તે જમાનો હવે ગયો, જેમાં દીકરો શ્રવણની જેમ પોતાનો પૂરો પગાર માતાપિતાના હાથમાં મૂકી દેતો હતો અને ત્યાર પછી પોતાના ખિસ્સાખર્ચ માટે માતાપિતા સામે જેાઈ રહેતો હતો એટલે કે તેને પોતાની કમાણી પોતાની મરજીથી ખર્ચવાનો હક પણ નહોતો. પછી પરિવાર સીમિત થવા લાગ્યા ત્યારે બાળકોના અધિકાર વધતાવધતા એટલા થઈ ગયા કે તેમને સંપૂર્ણ રીતે આર્થિક સ્વતંત્રતા ભલે ને કેટલીક અઘોષિત શરતો પર પરંતુ મળી ગઈ છે. આ એકાકી પરિવારમાં પત્નીનો રોલ, દખલ તેમજ આવક અને ખર્ચ વધ્યા છે, સાથે તેનું મહત્ત્વ પણ વધવા લાગ્યું છે. ભોપાલના જયંત એક સંપન્ન જૈન પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને પુણેની એક સોફ્ટવેર કંપનીમાં રૂપિયા ૧૮ લાખની વાર્ષિક સેલેરી પર કામ કરી રહ્યા છે. જયંતના લગ્ન જલગાવની શ્વેતા સાથે નક્કી થયા ત્યારે લગ્નના ખૂબ મોટા ખર્ચ એટલે કે રૂપિયા ૨૦ લાખમાંથી તેમણે રૂપિયા ૧૦ લાખ પોતાની બચતમાંથી આપ્યા. શ્વેતા પોતે પણ નોકરિયાત છે. તે જયંત કરતા થોડા પગારમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. લગ્ન નક્કી થયા પહેલાં બંને મળ્યા ત્યારે ટ્યૂનિંગ સારું રહ્યું હતું. તેમના શોખ અને ટેવ સમાન હતા. બંનેએ લગભગ ચાર દિવસ એકબીજાને સમજવા સાથે પસાર કર્યા અને ત્યાર પછી પરિવારને મંજૂરી આપી હતી. જયંતને શ્વેતાની સાદગીભરી સુંદરતા સ્પર્શી, જ્યારે શ્વેતા ભાવિ પતિના સરળ સ્વભાવ અને હોશિયારીથી પ્રભાવિત થઈ. આ ૪ દિવસ હરવાફરવાનો અને હોટલિંગનો ખર્ચ પુરુષ હોવાથી સ્વાભાવિક રીતે જયંતે ઉઠાવ્યો હતો. જેાકે બંનેએ એકબીજાની સેલેરી વિશે કોઈ વાત કરી નહોતી. માત્ર સેલેરી જ નહીં, પણ ભવિષ્યની કોઈ આર્થિક યોજના તેમણે તૈયાર ન કરી કે ન તો એકબીજાનો ખર્ચ કરવાની ટેવને બંને સમજ્યા. પરિવારજનો પાસેથી મળેલી જાણકારીના આધારે બંનેએ એકબીજા વિશે માત્ર અંદાજ લગાવ્યો કે પગાર સારો છે, તેથી સેવિંગ એકાઉન્ટમાં પૈસા પણ સારા એવા હશે.

