૨૦૦૬ નીરજ વોશથી નિર્દેશિત કોમેડી ફિલ્મ ‘ફિર હેરાફેરી’ આવી હતી. વર્ષ ૨૦૦૦ માં આવેલી ‘હેરાફેરી’ ફિલ્મની આ ફિલ્મ સીકવન્સ હતી. ફિલ્મના એક સીનમાં અક્ષયકુમાર એટલે કે રાજુ લક્ષ્મી ચિટ ફંડ કંપનીની વાતમાં આવી જાય છે, જે માત્ર ૨૧ દિવસમાં પૈસા ડબલ કરી આપવાનું વચન આપતી હતી. લલચાઈને રાજુ પોતાની પૂરી સંપત્તિનું ચિટ ફંડમાં રોકાણ કરે છે.
૨૧ દિવસ પછી જ્યારે રાજુ પોતાના ડબલ થયેલા પૈસા લેવા માટે જાય છે ત્યારે જેાવા મળે છે કે લક્ષ્મી ચિટ ફંડવાળા લોકોને છેતરીને લાપતા થઈ ગયા છે.
આ ફિલ્મી સીન તે દિવસોમાં એ હકીકતને ઉજાગર કરતો હતો, જ્યારે ‘ચિટ ફંડ’ ના નામે એવી ટોળકીઓ એક્ટિવ થઈ ગઈ હતી, જે લોકોને લાલચ આપીને તેમની પાસે કંપનીમાં રોકાણ કરાવતા હતા અને સમય જતા શટર પાડીને ગાયબ થઈ જતા હતા.
આજે ભલે ને લોકોને લાલચ આપીને છેતરવાની આ રીત જૂની થઈ ગઈ હોય, પરંતુ લાલચ આપીને ફસાવવાનો આ સિલસિલો હજી ચાલુ રહ્યો છે અને આ રીતે લોકોને છેતરનાર ઠગ ટોળકીઓ મોટા સ્તરે ફેલાયેલી છે, જે નવા જમાના સાથે ડિજિટલ અને હાઈટેક રીતે પોતાની યોજનાને સફળતાપૂર્વક પાર પાડી રહી છે.

બનાવટી એપની આડમાં છેતરપિંડી
ઓગસ્ટ મહિનામાં ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં તેલંગાણા પોલીસે મુગલસરાયના રવિનગર મહોલ્લામાંથી એક વેપારીના દીકરા અભિષેક જૈન અને તેના એક સાથીની ૯ કરોડ, ૮૧ લાખ રૂપિયા સાથે ધરપકડ કરી હતી. આ બંને પર આરોપ હતો કે તેઓ નકલી એપ બનાવીને પ્રપંચ અને છેતરપિંડી કરી રહ્યા છે.
આ બંને એક એપાર્ટમેન્ટમાં બેસીને બનાવટી એપથી લોકોને છેતરીને નાણાં પડાવતા હતા. અભિષેક જૈને એક એપ બનાવી હતી, જેના દ્વારા તે અને તેનો સાથી લોકોને ઠગીને પૈસા પડાવતા હતા. આ બંને ભોળા અને લાલચુ લોકોને ફસાવવા માટે નક્કી કરેલી મુદતમાં જમા કરાવવામાં આવેલી રકમને બમણી કરી આપવાની લાલચ આપતા હતા. આ બંને ઠગોએ સાથે મળીને અનેક લોકોને છેતર્યા હતા અને તેમની પાસેથી કરોડો રૂપિયા ઠગીને ફરાર થઈ ગયા હતા. ત્યાર પછી તેમની વિરુદ્ધ સાઈબર સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. આજે ડિજિટલ યુગમાં બધા પાસે સ્માર્ટફોન આવી ગયા છે. લોકો પણ પોતાના મોટાભાગના કામ સ્માર્ટફોન દ્વારા કરી રહ્યા છે. તેમાં પણ જ્યારથી કોરોનાની મહામારી ફેલાઈ ત્યારથી દરેક કામ ઓનલાઈન થતા ડિજિટલ થવું લોકોની જરૂરિયાત બની ગયું છે. આજે ડિજિટલ એપ્લિકેશન દ્વારા લોકો હજારો લાખોના ટ્રાંજેક્શન કરી રહ્યા છે. તેમાં ગૂગલ-પે, ફોન-પે, ભારત-પે જેવી એપ્લિકેશન છે.

