વાર્તા – સુનીતા માહેશ્વરી

‘‘રૂપા મેડમ, તમે કેટલા સારા છો. તમારું મન કેટલું સુંદર છે. કાશ, તમારા જેવી હિંમત અમારી અંદર પણ હોત.’’ રૂપાની મેડ નીનાએ આદરથી કહ્યું અને પછી કોફીનો કપ આપીને તેના ઘરે જવા નીકળી ગઈ. રૂપા સ્મિત કરવા લાગી. તે છેલ્લા ૨ વર્ષથી પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસિસ લઈ રહી હતી. આ ક્ષેત્રમાં તેને અભૂતપૂર્વ સફળતા મળી હતી. તેના ક્લાસિસનું નામ દૂરદૂર સુધી ફેલાયું હતું. ૨ વર્ષમાં જ તેણે તેના વ્યવહાર, મહેનત, કૌશલ્ય, આત્મવિશ્વાસ અને આત્મીયતાથી સમાજમાં સન્માન મેળવી લીધું હતું. તેના ગુણો અને આત્મિક સૌંદર્યની સામે તેની કદરૂપતા નાની થઈ ગઈ હતી. અનેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને તેણે તેના સોના જેવા વ્યક્તિત્વને નિખાર્યું હતું. પ્રેમની અપાર શક્તિ જે હતી તેની સાથે. તે દિવસે નીનાના ગયા પછી રૂપા ઘરમાં બિલકુલ એકલી થઈ ગઈ હતી. તેના પતિ વિશાલ અને સસરા એડવોકેટ પ્રમોદ કેસની તારીખ પર ગયા હતા. કોફીનો કપ હાથમાં લઈને સોફા પર બેઠી રૂપા તેના ભૂતકાળમાં ખોવાઈ ગઈ. તેના જીવનની ૧-૧ ક્ષણ તેની આંખમાં કોઈ ફિલ્મની જેમ તરવરવા લાગી. રૂપાની યાદ માં યુવાવસ્થાનું તે ચિત્ર જીવંત થઈ ઊઠ્યું, જ્યારે એક દિવસ અચાનક એક સૂમસામ ગલીમાં આવારા રોહિત તેનો રસ્તો રોકીને અશ્લીલ શબ્દો બોલ્યો, ‘‘મારી જાન, તું કોઈ બીજાની ન થઈ શકે, તું માત્ર મારી છે.’’ રોહિતની આંખમાં હવસ જેાઈને રૂપા ડરની મારી ધ્રૂજવા લાગી. એ દિવસે તે માંડ ભાગીને તેના ઘરે પહોંચી ગઈ હતી. તેના ધબકારા વધી ગયા હતા. તેની મમ્મી ગીતાએ તેને ગળે લગાવી લીધી. જ્યારે રૂપા થોડી શાંત થઈ ત્યારે મમ્મીએ પૂછ્યું, ‘‘શું થયું બેટા?’’ રૂપાએ રોહિત વિશે બધું જણાવી દીધું.

રોહિતના વ્યવહારથી તે એટલી ડરી ગઈ હતી કે હવે કોલેજ નહોતી જવા ઈચ્છતી. તે ક્યારેક એકલી હોય ત્યારે રોહિતની હવસખોર આંખો અને અશ્લીલ હરકતો તેને ડરાવતી. થોડા દિવસ પછી રૂપાએ મુશ્કેલીથી કોલેજ જવાનું શરૂ કર્યું, પરંતુ રોહિત તેને રોજ કોઈ ને કોઈ વાત કહીને પરેશાન કરતો હતો. એક દિવસ જ્યારે રૂપાએ તેને પોલીસની ધમકી આપી ત્યારે તેણે કહ્યું, ‘‘પોલીસ મારું કંઈ જ બગાડી નહીં શકે. મારી સાથે લગ્ન નહીં કરે, તો હું તને જીવવા પણ નહીં દઉં.’’ રૂપાએ પ્રિન્સિપાલને પણ રોહિતની ફરિયાદ કરી, પરંતુ કોલેજની બહારનો મામલો હોવાથી તેમણે પણ કોઈ ખાસ ધ્યાન ન આપ્યું. રૂપાને તેના પપ્પાની ખૂબ યાદ આવતી હતી. તે વિચારતી હતી કે કદાચ પપ્પા જીવતા હોત તો તેને આ રીતે કોઈ પરેશાન ન કરતું. રૂપા અને તેની મમ્મીનું શાંતિથી જીવવું મુશ્કેલ થઈ રહ્યું હતું. રૂપાએ અનેક મુશ્કેલીનો સામનો કરીને એમ.એ. ફાઈનલની પરીક્ષા આપી હતી.

