રાતના લગભગ ૧૨ વાગ્યા હતા. અર્ધનગ્ન નીરાની બાજુમાં સૂતા પતિ અજીતે કહ્યું, ‘‘મને સવારે જલદી જગાડી દેજે.’’ ‘‘કેમ?’’ ‘‘કાલે બોસ સાથે મીટિંગ છે. ઘરેથી ૯ વાગે નીકળું છું ત્યારે ટ્રાફિકમાં ફસાવાથી મોડું થઈ જાય છે.’’ ‘‘તમારી પણ કેવી જિંદગી છે? સવારે જલદી જાઓ અને રાત્રે મોડા આવો.’’ ‘‘શું કરું? સાંજે તો હું જાણીજેાઈને ઓફિસથી મોડો નીકળું છું. કમ સે કમ ટ્રાફિકથી તો બચી જાઉં ને.’’ ‘‘એવું લાગે છે કે, જાણે આ ટ્રાફિકમાં જ જિંદગી પસાર થઈ જશે.’’ શિશિર ટ્રાફિકમાં ફસાઈ જતા ચિડાઈ રહ્યો હતો, કારણ કે આજે તેની દીકરી અવનીનો બર્થ-ડે હતો. એટલામાં ફોનની ઘંટડી રણકી, ‘‘શિશિર, ક્યાં છો? અવનીની ફ્રેન્ડ્સ કેક કાપવા માટે બૂમો પાડી રહી છે. બધા તમારી રાહ જેાઈ રહ્યા છે.’’ ‘‘અવનીને ફોન આપ. સોરી, બેટા હું ટ્રાફિકમાં ફસાઈ ગયો છું. તું કેક કાપી લે. વીડિયો બનાવી લેજેા. હું આવીને જેાઈશ. શિશિરે ચિડાઈને કહ્યું, ‘‘આ ટ્રાફિક જામે તો જીવન દુષ્કર કરી નાખ્યું છે.’’ નેહા ગૂગલ મેપ પર ટ્રાફિક જેાઈને ઘરેથી નીકળી હતી, પરંતુ સ્કૂલની નજીકના ટ્રાફિક સિગ્નલના લીધે તેને પહોંચવામાં મોડું થઈ ગયું અને આજે પણ તેને બાયોમેટ્રિક હાજરીમાં મોડું થયું હતું. વળી, પ્રિન્સિપાલ સાહેબની ગુસ્સા ભરેલી નજરનો સામનો કરવો પડ્યો તે અલગ. આ ટ્રાફિક જામ તો ખરેખર જીવનની મુસીબત બની ચૂક્યો છે. સુરેશને હાર્ટએટેક આવ્યો. ડોક્ટરે હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું, પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં ૧ કલાક થઈ ગયો. શશાંકે તેની પત્નીની ઓફિસની નજીક ફ્લેટ એટલે લીધો હતો, કારણ કે પત્ની શ્વેતા અને દીકરો સુયશ સરળતાથી પોતાની સ્કૂલે પહોંચી શકે, પરંતુ તેની કિંમત હવે શશાંકે ચૂકવવી પડી રહી હતી. હવે તેની ઓફિસ ૩૫ કિમી દૂર થઈ ગઈ હતી. રસ્તાનો ટ્રાફિક તેને સવારથી થકવીને પરેશાન કરી દેતો હતો. ક્યારેક-ક્યારેક તો તેને ઓફિસ જતા ૨ કલાક થઈ જતા હતા. આજે તો મહાનગર હોય કે નાના શહેર, દરેક જગ્યાએ ટ્રાફિક જામમાં જિંદગી પસાર થતી હોય છે. હકીકતમાં આ સમસ્યા પાછળ શહેરની વધતી વસ્તી, એકાકી પરિવારનું ચલણ અને કોઈ આયોજન વિના થઈ રહેલું શહેરનું વિસ્તૃતીકરણ છે. આજે ગાડી શ્રીમંતાઈની નિશાની નહીં, પણ જરૂરિયાત બની ગઈ છે. આપણા શહેરમાં વધતી ભીડ, રસ્તાની