આજે ગામશહેરની નાનીમોટી દુકાનોમાં લોકો ક્યૂઆર કોડથી પૈસાની લેવડદેવડ કરી રહ્યા છે. બાળકોના ઓનલાઈન શિક્ષણથી લઈને વર્ક ફ્રોમ હોમના લીધે લોકોે ડિજિટલી જેાડાયા છે. આ બધાએ લોકોને સગવડ આપી દીધી, પરંતુ તેના લીધે લોકોને ખૂબ ભારે નુકસાન થવા લાગ્યું છે. ફ્રોડ કરનારાઓ તેનો લાભ ઉઠાવીને લોકોને ખૂબ છેતરી રહ્યા છે. તેઓ એ વાત જાણી ચૂક્યા છે કે ઘણા બધા લોકો એવા છે જેમણે હજી ફોન વાપરતા શીખ્યો જ છે, તેમને વધારે જાણકારી નથી. તેઓ આધુનિક ટેક્નોલોજીના એટલા જાણકાર નથી, તેથી તેમને બીજાની સરખામણીમાં છેતરવા સરળ છે. આ સ્થિતિમાં આવા લોકોને ટ્રેપ કરવા તેમના માટે સરળ થઈ જાય છે.

ઈન્ટરનેટ પર ભારે પડ્યા છે નકલી એપ
આજે નકલી એપ્સ ખૂબ મોટી સંખ્યામાં ઈન્ટરનેટ પર છે. આવા નકલી એપના માધ્યમથી ફ્રોડ કરનારા અડધી અધૂરી જાણકારી ધરાવતા લોકોને પોતાનો શિકાર બનાવતા હોય છે. તેમને લાલચમાં વિવિધ પ્રકારની ખૂબ લાલચુ ઓફર આપતા હોય છે. સેક્સ્યુઅલ કન્ટેન્ટથી આકર્ષિત કરતા હોય છે. આવા ફ્રોડ કરનારમાં એક મોટી સંખ્યામાં ટીનેજર અને યુવાન છોકરાછોકરી હોય છે. બીજું છેતરાનારની મોટી સંખ્યા વડીલોવૃદ્ધોની હોય છે, જે આવી બનાવટી એપ્લિકેશન પર લાલચમાં ફસાઈને શિકાર બની જાય છે.
ગૂગલની બધી સિક્યોરિટી હોવા છતાં આવા ઠગો નકલી એપથી લોકોનો ડેટા ચોરવાની સાથે તેમના બેંક ખાતામાં ચોરી કરી રહ્યા છે. તાજેતરમાં આવી એક ચોંકાવનારી જાણકારી સામે આવી હતી, જેમાં ૧૫૧ બનાવટી એન્ડ્રોઈડ એપથી લોકોને તેમની જાણકારી વિના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પેકેજના નામે છેતરવામાં આવ્યા હતા. આ એપ ૧ કરોડ કરતા પણ વધારે વાર ડાઉનલોડ કરવામાં આવી હતી.
‘અલ્ટિમા એસએમએસ’ નામના આ પ્રીમિયમ એસએમએસ કૌભાંડની શરૂઆત મે, ૨૦૨૧ માં થઈ હતી, તેમાં કીબોર્ડ, ક્યૂઆર કોડ સ્કેનર, વીડિયો અને ઈમેજ એડિટર, સ્પેમ કોલ બ્લોકર્સ, કેમેરા ફિલ્ટર અને કેટલીક ગેમ એપ સામેલ હતી. પાકિસ્તાન, સાઉદી અરબ, ઈજિપ્ત, સંયુક્ત અરબ અમીરાત, અમેરિકા, પોલેન્ડ અને મધ્યપૂર્વના દેશોના ઘણા બધા લોકો દ્વારા આ પ્રકારની નકલી એપ મોટી સંખ્યામાં ડાઉનલોડ કરવામાં આવી હતી. આ બનાવટી એપ્સે ફીચર્સ યૂઝ કરવાના બહાને યૂઝર્સ પાસેથી પહેલાં તેમના ફોન નંબર અને ઈમેલ આઈડીની જાણકારી લીધી હતી. ત્યાર પછી યૂઝર્સના લોકેશન અને મોબાઈલ કરિયરના આધારે પ્રીમિયમ એસએમએસ સર્વિસ માટે તેમને પૈસા આપવા માટે વિવશ કરવામાં આવ્યા હતા. આ રકમ મહિનામાં ૩ હજાર રૂપિયાથી વધારે હતી.

