માનસી ક્રાઈમ રિપોર્ટર હતી. તે સંવેદનશીલ રિપોર્ટર હતી. કાનપુરમાં મોટાભાગે સલવારકુરતીમાં જ રિપોર્ટિંગ કરતી હતી. તેને આ કપડામાં ક્યારેય કોઈ મુશ્કેલી નથી થઈ. ક્યારેય એવું નથી લાગ્યું કે આ કપડામાં તેના પર્ફોર્મન્સ પર કોઈ અસર થઈ. આ કપડામાં તેણે તેના આત્મવિશ્વાસમાં ક્યારેય કોઈ કમી ન અનુભવી, પરંતુ તેમાં તે સ્વયંને કંફર્ટેબલ અનુભવતી હતી. શહેરના લોકો તેની કાબેલિયતથી વાકેફ હતા. કોઈ પણ પોલીસ અધિકારીએ તેને ઈન્ટરવ્યૂ આપવામાં ક્યારેય આનાકાની ન કરી. તે અંદરની વાત પણ સરળતાથી કઢાવી લેતી હતી. માનસી જ્યારે ૨૦૦૮ માં ઉત્તર પ્રદેશના કાનપુર શહેરથી ટ્રાન્સફર થઈને દિલ્લી આવી ત્યારે તે દિવસોમાં દિલ્લીમાં અનેક આતંકી ઘટના અને બોમ્બ ધમાકા થયા હતા. માનસીએ મેગેઝિન માટે આ ઘટના પૂરી સંવેદનશીલતાથી કવર કરી. પીડિતોની હોસ્પિટલમાં જઈને તેમના હાલચાલ પૂછ્યા અને લખ્યું પણ સંબંધિત ક્ષેત્રના ડીસીપી અને ક્રાઈમ સેલના હેડની બાઈક લેવા માટે અનેક આંટાફેરા મારવા છતાં તેને સફળતા ન મળી. તેણે કમિશનર ઓફ પોલીસનો ઈન્ટરવ્યૂ લેવાનો પ્રયત્ન કર્યો, પણ ૩ દિવસ સુધી તે તેમની ઓફિસની બહાર બેસીને પાછી આવી ગઈ. મુલાકાત ન થઈ શકી.

આ રીતે પ્રગતિના માર્ગ ખોલો
હકીકતમાં, આ અધિકારીઓની ઓફિસમાં હંમેશાં મીડિયા કર્મીની ભીડ લાગે છે. જિન્સટોપમાં ટિપટોપ દેખાય, બોયકટ હેર, ફુલ મેકઅપમાં રિપોર્ટર ઓછી અને મોડલ અથવા એંકર વધારે લાગતી રિપોર્ટરને વધારે મહત્ત્વ મળી રહ્યું છે. અધિકારીનો પ્યૂન આવી છોકરીઓને ફટાફટ સાહેબની મુલાકાત કરાવી રહ્યો હતો, જ્યારે માનસી દ્વારા વિઝિટિંગ કાર્ડ મોકલાવવા છતાં તેને અધિકારીને મળવામાં સફળતા ન મળી. માનસી ગુસ્સે થઈને ઓફિસ પાછી આવી ગઈ, પણ અધિકારીની બાઈટ અથવા ઈન્ટરવ્યૂ વિના તેના રિપોર્ટને અધૂરો કહીને એડિટરે ટેબલ પર મૂકી દીધો. માનસી રડમશ થઈ ગઈ. ત્યારે સાથી રિપોર્ટર નિખિલે તેને સમજાવતા કહ્યું કે દિલ્લીમાં રિપોર્ટિંગ કરવી છે તો પહેલાં તો તારે તારો લુક બદલવો પડશે.