બંને તરફ દુકાનદારનું વધતું ગેરકાયદેસર દબાણ, મન ફાવે ત્યારે ગાડી ગમે ત્યાં ઊભી રાખીને શોપિંગ કરવું, આ બધા ટ્રાફિક જામના મુખ્ય કારણ છે. આપણા દેશમાં શહેરની વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે શહેરની આધારભૂત સંરચનાનો વિકાસ નથી થઈ રહ્યો. આ જ કારણસર શહેરમાં ટ્રાફિક એક મોટી સમસ્યા બની રહ્યો છે. જાહેર પરિવહન સેવાની અપૂરતી સુવિધા અને ખરાબ ટ્રાફિક વ્યવસ્થાના લીધે આજે તો ટ્રાફિક જામે લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. દિલ્લી, કોલકાતા, મુંબઈ અને બેંગલુરુ જેવા મહાનગરમાં મેટ્રો ટ્રેનના માધ્યમ દ્વારા જાહેર પરિવહનને વધારે સુચારું બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અન્ય શહેરની વાત કરીએ તો જાહેર પરિવહનની સ્થિતિ સારી નથી. મધ્યમ વર્ગની આવક વધવાના લીધે મહાનગરમાં ફોર વ્હીલરની સંખ્યામાં વધારો થયો છે, જેથી નાની ગલીઓ સુધ્ધાંમાં ટ્રાફિક જામ રહે છે. નાના શહેરના લોકો જણાવે છે કે ટ્રાફિક જામના કારણે રોજ ૧ કલાક તો બરબાદ થાય જ છે. આજે પૂરા વિશ્વમાં આ સમસ્યા એક મહામારીની જેમ ફેલાઈ ચૂકી છે. વારંવાર ટ્રાફિક જામમાં ફસાવાના લીધે લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની નકારાત્મક અસર થઈ રહી છે. ધ ન્યૂઝીલેન્ડ હેરાલ્ડ રિપોર્ટનું કહેવું છે કે હાર્ટએટેક વધવાનું જેાખમ અચાનક વધવાનું સૌથી મોટું કારણ છે ગાડીમાંથી નીકળતો ધુમાડો, કોલાહલ અને આ બધાના લીધે થતી માનસિક તાણ. હવામાં ઝેર : મોટાભાગની ગાડીઓમાંથી નીકળતા ધૂમાડામાં નાઈટ્રોજન ઓક્સાઈડ અને કેન્સર પેદા કરતા ઝેરી તત્ત્વો હોય છે. કેટલીક ગાડીઓ જે ડીઝલથી ચાલે છે તે ધુમાડા સાથે વિપુલ પ્રમાણમાં નાનાનાના રજકણો છોડે છે. આ રજકણો લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જેાખમી છે. જે વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા વધારે છે, ત્યાં ફેફસાંના ઈંફેક્શનની ટકાવારી પણ વધારે જેાવા મળે છે. એસિડ વર્ષાનું કારણ : ગાડીમાંથી નીકળતા નાઈટ્રોજન ઓક્સાઈડ અને સલ્ફર ઓક્સાઈડ એસિડ વર્ષાનું કારણ છે. એસિડ વર્ષાને લીધે તળાવ અને નદીઓનું પાણી દૂષિત થઈ જાય છે. આ પાણી જીવજંતુ, વનસ્પતિ બધા માટે હાનિકારક છે. તેમાંથી નીકળતો ગેસ પૃથ્વીના ઉષ્ણતામાનને વધારવા માટે સૌથી વધારે જવાબદાર છે.

