અમિત ૧૦ વર્ષનો છે. આજે તે પૂરા ઘરમાં એકલો હતો, કારણ કે તેની માને અચાનક પોતાના પિતાની ખરાબ તબિયતના લીધે હોસ્પિટલ જવું પડ્યું હતું. તે સમયે અમિત સ્કૂલમાં ભણતો હતો, તેથી તેની માએ પાડોશણને અમિતનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું.
અમિત સ્કૂલેથી આવ્યો ત્યારે થોડી વાર બાજુમાં રહેતા આંટીના ઘરે રોકાયો, પરંતુ થોડી વાર પછી પોતાના ઘરે આવી ગયો અને દરવાજેા બંધ કરીને ઊંઘી ગયો. લગભગ ૧ કલાક પછી તે જાગ્યો ત્યારે ઘરમાં એકલો હોવાથી ડરવા લાગ્યો. તેને વારંવાર લાગ્યું જાણે કે દરવાજાની બહાર કોઈ ઊભું છે. તેણે દરવાજેા ખોલીને જેાયું.
બહાર કોઈને ન જેાતા તે વધારે ડરી ગયો. તેને એ વાતનો પણ ડર લાગી રહ્યો હતો કે હવે મમ્મી પાછી નહીં આવે. તે તેનાથી નારાજ થઈ ગઈ છે, જેથી તેને સજા મળી શકે. તેની એટલી પણ હિંમત ન ચાલી કે તે બાજુમાં રહેતા આંટીના ઘરે ચાલ્યો જાય.
અમિત વિચારી રહ્યો હતો કે જાણે કોઈ અજાણી વ્યક્તિ આવશે અને તેને અપહરણ કરીને લઈ જશે. તેને પોતાના પપ્પા પર પણ ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો કે તેઓ પણ તેના વિશે વિચારી નથી રહ્યા. બધાએ તેને એકલો મૂકી દીધો છે.
આ ઉદાહરણ છે એક એવા પેરન્ટ્સ અને ચાઈલ્ડની રિલેશનશિપનું જેમાં એકબીજા સાથેનું બોન્ડિંગ મજબૂત નથી. બાળકને પોતાના પેરન્ટ્સ પર ભરોસો નથી. તેનું પરિણામ એ આવ્યું કે એકલા રહેવા પર તેને જાતજાતની ચિંતા અને ડર સતાવવા લાગ્યો છે. તેને એ વાતનો વિશ્વાસ નથી કે તેના પેરન્ટ્સ તેને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે ન હોવા છતાં તેઓ તેની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખશે. તેને એ વાતનો ડર છે કે શું ખબર મા પોતાની પાસે પાછી આવશે કે નહીં.
જેા બાળકો સાથે માબાપનો સંબંધ મજબૂત હોય તો બાળકો મોટા થઈને સમજદાર, નીડર અને વ્યવહારુ બને છે, પરંતુ જેા કોઈ બાળકને બાળપણમાં પોતાના માતાપિતાનો પ્રેમ ન મળી શકે તો બાળપણથી તેના મનમાં ડર પેદા થાય છે. તેના લીધે તે ડિપ્રેશનનો શિકાર બની શકે છે. તેથી બાળકોના ઉત્તમ ભવિષ્ય અને પરિવારમાં ખુશીઆનંદને જાળવી રાખવા માટે પેરન્ટ્સનો પોતાના બાળકો સાથેનો મજબૂત સંબંધ ખૂબ જરૂરી છે.
આવો, જાણીએ પોતાના બાળકો સાથે ઉત્તમ બોન્ડિંગ શેર કરવા માટે તમારે શું કરવું જેાઈએ :

