે. ભગવા વસ્ત્રધારી બાબા અને વિદેશીના પોર્ન વીડિયોની કિંમત પણ સારી એવી મળી જાય છે.

ક્યારે જાગૃત થઈશું આપણે : આવા સાધુસંતની અછત ક્યારેય રહી નથી, જે ધર્મની ધજાને પકડીને સંસદ અને વિધાનસભા સુધી પહોંચી ગયા છે. રામ મંદિર આંદોલને ઘણા નવા સ્વામીને ભાજપા રાજનીતિના રથ પર સવાર કરાવીને ૧૯૯૧ માં સંસદમાં પહોંચાડી દીધા હતા. આ શ્રદ્ધા જ છે જે મોટી મોટી હસ્તીઓને પણ આવા ઢોંગી બાબાના ચરણમાં પહોંચાડી દે છે, પરંતુ આપણે સમજવું જેાઈએ કે લાલચ તમામ બદી જન્મદાતા છે. લાલચ મનુષ્યની વિવેકબુદ્ધિને હણીને તેના અંત:કરણ પર વાર કરે છે. લાલચું માણસ સાચાખોટા વચ્ચેનો ફરક પણ ભૂલી જાય છે. આવા લોકો પાપપુણ્ય, સાચુંખોટું યશઅપયશ, ન્યાયઅન્યાય, નફાનુકસાન અને જીવનમરણ વચ્ચેનું સમજી નથી શકતા અને આ અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાઈને કેટલાક લોકો આવા તથાકથિત બાબાના શરણે ચાલ્યા જાય છે અને ત્યાર પછી ધર્મના આ ખેલમાં બરબાદ થતા હોય છે.

– મોનિકા.

વધુ વાંચવા કિલક કરો....