એક દિવસ તેની મમ્મી ગીતાએ તેને લગ્ન કરી લેવા કહ્યું, ‘‘રૂપા, ચંદીગઢમાં મારી સાહેલીનો દીકરો વિશાલ છે. તે એન્જિનિયર છે. ખૂબ જ હોશિયાર છે. શું હું તેની સાથે તારા લગ્નની વાત કરું?’’ રૂપા તરત રાજી થઈ ગઈ. તે પણ પેલા ગુંડા રોહિતથી પીછો છોડાવવા માંગતી હતી. લગ્નની વાત થઈ અને સંબંધ નક્કી થઈ ગયો. લગ્નની મધુર ક્ષણ યાદ આવતા જ રૂપાની આંખ ચમકવા લાગી. તેણે કોફીનો કપ એક બાજુ મૂકી દીધો અને સોફા પર જ ઊંઘી ગઈ. તેના વિચારોનો પતંગ ઊડી રહ્યો હતો. રૂપા અને વિશાલનાં લગ્ન ચંદીગઢમાં ખૂબ ધામધૂમથી થયા. વિશાલ જેવા હોશિયાર, હેન્ડસમ, સમજદાર અને પ્રેમ કરનાર યુવકનો સાથ મેળવીને રૂપા ખૂબ ખુશ હતી. તેને જીવનની તમામ ખુશીઓ મળી ગઈ હતી. રૂપા ધીરેધીરે તેના જીવનમાં બિઝી થઈ ગઈ. તે તેના સાસુસસરાની પણ વહાલી હતી. તેણે ઘરની તમામ જવાબદારી ઉઠાવી લીધી હતી. બધા તેના રૂપ અને ગુણનાં વખાણ કરતાં હતાં. રૂપાએ રોહિત વિશે વિશાલને બધું જણાવી દીધું હતું. વિશાલે તેને સમજાવતા કહ્યું હતું, ‘‘ડરવાનું છોડી દે રૂપા. હોય છે આવા માથાફરેલા. તું તેને ભૂલી જા. હવે હું તારી સાથે છું ને.’’ લગ્ન ના ૩ વર્ષ વીતી ગયા હતા.

આ દરમિયાન રૂપા અને વિશાલ કેટલીય વાર ચંદીગઢથી લખનૌ ગયા, પણ તે આવારા રોહિત તેમની સામે ક્યારેય ન આવ્યો. રૂપા ધીરેધીરે તેને ભૂલી ગઈ. તે શાંતિથી જીવન વિતાવી રહી હતી. એક દિવસ રૂપા લખનૌમાં તેના પતિ વિશાલ સાથે બજારથી આવી રહી હતી. અચાનક તે આવારા રોહિતે રૂપાના ચહેરા પર એસિડ ફેંકતા કહ્યું, ‘‘લે હવે બતાવ, તારી આ સુંદરતા વિશાલને.’’ રૂપાનો સુંદર ચહેરો ક્ષણમાત્રમાં જ કદરૂપો થઈ ગયો. તે રૂપાથી કદરૂપા થઈ ગઈ, પણ સુંદર ચહેરા પર એસિડ ફેંકનાર રોહિત તેની જીત પર હસી રહ્યો હતો. વિશાલ આ બધું જેાઈને દંગ રહી ગયો. તેણે તરત જ પોલીસને ફોન કર્યો અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો. થોડી જ વારમાં અનેક લોકો ભેગા થઈ ગયા. રોહિતના હાથમાં એસિડની બોટલ હતી. તેથી ડરના માર્યા કોઈ તેની નજીક નહોતું જઈ રહ્યું. પોલીસે આવીને તેને પકડી લીધો. વિશાલ રૂપાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયો. ઔપચારિકતા પૂરી થયા પછી રૂપાની સારવાર શરૂ થઈ. તેની બંને આંખની કીકી નહોતી દેખાઈ રહી. તેનો ચહેરો એટલો બગડી ગયો હતો કે ડોક્ટરે વિશાલને પણ તેને જેાવાની પરવાનગી ન આપી. રૂપાને ઈન્ટેન્સિવ કેરમાં રાખવામાં આવી. ૨ દિવસ પછી રૂપાની મમ્મી ગીતા અને વિશાલ તેને મળવા ગયા ત્યારે તેની મમ્મી ચીસો પાડી ઊઠી. એસિડ ફેંકવાનો અપરાધ કરનારા રોહિત માટે તેમનું મન આગમાં ઊકળી ઊઠ્યું.