પોતાના ઉદાહરણ આપવાથી દૂર રહો
દરેક બાળકનો ઉછેર એક અલગ વાતાવરણ અને અલગ સમયમાં થતો હોય છે. તેથી બાળકો સાથે બોન્ડિંગ બનાવવામાં પોતાના સમયના ઉદાહરણોનો ઉપયોગ ન કરો કે હું આવું કરતો હતો, તેથી બધા મને ખૂબ પ્રેમ કરતા હતા. ઉદાહરણ રૂપે જેા તમે પોતાના બાળકને એમ કહો છો કે હું આંબાવાડિયામાંથી મીઠી કેરી તોડીને લાવતો હતો અથવા પાડોશના કમલા આંટીની શાકભાજીની થેલી તેમના ઘરે પહોંચાડી આવતો હતો ત્યારે મા ખૂબ ખુશ થતી હતી. જેાકે આવી વાતનું કોઈ મહત્ત્વ નથી હોતું, કારણ કે આજકાલ ઘરની આસપાસ આવા ફળોના બગીચા નથી હોતા કે ન આડોશપાડોશના લોકોમાં એટલો ભાઈચારો હોય છે. આજે મોબાઈલ પર એક ઓર્ડર આપો અને સામાન તમારા ઘરે આવી જાય છે. તેથી પોતાના બાળકોને આજના સમય પ્રમાણે ઉદાહરણ આપો અને તેમને પોતાના જેવા બનાવવાનો ક્યારેય પ્રયાસ ન કરો. તેમની સાથેના ઉત્તમ બોન્ડિંગ માટે તમારે પણ તેમની જેમ વિચારવું પડશે અને પોતાને તેમની જગ્યાએ મૂકીને સ્થિતિને અનુભવવી જેાઈએ.

અલગથી સમય ફાળવવાની જરૂર નથી
જરૂરી નથી કે તમે બાળકો માટે પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી અલગ સમય ફાળવો, પરંતુ પોતાની નિયમિત દિનચર્યા દરમિયાન તેમની સાથે સમય પસાર કરાવી શકો છો. દાખલા તરીકે, ખાવાનું ખાતી વખતે દિવસભરની તેમની વાત જણાવવા કહો, તેમની સમસ્યા સાંભળો. ખાધાપછી ચાલવા જતી વખતે તેમને તેમની સમસ્યાનું સમાધાન જણાવો. કપડા પ્રેસ કરતી વખતે બાળકો સાથે હસીમજાક કરો. બાળકોને સ્નાન કરાવતી વખતે અથવા કપડાં પહેરાવતી વખતે તેમને પોતાના મનની વાત કહેવા પ્રોત્સાહિત કરો. બાળકોને હાલરડા કે ગીતો ગાઈને ઊંઘાડતી વખતે પણ તમે સપનાની વાત કરતાંકરતાં તેમને પોઝિટિવ એનર્જી આપી શકો છો. જેા તમે ઘર પર ન હોય તો પણ ફોનથી તેમની સાથે કનેક્ટ રહો. તેમની સાથે એવો સંબંધ બનાવો કે જ્યારે તમે તેમની સાથે ન હોય તો પણ તેઓ સંબંધની આત્મીયતા અને હૂંફ અનુભવી શકો.

વિશ્વાસ પેદા કરો
તમારા બાળકો સાથેનું તમારું બોન્ડ એવું હોવું જેાઈએ કે તમારી ગેરહાજરીમાં પણ બાળકો તમે જણાવેલી વાત અને સલાહનું અનુકરણ કરે અને નીડર બનીને પોતાની જિંદગી જીવે. તેમને અહેસાસ કરાવતા રહો કે તમે હંમેશાં તેમની સાથે છો તેમજ કઈ પણ ખોટું થશે તો પણ તમે સંભાળી લેશો. પોતાના બાળકોના દિલમાં પોતાના અને સંબંધો પ્રત્યે એટલો વિશ્વાસ ભરો કે મોટા થયા પછી પણ તેઓ હિંમતવાન અને દઢ મજબૂત વ્યક્તિત્વના માલિક બની શકે. કોઈ પણ બાળકના ભવિષ્યનો પાયો બાળપણમાં મજબૂત રીતે મૂકવામાં આવે છે. તેથી તમારે પણ તેમના આ બાળપણને પોતાના પ્રેમ, વિશ્વાસ અને વ્યવહારથી એ રીતે સીંચવો જેાઈએ કે તેઓ સમાજમાં માથું ઊંચું રાખીને નીડર બનીને જિંદગી જીવે.

