ધોમધખતી ગરમીમાં ૨૮ વર્ષની શિક્ષિકા મલ્લિકા અદાલતની બહાર બેસીને પોતાના કેસની સુનાવણીની રાહ જોઈ રહી હતી. છેલ્લા થોડાક મહિનામાં તેની આ ૧૩મી સુનાવણી હતી. તે પોતાના પતિ પાસેથી ડિવોર્સ, માસિક ખર્ચ અને ૩ વર્ષના દીકરાની કસ્ટડી ઈચ્છતી હતી. મલ્લિકાને ખબર હતી કે અંતિમ નિર્ણય આવવામાં હજી ઘણા મહિના અથવા તો એકાદ વર્ષ લાગી શકે છે. આ લાંબી પ્રક્રિયામાં સ્કૂલમાંથી રજા લેવી સમય અને નાણાં એમ બંનેનો વ્યય હતો. આમ તો આ કેસ લાંબો ખેંચાયો ન હોત, પરંતુ ક્યારેક જજ આવતા નહોતા, તો ક્યારેક તેનો પતિ. મલ્લિકાનું કહેવું હતું, ‘‘લગ્નજીવનમાં એક દિવસ આવ્યો જ્યારે મારી ધીરજે જવાબ આપી દીધો અને અમે અદાલતમાં પહોંચી ગયા. અદાલતે મને સૌમ્ય વ્યવહાર રાખવા કહ્યું અને અમને કાઉન્સેલિંગ માટે મોકલી દીધા. કારણ કે ફેમિલી કોર્ટની આ એક જરૂરી પ્રક્રિયા છે. કાઉન્સેલરે મંગળસૂત્ર ન પહેરવા પર મને કહ્યું કે હું હજી પણ પરિણીત છું અને મંગળસૂત્ર ન પહેરીને ભારતીય સંસ્કૃતિનો અનાદર કરી રહી છું. કાઉન્સેલરે મારા પતિને પૂછ્યું કે શું તેઓ મને પ્રેમ કરે છે. ત્યારે તેમણે હામાં જવાબ આપ્યો. ત્યાર પછી કાઉન્સેલરે મને પૂછ્યું કે હવે તમને બીજું શું જોઈએ? ત્યારે મેં કહ્યું કે મારે સન્માન જોઈએ છે. જ્યારે પણ હું સન્માનની વાત કરું છું ત્યારે કોઈ કંઈ બોલતું નથી, બધું એકતરફી છે.’’ ૨૦૧૧માં વેલેન્ટાઈન ડે પર મુંબઈ નિવાસી ૪૦ વર્ષની સિમરને પણ મુંબઈ ફેમિલી કોર્ટમાં પોતાનો કેસ દાખલ કરી દીધો હતો. તે પોતાના પતિ પાસેથી ડિવોર્સ અને પોતાની દીકરીની કસ્ટડી ઈચ્છતી હતી, પરંતુ અદાલતના ન્યાયાધીશ પણ પિતૃસત્તાત્મક સલાહ આપતા તેને કહ્યું હતું કે તારે કોઈ રેસ્ટોરન્ટમાં બેસીને તારા પતિ સાથે ભોજન કરવું જોઈએ અને એકબીજા સાથે વાતચીત કરીને સમાધાન શોધી લેવું જોઈએ. આમ કરવું બાળકોના ભવિષ્ય માટે પણ જરૂરી છે. આ કેસમાં સિમરને ઘરેલુ અને યૌન હિંસાનો આરોપ મૂક્યો હતો. તેનું કહેવું છે કે કાઉન્સેલિંગ માટે પણ અમે ઘણા ચક્કર લગાવી ચૂક્યા હતા, પરંતુ આ માત્ર સમયની બરબાદી છે. સપ્ટેમ્બર, ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે એક વાર જ્યારે કોઈ યુગલ વચ્ચે ડિવોર્સ અનિવાર્ય બની જાય અને પતિપત્ની બંને તેના માટે તૈયાર હોય તો તેમના માટે ૬ મહિના રાહ જોવાનો સમયગાળો જરૂરી