ભરતગૂંથણ એમ તો દાયકાથી મહિલાઓમાં એક લોકપ્રિય શોખ રહ્યો છે. આપણે પણ સમજણા થતા પોતાની માને સોયમાં દોરો પરોવીને ગૂંથણ કરતા જેઈ હશે. એકબીજા પાસેથી ક્રોશિયાથી બનાવવામાં આવતી અલગઅલગ ડિઝાઈન શીખવી અને બીજાને શીખવવી ખૂબ ખુશી આપે છે, સમય જતા આ શોખ હવે આઉટડેટેડ થઈ ગયો છે અને યુવતીના હાથમાં ટીવી રિમોટ, સ્કૂટી, લેપટોપ, મોબાઈલ અને કાર આવી ગયા છે. ભરતગૂંથણ કરનારને પૂછો તો જાણશો કે આ કામમાં તેમને કેટલી ખુશી અને શાંતિ મળતા હતા.
ભરતગૂંથણ માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં લોકપ્રિય શોખ રહ્યો છે. વિદેશમાં ડોક્ટરો હાઈ બ્લડપ્રેશર અને તાણ જેવી બીમારીની સારવારમાં ભરતગૂંથણ કરવાની સલાહ આપે છે. અમેરિકાના કેલિફોર્નિયાની યાત્રા દરમિયાન ઓકલેન્ડમાં રહેવાનું થયું હતું. લેક મેરિટની પાસે આવેલી એક નાનકડી સુંદર લાઈબ્રેરીમાં મારે જવાનું થયું હતું. લાઈબ્રેરિયને મને એક કાગળ પકડાવતા કહ્યું કે ચાલો, તેમાં લખેલી છે અમારી સાપ્તાહિક ઈવેન્ટ.

જેાઈને આશ્ચર્ય થયું
વાંચીને આશ્ચર્યમાં પડી ગઈ. તેમાં દર ગુરુવારે ગૂંથણની ઈવેન્ટ રાખવામાં આવી હતી. હું સુખદ આશ્ચર્ય સાથે લાઈબ્રેરિયન પાસે ફરીથી ગઈ. મેં ભરતગૂંથણવાળી ઈવેન્ટ પર આંગળી મૂકીને કહ્યું, ‘‘આ શું છે?’’
હજી હું આગળ કઈ પૂછું તે પહેલાં તેમણે કહ્યું, ‘‘અમે તમને ક્રોશિયા અને ઊન અહીંથી આપીશું. તને તેના દ્વારા અહીં ડિઝાઈન શીખી શકશો. અહીં બીજા ઘણા બધા લોકો પણ આવશે. તમે એકબીજા સાથે પોતપોતાની ડિઝાઈનની આપલે અને નવીનવી ડિઝાઈન શીખી શકશો. હું ખૂબ ખુશ થઈ ગઈ અને મને વિશ્વાસ થઈ ગયો કે તેઓ ખરેખર મારા મનની વાત કરી રહ્યા છે.
તે દિવસે મંગળવાર હતો અને હું ખૂબ આતુરતાથી ગુરુવારની રાહ જેાઈ રહી હતી. ઈવેન્ટનો સમય ગુરુવારે બરાબર ૩.૩૦ વાગ્યાનો સમય હતો. મેં લાઈબ્રેરીમાં પ્રવેશ કર્યો ત્યારે જેાયું તો ૫-૬ લોકો પહેલાંથી ત્યાં બેઠા હતા. એક ૮૦ વર્ષની મહિલા પોતાના ૧૦ વર્ષના પૌત્રની સામે બેઠી હતી. એક ૪૫ વર્ષની સ્પેનિશ મહિલા પોતાના ટૂલ બોક્સ સાથે હતી. બીજા ઘણા બધા લોકો લાઈબ્રેરીમાં બેઠા હતા. મેં પણ ગૂંથણની પોતાની ડિઝાઈન કાઢી.
લાઈબ્રેરિયને અમારી સામે ઘણી બધી ટોપલી મૂકી હતી, જેમાં અનેક રંગબેરંગી ઊન, જાતજાતના ગૂંથણ કરવાના સોયા, બટન, હૂક અને બીજા પણ ન જાણે ખૂબ ટૂલ્સ હતા, જે મેં ભારતમાં ક્યારેય જેાયા નહોતા. લાઈબ્રેરીમાં ૧ કલાક ક્યારે પસાર થઈ ગયો તેની જાણ ન થઈ. હું આ લાઈબ્રેરીમાંથી એમ વિચારતા બહાર નીકળી કે ભરતગૂંથણની કળા માત્ર ભારતીય મહિલાઓની નથી, પણ પૂરી વિશ્વની મહિલાઓનો આ પ્રિય શોખ છે.