બાળકો પ્રત્યે દર્શાવો પોતાનો પ્રેમ
બાળકોને પોતાના માતાપિતા તરફથી પ્રેમ અને આત્મીયતાની ખૂબ જરૂર પડે છે અને તેઓ એવી આશા પણ રાખે છે. જેાકે માબાપ પણ પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ માબાપ ઘણું ખરું એટલા ઉત્સાહથી બાળકો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત નથી કરી શકતા. જેા તમે પણ આવું કરી રહ્યા હોય તો બાળકો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની થોડી વધારે તક શોધો. પ્રેમ એક એવી દવા છે જે દરેક સમસ્યા ઠીક કરી શકે છે અને સંબંધને મજબૂત કરવાની શક્તિ ધરાવે છે.
બાળકોને રોજ કોઈને કોઈ રીતે જણાવો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. ઉદાહરણ રૂપે, બાળકોના લંચબોક્સમાં એક વહાલભરી લાગણીસભર નોટ લખીને મૂકી દો. પોતાના બાળકોને રોજ અહેસાસ કરાવો કે તેઓ તમારા માટે કેટલા જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. તમારો અનહદ પ્રેમ મળવાથી બાળકોનું તમારી સાથેનું બોન્ડિંગ મજબૂત બનશે.

બાળકોને સુરક્ષિત વાતાવરણ આપો
જેમજેમ બાળકો મોટા થાય છે તેમતેમ તેમનામાં ઘણી બધી વસ્તુ પ્રત્યે ઉત્સુકતા વધવા લાગે છે. મિત્રો સાથે સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન જેવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક આદતો પણ આ સમયગાળા દરમિયાન બાળકોમાં પડી શકે છે. આ વાત ધ્યાનમાં રાખતા બાળકોને ઘર અને બહાર સુરક્ષિત રાખવાના પ્રયાસ કરો.
બાળકોની જરૂરિયાતને પૂરી કરવાના પ્રયાસની વચ્ચે તેમને એ વાત સમજાવો કે તેમણે શું કરવું જેાઈએ અને શું ન કરવું જેાઈએ. ગેઝેટ્સ, સ્મોકિંગ, ડ્રિંક્સ જેવી લલચામણી પરંતુ હાનિકારક વસ્તુના નુકસાન વિશે બાળકોને પ્રેમથી સમજાવો. સાથે આ બધાની વચ્ચે તેમને વિશ્વાસ અપાવો કે કોઈ પણ પ્રકારની જરૂરિયાત સમયે તમે તેમની સાથે રહેવાના છો.

બાળકોની વાત ધીરજથી સાંભળતા શીખો
કોઈ પણ વાત સમજવા અને તેના પર પોતાના વિચાર રજૂ કરવા માટે જરૂરી છે કે સૌપ્રથમ તે વાતની તમને પૂરી જાણકારી હોવી જેાઈએ. તેથી જ્યારે પણ બાળકો તમારી પાસે કોઈ પણ સમસ્યા વિશે વાત કરવા આવે ત્યારે તેમની વાત શાંત રહીને ધીરજથી સાંભળો. આમ કરીને તમે તેમની સમસ્યાને ન માત્ર ઉકેલવામાં મદદરૂપ બની શકશો, પરંતુ તેઓ તમારા પર વિશ્વાસ કરવા લાગશે.

દિવસમાં એક વાર સાથે ભોજન લો
જે પરિવારમાં બધા સભ્યો એકસાથે બેસીને ભોજન કરે છે તેમની વચ્ચે પ્રેમ અને આત્મીયતા જળવાઈ રહે છે. આ નિયમ તમે પોતાના બાળકો સાથેના પોતાના સંબંધને મજબૂત બનાવવા અપનાવી શકો છો. દરરોજ ઓછામાં ઓછા અડધા કલાક માટે એવો સમય કાઢો જેને તમે માત્ર બાળકો સાથે વિતાવી શકો.
આ વાત માટે લંચ અથવા ડિનરનો સમય સૌથી ઉત્તમ રહે છે. આ સમય દરમિયાન તમે સાથે ખાવાનું ખાવાની સાથે એકબીજાની પસંદનાપસંદ વિશે જાણી શકશો. ભોજન પછી શક્ય હોય તો બાળકો સાથે થોડો સમય ભોજન પછી ચાલવા જાઓ. આ દરમિયાન તમે તેમની સ્કૂલ કે કોલેજ, શિક્ષણ, મિત્રો તેમજ કરિયર પ્લાન વિશે વાત કરી શકો છો.