નથી. આપણા દેશમાં આ નિર્ણયને ન્યાય પ્રણાલીમાં મોટી પ્રગતિ રૂપે જોવામાં આવ્યો છે. કારણ કે અહીં ડિવોર્સ લેવામાં ૨ થી ૧૨ વર્ષ સુધીનો સમય લાગી શકે છે જે ડિવોર્સ ઈચ્છનાર વ્યક્તિ માટે એક દુ:સ્વપ્ન બની જાય છે. ૩ દાયકા પહેલાં લગ્ન સંબંધિત કેસને સિવિલ કોર્ટથી અલગ કરીને ફેમિલી કોર્ટમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા હતા. જેમા મધ્યસ્થતા અને સલાહસૂચન દ્વારા કેસનો ઉકેલ લાવવામાં આવતો હતો, પરંતુ ફેમિલી કોર્ટની પ્રણાલીમાં પણ વિલંબ થવા લાગ્યો. જેનું મુખ્ય કારણ ન્યાયાધીશથી લઈને ટાઈપિસ્ટ તથા બીજા કર્મચારી સુધ્ધાંની અછત હતું, જેથી બંને પક્ષકારોને બીજી તારીખ આપી દેવામાં આવે છે. ચેન્નઈની પ્રત્યેક અદાલતમાં સરેરાશ ૭૦-૮૦ કેસ સુનાવણી માટે લિસ્ટમાં હોય છે, જેમાંથી થોડા જ કેસની સુનાવણી થઈ શકે છે. જ્યારે બાકીનાને સ્થગિત કરી દેવામાં આવે છે. બેંગલુરુ નિવાસી એડવોકેટ રમેશ કોઠારીનું કહેવું છે કે ફેમિલી કોર્ટમાં સુધારાની આવશ્યકતા છે, જેથી કેસ વધારે લાંબા ન ખેંચાય. આપણે જરૂર છે કેસની સમયસીમા નિર્ધારિત કરવાની જે ફરિયાદીના પક્ષમાં હોય. યોગ્ય સમયમાં કેસનો નિકાલ આવવો જોઈએ. તેમાં પણ ખાસ ઘરખર્ચ અને બાળકના અધિકારોની વાત હોય. આ કેસમાં યુગલનો ખૂબ વધારે સમય બરબાદ થતો હોય છે. રમેશ કોઠારીની વાતને સમર્થન આપતા ચેન્નઈના એક વરિષ્ઠ આઈટી અધિકારી રવિ પ્રસાદનું કહેવું છે, ‘‘છેલ્લા ૫ વર્ષથી હું મારા કિશોર બાળકના અધિકાર માટે લડી રહ્યો છું, જે પોતાની મરજીથી મારી સાથે રહેવા ઈચ્છે છે, પરંતુ તારીખ અને કોર્ટ મુલતવીના ચક્કરમાં ૨૦૧૨થી અત્યાર સુધી અંતિમ ચુકાદો આવ્યો નથી. આ કેસમાં અપહરણ અને ઘરેલુ હિંસા સામેલ નથી. જોકે મેં અદાલતની બહાર પણ કેસના સમાધાન માટે પ્રયત્ન કર્યા હતા, પરંતુ મને લાગે છે કે મારી પત્નીનો વકીલ સમાધાન થાય તેવું ઈચ્છતો નથી. વાસ્તવિકતા એ છે કે નવી તારીખ મળવી, કોર્ટનું મુલતવી થવું તથા સુનાવણીમાં વિલંબ, આ બધું વકીલની તરફેણમાં જતું હોય છે. બીજી સુનાવણીનો અર્થ છે વધારાની ફી, આ કારણસર વકીલ કેસને લાંબો ખેંચતા હોય છે, જે ફરિયાદી માટે દુષ્ચક્ર બની જાય છે. જેમજેમ કેસ લાંબો ખેંચાય છે તેમતેમ ન્યાયાધીશ પણ બદલાતા રહે છે. આમ થવાથી દરેક સમયે પૂરા કેસને ફરીથી વાંચવામાં આવે છે, જેમાં સમય લાગે છે.