હાથે બનાવેલી વસ્તુથી સંતોષ મળે છે
મેં થોડીથોડી વાત કરતાંકરતાં લાઈબ્રેરીમાં બેઠેલી મહિલાઓ અને પુરુષ પાસેથી જાણ્યું કે આ બધા તેમના શોખ છે અને શોખથી મનુષ્ય રિલેક્સ રહે છે. હાથથી બનાવેલી વસ્તુથી જે ખુશી અને સંતોષ મળે છે, તે આત્મિક શાંતિ મેળવવાનું એક માધ્યમ પણ છે. ભારતમાં પરત આવીને પોતાના ભરતગૂંથણના કામને વધારે ઉત્સાહથી કરવા લાગી. હવે હું બિલકુલ નિશ્ચિંત થઈને મુંબઈ લોકલ ટ્રેનમાં અથવા મેટ્રોમાં, મરીન લાઈનના દરિયા કિનારે અથવા સોસાયટીના પાર્કમાં ગૂંથણ કરવા લાગી. આ ગમતા કામમાં મગ્ન થઈને બેઠેલી મને ઘણા બધા લોકોએ જેાઈ હતી.
મરીન લાઈનના કિનારે એક દિવસ એક મહિલાએ સંકોચ સાથે મને પૂછ્યું, ‘‘તમે શું બનાવી રહ્યા છો?’’ ત્યારપછી તેમનો બીજેા પ્રશ્ન હતો, ‘‘શું મને પણ શીખવશો?’’ મારે પણ બીજું શું જેાઈએ. બસ મારું ભરતગૂંથણ ચાલવું જેાઈએ. બીજા દિવસે જેાયું તો તે મહિલા ક્રોશિયા લઈને મરીન લાઈનના કિનારે હાજર હતી. તેમને દરરોજ હું ભરતગૂંથણની નવીનવી ટિપ્સ આપતી રહેતી અને માત્ર ૧ મહિનામાં તેમનું બેબી સ્વેટર બની ગયું. તે સમયે તેમના કરતા વધારે ખુશી મને થઈ હતી.

ઘણા શોખીનો છે
મારો ભરતગૂંથણનો શોખ લોકલ ટ્રેન અને મેટ્રોમાં ફેલાઈ ગયો છે. કેટલાક લોકો શીખવા પણ ઈચ્છતા હતા, પરંતુ રોજ તે જ ટ્રેન અને તે જ ડબ્બામાં ટ્રાવેલ થશે કે નહીં તે વિશે વિચારીને મન દુખી થઈ જતું હતું. બીજી તરફ મારા શિષ્યો પણ લોકલ ટ્રેનમાં ગૂંથણકામ કરતા ત્યારે સહયાત્રીઓ તેમને પૂછતા અને તેઓ લંચ અવરમાં મારી પાસે જિજ્ઞાસુઓને લઈને આવતા અને કહેતા, ‘‘આ લોકો પણ શીખવા ઈચ્છે છે.’’ તે સમયે હું હસી પડતી. એક દિવસ મારી બોસે મારા માસ્કની ક્રોશિયા લેસને જેાઈને પૂછ્યું, ‘‘તને ક્રોશિયા વર્ક આવડે છે?’’
મેં હસીને કહ્યું હતું, ‘‘મને નિટિંગ પણ આવડે છે.’’ તેમણે કહ્યું, ‘‘શું મને શીખવીશ?’’
મારું હસવું ન અટક્યું. અહીં આ બધા ઉદાહરણ આપવાનો મારો ઉદ્દેશ એ છે કે આપણે બધા હાથથી ભરેલીગૂંથેલી અને બનાવેલી વસ્તુના શોખીન છીએ અને તેને બનાવવા અને બીજા પાસેથી શીખવા પણ ઈચ્છીએ છીએ, પરંતુ કોઈ માર્ગદર્શન આપવાવાળું નથી મળતું. જેાકે મને ખુશી છે કે આજે હું આ કામમાં કોઈને પ્રેરણારૂપ બની રહી છું અને મારી અમેરિકાથી ભારત સુધીની ભરતગૂંથણની યાત્રા મને હંમેશાં આનંદિત કરે છે.
– સંગીતા શેઠી.

વધુ વાંચવા કિલક કરો....