તમે ઉંમરને વધવાથી રોકી નથી શકતા, પરંતુ વધતી ઉંમરની અસર ઓછી કરી શકો છો. તમે પણ યુવાન અને સક્રિય રહેવા ઈચ્છતા હોય તો અહીં જણાવેલ વાતનું ધ્યાન રાખો :

ખાનપાન
આપણે શું ખાઈએ છીએ અને કેવી રીતે ખાઈએ છીએ તેનો આપણા સ્વાસ્થ્ય, વ્યક્તિત્વ અને સક્રિયતા સાથે સીધો સંબંધ છે. આ સ્થિતિમાં આપણે પોતાના આહાર પર ખાસ ધ્યાન આપવું જેાઈએ.

શું ખાશો
એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર ખાદ્યપદાર્થ જેમ કે ડ્રાયફ્રૂટ્સ, આખું અનાજ, ચિકન, ઈંડા, શાકભાજી અને ફળ ખાઓ. એન્ટિઓક્સિડેન્ટ ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને વૃદ્ધાવસ્થાના લક્ષણોને ધીમા પાડી દે છે. તે ઈમ્યૂન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બનાવીને ઈંફેક્શનથી બચાવે છે.
ઉંમર વધવાની સાથે યાદશક્તિ ઘટવા લાગે છે. તેના માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૧ કપ ગ્રીન ટી પીશો તો યાદશક્તિ ઓછી થશે નહીં.
ઓમેગા-૩ ફેટી એસિડ અને મોનો સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર ખાદ્યપદાર્થ જેમ કે માછલી, ડ્રાયફ્રૂટ, ઓલિવ ઓઈલ વગેરેનું સેવન કરો. ઓમેગા-૩ તમને યુવાન અને સુંદર બનાવે છે અને યુવાનીને જાળવી રાખે છે.
વિટામિન-સી શરીર માટે કુદરતી બોટોક્સ સમાન કાર્ય કરે છે. તેનાથી સ્કિનની કોશિકા સ્વસ્થ રહે છે અને તેના પર કરચલી નથી પડતી. વિટામિન-સી માટે સંતરા, મોસંબી, કોબીજ, આમળા વગેરેનું સેવન કરો.
કંઈ મીઠું ખાવાનું મન કરે તો ઘેરા રંગની ચોકલેટ ખાઓ તે ફ્લેવેનોલથી ભરપૂર હોય છે, જે રક્તવાહિનીની કાર્યપ્રણાલીને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.
બપોરના ભોજનની સાથે એક વાટકી દહીં જરૂર ખાઓ. તે કેલ્શિયમનું ઉત્તમ સ્રોત છે, જે ઓસ્ટિયોપોરોસિસથી બચાવે છે.
જેા તમે યુવાન તથા સક્રિય રહેવા ઈચ્છતા હોય તો ઓવરઈટિંગથી દૂર રહ, જેટલી ભૂખ હોય, તેના ૮૦ ટકા ખાઓ.

શું ન ખાવું
એવા પદાર્થ જેનાથી લોહીમાં શુગરનું સ્તર વધી જાય. આવા પદાર્થથી કમરનો ઘેરાવો વધી જાય છે. વધારે મીઠા ફળ, જ્યૂસ, ખાંડ, ઘઉં વગેરેનું સેવન ઓછું કરો.
સોયાબીન, કોર્ન, કનોલા, ઓઈલના સેવનથી દૂર રહો, કારણ કે તેમાં પોલી સેચ્યુરેટેડ ફેટ વધારે પ્રમાણમાં હોય છે. તેના બદલે બ્રાઉન રાઈસ અને ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો.
લાલ માંસ, પનીર, ફેટયુક્ત દૂધ અને ક્રીમમાં પણ વધારે પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. તેનાથી ધમની બ્લોક થઈ શકે છે.
મેંદામાંથી બનેલી સફેદ બ્રેડ, પાસ્તા, પિઝા વગેરેનું સેવન ઓછું કરો.

કેલરી ઈનટેક પર રાખો નજર
સ્થૂળતા અને કેલરી ઈનટેક વચ્ચે સીધો સંબંધ છે. સ્થૂળતા વધવાથી ન માત્ર સ્વાસ્થ્ય પર અસર થાય છે, સાથે શારીરિક સક્રિયતા પણ ઓછી થાય છે તેમજ ઉંમર વધારે દેખાવા લાગે છે.