ક્યારેય પૂરી ન થનારી પ્રક્રિયા : જ્યાં સુધી ન્યાયમાં વિલંબની વાત છે તો ક્યાંક ને ક્યાંક તેમાં આપણા સમાજના આદર્શ પણ જવાબદાર છે. જેમાં ડિવોર્સને ખરાબ સમજવામાં આવે છે. ફેમિલી કોર્ટ પણ પ્રથમ લગ્નને બચાવવા માટે પરસ્પર સમાધાનને પ્રોત્સાહન આપે છે, જે ભારતીય સંસ્કાર પર આધારિત છે. વરિષ્ઠ વકીલ સુધા રામલિંગમનું કહેવું છે કે સલાહકાર અને ન્યાયાધીશ લગ્નને તોડતા પહેલાં તેને બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે, કારણ કે ન્યાયશીલતા આખરે સમાજનો અરીસો છે, જેમાં લગ્નને એક અતૂટ બંધન માનવામાં આવ્યું છે ન કે કાનૂની સમજૂતી. મલ્લિકા અને સિમરન જેવી ફરિયાદી ક્યારેય પૂરી ન થનારી સલાહ અને મધ્યસ્થતામાંથી પસાર થઈ રહી છે. પછી ભલેને તે તેને સ્વીકારે કે ન સ્વીકારે. વકીલ સુધાનું કહેવું છે કે કાઉન્સેલિંગ જો પ્રોફેશનલ્સ દ્વારા આવે તો તે ઉત્તમ રહે છે. કારણ કે ક્યારેક યુગલ પુનર્મિલન અથવા સમજૂતી સુધી પહોંચવા નથી ઈચ્છતા. તેમને આવી સ્થિતિ દ્વિધામાં મૂકી દે છે. તામિલનાડુ ફેડરેશન ઓફ વુમન લોયર્સની અધ્યક્ષા સાંતાકુમારીએ પોતાના એક કેસ વિશે જણાવ્યું છે, ‘‘મારી ક્લાયન્ટ ૫૫ વર્ષની એક ઘરેલુ મહિલા હતી, જેણે પોતાના પતિ પાસેથી ડિવોર્સ લીધા હતા. આ કેસ અદાલતમાં ૧૦ વર્ષ ચાલ્યો. બધાનો અહીં એ પ્રશ્ન હતો કે આ ઉંમરમાં તે ડિવોર્સ કેમ લેવા ઈચ્છે છે? આ સમયે મહિલાનો એક જવાબ હતો કે તે પોતાનાં બાળકોને સલામત જોવા ઈચ્છે છે તેમજ હવે પોતાની રીતે જિંદગી જીવવા ઈચ્છે છે.’’ જોકે આજની કાનૂની પ્રક્રિયામાં અલગ થવું એટલું સરળ નથી. જો લગ્ન એક કર્મ છે અને તમારા સાથી તમારાથી અલગ થવા ઈચ્છતા ન હોય તો તમારી પાસે વ્યભિચાર, ક્રૂરતા, પરિત્યાગ અને માનસિક અસ્થિરતા સાબિત કરવા સિવાય બીજો કોઈ માર્ગ નથી રહેતો, પરંતુ તેને સાબિત કરવામાં ખૂબ લાંબો સમય લાગતો હોય છે. ચેન્નઈ નિવાસી વકીલ પૂંગખુલાલી બીનું કહેવું છે કે ૨૦૧૩માં મદ્રાસ મેરેજ એક્ટ સુધાર બિલને ડિવોર્સના મૂળભૂત માળખા પર અસાધ્ય ગણવામાં આવ્યું હતું. વિરભન્ન સંગઠન દ્વારા આ બિલનો વિરોધ એટલા માટે કરવામાં આવ્યો હતો કે તેને પારિવારિક મૂલ્યો અને લગ્નની પરંપરાની વિરુદ્ધ માનવામાં આવ્યું હતું અને ત્યાર પછી સંસ્કારની વાત આવીને ઊભી રહી ગઈ હતી. જો આ બિલ પાસ થઈ ગયું હોત તો ૨ હજાર યુગલ માટે ડિવોર્સ લેવા સરળ થઈ જતા. અહીં ચિંતાની વાત માત્ર એક એ હતી કે જો વ્યક્તિ એકતરફી નિર્ણય લે તો મહિલા અને બાળકોને ખર્ચ મળવો મુશ્કેલ હતો. સમય સાથે ચાલો ઓક્ટોબર, ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ડિવોર્સ લેવા ઈચ્છનારને વીડિયો કોન્ફરેસિંગની સુવિધા મળવી જોઈએ તથા કોર્ટે પોતાને અધીન અદાલતનો આદેશ આપ્યો હતો કે ડિવોર્સની સુનાવણી માટે યુગલોને વીડિયો કોન્ફરેસિંગની સુવિધા ઉપલબ્ધ કરાવો જેથી યુગલને એક શહેરથી બીજા શહેર સુધી ધક્કા ખાવા ન પડે. કોર્ટે