લંચ ટાઈમમાં પુનીતાના લંચનો ડબ્બો ખૂલતા જ ઓફિસમાં બધા ખુશ થતા હતા. તેનું લંચબોક્સ બધી મહિલાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેતું હતું, કારણ કે તેમાં હંમેશાં જાતજાતની સ્વાદિષ્ટ વાનગીઓ રહેતી હતી. બધાને આશ્ચર્ય થતું કે સવારસવારમાં પુનીતા આટલું બધું કેવી રીતે બનાવી લે છે. પછી એક દિવસ પુનીતાએ તેનું રહસ્ય ખોલતા કહ્યું કે આ બધું તો પોતે નથી બનાવતી, પણ પોતાની બહેન બનાવે છે. ત્યાર પછી મહિલાઓમાં ગણગણાટ શરૂ થયો. વિભાએ તો સીધો પ્રશ્ન પૂછી લીધો, ‘‘શું બહેન તારી સાથે સાસરીમાં રહે છે?’’ હસીને પુનીતાએ જવાબ આપ્યો, ‘‘અરે નહીં, તે મારી સગી બહેન નથી, પણ દેરાણી છે, જે સગી બહેનથી પણ વધારે છે. તે જ દરરોજ મારા અને બાળકો માટે ટિફિન બનાવે છે.’’ સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા, ‘‘શું તેની પાસે આટલો સમય હોય છે? શું તે જેાબ નથી કરતી?’’ ‘‘હા, તે જેાબ નથી કરતી, પરંતુ પૂરું ઘર સંભાળે છે. તે તો અમારા બધાની લાડકી છે. જેા તે ન હોય તો કદાચ આટલી શાંતિથી હું જેાબ કરી ન શકું.’’ ‘‘અરે વાહ, આ તો ખૂબ સારી વાત છે. આજના સમયમાં કોણ કરે છે બીજા માટે આટલું બધું.’’ વિભાએ કહ્યું. ‘‘પારકું કે પોતાનું, એ વળી શું હોય છે? જેને પોતાનું માની લો તો સર્વસ્વ છે આપણા માટે. એક બહેન પિયરમાં હોય તો એક સાસરીમાં પણ હશે ને.’’ કહીને પુનીતા હસી પડી.

પુનીતા સંયુક્ત પરિવારમાં રહેતી હતી અને પોતાની દેરાણી સાથે તેના સંબંધ સારા હતા. પુનીતાના પતિનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ આ ઘરમાં તેને ક્યારેય એકલા હોવાનો અહેસાસ થયો નહોતો. પૂરો પરિવાર તેને સાથ આપતો હતો. બની શકે કે સાંભળવામાં આ બધું થોડું વિચિત્ર લાગે, પરંતુ આ સંભવ તો છે. જેા તમે સંબંધોને સાચવીને ચાલો તો તે જ સંબંધો આગળ જતા તમારા જીવનમાં પ્રેમ અને શાંતિના ફૂલ ખીલવે છે. આજે ભલે વિભક્ત પરિવારો વધારે જેાવા મળે છે, પરંતુ જેા તમે એક વાર સંયુક્ત પરિવારમાં રહેવાનું શરૂ કરો તો ક્યારેય એકલા રહેવાની જિદ્દ નહીં કરો. જેાકે આજે તો લોકો પરિસ્થિતિવશ એકલા રહેવા લાગ્યા છે. મોટા શહેરોમાં પરિવારનો અર્થ પતિપત્ની અને બાળકોથી આંકવામાં આવે છે. સંયુક્ત પરિવાર વિરુદ્ધ વિભક્ત પરિવાર છેલ્લા દિવસોમાં ફિલ્મ ડાયરેક્ટર સુજીત સરકારે સંયુક્ત પરિવાર વિરુદ્ધ વિભક્ત પરિવારની ચર્ચાને વેગ આપ્યો હતો, જ્યારે તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું, ‘‘આપણે પોતાની રહેવાની જૂની સિસ્ટમ એટલે કે સંયુક્ત પરિવાર તરફ પાછા ફરવું જેાઈએ. બધા પ્રકારની માનસિક અસુરક્ષા, એકાકીપણું અને ડિપ્રેશનથી બચવાની હવે કદાચ આજ એકમાત્ર રીત બચી છે. પરિવાર નામનું છત્ર આપણને સુરક્ષાની ભાવના પ્રદાન કરે છે.

