૩૨ વર્ષની અન્વેષાએ જ્યારે એકલા મનાલી ફરવા જવાનો પ્લાન બનાવ્યો ત્યારે ઘરમાં હોબાળો મચી ગયો. તેના સાસુસસરાએ સ્પષ્ટ ના પાડી દીધી કે તેઓ જવાની મંજૂરી ક્યારેય નહીં આપે. અન્વેષા થોડી દ્વિધામાં હતી, કારણ કે લગભગ ૧૦ વર્ષ પહેલાં જ્યારે તે કુંવારી હતી ત્યારે જયપુર એકલી ફરવા ગઈ હતી અને તેને આ યાત્રામાં ખૂબ આનંદ આવ્યો હતો. આ ઘટનાના થોડા સમય પછી તેના લગ્ન થયા અને ત્યાર પછી આ પ્રકારની તક ક્યારેય આવી નહોતી, કારણ કે તેનેે જ્યાં પણ જવું હોય તો તેનો હસબન્ડ રાહુલ તેની સાથે રહેતો હતો.
પરંતુ આ દરમિયાન અન્વેષા પોતાનામાં આત્મવિશ્વાસની ઊણપ અનુભવવા લાગી હતી. તેને લાગતું હતું કે તે પોતે એક ઘરેલુ મહિલા બનીને રહી ગઈ ન હોય, જ્યારે હકીકતમાં બાળપણથી તેણે જીવનમાં આગળ વધવાના સપનાં જેાયા હતા. હવે તેનો દીકરો ૮ વર્ષનો થઈ ગયો હતો, તેથી તે તેના તરફથી પણ ચિંતામુક્ત રહેવા લાગી હતી. ગત વર્ષે તેણે પોતાના સપના પૂરા કરવા માટે વિચાર્યું અને પરિવારજનોની મંજૂરી લઈને જેાબ જેાઈન કરી લીધી હતી. જેનાથી તેને પોતાની એક ઓળખ બનાવવાની તક મળી હોવાનો અહેસાસ થયો.
ઓફિસના કામને લઈને હવે તેને મનાલી જવાનું હતું અને તેણે વિચાર્યું કે જ્યારે જશે ત્યારે ૧-૨ દિવસ ફરી લેશે. રાહુલ પોતાની વ્યસ્તતાના લીધે તેની સાથે જઈ શકે તેમ નહોતો. અન્વેષાએ ફોન પર રાહુલને પૂરી સ્થિતિથી વાકેફ કરી દીધો હતો. જેાકે રાહુલ અન્વેષાને નારાજ કરવા ઈચ્છતો નહોતો અને આમ પણ તે જાણતો હતો કે અન્વેષા ખૂબ હોશિયાર, ભણેલીગણેલી અને સ્માર્ટ છે, જે સરળતાથી પોતાનું ધ્યાન રાખી લેશે.

સપનાની શોધ
રાહુલના આવતા જ જ્યારે તેના માતાપિતાએ અન્વેષાના મનાલી જવાની વાત કરી ત્યારે તેણે પોતાના એક સંબંધીની છોકરીનો ફોટો ફેસબુક પર તેમને બતાવતા કહ્યું, ‘‘પપ્પા, આ સુરભિ છે, નીલમ આંટીની દીકરી. યાદ છે ને જ્યારે તે ૧૦-૧૨ વર્ષની હતી ત્યારે આપણા ઘરે આવી હતી.’’
‘‘અરે આટલી મોટી થઈ ગઈ છે આપણી દીકરી અને તે ક્યાં ફરી રહી છે?’’
‘‘અરે મમ્મી, તે એકલી લંડન ગઈ છે. આજે ત્રીજેા દિવસ છે. તમે જ જેાઈ લો સોલો ટ્રાવેલિંગની મજા લેતા તેના ફેસ પર કેટલો આત્મવિશ્વાસ છલકે છે. શું તમે નથી ઈચ્છતા કે અન્વેષા પણ પોતાની જિંદગીમાં આ રોમાન્ચનો અનુભવ કરે?’’
‘‘પરંતુ બેટા, તેની સુરક્ષાનું શું?’’ પપ્પા બોલ્યા.
‘‘પપ્પા, તમે જરા પણ તેનું ટેન્શન ન લો. હું તેનો ટ્રાવેલિંગ ઈંશ્યોરન્સ કરાવી દઈશ અને તેના જવાઆવવા તથા રહેવાની પ્રોપર અરેન્જમેન્ટ તેની કંપની કરવાની છે. આપણે તેને ટ્રેક કરતા રહીશું અને આમ પણ અન્વેષા ખૂબ નીડર અને સમજદાર છે. થોડું તેને પણ પોતાની મરજી મુજબ જીવી લેવા દો. હવે તે નાની બાળકી નથી જે પોતાનું ધ્યાન ન રાખી શકે. તે પોતાના પર્સમાં આમ પણ પેપર સ્પ્રે અને ચપ્પુ રાખીને બહાર જતી હોય છે, પછી ડર કઈ વાતનો?’’
સાસુસસરાને રાહુલની વાત સમજમાં આવી ગઈ અને તેમણે પણ આખરે મંજૂરી આપી દીધી. પછી અન્વેષા પતિના સપોર્ટ અને હિંમતના જેારે પોતાના સપનાની શોધમાં નીકળવા માટે તૈયાર થવા લાગી.

