દિનેશ પટેલ ક્યારેય નહોતો ઈચ્છતો કે તેની પત્ની કૃતિ નોકરી કરે. તે પૂરો સમય કૃતિને પોતાની નજર સામે રાખવા ઈચ્છતો હતો. કૃતિ તેના માટે એ અણમોલ હીરો હતી જેને ગુમાવી દેવાના ડરથી તે પોતાના કામ પર પણ ધ્યાન આપી શકતો નહોતો. તેની ચોકીદારીના ચક્કરમાં અંતે ઘરની આર્થિક સ્થિતિ એટલી વણસી ગઈ કે કૃતિએ નોકરી કરવા ઘરમાંથી બહાર નીકળવું પડ્યું.
કૃતિ ૨૪ વર્ષની ભણેલીગણેલી, સમજદાર, સુંદર અને વ્યવહારુ છોકરી હતી. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તેણે નર્સિંગની ટ્રેનિંગ પણ લીધી હતી. તેના લગ્ન દિનેશ સાથે થયા ત્યારે તેણે નોકરી કરવાના બદલે ઘરગૃહસ્થીને પ્રાથમિકતા આપી હતી. જેાકે દિનેશ પણ એ જ ઈચ્છતો હતો કે કૃતિ ઘરે રહે. તે વિચારતો હતો કે ક્યાંક તેની સુંદર પત્નીને કોઈ પટાવી ન લે. તે કૃતિને ઘરના દરવાજા પર ઊભા રહેવા માટે ટોકતો હતો. ક્યારેક તે કહેતી કે થોડી વાર છત પર ફરીને આવું ત્યારે દિનેશ પણ તેની સાથે જતો. એમ જેાઈએ તો દિનેશ એક સુંદર મહિલાને પરણીને લાવ્યો, પરંતુ તેની સુંદરતાએ તેનામાં અસલામતીનો ભાવ પેદા કરી દીધો હતો.
શંકા અને સલામતીની ભાવના
વર્ષ ૨૦૧૫ માં જ્યારે દિનેશના લગ્ન કૃતિ સાથે થયા હતા, ત્યારે સગાંસંબંધી, મિત્રો અને સોસાયટીના લોકોના મોંથી પોતાની પત્નીની સુંદરતાના વખાણ સાંભળીને તેની છાતી ગર્વથી ફૂલી જતી હતી કે અરે, કેટલી સુંદર પત્ની લાવ્યો છે દિનેશ. ખૂબ ઓછા લોકોને આટલી સુંદર પત્ની મળે છે. આ બધી વાત સાંભળી સાંભળીને તે ખૂબ ખુશ થતો હતો. દિનેશ પ્રાઈવેટ જેાબ કરતો હતો અને તેની સેલરી પણ સારી હતી. કામની બાબતમાં તેને ક્યારેક-ક્યારેક ટૂર પર પણ જવું પડતું હતું. ઘરમાં તે અને કૃતિ ઉપરાંત મા અને નાનો ભાઈ રાઘવ હતા. રાઘવ દિનેશથી ૨ વર્ષ નાનો હતો અને ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. ભાભી સાથે રાઘવ ખૂબ હસીમજાક પણ કરતો હતો. કૃતિ રાઘવથી ઉંમરમાં ઘણી નાની હતી, તેથી ક્યારેક-ક્યારેક તેની વાતથી શરમાઈ જતી હતી. આ વાતને દિનેશે ધ્યાનમાં લીધી હતી. કૃતિના આવ્યા પછી રાઘવના મિત્રોની પણ તેમના ઘરે આવ-જા વધી ગઈ હતી. કૃતિ પણ બધા સાથે હસીને વાત કરતી અને એક સંસ્કારી વહુની જેમ બધાની સેવા અને આદરસત્કારમાં વ્યસ્ત રહેતી, પરંતુ બહારના છોકરાઓનું આ રીતે ઘરમાં ભેગા થવું દિનેશને ગમતું નહોતું.