લગભગ અઢી મહિના પછી રૂપાને હોસ્પિટલમાંથી રજ મળી, પરંતુ ઈલાજનો આ અંત નહોતો. આ દરમિયાન ન તો તેને દષ્ટિ મળી અને ન રૂપ. તેના બીજા કેટલાય ઓપરેશન થવાના બાકી હતા. વિશાલ રૂપાને ચંદીગઢ લઈ આવ્યો. તેની આંખ અને ચહેરાના કેટલાય ઓપરેશન થયાં. ધીરેધીરે આંખે દેખાવા લાગ્યું. રૂપાએ આ ઘટના પછી પહેલી વાર દુનિયા જેાઈ ત્યારે તેની ખુશીનું ઠેકાણું ન રહ્યું, પોતાનો ચહેરો જેાઈને દંગ રહી ગઈ. તેને અરીસામાં પોતાનું જ ભૂત દેખાયું. તે વિશાલને ગળે લાગીને ધ્રુસકે-ધ્રુસકે રડતા બોલી, ‘‘વિશાલ, આ કદરૂપો ચહેરો લઈને હું તારી જિંદગી બરબાદ નથી કરી શકતી. હું જીવવા નથી માંગતી. મને આટલો પ્રેમ ન કર.’’ વિશાલની આંખમાંથી આંસુ ટપકવાની તૈયારી હતી, પણ તેણે આંસુને કોઈ રીતે અટકાવી લીધા. તેણે રૂપાને ગળે લગાવતા કહ્યું, ‘‘રૂપા, તું મારી બહાદુર પત્ની છે. તું તો મારી જાન છે. તારા વિના મારું તો કોઈ અસ્તિત્વ જ નથી. હું માત્ર તારા ચહેરાને નહીં, પણ તને પ્રેમ કરું છું. તું આ રીતે હારી જઈશ તો મારું શું થશે?’’ રૂપાના કદરૂપા ચહેરા પર વિશાલના હોઠનો સ્પર્શ થતા તે રડવા લાગી. તે વિશાલના નિ:સ્વાર્થ પ્રેમના ઊંડાણમાં ડૂબીને પોતાની કદરૂપતાને કોસી રહી હતી. તેને લાગતું હતું જાણે તેનો ચહેરો જ નહીં, પરંતુ વિશાલની ખુશીઓ પણ એસિડથી બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે. પોતાના ડરામણા ચહેરાને જેાઈને રૂપાની નિરાશા દિનપ્રતિદિન વધી રહી હતી. આ વિકૃતિને જેાઈ તેનું મન જખમી થઈ ગયું હતું. જ્યારે લોકો તેને ઘુરકિયા કરતા ત્યારે એવું લાગતું જાણે બધા તેની કદરૂપતા જેાઈને ચકિત થઈ ગયા છે. બધાની નજર તેના મનને જખમી કરી દે છે.