સમજાવ્યા વિના ગુસ્સો ન કરો
બાળકો ક્યારેક-ક્યારેક એવી ભૂલ કરી દેતા હોય છે જેના માટે માતાપિતાને તેમને ઠપકો આપવો પડે છે, પરંતુ બાળકો સાથે શાંતિથી વાત કર્યા વિના ગુસ્સો કરવાથી તેમનો સ્વભાવ ચીડિયલ અને નકારાત્મક બની શકે છે. તે તમને ખોટા સમજવા લાગે છે. આ સ્થિતિમાં તમારે તેમની સાથે સંયમથી કામ લેવું જેાઈએ. તમે જે કઈ પણ તેમને ગુસ્સામાં બોલી દેશો તો તેની બાળકો પર ખરાબ અસર પડી શકે છે. તેથી પોતાના ગુસ્સા પર કાબૂ રાખો અને બાળકોને એવી બધી વાત સમજાવો કે તેણે ખોટું શું કર્યું છે અને હવે પછી તે નહીં કરે.

દરેક સમયે મહેણાંટોણાં ન મારો
કેટલાક માતાપિતાને આદત હોય છે કે તેઓ પોતાના બાળકને બીજા બાળકોથી વધારે શ્રેષ્ઠ જેાવા ઈચ્છતા હોય છે. આ સ્થિતિમાં બાળક કઈ સારું કરે તો પણ તેને સતત તેના કરતા વધારે સારું કરવા માટે ટોકતા રહેતા હોય છે. તમારા આ વ્યવહારથી બાળક ઘણું ખરું નેગેટિવ બની જાય છે. તેથી ધ્યાન રાખો, તમારે પણ બાળકના વખાણ કરવા જેાઈએ અને તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું જેાઈએ.
જે બાળક કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેતું હોય અને વિજયી બન્યું હોય તો તેની પ્રશંસા કરો. ઘણી વાર માતાપિતા બીજા લોકો સામે તેમને મહેણાંટોણાં મારતા હોય છે, જેની બાળકો પર ખૂબ ખરાબ અસર થાય છે. આમ કરવાથી બાળકો તમારાથી દૂર જવા લાગે છે અને તેમના મનમાં તમારા પ્રત્યે નફરત પેદા થઈ શકે છે.

ઈમોશનલ બાળક સાથે બોન્ડિંગ
તમારું બાળક વધારે ઈમોશનલ હોય તો ધ્યાન રાખો કે આવા બાળકો નાનીનાની વાતને પણ દિલ પર લેતા હોય છે અને દુખી રહેવા લાગે છે. આમ પણ આવા ઈમોશનલ બાળકોને સંભાળવા સરળ કામ નથી હોતું. તેમના ઉછેરમાં થયેલી નાનકડી ભૂલ પણ તેમના મન પર જીવનભર માટે ઊંડો આઘાત છોડી જાય છે. બાળપણમાં તેમની સાથે દાખવવામાં આવેલી બેદરકારીના લીધે તેઓ જીવનભર માટે તમારાથી દૂર થઈ જાય છે અને તેમનામાં આવનાર ગુસ્સો બાદમાં એવી જગ્યાએ નીકળી શકતો હોય છે, જેનાથી તમને પણ મોટું નુકસાન થઈ શકે છે.
આ સ્થિતિમાં જરૂરી છે કે બાળપણથી તમે પોતાના બાળકના સ્વભાવ સમજી લો અને તેની ભાવનાને મહત્ત્વ આપો. જે બાળકો વધારે ઈમોશનલ હોય છે તેમની સાથે ક્યારેય કડકાઈ દાખવશો નહીં. આવા બાળકો સાથે પ્રેમથી વાત કરીને તમે પોતાનું કામ કરાવી શકો છો. હકીકતમાં, જે બાળકો વધારે ઈમોશનલ હોય છે, તેઓ વધારે સમજદાર હોય છે. તેથી વધારે કડકાઈ તેમને ખરાબ કરી શકે છે.

