હજારો વર્ષોથી તમામ ધર્મના મૂડીવાદી ઠેકેદારોએ જે રીતે પોતાના સ્વાર્થ અને અહંસિદ્ધિ માટે મહિલાઓને ધર્મપાલનના નામે માનસિક રીતે જડ બનાવી છે, તેમને અપરાધ ભાવમાં ડુબાડીને તેમનું મનોબળ તોડ્યું છે, તે આજે ૨૧ મી સદીમાં પણ સ્પષ્ટ જેાઈ શકાય છે. માત્ર જેાઈ શકાતું નથી પણ પેઢી દર પેઢી છોકરીઓ ધર્મથી વશીભૂત થઈને સ્વયં સ્ટોકહોમ સિન્ડ્રોમથી પીડાય છે. ૪૦ વર્ષ પહેલાં સ્ટોકહોમમાં બેંક લૂંટારાએ કેટલાક લોકોના અપહરણ કર્યા હતા. તેમની પર અત્યાચાર પણ કર્યા. ત્યાર પછી આ અપહરણ કરાયેલા લોકો જીવવાની મજબૂરીમાં આ ડાકુઓને જ બચાવવામાં લાગી ગયા હતા. તેમણે એવા દરેક લોકોનો વિરોધ કર્યો, જેા આ ડાકુઓને સજા અપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બસ આ જ કુંઠિત પડી ગયેલી ડરી ગયેલી માનસિકતાને સાયકોલોજીના જાણકારો સ્ટોકહોમ સિન્ડ્રોમ કહે છે અને આજે ધર્મની ગુલામી કરતી એવી તમામ મહિલાઓ આ સિન્ડ્રોમનો શિકાર બની ગઈ છે. તે એવા ધર્મ અને તેની મનમાનીનો સહારો શોધતી હોય છે જે હકીકતમાં તેમના સન્માનપૂર્ણ ન્યાયિક અસ્તિત્વની વિરુદ્ધ છે.

સમજેા ધર્મની હકીકત : ધર્મ જે ધારણ કરે, પાલન કરે, કર્તવ્યને પ્રેરિત કરે તે ધર્મ વ્યક્તિગત ઉત્થાન માટે પોતાના આચરણને વિવેકને કસોટી પર કસવા માટે કહેતો હોય છે, પણ આ જ ધર્મનું ક્યાંય કોઈ નામોનિશાન ન તો આજે છે કે ન ભૂતકાળમાં ક્યારેય રહ્યું હતું. ધર્મ જીવનનો ડર બતાવીને જીવનને લૂંટે છે, પ્રિયજનના વિનાશનો ડર બતાવીને પ્રિયજનનો સર્વનાશ કરે છે, ધન સંપત્તિ લૂંટાઈ જવાનો ડર બતાવીને ગરીબમાં ગરીબ વ્યક્તિનું પણ ધન લૂંટવામાં સંકોચ નથી કરતો અને આ પૂરી રમત રમે છે ધર્મના પૃભપોષક, પૂંજીપતિ, ભોગી, હઠી, ધર્મના મોટામોટા દુકાનદાર, ઠેકેદાર, પોપ, મૌલવી, પંડા, ભિક્ષુક વગેરે.

મોટાભાગે નિશાન પર મહિલા : મહિલાના જન્મ પછીથી જ તેને ધર્મના નામે પંપાળવાનું અને ઉશ્કેરવાનું એમ બંને શરૂ થાય છે. તેના પગમાં ઝાંઝર પણ પહેરાવવામાં આવે છે, જે પાછળથી બેડી જ બની જાય છે. તેના માથા પર સિંદૂર પણ લગાવવામાં આવે છે જે તેના માટે જીવનભરની ગુલામી બની જાય છે. ડગલે ને પગલે મહિલાને પ્રતિબંધ, રોજ કોઈ ને કોઈ અડચણ અને બંધનમાં તેનું જીવન, હજારો પ્રકારના વ્રતઉપવાસ આ બધું જાણે તેના એકલાની જવાબદારીમાં આવે છે અને જેા આ બધાનું પાલન ન કરે તો પછી નરકનો ડર, પણ હા બહેલાવવા માટે તેને સાજશણગારનો ઘૂઘરો પકડાવી દેવામાં આવે છે. બિચારી મહિલાઓ સાજશણગારની ખુશીમાં માનસિક, શારીરિક ગુલામીની વાત ભૂલીને આ ઘૂઘરાને જ સાચી ખુશી માની લે છે.