૨ દિવસમાં અધિકારીની ઓફિસના આંટાફેરા મારીને માનસી પણ સમજી ગઈ હતી કે ભલે ને તમે સારા રિપોર્ટર ન હોય, ભલે ને તમારામાં સમાચાર લખવાની સમજ ન હોય અને ભલે ને તમારામાં સંવેદનશીલતાની કમી હોય, પણ તમે જિન્સટોપ કે પશ્ચિમી પરિધાનમાં સજ્જ રહો છો, વાતેવાતે સ્ટાઈલ મારો છો અને અંગ્રેજીમાં વાત કરો છો તો તમને દરેક જગ્યાએ મહત્ત્વ મળશે. અધિકારી ઊભા થઈને હાથ મિલાવે છે. તમને પૂરો સમય આપે છે. તમારી સામે ચા-બિસ્કિટ સર્વ કરે છે અને તમારા મૂર્ખામીભર્યા સવાલના જવાબ ગંભીરતાથી આપે છે, પણ જેા તમે ઓલ્ડ ફેશનના કપડાં પહેરો છો, સિંપલ દેખાઓ છો તો તમારા ગંભીર સવાલ પર પણ કોઈ ધ્યાન નથી આપતું. સહકર્મીની સલાહથી માનસીએ પોતાનો લુક બદલ્યો તો તેના પ્રગતિના માર્ગ પણ એ રીતે ખૂલ્યા કે આજે તે એક મોટી ન્યૂઝ ચેનલમાં મોટી રિપોર્ટર બની ગઈ છે.

આશ્ચર્યજનક પ્રભાવ
કોઈની વેશભૂષાની તેના વ્યક્તિત્વ પર મોટી અસર થાય છે. સમીર એક ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરે છે. તે જણાવે છે કે એક વાર કોઈના લગ્નમાં તૈયારી વિના જબરદસ્તી જવું પડ્યું. મેં સગાંસંબંધીને ખૂબ સમજાવ્યા, પરંતુ તેમણે ઘરે પણ ન જવા દીધો. સામાન્ય કપડામાં જાનમાં સામેલ થવું પડ્યું. જાન આગ્રાથી મેરઠ જવાની હતી. મેરઠમાં મારા એક મિત્રનું ઘર હતું. આખા રસ્તે જાનમાં એવું લાગતું હતું જાણે કે બધા મને જ જેાઈ રહ્યા હતા. મારા કપડાં પર અંદરોઅંદર વાત ચાલી રહી હતી. મારી અંદર એટલી હીનભાવના ઘર કરી ગઈ કે મેરઠ પહોંચતા જ હું જાન છોડીને મારા મિત્રના ઘરે પહોંચી ગયો. સવારે જલદી ઊઠીને જાનમાં પણ ન ગયો અને ટ્રેન પકડીને આગ્રા પાછો આવી ગયો. હીનભાવનાએ જ્યાં સુધી મારો પીછો ન છોડ્યો ત્યાં સુધી હું ઘરે ન પહોંચ્યો. તે દિવસે મેં જાણ્યું કે કપડાં સામેવાળા કરતા વધારે સ્વયંમાં નકારાત્મકતા કે સકારાત્મકતા પેદા કરે છે અને સહજ રહેવામાં સમસ્યા થાય છે. સમીર જણાવે છે કે ઘણું બધું સામેવાળાની માનસિકતા પર નિર્ભર હોય છે કે તે શું અનુભવે છે. જેા તે તમને ઓળખે છે તો તમારા કપડાં કરતા વધારે તમારા વ્યક્તિત્વ પર ધ્યાન આપશે અને ઓળખતા નથી તો પહેલા તમારા કપડાથી તમારું મૂલ્યાંકન કરશે પછી તમારા વિચારોથી.

