બિઝનેસ નાનો હોય કે મોટો આપણે ઓફલાઈન ગ્રાહકો સાથે ઓનલાઈન ગ્રાહકોને પણ ધ્યાનમાં રાખીને પોતાની વ્યવસાયિક રણનીતિ નક્કી કરવાની હોય છે, ત્યારે જ વધારેમાં વધારે નફો થઈ શકે છે, કારણ કે આજે દરેકના મોબાઈલમાં અનલિમિટેડ ડેટા છે. મોટાભાગના કામ ઓનલાઈન થાય છે. તેથી ક્લાઉડ કિચન બિઝનેસ ભારત અને દુનિયાભરમાં સૌથી ટ્રેડિંગ બિઝનેસમાંથી એક છે. ક્લાઉડ કિચન જેને ઘણી વાર ‘ઘોસ્ટ કિચન’ અથવા ‘વર્ચ્યુઅલ કિચન’ તરીકે ઓળખાય છે, એક પ્રકારની એવી રેસ્ટોરન્ટ છે જ્યાં માત્ર ટેક અવે ઓર્ડર જ આપી શકાય છે. ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ સિસ્ટમના માધ્યમથી ગ્રાહકોને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે એક વ્યવસાય સ્થાપિત કરવો જ ક્લાઉડ કિચન છે. ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્લિકેશનનું તેની સાથે ટાઈઅપ છે. ૨૦૧૯ માં ભારતમાં લગભગ ૫,૦૦૦ ક્લાઉડ કિચન હતા. ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ એપ્સ અને વેબસાઈટની મદદથી ક્લાઉડ કિચનને મોટું સમર્થન મળ્યું છે. આજે ભારતમાં ૩૦,૦૦૦ થી વધારે ક્લાઉડ કિચન છે.

યોગ્ય પ્લાનિંગ કરો
તમે માત્ર ૫ થી ૬ લાખમાં આ કામની શરૂઆત એક યોગ્ય પ્લેટફોર્મ પર કરી શકો છો. મહિલાઓ પણ આ બિઝનેસમાં ભાગ લઈ રહી છે. અમે આવા જ એક ક્લાઉડ કિચન ‘ધ છૌંક’ ના કો-ફાઉન્ડર મંજરી સિંહ અને હિરણ્યમિ શિવાની સાથે વાત કરી. કોવિડ-૧૯ સમયે જ્યારે લોકો પોતાના ઘરમાં બંધ હતા ત્યારે હિરણ્યમિ શિવાની પણ તેમાં ફસાઈ ગઈ હતી અને પોતાના ઘરે નહોતી જઈ શકી. તે દરમિયાન તેમને ક્લાઉડ કિચન શરૂ કરવાનો વિચાર આવ્યો. તેઓ મૂળ બિહારથી છે. તેથી તેણે લોકોને ઘરના ભોજનનો સ્વાદ આપવા ખાસ સ્વાદિષ્ટ બિહારી ભોજન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી બિહારી કુજી સાથે જુલાઈ, ૨૦૨૧ માં ‘ધ છૌંક’ ની શરૂઆત ગુરુગ્રામથી કરી. આ કામમાં તેમની વહુ મંજરી સિંહે પણ સાથ આપ્યો અને બંનેએ સાથે મળીને આ બિઝનેસમાં ઝંપલાવ્યું.