ચોંકવું કેમ : લગ્ન પછી હનીમૂન મનાવવા પૂર્વોત્તર રાજ્યની પસંદગી કરી. તેમણે પોતાના હનીમૂનને યાદગાર બનાવવા માટે દિલ ખોલીને ખર્ચ કર્યો. પ્રેમમાં ડૂબેલા આ નવદંપતીએ પછી તો એ જ ભૂલ ફરી એક વાર કરી કે એકબીજાની ખર્ચ કરવાની ટેવ ઉપરાંત બચત અને ભવિષ્યની કોઈ વાત ન કરી. હનીમૂન દરમિયાન મોટાભાગનો ખર્ચ જયંતે કર્યો અને ત્યાર પછી બંને પુના પાછા આવ્યા, જ્યાં જયંત ભાડાના ફ્લેટમાં રહેતો હતો. શ્વેતાએ પણ પોતાની ટ્રાન્સફર પુના કરાવી લીધી, અહીં તેની પણ કંપનીની બ્રાન્ચ હતી. રૂપિયા ૧૦ લાખ લગ્નમાં આપ્યા પછી અને લગભગ ૪ લાખ હનીમૂન પર ખર્ચ કર્યા પછી જયંત પાસે પૈસા ઓછા રહ્યા હતા. મોંઘી હોટલના બિલ તેણે ક્રેડિટ કાર્ડથી ચૂકવ્યા હતા. આધુનિક અને સમજદાર ગણાવનાર આ બંને એવી પૂર્વાગ્રહી ભારતીય માનસિકતાના શિકાર હતા, જેમાં પૈસાની બાબતે ખૂલીને વાત કરવામાં નથી આવતી, પરંતુ તે બંને વચ્ચે એવું થઈ રહ્યું હતું કે હજી પરંપરાગત ભારતીય પતિની જેમ ઘરખર્ચ જયંત જ ઉઠાવી રહ્યો હતો. જ્યારે શ્વેતા માત્ર પોતાનો ખર્ચ ઉઠાવતી હતી. તેનું ધ્યાન એ વાત તરફ ગયું જ નહીં કે જયંત વધારે ખર્ચ કરી ચૂક્યો છે. લગ્નના ખર્ચમાં પોતાની ભાગીદારીની વાત જયંત તેને એમ વિચારીને જણાવી ચૂક્યો હતો કે શ્વેતા વાતને સમજીને સ્વયં મદદ કરવાની પહેલ કરશે, પરંતુ તેનો આ અંદાજ માત્ર અંદાજ રહ્યો. ક્રેડિટ કાર્ડના મોટા બિલ અને રૂપિયા ૪૦ હજારના ભાડાવાળા લક્ઝરી ફ્લેટનું ભાડું જ્યારે ભારે પડવા લાગ્યું ત્યારે જયંત પરેશાન થઈ ગયો. ઘરેથી પૈસા મંગાવે તો તેની ફજેતી થાય. પરિણામે, હાર માનીને તેણે શ્વેતાને નાણાકીય મુશ્કેલીની વાત જણાવી ત્યારે શ્વેતાને પણ થોડું આશ્ચર્ય થયું, પણ સમજદારી દર્શાવતા પોતાના ખાતામાંથી તેણે પૈસા ઉપાડીને જયંતને આપી દીધા. જિંદગીના આ મુશ્કેલીભર્યા વળાંક પર આવીને લગ્નના ૫ મહિના પછી બંનેનું ધ્યાન પોતપોતાની ભૂલ તરફ ગયું અને ત્યાર પછી તેમણે ન માત્ર પૈસા બાબતે ખૂલીને વાત કરી, પણ ભવિષ્યની યોજનાનું પણ પ્લાનિંગ કર્યું કે હવે આગળ શું કરવું છે. જેાકે શ્વેતાએ જયંતને કહ્યું પણ ખરું કે જેા પહેલાં જ જણાવી દીધું હોત તો દોઢ લાખ રૂપિયા બચી જતા ને. હકીકતમાં, શ્વેતા તો એમ જ સમજતી હતી કે જયંત પાસે પૈસા હશે તેથી તે ખુલ્લા હાથે ખર્ચ કરી રહ્યો છે. બીજી તરફ લગ્ન અને હનીમૂનને યાદગાર બનાવવાના ઉત્સાહમાં ડૂબેલો જયંત એમ માની બેઠો હતો કે શ્વેતા પણ સમજતી હશે કે આ ખર્ચ તે સંયુક્ત રીતે કરી રહ્યો છે જ્યારે એવું કંઈ નહોતું. હવે આ બંનેની આર્થિક રેલગાડી પાટા પર આવી ગઈ છે અને બંનેએ નક્કી કરી લીધું છે કે આગામી ૩ વર્ષ સુધી તેઓ શક્ય તેટલા પૈસાની બચત કરશે. બંને અન્ય નવા કપલની જેમ બાળકનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે કે બાળકનું આ દુનિયામાં અને ઘરે આવવું ક્યારે યોગ્ય રહેશે. બહાર રહીને પોતાની ગૃહસ્થીની ગાડી ચલાવતા દીકરાદીકરીની જિંદગીમાં માબાપ હવે કોઈ દખલ નથી કરતા. આ એક સારી બાબત છે, પણ વાત જ્યારે પૈસાની છે તેમનું ચિંતિત થવું પણ સ્વાભાવિક છે કે ક્યાંક એવું તો નથી ને કે વહુની પસંદગીમાં કોઈ ભૂલ થઈ છે. વિપરીત છોકરીના માતાપિતા પણ એવું વિચારે છે કે ક્યાંક ખરાબ જમાઈ તો માથે નથી પડ્યો ને.