ધર્મે મહિલાઓને શું આપ્યું : બાળપણનો ઉંબરો ઓળંગતા જ ધર્મના મોટામોટા રાક્ષસ લલચામણા છળવેશમાં તેમની સામે આવે છે. તેની કુંડળી મેળવવી છે, કારણ કે તે હવે લગ્નને લાયક થઈ ગઈ છે કે પછી લગ્ન માટે તેણે ઘણા બધા ઈસ્લામિક કાયદામાંથી પસાર થવું પડે છે, કારણ કે તે મહિલા છે અને મહિલા તો પોતાના પુરુષ માલિકની ગુલામી માટે જ પેદા થઈ છે.

કુંડળી મેળાપ અને મહિલા : હિંદુ ધર્મશાસ્ત્રમાં જ્યોતિષ વિદ્યાનું ખૂબ ચલણ છે. તે આકાશના ગ્રહનક્ષત્રનો વિચાર કરીને મનુષ્ય પરના તેના પ્રભાવ તથા તેના નિરાકરણની વ્યવસ્થાનો દાવો કરે છે, પરંતુ અહીં સમજવા જેવી વાત તો એ છે કે લાખોકરોડો માઈલ દૂરના ગ્રહની અસર જેા મનુષ્ય પર થતી હોય તો પણ આ પ્રભાવને બદલવાની તાકાત એક મનુષ્ય રૂપે જ્યોતિષીમાં કેટલી હશે? શું આ જ્યોતિષી એટલો શક્તિશાળી છે કે તેની વાતમાં આવીને બધું સારું થઈ જશેની લ્હાયમાં હજારોલાખો રૂપિયાનો ખર્ચ કરી નાખવો. જેાકે જ્યોતિષ એ વાત તો સ્વીકારે છે કે વ્યક્તિને તેના કરેલા કર્મનું ફળ મળતું હોય છે, તો પછી આ ફળને એક જ્યોતિષીએ પોતાના ઉપાય દ્વારા આ ફળને ઓછું વધારે કરવાની શક્તિ કેવી રીતે મેળવી? ઈશ્વર પર શ્રદ્ધા રાખ્યા વિના જ્યોતિષનું અસ્તિત્વ નથી, તો શું જ્યોતિષી ઈશ્વરથી પણ વધારે શક્તિશાળી છે? જે એવું હોય તો પછી તે ઈશ્વરથી પણ વધારે શક્તિશાળી સાબિત થાય છે, જેા મનુષ્યજીવનની તમામ ભૂલ અને કાળા ગર્ભમાં સમાયેલા તમામ સંકેતને નિષ્ફળ બનાવી શકે છે કે સુધારી પણ શકે છે? આવા કોઈ શાસ્ત્ર પર વિશ્વાસ કર્યા પછી જેને સૌથી વધારે ઘંટીના બે પડ વચ્ચે પિસાવું પડે છે તે છે મહિલા.