કામ વધી ગયું
મંજરી સિંહ જણાવે છે કે શરૂઆતમાં તેમણે પોતાનો બિઝનેસ ઘરેથી શરૂ કર્યો હતો અને ઘરમાં જ ભોજન તૈયાર કરીને ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્સથી લોકોને ભોજન ડિલિવર કરતા હતા. આજે દિલ્લી કે એનસીઆરમાં તેમના ૫ આઉટલેટ્સ છે. મોટાભાગની સિસ્ટમ ઓટોમેટિક અને ઓનલાઈન છે. સ્વિગી, ઝોમેટો સાથે ભોજનની ડિલિવરી માટે જેાડાયા છે. હાલ વાર્ષિક ટર્નઓવર લગભગ ૨ કરોડ પ્રોજેક્ટેડ છે અને આ વર્ષે અંદાજિત ૧૫-૧૬ ટકા પ્રોફિટ એક્સપેક્ટ કરી રહ્યા છીએ. હાલ તેમની પાસે કુલ ૨૮ સ્ટાફ છે, તેમાંથી ૬ સ્ટાફ બેક ઓફિસમાં છે અને બાકી કિચનમાં છે. સ્વાભાવિક છે કે આજે કામ ખૂબ વધી ગયું છે. એક મહિલા હોવાથી મુશ્કેલી એ છે કે તે સોર્સિંગમાં વધારે ઈન્વોલ્વ નથી થઈ શકતી. રો મટીરિયલ જેવા શાક, મસાલા, અનાજ વગેરે સોર્સ કરવાના હોય છે. માર્કેટમાં કોઈ નવી વસ્તુ આવી હોય તો તે પણ જેાવા જવું પડે છે, પરંતુ મોટાભાગના બજાર ક્રાઉડેડ અને ઈંટીરિયર એરિયામાં હોય છે જ્યાં મહિલાઓ વારંવાર નથી જઈ શકતી. આમ પણ બંને હોમ મેકર છે અને સાથે બાળકોનું પણ ધ્યાન રાખે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેમણે સોર્સિંગ મેનેજર અને કેટલાય કર્મચારી રાખ્યા છે જે આ વસ્તુમાં તેમની ખૂબ મદદ કરે છે. તે ઉપરાંત કોઈ સમસ્યાનો સામનો નથી કરવો પડ્યો.

જીએસટી અને ફાઈનાન્સિયલ ઈશ્યૂ
રેસ્ટોરન્ટ અને ક્લાઉડ કિચન બિઝનેસમાં ૫ ટકા જીએસટી લગાવવામાં આવે છે. જે ઓર્ડર ઝોમેટો અને સ્વિગીથી આવી રહ્યા છે તો એગ્રીગેટર્સ જીએસટી રિટર્ન ફાઈલ કરશે. વેબસાઈટના માધ્યમથી ઓર્ડર આવે છે તો ક્લાઉડ કિચને ૫ ટકા જીએસટી સરકારને ચૂકવવો પડશે. તે ઉપરાંત કોઈ અપ્રત્યક્ષ કર સામેલ નથી. તેથી આપણે જેાઈએ છીએ કે ક્લાઉડ કિચન ઉદ્યોગમાં કોઈ કર વિનિયમન જટિલતા નથી.