જીવનશૈલીમાં બદલાવ
પોતાની રોજબરોજની આદતમાં નાનાનાના બદલાવ લાવીને આપણે લાંબા સમય સુધી યુવાન અને સક્રિય રહી શકો છો:
મગજને હંમેશાં વ્યસ્ત રાખો. કઈ નવું શીખતા રહો, જેથી મગજ સક્રિય રહે અને તમે માનસિક રીતે યુવાન રહી શકો.
કેટલાક હોર્મોન્સ ઉંમરને વધારવા અને સ્વસ્થ બનાવી રાખવામાં યોગદાન આપે છે. ગ્રોથ હોર્મોન્સ, ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન, થાઈરોઈડ, કાર્ટિસોલ અને ડીએચઈ એજિંગની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પોતાના હોર્મોન્સના સ્તર પર નિયંત્રણ રાખો, જેથી તમે એજિંગ સાથે જેાડાયેલ લક્ષણોથી દૂર રહી શકો.
ઓછામાં ઓછા ૬-૭ કલાકની ઊંઘ લો. જ્યારે તમે ઊંઘી રહ્યા હોય ત્યારે સ્કિનની કોશિકા પોતાનું રિપેરિંગ કરતી હોય છે. જેનાથી સ્કિન પરની કરચલી અને ફાઈનલાઈન્સ દૂર થાય છે.
તમે વસ્તુને કયા દષ્ટિકોણથી જુઓ છો, તે પણ એક મહત્ત્વપૂર્ણ કારક છે, જે તમને યુવાન અને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે. તેથી દરેક વસ્તુના સકારાત્મક પાસા જુઓ. પોતાને ખુશ અને મોટિવેટેડ રાખો.

સ્કિનને યુવાન અને સુરક્ષિત રાખો
તાપમાં બહાર જવાથી સ્કિનનો રંગ કાળો પડી જાય છે. આ કાળા ભાગ પર કરચલી પણ જલદી પડી જાય છે. તેથી બહાર જતા પહેલાં કોઈ સારા સનસ્ક્રીનનો ઉપયોગ કરો. સ્કિનને સ્વસ્થ તેમજ હાઈડ્રેટેડ બનાવી રાખવા માટે સ્કિનને અનુરૂપ નોનટોક્સિક મોઈશ્ચરાઈઝરને પસંદ કરો. ઊંઘતા પહેલાં તેને જરૂર લગાવો.

ફેસિયલ એક્સર્સાઈઝ
ફેસ પરની માંસપેશીની એક્સર્સાઈઝ ફેસને કરચલીથી બચાવે છે. માથાને કરચલીથી બચાવવા માટે બંને હાથને માથા પર મૂકો અને આંગળીઓને હેરલાઈન તથા ભ્રમરોની વચ્ચે ફેલાવો. પછી ધીરેધીરે આંગળીઓને હળવા દબાવ સાથે બહાર તરફ સરકાવો.

કેટલીક સારી ફેસિયલ એક્સર્સાઈઝ
ચીક લિફ્ટ : તમારા હાથને હળવાશથી બંધ કરો અને ગાલને આંખ નીચે ખેંચવાની કોશિશ કરો. પછી પહોળા હાસ્ય સાથે હોઠના બાહ્ય ખૂણાને ઉપર તરફ ખેંચો. ૧૦ સેકન્ડ સુધી તે જ મુદ્રામાં રહો. હસવું ગાલ માટે સારી એક્સર્સાઈઝ છે.
ફિશ ફેસ : આ ગાલ અને જડબા માટે સારી એક્સર્સાઈઝ છે. તેનાથી તમારા હોઠ યોગ્ય શેપમાં આવી જાય છે. હળવાશથી હોઠ બંધ કરો. ગાલને શક્ય હોય ત્યાં સુધી અંદર ખેંચો. આ મુદ્રામાં હસવાની કોશિશ કરો અને ૧૫ સેકન્ડ સુધી આ મુદ્રામાં રહો. આ એક્સર્સાઈઝ ૫ વાર કરો.
પપેટ ફેસ : આ એક્સર્સાઈઝ પૂરા ફેસ પર કામ કરે છે. તે ગાલની માંસપેશીઓને મજબૂત બનાવે છે અને તે ઢીલી નથી પડતી. પોતાની આંગળીઓના ટેરવાને ગાલ પર મૂકો અને હસો. ગાલને ઉપર તરફ ખેંચો અને હાસ્યની મુદ્રામાં ૩૦ સેકન્ડ રહો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....