આ રીતે બનાવો આર્થિક ભાગીદારી : ખુશહાલ દાંપત્યજીવન માટે ખૂબ જરૂરી છે કે પતિપત્ની વચ્ચે આવકને લઈને પારદર્શક હોય, તેથી લગ્ન નક્કી થતા અથવા લગ્નના તરત પછી જીવનસાથી સાથે આ મુદ્દે ખુલીને વાત કરી લેવી ખૂબ અસરકારક સાબિત થાય છે. નવદંપતી માટે ઈચ્છનીય છે કે તેમણે પોતાનું ફાઈનાન્શિયલ પ્લાનિંગ જલદી કરી લેવું જેાઈએ અને તેના માટે જરૂરી છે :

  • એકબીજાથી પોતાની આવક અને બચત ન છુપાવો, પણ સાથીને તેની જાણ કરતા રહો.
  • લગ્ન પહેલાંનું કોઈ દેવું હોય તો તે વિશે પણ ભાવિ જીવનસાથીને જણાવો.
  • એકબીજાથી છુપાવીને ઉધારીની લેવડદેવડ અને તમારા સંબંધીને મદદ ન કરો.
  • લગ્ન પછીના શરૂઆતના સમયગાળામાં જીવનસાથીની આવક અને ખર્ચના કિસ્સામાં આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો તેમજ તેની ટેવને પણ સમજેા.
  • ક્રેડિટ કાર્ડ નહીં ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો.
  • ઓછી આવક હોય તેણે નિમ્ન અને વધારે આવક હોય તો શ્રેભ કે બુદ્ધિશાળી ન સમજતા બીજા પર હાવિ ન થાઓ.
  • ખાનગી કંપનીની નોકરી ભલે ને સારા પગારની હોય, પણ તેમાં ગમે ત્યારે ચાલ્યા જવાનો કે કોઈ કારણસર તેને છોડવાનું જેાખમ તો રહે છે, તેથી એમ માનીને ન ચાલો કે આજે જે આવક છે તે હંમેશાં જળવાશે.
  • બચત માટે ક્યાં રોકાણ કરવું તે બાબતે જેા બંને વચ્ચે મતભેદ હોય તો કોઈ સારા આર્થિક સલાહકારની મદદ લેવી. સામાન્ય રીતે પત્નીઓ જ્વેલરીમાં તો પતિ મ્યૂચ્યુઅલ ફંડમાં નિયમિત રોકાણને પ્રાથમિકતા આપે છે. પૈસાનું રોકાણ એવી જગ્યાએ કરો, જ્યાંથી રિટર્ન વધારે મળવાની શક્યતા હોય.
  • ઘરખર્ચમાં કોની કેટલી ભાગીદારી હશે તે નક્કી કરવામાં કોઈ વાંધા કે શરમની વાત નથી. તેના માટે જરૂરી છે કે એકબીજાના પૈસાને પોતાના સમજવામાં આવે. યાદ રાખો કે પતિપત્નીનો સંબંધ ખૂબ નાજુક હોય છે અને વાત જ્યારે પૈસાની આવે તો એકબીજાથી કંઈ છુપાવીને અથવા છુપાઈને ખર્ચ કે બચત કરવી વધારે જેાખમી સાબિત થાય છે.

બચત કરવામાં રાખો પ્રતિસ્પર્ધા : કહેવત ખોટી નથી કે બચાવેલા પૈસા ખરી કમાણી છે, તેથી નિયમિત રીતે બચતની ટેવ પાડો. આ વાત માટે એક રસપ્રદ રીત અપનાવી શકો છો કે પતિપત્ની બંને પોતાની આવકમાંથી શક્ય તેટલી વધારે બચત કરવાની પ્રતિસ્પર્ધા કરે. સ્પષ્ટ છે કે આમ કરતા બંને પોતાના નકામા ખર્ચને બંધ કરવાનો વધારે પ્રયત્ન કરો. હોટલિંગ, પેટ્રોલ, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, મોબાઈલ વગેરે પર ખર્ચ કરવા પર નિયંત્રણ આવશે ઐટલે કે આ બધી બાબત પર જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરો. સતત નાનીનાની બચત થાય તો તે જેાતજેાતામાં મોટી બચતમાં ફેરવાય છે. બચત પ્રતિસ્પર્ધા માટે ૧ વર્ષનો સમયગાળો નક્કી કરો કે બંને કેટલા પૈસા બચાવી શકો છો. જેા ઈમાનદારીથી બચત કરશો તો જાણીને આશ્ચર્યમાં પડી જશો કે તમે જ વર્ષભરમાં એક મોટી રકમની બચત કરી છે, જેને કોઈ મોટા કામ અથવા રોકાણમાં લગાવી શકાય છે. એક એ વાત પણ યાદ રાખો કે આજકાલ પૈસા કમાવા કરતા બચત નું કામ ખૂબ મુશ્કેલ બની ગયું છે, તે જેાતા આપણા માતાપિતાના જીવનને યાદ કરો કે તેઓ કેવી રીતે બચત કરતા હતા. થોડા પૈસાનું રોકાણ બચત ખાતામાં અને થોડા બીજી કોઈ જગ્યાએ રોક્યા હોય તો દાંપત્યની ગાડી સડસડાટ દોડવા લાગશે અને બંને વચ્ચે કોઈ અણબનાવ કે અવિશ્વાસ નહીં રહે.

– ભારત ભૂષણ શ્રીવાસ્તવ.

વધુ વાંચવા કિલક કરો....