આ વાત પર મીટુ એક્ટિવિસ્ટ અને પત્રકાર રિતુપર્ણા ચેટર્જીએ લખ્યું, ‘‘આ મારો અંગત અનુભવ છે. મેં ખૂબ નજીકથી સંયુક્ત પરિવારને જેાયા છે. જેમાં મહિલાઓના શ્રમનું શોષણ થતું હોય છે. મહિલાઓ જ એકબીજાની વિરુદ્ધ ઊભી થાય છે.’’ જાહેર છે, કોઈ પણ વસ્તુમાં સારાપણું અને ખરાબી એમ બંને હોય છે. જેા આપણને સંયુક્ત પરિવારની સુરક્ષા અને પ્રેમ જેાઈતા હોય તો થોડી સમજૂતી કરવા માટે તૈયાર રહેવું પડશે. આમ પણ જેાવા જઈએ તો આવા પરિવારમાં રહેવાના લાભ નુકસાન કરતા ખૂબ વધારે હોય છે. જ્યારે ઘરમાં આટલા બધા લોકો રહેતા હોય તો સામાન્ય વાત છે કે થોડો વાદવિવાદ અને પોતાને વધારે સારા સાબિત કરવાની પ્રતિસ્પર્ધા ખૂબ વધી જાય છે, પરંતુ તેના બદલે મનને જે ખુશીઓ મળે છે તેની તુલના કોઈની સાથે કરી શકાય તેમ નથી. પરિવારમાં મહિલાઓની સ્થિતિ કેવી હશે અને તેમનું શોષણ થતું હશે કે નહીં તે ઘણા અંશે મહિલાઓની આર્થિક સ્થિતિ અને બીજી મહિલાઓના વલણ પર પણ નિર્ભર કરે છે. સંયુક્ત પરિવારમાં રહેવાના આમ તો ઘણા લાભ છે, પરંતુ અમે અહીં અમે તમને તેના કેટલાક લાભ વિશે જણાવીએ છીએ :

વસ્તુ શેર કરવાની ટેવ :
સંયુક્ત પરિવારમાં રહેવું ઘણી રીતે લાભદાયી રહેતું હોય છે. અહીં તમને વસ્તુને શેર કરતા શીખવા મળે છે. તમે પણ પોતાની વસ્તુને બીજા સાથે વહેંચીને આનંદ લેવાનો ગુણ બાળપણથી શીખી જાઓ છો. જેાકે તમને તેનો લાભ પણ મળે છે. જેા કોઈ વસ્તુની તમને જરૂર હોય અને તે તમારી પાસે નથી, પરંતુ ઘરના બીજા સભ્યો દ્વારા સરળતાથી ઉપલબ્ધ થતા હોય છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય છે જ્યારે આર્થિક સમસ્યા વધી ગઈ હોય છે. આવા સમયમાં પણ સંયુક્ત પરિવારમાં રહેતા હોવાથી સમસ્યામાંથી સરળતાથી બહાર આવી શકાય છે.

બરબાદી ઓછી થાય છે :
એક શોધનું માનીએ તો જે લોકો એકલા રહેતા હોય છે તેઓ સંસાધનોની બરબાદી ૫૦ ટકા વધારે કરતા હોય છે. સંયુક્ત પરિવારમાં રહેવાનો સૌથી મોટો લાભ એ જ છે કે તમારા સંસાધનો વધારે બરબાદ નથી થતા. જે લોકો એકલા રહેતા હોય છે તેઓ વીજળી, પાણી, ગેસ જેવી વસ્તુનો વધારે ખર્ચ કરતા હોય છે. વિપરીત જે ઘરમાં ઘણા લોકો રહેતા હશે તો પરસ્પર ખર્ચ પણ વહેંચાઈ જાય છે. જાહેર છે કે મની મેનેજમેન્ટ સંયુક્ત પરિવારમાં વધારે જેાવા મળતું હોય છે.

ઓછી તાણ :
એકલા રહેતા લોકોને જીવનમાં વધારે તાણનો સામનો કરવો પડે છે, જ્યારે સંયુક્ત પરિવારમાં લોકો વધારે ખુશહાલ રહેતા હોય છે. એકસાથે રહેવાનો બીજે એક લાભ એ પણ છે કે તમે વધારે હેલ્ધિ અને હેપી રહો છો, કારણ કે તમે તમારા દુખમુશ્કેલી બીજા સભ્યો સાથે વહેંચી શકો છો.