સોલો ટ્રાવેલિંગનો ક્રેઝ
છોકરીઓ અને મહિલાઓમાં આજકાલ સોલો ટ્રાવેલિંગનો ક્રેઝ વધી રહ્યો છે. આમ પણ પહેલાંના સમયમાં છોકરીઓ એકલી ક્યાંય પણ જતાં પહેલાં સો વાર વિચારતી હતી, પરંતુ આજની છોકરીઓ ભણેલીગણેલી અને આઝાદ વિચારો ધરાવે છે. તેઓ પણ છોકરાઓની જેમ સોલો ટ્રાવેલિંગના રોમાંચનો અનુભવ ઈચ્છતી હોય છે.
માત્ર યુવતીઓ જ નહીં, પરંતુ ૫૦ અને તેનાથી વધારે ઉંમરની મહિલાઓ હવે ગ્રૂપમાં અથવા એકલા ફરવા જવાનું પસંદ કરવા લાગી છે. જિંદગીને પોતાના હિસાબે જીવવાની પ્રબળ ઈચ્છા લઈને મહિલાઓ પોતાની બેગ પેક કરીને નીકળી પડે છે. આજે દુનિયા વર્ચ્યુઅલ થવાથી જવાઆવવા, રહેવા અને ખાણીપીણીની સુવિધા પણ બધી જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. કેટલીક વાતનું ધ્યાન રાખીને તમે તમારી યાત્રાને વધારે સુરક્ષિત, આનંદમય અને આરામદાયક બનાવી શકો છો, ખાસ જ્યારે તમે સોલો ટ્રાવેલ કરી રહ્યા છો.
પરંતુ જેા તમે એકલા યાત્રા કરી રહ્યા છો તો નીચે જણાવેલી વાતનું ખાસ ધ્યાન રાખો :

સાવચેતીથી સ્થળ પસંદ કરો
સ્થળની પસંદગી ખૂબ ધ્યાનપૂર્વક કરો. કોઈ પણ પર્યટન સ્થળને માત્ર એટલે પસંદ ન કરો કે તમારું કોઈ પરિચિત ત્યાં ગયું હતું અથવા ફોટોગ્રાફમાં તે જગ્યા સારી દેખાતી હતી. તેના બદલે સૌપ્રથમ તે સ્થળ વિશેની પૂરી માહિતી મેળવી લો અને સમજવાનો પ્રયાસ કરો કે શું તમારી પસંદ અને સુવિધાના દષ્ટિકોણથી તે જગ્યા યોગ્ય છે. ત્યાં જવા માટે કઈ ઋતુ ઠીક રહેશે તથા કેવી રીતે જવું સુરક્ષિત રહેશે. ત્યાં રહેવાની કેવી વ્યવસ્થા છે અને સોલો ટ્રાવેલિંગના દષ્ટિકોણથી ત્યાં તમને કઈકઈ સુવિધા મળી શકે તેમ છે. ત્યાં નજીકના રેલવે સ્ટેશન, એરપોર્ટ, રોડમાર્ગ, હોટલ, ખાણીપીણીની વ્યવસ્થા, માર્કેટ, પોલીસ સ્ટેશન તેમજ ફેમસ જગ્યા વગેરે વિશે પણ બરાબર સમજીજાણીને નિર્ણય લો.

