કાલે સાંજે પાડોશણ નવિતા ગુપ્તાને મળવા ગઈ ત્યારે તેના ચહેરા પર પરેશાની અને ચિંતા સ્પષ્ટ હતા. તેને પૂછતા જણાવ્યું, ‘‘નિકિતા (તેની ૧૩ વર્ષની દીકરી) થોડા દિવસથી વિચારોમાં ગુમસૂમ રહે છે. ન તો પહેલાંની જેમ બોલેચાલે છે કે ન સાહેલી સાથે ફરવા જાય છે. પૂછતા કોઈ વ્યવસ્થિત જવાબ પણ નથી આપતી. આજકાલ મોટાભાગની મમ્મી ટીનેજર બાળકોને લઈને ખૂબ પરેશાન દેખાય છે કે મિત્રો સાથે કલાકો ગપ્પાં મારશે, ઈન્ટરનેટ પર ચેટિંગ કરશે, પણ આપણે કંઈ પૂછીએ તોે કંઈ નહીં મમ્મી કહીને મૌન ધારણ કરી લેશે. મને યાદ છે, એક જમાનામાં કોલેજના દિવસોમાં મારી મમ્મી જ મારી બેસ્ટ સાહેલી હતી. ખરાખોટાનું જ્ઞાન મમ્મી જ આપતી અને મારી સાહેલીઓ ઘરે આવતી ત્યારે મમ્મી તેમની સાથે હળીમળીને દરેક વિષય પર વાત કરતી. તેથી આજની પેઢીનો તેમના માતાપિતા સાથેનો વ્યવહાર જેાઈને મને ખૂબ આશ્ચર્ય થાય છે. શું છે કારણ હકીકતના મૂળ સુધી પહોંચવા મેં કેટલાક કિશોરકિશોરીઓ સાથે ચર્ચા કરી. ૧૪ વર્ષની નેહા બોલી, ‘‘આંટી, મમ્મી એક કામ ખૂબ સારું કરે છે તે એ છે કે, તે ક્યારેય કોઈ રોકટોક નથી કરતી.’’ ૧૦ મા ધોરણની વિદ્યાર્થિની સ્વાતિ તેની મમ્મીને ખૂબ માન આપે છે, પણ બધી વાતો તેમની સાથે શેર કરવી પસંદ નથી.

૧૭ વર્ષની શૈલીને દુખ છે કે મમ્મીએ ભાઈને રાત્રે ૯ વાગ્યા સુધીમાં આવવાની છૂટ આપી છે, પણ મને તો કહે કે છોકરી છે, સમયસર ઘરે આવી જા. ક્યાંક નાક ન કપાવતી વગેરે. કોઈ વ્યક્તિગત સમસ્યા અથવા તો કોઈ સ્કૂલની સમસ્યા ઊભી થતા કોની સાથે ડિસ્કસ કરો છો, પૂછતાં ૧૭ વર્ષની મુક્તાએ કહ્યું, ‘‘બીમાર થતા, અપસેટ થતા અથવા તો કોઈ મોટી સમસ્યામાં સૌપ્રથમ તો મા જ યાદ આવે છે. તે ન માત્ર ધીરજથી સાંભળે છે, પણ ઘણી વાર તો મિનિટોમાં સમસ્યાનો ઉકેલ લાવીને ટેન્શન ફ્રી કરી દે છે. મમ્મી જેવું તો કોઈ હોઈ જ ન શકે. આ ટીનેજર્સ સાથે વાત કર્યા પછી એ વાત સ્પષ્ટ થઈ છે કે રમવા, ફિલ્મ જેાવા, વાતો કરવા અથવા મોજમસ્તી કરવા ભલે ને ટીનેજર મિત્રોને શોધે, પરંતુ જ્યારે કોઈ સમસ્યા તેમની સામે આવે છે ત્યારે તેઓ સંકોચ વિના જે રીતે મા પાસે જઈ શકે છે, તે રીતે પપ્પા, બહેન, ભાઈ અથવા તો ખાસ મિત્ર પાસે નથી જતા. આ સ્થિતિમાં મા તેમની ગાઈડ અને બેસ્ટ ફ્રેન્ડ બને છે. તો પછી મોટાભાગની કિશોરીઓ પોતાની મા સાથે મિત્રતાનો સંબંધ કેમ સ્થાપિત નથી કરી શકતી? સત્ય એ છે કે આ પ્રભાવાત્મક અવસ્થામાં આજના બાળકો એમ માનીને ચાલે છે કે તેમને જ બધી ખબર છે અને તેમની માને કંઈ જ નહીં. ૧૫ વર્ષની ઋતુનું કહેવું છે, ‘‘મમ્મી તો જમાના પ્રમાણે ચાલવા જ તૈયાર નથી. સારા કપડાં પહેરીને કોલેજ જવું, ફોન પર મિત્રો સાથે લાંબી વાતો કરવી, મહિનામાં ૧ વાર મિત્રો સાથે મૂવી કે રેસ્ટોરન્ટ જવું સમય સાથે ચાલવા માટે કેટલું જરૂરી છે, આ બધું મમ્મી નથી સમજતી.’’ મારો ભાણેજ નવનીત કહે છે, ‘‘પિઝા અને મેકડોનાલ્ડના બર્ગરનો સ્વાદ મમ્મી ક્યાંથી સમજે.’’ ભૂલ માતાપિતાની પણ પ્રામાણિકતાથી જેાઈએ તો આજની દોડધામભરી જિંદગીમાં માતાપિતા પ્રસિદ્ધિ, હોદ્દો મેળવવાની સ્પર્ધામાં તો દોડે છે, પણ પોતાના બાળકોના મનમાં સંસ્કારના બદલે પૈસાનું મહત્ત્વ અને ઉંમર પહેલાં પરિપક્વતા પેદા કરે છે.

જૂના જમાનામાં બાળકો સંયુક્ત પરિવારમાં ઊછરતા, દરેક વસ્તુ ભાઈબહેન વચ્ચે શેર કરવામાં આવતી. જ્યારે આજે તો એકાકી પરિવારમાં ૧ અથવા ૨ બાળક હોય છે. વળી, બાળકો પર માનો પ્રભાવ સૌથી વધારે પડે છે. નિ:સંકોચ પહેલાંની સરખામણીમાં મા અને બાળક વચ્ચે લગાવ વધ્યો છે. પહેલાંથી વધારે મજબૂત પણ થયા છે. આજના બાળકો ઈચ્છે છે કે મા તેમને સમજે, તેમની જરૂરિયાત સમજે, પણ મધરની પણ તેમની પાસેથી કેટલીક અપેક્ષા હોય છે, આ વાત સમજવા બાળકો તૈયાર નથી હોતા. મનોવૈજ્ઞાનિક સ્નેહા શર્માના જણાવ્યા અનુસાર, ‘‘આજની પેઢીએ તો પોતાની આંખ જ ઉપભોક્તાવાદના વાતાવરણમાં ખોલી છે. આજના બાળકો જ્યારે માને એમ કહે છે કે તમારે કેવી રીતે તૈયાર થઈને, કેવો ડ્રેસ પહેરીને અમારી સ્કૂલે આવવાનું છે, ત્યારે તમે સમજી શકો છો કે બાળકોનું માતાપિતા પર કેટલું દબાણ હશે.’’ કોલેજમાં લેક્ચરર એવા મોહિનીનું માનવું છે, ‘‘નવી પેઢી તેમની મધર સાથે વાત શેર નથી કરતી. તે માટે કેટલાક અંશે મધર સ્વયં જવાબદાર હોય છે. નોકરિયાત માતા બાળકોને સમય ન આપી શકવાની મજબૂરીને છુપાવવાનો પ્રયત્ન વધારેમાં વધારે સુવિધા આપીને કરે છે.’’ સ્કૂલ ટીચર નિર્મલા ઉદાહરણ આપતા જણાવે છે, ‘‘મારી સ્કૂલમાં ૧૨ મા ધોરણની એક છોકરી રોજ સ્કૂલમાં ૧૫-૨૦ મિનિટ મોડી આવતી હતી. તેના માતાપિતા પણ તેના મોડા આવવાની વકીલાત કરતા કહેતા કે તેમાં શું થઈ ગયું, થોડી વાર તો મોડી પડે છે? જ્યારે માતાપિતા જ શિસ્તનું મહત્ત્વ ભૂલી ગયા હોય, ત્યારે દીકરીને શું શિસ્ત શીખવશે. સારી સારસંભાળનો અર્થ હવે સારું ખાવુંપીવું, દેખાવું માત્ર રહ્યો છે. બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરવું હવે તેમના ઉછેરનો એક ભાગ નથી રહ્યો.’’ થોડું તેમનું પણ સાંભળો માતાપિતા બંનેના નોકરિયાત હોવાથી પણ બાળકોની માનસિકતા પર અસર થાય છે.