સેફ્ટી વોલ :
સંયુક્ત પરિવારમાં જેા પતિ દગાખોરી તરફ જઈ રહ્યો હોય અથવા તો તે પોતાની પત્ની સાથે મારપીટ કરતો હોય તો આ સ્થિતિમાં ઘરના બીજા સભ્યો પતિને તેની ખોટા કરતૂત બદલ સમજાવે છે. આ સ્થિતિમાં પરિવાર મહિલાઓ માટે એક પ્રકારે સેફ્ટી વોલની જેમ કામ કરે છે. ઉછેરમાં મદદરૂપ : બાળકોના ઉછેર માટે સંયુક્ત પરિવારના વાતાવરણને ઉત્તમ માનવામાં આવે છે. બાળકો ક્યારે દાદાદાદી, ફોઈકાકાના હાથમાં ઊછરીને મોટા થઈ જાય છે તેની જાણ નથી થતી. વળી, બાળકોના માનસિક વિકાસ માટે લોકોથી ભરેલો સંયુક્ત પરિવાર ઉત્તમ સાબિત થાય છે. કેવી રીતે રહેશો સંયુક્ત પરિવારમાં પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને આત્મીયતા જાળવાઈ રહે તે માટે સૌથી વધારે જરૂરી છે કે પોતાના બાળકોને વડીલોને માનસન્માન આપતા શીખવો. જેાકે આ વાત માત્ર બાળકો પર લાગુ નથી પડતી, પણ ઘરના બીજા બધા સભ્યોએ પણ એ વાતનું ધ્યાન રાખવું જેાઈએ કે પોતે પણ ઘરના વડીલોનું માન જાળવે, જેથી પરિવારની કડીઓ એકબીજા સાથે જેાડાયેલી રહે. બાળકો સામે ક્યારેય પણ કોઈની સાથે ગુસ્સામાં મોટેથી બૂમો પાડીને વાત ન કરો. બાળકો એવું શીખે છે જેવું વાતાવરણ તેમને ઘરમાં મળે છે. પોતાના બાળકોને હંમેશાં વડીલો પ્રત્યે વિનમ્ર અને નાનાઓ પ્રત્યે સંવેદનશીલ થતા શીખવો અને તમે પોતે પણ આવો વ્યવહાર કરો. વિભક્ત પરિવારમાં બાળકોને જરૂર કરતા વધારે લાડપ્રેમ મળતા હોય છે, જેથી ઘણી વાર તેઓ જિદ્દી બની જાય છે. તેથી શક્ય તેટલું વધારે તેમને વાસ્તવિકતા સાથે જીવતા શીખવો.

– ગરિમા પંકજ.

જેા તમે છો એક ઘરની વહુ જે તમે સંયુક્ત પરિવારની વહુ હોય તો તમારે કેટલીક વાતનું ધ્યાન રાખવું જેાઈએ. જેા આમ કરશો તો જ તમે પૂરા ઘરને બાંધીને રાખી શકશો અને બધાનો પ્રેમ પ્રાપ્ત કરી શકશો :

  • જેા કિચનમાં તમારા સાસુ, દેરાણી અથવા જેઠાણી ભોજન બનાવી રહ્યા હોય તો તમારે તેમને મદદ કરવી જેાઈએ. પછી ભલે ને તમે ઓફિસેથી થાકીને કેમ આવ્યા ન હોય કે પછી ક્યાંક બહારથી આવી રહ્યા હોય. ઓછામાં ઓછું સામાન્ય શિષ્ટાચાર રૂપે ભલે હોય, પરંતુ મદદરૂપ બનવાની ઓફર અવશ્ય કરો. જેાકે સ્વાભાવિક છે કે તેઓ મનાઈ અવશ્ય કરશે, પરંતુ આમ કરવાથી તમારા પ્રત્યેનું તેમનું વલણ અવશ્ય સકારાત્મક અને પ્રેમાળ બની જશે.
  • જેા ઘરમાં કોઈ બાળકની બર્થ-ડે હોય અથવા તો કોઈ સારા માર્ક્સથી પાસ થયું હોય તો તમે તેને અભિનંદન જરૂર પાઠવો અને તેને પ્રોત્સાહિત કરો.
  • તમને ઘરેલુ કામ આવડતા ન હોય તો ઘરની અન્ય મહિલાઓ પાસેથી શીખવાનો પ્રયત્ન કરો. આમ કરતી વખતે પોતાના મનમાં કોઈ પણ પ્રકારનો ખચકાટ ન રાખો.
  • પોતાના પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો. ઘરમાં કોઈ બીમાર હોય તો તેની શક્ય તેટલી વધારે મદદ કરો. આ બધી બાબતો ન માત્ર તમારું પોતાના પતિની નજરમાં માન વધારશે, પણ ઘરના દરેક સભ્યો પણ તમને વધારે પ્રેમ કરવા લાગશે.
વધુ વાંચવા કિલક કરો....