સ્માર્ટ વોલેટ જરૂરી
સ્માર્ટ વોલેટ રાખો. કહેવાનો અર્થ એ કે કેશ ઓછી અને કાર્ડથી વધારે કામ લો, પરંતુ થોડી કેશ પણ રાખો, જેથી તમે લોકલ માર્કેટમાં સરળતાથી શોપિંગ કરી શકો અથવા બીજી કોઈ જરૂરિયાતના સમયે કેશ પૈસા તમને કામ લાગી શકે. સમય ભલે ને હવે કેશ લેસનો થયો હોય, પરંતુ આજે પણ ઘણી બધી જગ્યાએ કેશ માંગવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ એટીએમની સુવિધા નથી હોતી. તમે વિદેશ જઈ રહ્યા છો તો થોડી ત્યાંની કરન્સી પણ પાસે રાખો અને ત્યાંના લોકલ મોડ ઓફ પેમેન્ટને પણ ફોનમાં ડાઉનલોડ કરીને રાખો.

હોટલ બુક કરતી વખતે ધ્યાન રાખો
ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી હોટલ, ધર્મશાળા અથવા હોમસ્ટેમાં રહેવું બજેટ સેવિંગ માટે બેસ્ટ રહે છે, પરંતુ જેા તમે ઓનલાઈન હોટલ બુક કરાવવાનું વિચારો છો તો કોઈ સારી અને વિશ્વાસપાત્ર ટ્રાવેલ સાઈટ પરથી બુક કરાવવી ઉત્તમ રહેશે. બુકિંગ પહેલાં એ વાતની જાણકારી પણ લો કે હોટલ કોઈ એવી જગ્યાએ ન હોય જ્યાં જવા આવવા માટે ટ્રાન્સપોર્ટ સુવિધા મુશ્કેલ હોય. સાથે એ પણ જુઓ કે હોટલના રૂમના લોક અને ફોન યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં. ખાસ ચેક કરો કે રૂમ અથવા વોશરૂમમાં કોઈ પણ પ્રકારના હિડન કોમેરા લગાવેલા ન હોય.

જરૂરી દસ્તાવેજેા બાબતે સાવધાની
ટ્રાવેલ દરમિયાન જેા વોટર આઈડી, આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ટિકિટ, હોટલ રિઝર્વેશન જેવા જરૂરી ડોક્યુમેન્ટ ભૂલ્યા વિના પોતાની સાથે રાખો. બધા જરૂરી કાગળ જેમ કે વિઝા, પાસપોર્ટ, આધારકાર્ડ વગેરેની ઓછામાં ઓછી ૨ ઝેરોક્ષ કોપી સાથે લો. દેશમાંથી બહાર જવાની સ્થિતિમાં ટ્રાવેલ ઈંશ્યોરન્સ જરૂર કરાવો. તેનાથી તમને તમારી સાથે તમારા સામાન સુધ્ધા માટે સુરક્ષાકવચ મળી જશે, જે મુશ્કેલીના સમયમાં ખૂબ કામમાં આવશે.

મોબાઈલને તૈયાર રાખો
મોબાઈલ સિમને સ્થળ મુજબ પ્રીપેડ બેલેન્સ અને ડેટા સાથે તૈયાર રાખો. કોશિશ કરો કે દરેક જગ્યાએ વાઈફાઈ યૂઝ ન કરવું પડે. જેા ક્યાંક વાઈફાઈ ન પણ હોય તો તમારો મોબાઈલ ડેટા કામ લાગશે. તેના માટે સૌથી ઉત્તમ કનેક્ટિવિટીવાળું સિમ અને પ્લાન પસંદ કરો.