ડ્રાઈવરમાં વધી રહ્યા છે તાણ અને ક્રોધ : જેમજેમ ગાડીનું પરિવહન વધી રહ્યું છે તેમતેમ ટ્રાફિક જામના લીધે ડ્રાઈવિંગ કરનારનો ક્રોધ પણ વધી રહ્યો છે. ડ્રાઈવર ક્ષણ માત્રમાં ખૂબ ગુસ્સે થઈને મગજ પરનો કાબૂ ગુમાવી બેસે છે. અપશબ્દો, લડાઈઝઘડા અને મારપીટની સ્થિતિ ઊભી થાય છે, જેનું પરિણામ દરેક સ્થિતિમાં નુકસાનકારક હોય છે.

આર્થિક નુકસાન : ટ્રાફિક જામના કારણે પૈસા બરબાદ થાય છે. એકમાત્ર કેલિફોર્નિયાના લોસ એન્જેલસમાં ૪ અબજ લીટર ઈંધણ બરબાદ થાય છે. ટ્રાફિક જામના લીધે ઈંધણની થતી બરબાદીના લીધે દેશનું આર્થિક માળખું પણ કમજેાર પડે છે. આજે તો સમગ્ર વિશ્વ ટ્રાફિક જામની સમસ્યાથી પીડાય છે. યુરોપિયન કમિશનનો સર્વે કહે છે કે જેા આપણે આપણા પરિવહનની રીતમાં મોટું પરિવર્તન નહીં લાવીએ તો આવનારા વર્ષોમાં શહેરના રસ્તાઓ પર ઊભાઊભા નકામા જવાની રાહ જેાતા જેાવા મળીશું. એશિયાઈ દેશની પણ આ જ સ્થિતિ છે. કામ પર જવાના અને ઘરે પાછા ફરવાના સમય દરમિયાન રસ્તા પર ટ્રાફિકનું તો જાણે પૂર આવી જાય છે. આજે સ્થિતિ એટલી ભયાવહ થઈ ગઈ છે કે માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા દિવસેદિવસે વધી રહી છે. જાપાની કંપની એનઈસીના સહયોગથી ૬૦ શહેરમાં કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ ૨૦૧૫ માં ૧૨ લાખ લોકો માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. તેની સરખામણીમાં આતંકવાદી ઘટનામાં જીવ ગુમાવનાર અથવા જખમી થનારની સંખ્યા લગભગ ૩૦ હજર જેટલી રહી છે. આપણા દેશમાં ટ્રાફિક જામના લીધે દર વર્ષે અબજેા રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને આ નુકસાન સતત વધી રહ્યું છે.

પ્રજાની પણ જવાબદારી : ઘણા લોકોને ટેવ હોય છે કે તે ઊંઘીને મોડા ઊઠે છે અને પછી દોડધામ કરીને તૈયાર થાય છે. હવે પહેલાં જ મોડું થઈ ગયું છે, તેથી ટ્રાફિક જામ તેમની તાણમાં વધારો કરે છે. જેા આ તાણથી બચવું હોય તો બીજા દિવસની શરૂઆતની તૈયારી પહેલાં દિવસથી કરવી પડશે. બાળકોનાં કપડાં, પોતાની બ્રીફકેસ, લંચ બધું તૈયાર કરો. સ્પષ્ટ વાત છે કે ત્યાર પછી સવારના કામની કોઈ તાણ નહીં રહે, ત્યારે ઊંઘ પણ સારી આવશે. સવારે જલદી ઊઠવાના બીજા અનેક લાભ છે, જેમ કે ટ્રાફિકમાં વધારે સમય ફસાઈ રહેવાથી માંસપેશીઓમાં ખેંચાણ આવી જાય છે. જેાકે સવારે કરેલી થોડી ઘણી કસરત તમને સ્વસ્થ અને ઊર્જાવાન બનાવી શકે છે. યોગ્ય નાસ્તો કરવાથી તન અને મન બંને પ્રસન્ન રહે છે.

ગાડીને યોગ્ય સ્થિતિમાં રાખો : ગાડીને હંમેશાં સારી સ્થિતિમાં રાખો. ક્યાંક એવું ન બને કે ટ્રાફિક જામ સમયે ગાડીમાં કોઈ સમસ્યા ઊભી થાય. ગાડીના બ્રેક, ટાયર, એસી વગેરે યોગ્ય સ્થિતિમાં છે કે નહીં તે ચેક કરો. સૌથી વધારે જરૂરી છે તમારી ગાડીમાં પેટ્રોલ, ડીઝલનો પૂરતો સ્ટોક.