ફેમિલી કોર્ટના પેટાનિયમ ૧૯૯૪માં સમકાલીન સામાજિક પ્રવૃત્તિ બાબતે પણ સ્પષ્ટતા કરી હતી, પરંતુ બીજી એક બેન્ચે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ નિર્ણયથી કેસનો આત્મા મરી જશે. કારણ કે ફેમિલી કોર્ટ યુગલને એકબીજા સાથે સમાધાન કરી લેવાની વાત કરે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે સ્પીચ આપતા કહ્યું હતું કે નવી ટેક્નોલોજીના પ્રયોગથી કેસની વિલંબતામાં ઘટાડો કરી શકાય છે અને તે લોકોને મદદ મળી શકે છે, જેમને કોર્ટમાં આવવામાં મુશ્કેલી પડે છે. બેંચમાં આ વાત કહેનાર જસ્ટિસ ચંદ્રચૂડ એકલા હતા, પરંતુ આ સંદેશ તો કોર્ટ માટે મહત્ત્વનો હતો. તેમનું કહેવું હતું કે યુગલની ખુશીથી જીવન પસાર કરવાની વાત સ્કૂલમાં સાંભળેલી પરીઓની વાત જેવી છે, પરંતુ અમે જણાવીએ છીએ કે જીવન જીવવું એટલું સરળ નથી હોતું તેમજ બધાના દાંપત્ય સંબંધ પણ એટલા સારા નથી હોતા. ખાસ તો આજના સમયમાં. પારિવારિક ન્યાય જેવી સંસ્થાનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે તેઓ સંકટ સમયે પરિવારને પોતાની સેવા ઉપલબ્ધ કરાવે તથા સમાજની સમસ્યાના નિરાકરણ માટે સ્વયંને કાર્યાન્વિત કરે. જસ્ટિસ ચંદ્રચૂડે પોતાની વાત પૂરી કરતા કહ્યું હતું કે અદાલતે જડતાને નાબૂદ કરી દેવી જોઈએ. જો તે કરી શકતા ન હોય તો ભવિષ્યમાં આ ડિજિટલ યુગમાં તે આપણું પછાતપણું બની રહેશે. સુપ્રીમ કોર્ટના જાણીતા ઈન્દિરા જયસિંહ ધ્વનિમત સાથે જસ્ટિસ ચંદ્રચૂડની ભાવના સાથે સહમતી દર્શાવતા જણાવે છે કે લોકોએ પણ ઉદાર બનવું જોઈએ. લોકો ડિવોર્સ માટે જીવનભર રાહ ન જોઈ શકે. સમય બદલાતો રહે છે. આપણે બધા જાણીએ છીએ કે જિંદગીની શરૂઆત અથવા અંત માત્ર લગ્ન નથી.

રાજ્ય મુજબ ડિવોર્સની ટકાવારી :
ભારતમાં વધી રહેલા ડિવોર્સના દર જોખમની ઘંટડી સમાન છે. વકીલોનું કહેવું છે કે છેલ્લા દાયકામાં ડિવોર્સના કેસમાં ખૂબ વધારો થયો છે. ‘ભારતમાં લગ્ન વિચ્છેદન’ નામનો એક અભ્યાસ ૨૦૧૬માં ઈકોનોમિસ્ટ સૂરજ જેકલ અને હ્યુમન સાયન્ટિસ શ્રીપરણા ચટ્ટોપાધ્યાયે રજૂ કર્યો હતો. તેમણે ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડાને જોયા ત્યારે આશ્ચર્યજનક વાત એ નજરે પડી કે શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં ડિવોર્સની ટકાવારીમાં કોઈ ફરક નહોતો. ગ્રામીણ ક્ષેત્રમાં ડિવોર્સની ટકાવારી ૦.૮ ટકા અને શહેરી વિસ્તારમાં ૦.૮૯ ટકા હતી. જ્યારે રાજ્યમાં ડિવાર્સની ટકાવારી ખૂબ ઓછી જોવા મળી હતી. દક્ષિણ અને ઉત્તરના વિસ્તારમાં ડિવોર્સની ટકાવારી વધારે જોવા મળી હતી. પૂરા ભારતમાં જોઈએ તો ડિવોર્સનો દર ૦.૨૪ રહ્યો છે. સૌથી વધારે ડિવોર્સ દર ૪.૦૮ ટકા મિઝોરમમાં છે. ત્રિપુરામાં ૦.૪૪ ટકા અને કેરળમાં ૦.૩૨ ટકા રહ્યો છે. અનુસૂચિત જાતિ ક્ષેત્ર છત્તીસગઢમાં ૦.૩૪ ટકા અને ગુજરાતમાં ૦.૬૩ ટકા છે.

– ડો. પ્રેમપાલસિંહ વાલ્યાન

વધુ વાંચવા કિલક કરો....