જ્યારે તમે હો તેમનાથી દૂર
કેટલાક પેરન્ટ્સ એવા પણ હોય છે જેઓ કામના સિલસિલામાં પોતાના બાળકોથી લાંબો સમય દૂર રહે છે અથવા બીજા શહેરમાં જઈને કામ કે નોકરી કરે છે અને તેના લીધે બાળકોને જરૂરી સમય નથી આપી શકતા. આ સ્થિતિમાં બંને વચ્ચે કોમ્યુનિકેશન ગેપ થવા લાગે છે, જેનાથી પેરન્ટ્સ તથા બાળકો વચ્ચેનું બોન્ડિંગ નબળું પડવા લાગે છે.
આવો જાણીએ આ સ્થિતિમાં બાળકો સાથે મજબૂત સંબંધ બનાવી રાખવા માટે તમે શું શું કરી શકો છો :

બાળકો સાથે જેાડાયેલા રહો
એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમે બાળકોથી દૂર છો. જેા તમે ઈચ્છતા હોય કે તેઓ તમારી સાથે જેાડાયેલા રહે તો તમે તેમને કોલ, મેસેજ કે વીડિયો કોલ કરીને જેાડાયેલા રહો. તમારા બાળકોને દિવસભરની વાત પૂછો. તેમની સ્કૂલ તથા મિત્રો વિશે વાત કરો. આમ કરવાથી તમને પણ ગમશે અને બાળકો પણ તમને પોતાની નજીક અનુભવી શકશે.

નાનીનાની પાર્ટી કરો
જ્યારે તમે ઘરે આવો ત્યારે ષમારાં બાળકો સાથે એક સારો સમય પસાર કરો. તેમને ક્યાંક ફરવા લઈ જાઓ અથવા કોઈ ટ્રિપ પ્લાન કરો. પોતાના બાળકોને સરપ્રાઈઝ પાર્ટી આપી શકો છો. બાળકો પણ આ બધી વસ્તુની રાહ જેાતા હોય છે. જ્યારે તમે લાંબા સમય પછી ઘરે જાઓ ત્યારે તેમના માટે કોઈ ને કોઈ ગિફ્ટ જરૂર લઈ જાઓ. તેનાથી બાળકો તમારી આતુરતાથી રાહ જેાવા લાગશે.

પહેલાંથી જણાવો પોતાના આવવાની તારીખ
ઘરમાંથી બહાર જતા પહેલાં બાળકોને જણાવીને જાઓ કે તમે પરત ક્યારે આવવાના છો. આમ કરવાથી બાળકો તમારી રાહ જેાવા લાગશે અને તમારા પ્રત્યેના તેમના પ્રેમમાં પણ વૃદ્ધિ થશે. તમારા આવવાની ખુશીમાં તેઓ એક્સાઈટેડ રહેશે. સાથે તમે બાળકોને એક કેલેન્ડર આપી શકો છો જેના પર બાળકો પાસે તમારા આવવાની તારીખ પર ટિક લગાવડાવો. આમ કરવાથી પણ તમે પોતાના બાળકોના એક્સાઈટમેન્ટમાં વધારો કરી શકો છો.

બાળકો સાથે સમય વિતાવો
જ્યારે તમે લાંબા સમય પછી ઘરે આવો છો, ત્યારે બાળકો પણ ઈચ્છે છે કે તમે તેમની સાથે પોતાનો વધારેમાં વધારે સમય વિતાવો. તેના માટે તમે તેમની સાથે તેમને ગમતી કોઈ રમત રમી શકો છો. આમ કરવાથી તેમને ખૂબ ખુશી થશે. તેમને નવીનવી વસ્તુ શીખવો. તેમની પાસે ક્રિએટિવ એક્ટિવિટી કરાવો. સિંગિંગ, ડાન્સિંગ વગેરેમાંથી જે તેમને ગમતું હોય તે ખૂલીને કરવા દો અને પોતે પણ તેમાં ઉત્સાહથી ભાગ લો.
ગમે તે સ્થિતિમાં પણ તમારે પોતાના બાળકો પર ક્યારેય ગુસ્સો કરવાનો નથી. જે તેમનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પણ તેમને પ્રેમથી સમજાવો. ઓફિસના ટેન્શન કે થાકના લીધે પોતાના તેમના પ્રત્યેના વ્યવહારમાં બદલાવ ન આવવા દો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....