માનસિકતા અને પોશાક
ફેસ પછી વ્યક્તિનું ધ્યાન કપડા પર જાય છે. કપડાં વ્યક્તિની માનસિકતા પર અસર કરે છે. વ્યક્તિ પોતાનો પરિચય કામ વ્યવહારથી પછી આપે છે, પણ લોકો તેના કપડાના આધારે કેટલાય પૂર્વગ્રહ નિર્મિત કરી લે છે. આપણે એક એવા સમાજમાં રહીએ છીએ જ્યાં વ્યક્તિની હેસિયત અને ઈન્ટેલિજન્સ તેના કપડાં પરથી આંકવામાં આવે છે. બુરખામાં માથાથી પગ સુધી ઢંકાયેલી મહિલાને જેાઈને તેના રૂઢિવાદી, અશિક્ષિત અને પછાત હોવાનો અંદાજ લાગે છે. ભલે ને પછી તે કોઈ ઉચ્ચ શિક્ષિત ડોક્ટર કે વકીલ કેમ ન હોય. આ રીતે ધોતીકુરતો પહેરેલી વ્યક્તિને જેાઈને કોઈ એમ તો નહીં જ કહે કે તે હાઈ સોસાયટીનો ભણેલોગણેલો અમીર પુરુષ હશે. ભલે તે છે.

આત્મવિશ્વાસ વધે છે
કપડાં જેાનાર અને પહેરનાર બંનેના વ્યવહાર અને માનસિકતાને બદલવાની ક્ષમતા ધરાવે છે. મેટ્રોમાં ટાઈટ જિન્સટોપ પહેરેલી છોકરીઓ બધાના આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ કપડામાં તે સ્માર્ટ અને ઊર્જાવાન દેખાય છે. આ વાત સાચી પણ છે કે જિન્સટોપ સાથે ચાલમાં સ્માર્ટનેસ અને ઝડપ આપોઆપ આવી જાય છે. કોન્ફિડન્સ લેવલ વધી જાય છે. વ્યક્તિ સ્વયંને આઝાદ અનુભવે છે ખાસ તો છોકરીઓ. બીજી બાજુ સલવારકુરતી અથવા સાડી પહેરેલી છોકરીઓ સંકોચાયેલી દેખાય છે. તેની બાજુ કોઈનું ધ્યાન નથી જતું. મહાનગરમાં મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતી ૪૫ થી ૫૦ વર્ષની મહિલા જિન્સ પહેરીને જે ઊર્જાથી કામ કરતી જેાવા મળે છે, તેની સરખામણીમાં ઘરમાં રહેતી આ જ ઉંમરની મહિલા પોતાની જાતને વૃદ્ધ માનીને ભજનકીર્તન કરવા લાગે છે.

લક્ષ્યને સરળ સરળ બનાવો
ભારતીય પરિવારોમાં સામાન્ય રીતે સાસુસસરા સાથે રહેતી વહુ સાડી અથવા દુપટ્ટા સાથે સલવારકુરતી પહેરે છે. તે મોટાભાગે શાંત, શાલીન અને નાજુક દેખાય છે, પણ જે યુગલ પોતાના પરિવારથી અલગ બીજા શહેરમાં રહે છે ત્યાં વહુ જિન્સ, સ્કર્ટ જેવા કપડાં પહેરે છે તો પતિને પત્નીમાં પ્રેમિકાની છબિ દેખાય છે. તેમની વચ્ચે લાંબા સમય સુધી આકર્ષણ, શારીરિક સંબંધ અને પ્રેમ જળવાઈ રહે છે. તેઓ ઊર્જાવાન રહે છે અને સાથે હરવાફરવા પણ જાય છે. તેનાથી વિપરીત સાડી પહેરતી મહિલાઓની ફરિયાદ હોય છે કે તેમના પતિ તેમની પર ધ્યાન નથી આપતા અને ક્યાંય ફેરવવા પણ નથી લઈ જતા. હકીકતમાં તેમના કપડાં પતિ માટે બોરિંગ થઈ જાય છે. સભ્ય અને કંફર્ટેબલ કપડાં પહેરવાથી આપણો આત્મવિશ્વાસ વધે છે, કારણ કે તેનાથી આપણા કામ અને માનસિકતા પર સકારાત્મક અસર થાય છે. સારી માનસિકતા અને આત્મવિશ્વાસના લીધે આપણે જીવનના દરેક લક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ.
– નસીમ.

વધુ વાંચવા કિલક કરો....