કેવા પ્રકારની સમસ્યા આવી શકે છે
એગ્રીગેટર્સના હાઈ કમિશન (લગભગ ૩૦ ટકા) ના લીધે આ ઓછા માર્જિનવાળો વેપાર છે. તેથી રિટર્નની સરખામણીમાં ટેક્નોલોજી ખર્ચ વધારે છે. ગ્રાહક સાથે ડાયરેક્ટ સંપર્કનો અભાવ હોય છે. પ્રતિક્રિયા અને સમીક્ષા માટે ગ્રાહકો સાથે કોઈ સીધો સંવાદ નથી. એગ્રીગેટર્સ કસ્ટમરનો ડાયરેક્ટ કોંટેક્ટ નથી આપતા.
એટલું જ નહીં, આ ફિલ્ડમાં અનેક બ્રાન્ડ અને કેટેગરી આવી ગઈ છે, તેથી સ્પર્ધા વધારે છે. એક ક્લાઉડ કિચનનું લિમિટેશન ૬ થી ૭ કિલોમીટરનું હોય છે. આ અંતરમાં લગભગ ૨-૩ હજાર રેસ્ટોરન્ટ છે. લિમિટેડ લોકેશનમાં ૧૦૦૦ થી વધારે બ્રાન્ડ છે. તેથી કસ્ટમરને કેટલાય ઓપ્શન મળે છે. એવામાં તમારે માર્કેટિંગ પર વધારે ખર્ચ કરવો પડે છે, જેથી તમારી રેસ્ટોરન્ટ ઉપર દેખાય. ઓફર આપવી પડે છે. તેથી પ્રોફિટનો મોટો ભાગ આમાં જ જતો રહે છે.
મોટાભાગની બ્રાન્ડ સંગઠિત નથી અને ભોજન અને કામ કરવાની રીત ઓર્ગનાઈઝ નથી. સ્ટાફ ઓછી સેલેરીમાં નોકરી બદલતા રહે છે, જેથી સ્વાદને જાળવી રાખવો મુશ્કેલ છે. ન્યૂ સ્ટાફને વારંવાર ટ્રેન કરવા પડે છે. ટ્રેન થયા પછી તેઓ બીજે જતા રહે છે, તેથી અમારું નુકસાન થાય છે. ગ્રાહકો સરખા નથી હોતા અને મોટી સંખ્યામાં બ્રાન્ડના લીધે તે પણ બદલતા રહે છે. તેથી જાહેરાત પર ખર્ચ વધારે થાય છે.
ક્લાઉડ કિચન માટે કોઈ અલગ સરકારી નીતિ નથી અને તેમને હજી પણ ડાઈન ઈન રેસ્ટોરન્ટ તરીકે માનવામાં આવે છે, જ્યારે બંને અલગ છે. તેમનું કમિશન ઓછું જાય છે. પ્રોફિટ માર્જિન વધારે છે, જેથી પોલિસી તેમની ફેવરમાં જતી રહે છે.
આ સમસ્યા સામાન્ય છે, જે દરેક બિઝનેસમાં કોઈ ને કોઈ રીતે આવે છે. દરેક બિઝનેસના પોતાના ફાયદા અને નુકસાન હોય છે. જ્યાં સુધી ક્લાઉડ કિચનની વાત છે તો તેના અનેક લાભ છે :
તેમાં ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં વધારે પ્રોફિટની અપેક્ષા કરી શકાય છે. કામ કરવું પણ સરળ હોય છે અને તમે ઘર સાચવીને આ કામ કરી શકો છો. અન્ય પરંપરાગત રેસ્ટોરન્ટ અને ડાઈનિંગની સરખામણીમાં ક્લાઉડ કિચનમાં મટીરિયલ મેનેજમેન્ટ કોસ્ટ, ઓવરહેડ કોસ્ટ, લેબર કોસ્ટ ઓછા છે. અહીં માત્ર ભોજન બને છે અને પેક થઈને ડિલિવરી થાય છે, જેથી વધારે કર્મચારી રાખવા નથી પડતા અને સ્વચ્છતામાં પણ ઓછી મહેનત લાગે છે.

શોખને બિઝનેસ બનાવો
ક્લાઉડ કિચન માટે ઓછી જગ્યાની જરૂર પડે છે અને તેને શહેરના કોઈ પણ ભાગમાં સ્થાપિત કરી શકાય છે. મહિલાઓ ઘરેથી પણ શરૂઆત કરી શકે છે. તમારે માત્ર આ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારું ઘર શહેરના વ્યવસાયિક વિસ્તારમાં હોવું જેાઈએ. પછી વેપાર વધતા બીજી જગ્યા લઈ શકો છો.

લોંગ ટર્મ પ્રોફિટ
જેા તમે ઈચ્છો તો ઓફલાઈન બજાર પણ ખોલી શકો છો, જેમ કે કોઈ રેસ્ટોરન્ટને રેગ્યુલર સપ્લાય કરવો, હોસ્ટેલ અને કોર્પોરેટ ઓફિસ સુધી રોજ ટિફિનની જરૂરિયાત પૂરી કરવી, પાર્ટીઓના કેટરિંગ ઓર્ડર લેવા વગેરે. બીજી બાજુ તહેવાર સમયે ખાસ પ્રકારની વાનગી ઓર્ડર લઈ શકો છો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....