એપથી ટ્રેપમાં ફસાવવા
હાલમાં આવી બનાવટી એપના કિસ્સા સામે આવ્યા પછી ગૂગલે તેમાંની કેટલીક એપને પ્લે સ્ટોર પરથી દૂર કરી દીધી હતી, પરંતુ ત્યાર પછી પણ ગૂગલ પ્લે સ્ટોર પર ૧૯ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીમાં આવી ૮૨ એપ હતી, જેની સંખ્યા ખરેખર વાસ્તવમાં ખૂબ વધારે હશે. ભારતમાં અવારનવાર આ પ્રકારના એપથી લોકોને ટ્રેપમાં ફસાવવામાં આવી રહ્યા છે. માર્કેટિંગ કરવા માટે ફેસબુક, ઈંસ્ટાગ્રામ, સ્નેપચેટ જેવી સોશિયલ સાઈટ આવા ઠગ માટે અનુકૂળ જગ્યા બની ગઈ છે. તેમાંની કઈ સાચી છે અને કઈ નકલી તે ઓળખવું ખૂબ મુશ્કેલ બની જાય છે. નકલી એપ સોશિયલ સાઈટ પર ગેમિંગ એપના માધ્યમથી દેખાતી હોય છે. પોર્ન સાઈટ પર આ પ્રકારની નકલી એપની રેકમંડેશન ભરેલી હોય છે, જે સેક્સી ચેટ અથવા વીડિયો કોલ કરવાનું કહીને લોકોને ફસાવતા હોય છે.

સાવધાની હટી, દુર્ઘટના ઘટી
એક રિપોર્ટ અનુસાર, કોરોના મહામારી દરમિયાન ૨૦૧૯ ની સરખામણીમાં ફિશિંગ અને સાઈબર છેતરપિંડીમાં ૨૪૨ ટકાનો વધારો થયો છે. જાન્યુઆરીથી લઈને નવેમ્બર ૨૦૨૦ સુધીમાં રિમોટ ડેસ્કટોપ પ્રોટોકોલ પર લગભગ ૩૩૦ કરોડ એટેક થયા છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં ૩.૬ કરોડ એટેક થયા હતા જે ૨૦૧૯ માં થયેલા ૧.૮ કરોડ એટેકથી ડબલ હતા. સાઈબર સિક્યોરિટી રિસર્ચર એ ગૂગલ પ્લે સ્ટોર પર લગભગ ૧૬૭ બનાવટી એપ જેાયા છે જે સાઈબર અપરાધ અને છેતરપિંડીની એક્ટિવિટીમાં સામેલ છે. આ એપ્સને ચેક કરતા રિસર્ચરને જાણ થઈ છે કે આ બધી એપ્સ ફાઈનાન્સિયલ ટ્રેડિંગ, બેકિંગ અથવા બ્લોક ચેન બેઝ ફાઈનાન્સિયલ એપ જેવા હતા. તેની નકલ બિલકુલ અસલી એપ જેવી હતી તેમજ તેના ફીચર્સ ઘણી બધી રીતે અસલ એપને મળતા આવતા હતા. જરૂરી વાત એ છે કે આવા એપ્સની ઓળખ કરવામાં આવે અને સાવચેત રહેવામાં આવે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અથવા ખોટી સાઈટ પર વિઝિટ કરતા આવી અપની રીકમંડેશન આવે છે અને તેનાથી ખાસ સાવચેત રહેવાની જરૂર છે.