કેવાકેવા અત્યાચાર : કુંડળી મિલનના નામે ઘણી વાર મહિલાઓ બલિકાઠમાં ફસાઈ જતી હોય છે. હવે આ સમસ્યાને દૂર કરવા માટે જાતજાતના ખર્ચાળ ઉપાય સાથે તેમની પર અત્યાચાર પણ કરવામાં આવે છે. પરિવાર તેમને તેમની ખામીઓ બતાવીને મહેણાં મારે છે અને તે પણ તેને સાચા માનીને જાતજાતના વ્રતઉપવાસ દ્વારા સ્વયંને મુશ્કેલીમાં મૂકતી હોય છે. તે પોતાના જીવનની પ્રગતિને અવરોધીને કાલ્પનિક કથા પાછળ પોતાની શક્તિ અને પ્રગતિને નષ્ટ કરે છે. હકીકતમાં, આ તમામ માન્યતાઓ અને થોપવામાં આવેલી વિવશતાઓ મહિલા માટે અંતિમ ગુલામીના પ્રતીક છે. દુખની વાત તો એ છે કે તે પોતે જ આંખ પર પાટો બાંધીને આ બધાનું પાલન કરે છે અને નવી પેઢી પર પણ તેને થોપે છે. ભાવિ પતિના ઘરમાં લગ્ન પહેલાંના અંતિમ સમયમાં જેા કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો કન્યાને જવાબદાર માનવામાં આવે છે અને તેને અપશુકનિયાળ કહેવામાં આવે છે. ઘરમાં કોઈ લાંબી બીમારીથી પીડિત હોય તો તેમાં પણ ઘરની કન્યાનો વાંક. પરિવારમાં આર્થિક નુકસાન થાય તેમાં પણ કન્યાનો જ વાંક. ઈચ્છા મુજબનો વર જેા ન મળી રહ્યો હોય તો તેમાં પણ કન્યાના ગ્રહદોષ. પતિની આર્થિક અથવા શારીરિક સમસ્યા હોય તો તેમાં પત્નીમાં ખોટ. આ રીતે સાસરિયાની મુશ્કેલીનું કારણ પણ વહુની કુંડળીનો દોષ જ રહેતો હોય છે. હવે આ બધાના ઉપાય જે પંડિત બતાવશે તેને વેઠશે કોણ? વેઠશે તો એક બહેન, પત્ની, વહુ અને કન્યા એટલે કે મહિલા જ. ધર્મ ગમે તે હોય, મહિલાની સ્થિતિમાં કોઈ ખાસ પરિવર્તન નથી આવતું. ઈસ્લામી કાયદા અનુસાર લગ્નને ૨ વ્યક્તિ પુરુષ અને મહિલાના મનમેળાપ અને પ્રેમનું બંધન કહેવામાં આવે છે અને જેા તે ન જળવાઈ રહે તો પરસ્પરની સંમતિથી બંનેના અલગ થવાની વાતને પણ સ્વીકારવામાં આવી છે, પરંતુ દરેક ઘરમાં ધર્મની આડમાં મહિલાઓની દયનીય દશા સામે આવી રહી છે. ધર્મનો ડર બતાવીને મુસ્લિમ મહિલાઓને તેમની સાથે થતા અન્યાયને ઈસ્લામ પ્રત્યે કુરબાન થવું બતાવવામાં આવે છે. બૌધિક જાગૃતિના અભાવમાં મહિલાઓ પોતાના આકાઓ દ્વારા તેમના પ્રત્યે કરવામાં આવેલા અત્યાચારને ધાર્મિક બંધનના નામે સ્વીકારી લેતી હોય છે.

પાખંડોના પ્રચારમાં ટીવીની ભૂમિકા : પૈસાના પૂરમાં ટીવી ચેનલવાળાની વિવેકબુદ્ધિ પણ વહી જતી હોય છે. આજે જેા આશારામ જેલમાં છે, તેના મજેદાર ભાષણનું પ્રસારણ આ ટીવી ચેનલ પર થતું રહે છે. કરોડોમાં વેચાઈ જતા હોય છે દશ્યશ્રાવ્ય માધ્યમના નીતિશાસ્ત્ર. તેના અંધપ્રચારે સૌથી વધારે નુકસાન કર્યું હોય તો તે ટીવી સામે બેસીને પ્રવચન અને ઊલટીસીધી વાતો સાંભળતી મહિલાઓનું જ. આવા પંડિતોબાબાની ભક્તિમાં અંધ બની ચૂકેલી મહિલાઓની ભીડ દુનિયાભરની અતાર્કિક, અબૌદ્ધિક વાત પર માથા હલાવતી હોય છે અને ભક્તિભાવથી જયજયકાર પણ કરતી હોય છે, પરંતુ સત્ય તો એ છે કે જ્ઞાન એવા લોકો પાસેથી લેવું જેાઈએ, જે સાચા અર્થમાં સ્વયં તેને જીવનમાં ઉતારી ચૂક્યા હોય. દેશના વિકાસમાં ભાગીદારી તો પુરુષ અને મહિલા બંનેની તેમના માનસિક, બૌદ્ધિક ઉત્થાનથી જ શક્ય બને છે. તેના માટે ધર્મની આંધળી ગલીમાંથી નીકળીને દેશભરની તમામ મહિલાઓએ જ્ઞાન અને વિવેકબુદ્ધિની છત્રછાયામાં અન્યાય વિરુદ્ધ એક જ પ્રકારની પીડાને એકબીજા સાથે વહેચતા એકજૂથ થવું પડશે અને આ એ જ માર્ગ છે, જે મહિલાઓને વાસ્તવિક આઝાદીની મંજિલ સુધી લઈ જશે.

– દીપાન્વિતા રાય બેનર્જી

વધુ વાંચવા કિલક કરો....