રૂપા એક દિવસ પરેશાન થઈને વિશાલને બોલી, ‘‘વિશાલ, મારા જેવી કદરૂપી છોકરી સાથે તું તારું જીવન કેમ વ્યર્થ કરવા માંગે છે? તું બીજા લગ્ન કરી લે? તારી ખુશીઓ મારી આ કદરૂપતા પર વેડફીશ નહીં. તું મને છૂટાછેડા આપી દે.’’ વિશાલે કહ્યું, ‘‘રૂપા, મેં છૂટાછેડા આપવા લગ્ન નથી કર્યાં. પતિપત્નીનું મિલન ૨ દિલનું મિલન હોય છે. શું માત્ર એક દુર્ઘટના આપણને અલગ કરી શકે છે? જેા મારી સાથે આ દુર્ઘટના ઘટી હોત તો શું તું મને છૂટાછેડા આપી દેત?’’ રૂપાએ વિશાલના મોં પર હાથ મૂકી દીધો. તેની આંખમાંથી પ્રેમનાં આંસુઓ વહેવા લાગ્યા. તેનું મન વિશાલના ત્યાગ અને પ્રેમથી ધન્ય થઈ ગયું. ચંદીગઢ માં રૂપાનો ઈલાજ ચાલુ રહ્યો. એસિડથી દાઝેલી સ્કિનની ટ્રીટમેન્ટની વિશાલની આર્થિક સ્થિતિ તથા તેના કામ પર પણ અસર થઈ રહી હતી, પરંતુ તેણે રૂપાને ક્યારેય એવું અનુભવવા નથી દીધું. તે એક જવાબદાર પતિની જેમ તેની ફરજને નિભાવી રહ્યો હતો. વિશાલના પિતા એડવોકેટ પ્રમોદ જાણીતા વકીલ હતા. તે રૂપાને ન્યાય અપાવવા કાનૂની કાર્યવાહીમાં દિવસરાત મહેનત કરી રહ્યા હતા. તેમણે રોહિતને સષ્ટ અપાવવાનો નિશ્ચય કરી લીધો હતો. તે ઉપરાંત સારવાર માટે સરકાર તરફથી જે સહાયતા મળતી હતી, તે સહાયતા મેળવવા પણ તે પ્રયત્ન કરી રહ્યા હતા.

અચાનક રૂપાની સ્મૃતિમાં સગાંસંબંધીના મહેણાં કાંટાની જેમ ખૂંચવા લાગ્યા. એક દિવસ રૂપાને જેાવા સગાંસંબંધીઓ આવ્યા હતા. તે રૂપાને મળીને જતાંજતાં વિશાલને કહેતા, ‘‘ભાઈ, તારી જ હિંમત છે. તેની સેવા કરી રહ્યો છે.’’ આજકાલની છોકરીઓ તો પ્રેમ બીજાને કરે અને લગ્ન બીજા સાથે. પરિણામ તારા જેવા પતિઓ ભોગવે છે. પહેલાં જ જન્માક્ષર મેળવીને લગ્ન કર્યા હોત તો આ દુર્ઘટનાથી બચી જાત. મારું માન તો બીજા લગ્ન કરી લે. ક્યાં સુધી તેની કદરૂપતા સાથે જીવીશ.’’ વિશાલના પિતા પ્રમોદ આ બધું સાંભળી રહ્યા હતા. તે તરત જ બોલ્યા, ‘‘ભાઈ સાહેબ, તમે તો તમારા દીકરાના લગ્ન જન્માક્ષર મેળવીને કર્યા હતા ને, પછી શું થયું હતું? યાદ છે ને, તમારી નવવધૂ તો લગ્નના બીજા જ દિવસે ઘર છોડીને પિયર ચાલી ગઈ હતી. જન્માક્ષર મેળવીને તમે કયા ફૂલ ખિલાવી લીધા હતા? અમારી નિર્દોષ વહુ પર આરોપ લગાવતા પહેલાં તમારા ઘરમાં તો ડોકિયું કરીને જેાઈ લો.’’ તે દિવસે સગાંસંબંધીની વાત સાંભળીને રૂપાને એવું લાગ્યું હતું કે જાણે એક વાર ફરીથી કોઈએ તેની પર અસિડ ફેંકી દીધો હોય. તેનું મન દુખી થઈ ગયું હતું. તે આત્મહત્યા કરવા માંગતી હતી. મોં છુપાવીને રડતી હતી.