જાણકારી રાખો : યાત્રા શરૂ કરતાં પહેલાં આબોહવા, રસ્તો બંધ છે કે નહીં તે વિશે ટીવી, છાપાં પાસેથી માહિતી લઈને બહાર નીકળો. જે રસ્તા પર જવું હોય તેનો મેપ અચૂક સાથે રાખો.

આરામથી બેસો : ગાડીની વિન્ડો ખોલીને તમારી સીટ પર આરામથી બેસો. ગાડીમાં રેડિયો અથવા સીડી પ્લેયર પર મનપસંદ સંગીત સાંભળવાથી દિલને શાંતિ અને આનંદ મળે છે.

સમયનો લાભ ઉઠાવો : મનોમન ટ્રાફિક જામ પર ચિડાવાના બદલે તમારા જરૂરી કામ વિશે સમજીવિચારીને કોઈ નિર્ણય લઈ શકો છો. ગાડીઓની લાગેલી લાંબી લાઈન જેાઈને તાણ વધે છે, તેનાથી બચવા તમારી સાથે બેગમાં મૂકેલું ગમતું પુસ્તક કે મેગેઝિન, છાપું વાંચી શકો છો. તમારા લેપટોપ પર મેલ ચેક કરીને તેનો ઉત્તર આપી શકો છો.

યોગ્ય દષ્ટિકોણ રાખો : જેા તમારા માટે ટ્રાફિક જામ રોજની સમસ્યા હોય તો નિશ્ચિત છે કે આજે પણ તમે ટ્રાફિક જામમાં ફસાઈ જશો. તેથી માનસિક રીતે તૈયાર રહો અને તે સમયના સદુપયોગ વિશે યોજના બનાવીને ઘરેથી નીકળો.

રોડ સેફ્ટીનું ધ્યાન રાખો : જેા તમે જાતે ગાડી ચલાવી રહ્યા છો તો ડ્રાઈવ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો. લેનમાં ચલાવો અને વારંવાર હોર્ન ન વગાડો. ગાડી વધારે સ્પીડમાં ન ચલાવો. ક્યારેય નશાની હાલતમાં ડ્રાઈવિંગ સીટ પર ન બેસો. ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવા માટે શહેરનું નવીનીકરણ ખૂબ જરૂરી છે. લોકોનું માનવું છે કે આધુનિક ટ્રાફિક સિસ્ટમ, જાહેર પરિવહન પ્રણાલીમાં સુધારો, બસ માટે અલગ કોરિડોર અને મેટ્રો સેવા તેનો ઉત્તમ ઉકેલ હોય છે. આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં ટ્રાફિક જામથી પ્રજાને રાહત આપવા માટે સરકાર પણ ઓવરબ્રિજ વગેરે બનાવીને સુવિધા પ્રદાન કરવાના પ્રયાસ કરશે. સાથે આપણી પણ ફરજ બને છે કે આપણે જાહેર બસ, મેટ્રો અથવા લોકલ પરિવહન સેવાનો ઉપયોગ કરીને રસ્તા પર ટ્રાફિક જામ ઘટાડવાનો પ્રયત્ન કરો. આપણે એક જ વિસ્તારમાં રહેતા લોકો ગાડી ભાડે કરીને એકસાથે ઓફિસ અથવા સ્કૂલે જઈને ટ્રાફિકમાં ઘટાડો કરી શકીએ છીએ. પોતાની કેટલીક ટેવમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરીએ. નાનાનાના અંતર માટે સાઈકલ જેવા માધ્યમનો ઉપયોગ કરીએ. થોડું ઘણું પગપાળા પણ અંતર કાપીએ. અંધાધૂંધ વધી રહેલી ગાડીની સંખ્યાના લીધે ટ્રાફિક જામથી પરેશાન થઈને ટ્રાફિક જામમાં જિંદગી પસાર થઈ જશે એમ કહેવાના બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરીએ.

– પદ્મા અગ્રવાલ

વધુ વાંચવા કિલક કરો....