સ્થળની સંપૂર્ણ જણકારી મેળવો
જે પણ જગ્યાએ જઈ રહ્યા છો ત્યાંના લોકલ ટ્રાન્સપોર્ટ, લેંગ્વેજ અને ખાણીપીણીની સંપૂર્ણ જાણકારી લો. ઓછામાં ઓછું જરૂરી શબ્દો જેમ કે હેલ્પ, બાથરૂમ, ભોજન, હોટલ, પોલીસ સ્ટેશન વગેરેને લોકલ લેંગ્વેજમાં શું કહે છે તેનું ધ્યાન રાખો. ખાણીપીણીની આદતોના હિસાબે તે જગ્યા પરના ઓપ્શન શોધી રાખો.

જગ્યાના હિસાબે જરૂરિયાતની વસ્તુ રાખો
ભલે ને તમે બીચ પર જાઓ કે પહાડો પર, દરેક જગ્યાએ ત્યાંની ઋતુ અને આબોહવાના દષ્ટિકોણથી કેટલીક વસ્તુ જરૂરી હોય છે, જેમ કે દરિયાકિનારે જાય તો તમને બીચ અંબ્રેલા, સ્વિમિંગ કોસ્ચ્યૂમ, વોટરપ્રૂફ બેગ વગેરેની જરૂર પડશે, જ્યારે પહાડો પર બરફમાં પહેરવાના બૂટ અને જેકેટ્સ. તેને ખરીદીને સાથે લઈ જવા ઉત્તમ આઈડિયા છે.
એક્સ્ટ્રા લગેજ અને સામાન સંભાળવાની ઝંઝટથી બચવા માટે આવી બધી વસ્તુને તે જગ્યા પરથી ભાડા પર લઈ શકો છો. આ બધું ક્યાં મળશે તેની માહિતી નેટ પર અથવા સ્થાનિક હોટલ કે દુકાનદાર પાસેથી તમને મળશે. જેા તમને હાઈજીન બાબતે ચિંતા હોય તો તેને લગતા સામાનને એક દિવસ પહેલાં લઈને સેનેટાઈઝ કરો અથવા ધોઈને બરાબર સૂકવી લો. યાદ રાખો નાનીમોટી કેટલીક વસ્તુ સ્થળ પર જઈને ખરીદો.

બેઝિક દવાઓ સાથે રાખો
ટ્રાવેલ દરમિયાન શક્ય છે કે તમારી તબિયત ખરાબ થઈ જાય. આ સ્થિતિમાં કેટલીક જરૂરી દવા કામમાં આવશે. પેટના દુખાવાની, લૂઝ મોશન, ગેસ, પેઈન કિલર, તાવ, ખાંસીશરદી વગેરેની દવા પોતાની સાથે રાખો, જેથી કોઈ પણ બીમારીની સ્થિતિમાં તમારે બજારમાં દોડવું ન પડે અને તમારી તબિયત વધારે ખરાબ ન થાય.

સાવચેત રહો
યાત્રા પર જાઓ ત્યારે આંખ બંધ કરીને કોઈની પર વિશ્વાસ ન કરો, તેમાં પણ ખાસ કરીને કોઈના ઘરે રોકાતા, ખાવાનું ખાતા અથવા લિફ્ટ લેવા જેવા કિસ્સામાં. જેા આવું કરવું પડે તો પોતાની સાથે બેેઝિક સેફ્ટી માટે પેપર સ્પ્રે, નાનું ચપ્પુ વગેરે જરૂર રાખો અને કોઈ પણ જગ્યાએ જતી વખતે લોકેશનનું નામ, સરનામું વગેરેને પોતાના પરિવારજનો સાથે શેર કરો.
કોઈ પણ નિર્જન જગ્યા પર બિલકુલ એકલા જવાના બદલે કોઈ ગ્રૂપની આસપાસ રહો અને સમયસર પોતાની હોટલ અથવા ટેક્સી બસ વગેરે પર પહોંચી જાઓ. ફ્લાઈટ, ટ્રેન, બસ વગેરે છૂટી જતા ગભરાઈ ન જાઓ. તેના બદલે એરપોર્ટ અથવા રેલવે સ્ટેશન પર અધિકારીઓ પાસેથી આગળની જાણકારી મેળવો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....