વિશાલ દિલ પર પથ્થર મૂકીને તેનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો, ‘‘તું ચિંતા ન કર રૂપા. હું તારો પતિ છું અને હું તારી સાથે છું. જ્યારે કોઈ આ પ્રકારની વાત કરે છે ત્યારે મન થાય છે કે તેને થપ્પડ મારી દઉં, પણ આ તેનું સમાધાન નથી… સમાજમાં મહિલાઓને જ્યાં સુધી માનસન્માન નહીં મળે ત્યાં સુધી આ સ્થિતિ રહેશે. આપણે આ જુનવાણી અને પાખંડી લોકોની વિચારસરણી બદલવી પડશે.’’ રૂપા વિશાલના ખોળામાં માથું મૂકીને રડી રહી હતી. વિશાલે તેનું માથું પંપાળતા કહ્યું, ‘‘હું ઈચ્છુ છું કે મારી રૂપા ફરીથી હસતા શીખે. સ્વયંને વારંવાર કદરૂપી કહેવાનું છોડી દે. રૂપા, મારા માટે તું આજે પણ એટલી જ સુંદર છે જેટલી પહેલાં હતી. મને ખબર છે કે તારું મન કેટલું સુંદર અને પવિત્ર છે.’’ અને પછી વિશાલે રૂપાને જ્યૂસ પિવડાવીને ઊંઘાડી દીધી. દરરોજ એક નવો દિવસ ઊગતો હતો. કેટલાય જખમ સુકાઈ જતા હતા તો કેટલાય વાણીના નવા જખમ બની જતા હતા. વિશાલે રૂપાનું મન ધીરેધીરે પ્રાણાયમ તરફ આકર્ષિત કર્યું. તે હંમેશાં તેને કહેતો કે તારા મનને અનુભવ, જે ખૂબ સુંદર છે. રૂપા તારે આ અપરાધ વિરુદ્ધ લડવાનું છે. તારી હિંમત વધારી દે. તું સુંદર છે. શક્તિશાળી છે, સાયન્સની સ્ટુડન્ટ છે. તારી અંદર ઘણી શક્તિ છુપાયેલી છે. તું આ રીતે હાર ન માની શકે. મનમાં આશા અને વિશ્વાસ લાવીને તારે સમાજની બૂરાઈ દૂર કરવાની છે. રૂપા પર વિશાલની વાતની અસર થવા લાગી હતી. તે હવે જીવવા માંગતી હતી. તેણે પર્સનાલિટી ડેવલપમેન્ટના પુસ્તકો વાંચવાના શરૂ કરી દીધા. તે નવેસરથી પોતાનું અસ્તિત્વ બનાવવા લાગી હતી. બીજી તરફ કાનૂની કાર્યવાહી ચાલી રહી હતી. વિશાલ અને તેના પિતા તારીખ પર કોર્ટ જતા હતા. ૧ વર્ષ પછીની તારીખમાં વિશાલ તેના માતાપિતા અને રૂપાને પણ કોર્ટમાં લઈને પહોંચ્યો હતો. વિશાલ રૂપાને સહારો આપીને પ્રેમ અને સન્માનથી જ્યારે કોર્ટમાં હાજર થયો ત્યારે તે દશ્ય જેાઈને અપરાધી રોહિતની આશા પર તો જાણે પાણી ફરી ગયું. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે કદરૂપી છોકરીને પણ કોઈ પતિ પ્રેમ કરશે. વિશાલે રૂપાની ખુશીઓ છીનવનાર અપરાધી રોહિત સામે નફરતથી જેાતા કહ્યું, ‘‘તેં અમારી સાથે જે કર્યું છે, તેની સજા તને જલદી મળશે.

તું દુનિયાનો સૌથી કદરૂપો પુરુષ છે… દુનિયામાં બધા તને નફરત કરશે, જ્યારે રૂપાને આ સ્થિતિમાં પણ બધા ચાહે છે. તે હંમેશાં સુંદર હતી અને સુંદર રહેશે.’’ તે દિવસે રૂપા પણ રણચંડી બનીને આવી હતી. તેની આંખમાં રોહિત માટે ઘૃણાની સાથેસાથે ગુસ્સાનો જ્વાળામુખી ફાટી રહ્યો હતો. તેણે કોઈ રીતે ગુસ્સો શાંત કર્યો હતો. રૂપા વિચારોના સાગરમાં ડૂબેલી હતી કે અચાનક ઘડિયાળના ૫ કલાક સંભળાયા તો ચકિત થતા ઊભી થઈ અને તેના કામમાં બિઝી થઈ ગઈ. થોડી જ વારમાં વિશાલ અને પ્રમોદ કોર્ટથી ઘરે પાછા આવ્યા. તે ખૂબ ખુશ હતા, કારણ કે રૂપા જીતી ગઈ હતી. તે અપરાધીને આજીવન કેદની સજા મળી હતી.

વધુ વાંચવા કિલક કરો....