છેતરપિંડીના માધ્યમ
લોન આપતીલેતી એપ : આ નકલી એપ પરથી લોનની છેતરપિંડીના કિસ્સા ખૂબ ઝડપથી વધી રહ્યા છે. લોન દ્વારા છેતરપિંડી કરનારા લોન આપતા નથી હોતા, વિપરીત તમારી પાસેથી લઈ લેતા હોય છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે આજે ઠગોની ચુંગાલમાં લોકો સરળતાથી ફસાઈ રહ્યા છે. આજકાલ મોબાઈલ સર્વસુલભ બની ગયા છે, તેથી ફ્રોડની જંજાળ ખૂબ વધી ગઈ છે. મોબાઈલના પ્લેસ્ટોરમાં આવા અગણિત એપ ભરેલા પડ્યા છે જે સસ્તામાં લોન આપવાના દાવા કરતા હોય છે. અહીંથી લોભલાલચનો સમયગાળો શરૂ થાય છે. ઘણું ખરું જે લોકો આ ટેક્નિકથી અજાણ હોય છે તેમના ફસાવાની શક્યતા વધારે રહે છે.

ડેટિંગ એપનો ઉપયોગ : નકલી એપથી ફ્રોડબાજી સૌથી વધારે ડેટિંગ એપના માધ્યમથી થાય છે. સાઈબર ક્રિમિનલ ડેટિંગ પ્લેટફોર્મ પર એક પ્રોફાઈલ મૂકતા હોય છે અને એક વિક્ટિમ ટાર્ગેટ સાથે મિત્રતા કરે છે. ત્યાર પછી તેમને આવી નકલી એપ ઈંસ્ટોલ કરવાનું કહેવામાં આવે છે. આ નકલી એપમાં પૈસા અને ક્રિપ્ટોકરંસી એડ કરવા માટે કહેવામાં આવે છે. પછી જેા ટાર્ગેટ તે પૈસા ઉપાડી લેવા ઈચ્છે તો પણ ઉપાડી શકતા નથી, કારણ કે ઠગ તેમના એક્સેસને બ્લોક કરે છે.

ગેમિંગના બહાને : સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા અનક એપના ઓપ્શન આવે છે. આ એપમાં ૧૫-૨૦ સેકન્ડનો વીડિયો હોય છે, જેમાં કોઈ ગેમ ચાલે છે. બાળકો અથવા ટીનેજર્સ આ એપથી એટ્રેક્ટ થાય છે અને તરત તેને ઈંસ્ટોલ પણ કરી દેતા હોય છે. જેાકે આ એપ ખૂબ ભયજનક પણ હોઈ શકે છે. ટીનેજર્સ ગેમ રમવાના ઉત્સાહમાં ઘણી વાર ઈંફર્મેશન સુધ્ધા આ એપને આપતા હોય છે. જે ખૂબ પ્રાઈવેટ હોય છે. તેમાં કોઈ પ્રકારનો ઓટીપી નંબર, બેંક ડિટેઈલ વગેરે હોઈ શકે છે અથવા સબ્સ્ક્રિપ્શન કરાવવાની વાત હોઈ શકે છે.

ધમાકેદાર ઓફર : ધમાકેદાર ઓફરમાં કોઈ પણ પ્રકારના ગિફ્ટહેમ્પરની લાલચ અપાય છે. ઘણી વાર ઘરમાં મહિલાઓ પોતાના ફોનમાં ગ્રોસરીનો સામાન જુએ છે. સોશિયલ મીડિયા પર ફલાણી એપ ઈંસ્ટોલ કરવા પર ગ્રોસરી સામાનની ખરીદીમાં ડિસ્કાઉન્ટ, મફત અથવા ગિફ્ટ જેવી લાલચ આવે છે. તેના માટે નકલી એપ તેમને કહે છે કે ૧૦૦ લોકોને વોટ્સએપ પર લિંક મોકલવા પર ગિફ્ટ મળશે અથવા કેટલીક રકમ સીધી એકાઉન્ટમાં મોકલી અપાશે. જે રીતે પ્રોસિજર જણાવવામાં આવે છે, મહિલાઓ તે જ કરતી હોય છે. આવું કરીને તેઓ ઠગને પોતાની પ્રાઈવેટ ડિટેઈલ સુધ્ધા મોકલી દેતી હોય છે અને ફ્રોડનો શિકાર બની જાય છે.
– રોહિત.

વધુ વાંચવા કિલક કરો....