માતાપિતા સમયસર બાળકોને અહેસાસ અપાવતા રહે છે કે તેઓ હવે મોટા થઈ ગયા છે. સ્વાભાવિક છે કે આ સાંભળીને બાળકો પણ મોટા જેવો વ્યવહાર કરવા લાગે. આ સ્થિતિમાં બાળકોમાંથી બાળપણની સાથે બાળસહજ નિર્દોષતા પણ ખોવાઈ છે અને તેનું સ્થાન સેક્સ અને મારધાડ લઈ ચૂક્યા છે. માતાપિતા પોતાની વેરવિખેર આકાંક્ષાઓને બાળકોના માધ્યમથી પૂરી કરવા ઈચ્છે છે. આ સ્થિતિમાં શું જરૂરી નથી કે માતાપિતા પોતાના બાળકોને જે ઈચ્છે તે આપે, પરંતુ સાથે પોતાનો કિંમતી સમય પણ અચૂક આપે. આખરે તેઓ તમારા બાળકો છે, તેમની કિશોરાવસ્થા તરફ આગળ વધતા પગલાં તમારા શ્વાસ સાથે જેાડાયેલા છે. ત્યારે તમારે તેમના મિત્ર બનતા શીખવું પડશે અને આ વાત માટે ખૂબ જરૂરી છે કે તમે તેમને બરાબરીનું સન્માન આપો. તેમને ખરાખોટાનું ભાન કરાવો. થોડું તેમનું માનો, તો થોડું પોતાનું મનાઓ. મારી સાહેલી શર્બરીનો દીકરો સાંજ થતા કાર્ટૂન ચેનલ લગાવીને બેસી જતો હતો. ઓફિસથી ઘરે આવતા શર્બરીને ઈચ્છા થતી કે તે પણ તેને ગમતી કોઈ ટીવી સીરિયલ જુએ. જેાકે તે જેાઈને મને ખૂબ સારું લાગ્યું કે જ્યારે તેણે બાળકને ઠપકો આપવાના બદલે પ્રેમપૂર્વક સમજાવ્યું, ‘‘બેટા, રોજ સાંજે મને ગમતી સીરિયલ આપણે જેાઈશું, ત્યાર પછી તારી કાર્ટૂન ચેનલ.’’ આ રીતે પ્રેમથી સમજાવેલી વાત દીકરાની સમજમાં આવી ગઈ અને મમ્મી પણ તેની સારામાં સારી ફ્રેન્ડ બની ગઈ. બીજી તરફ સુનીતાએ પોતાના બાળકો સાથે સુવિધાનો સંબંધ સ્થાપિત કર્યો છે. તે મિનીને ‘સિલી’, ‘સ્ટૂપિડ’ જેવા વિશેષણથી બોલાવે છે અને જ્યારે આ જ શબ્દો બાળકોના મોંમાંથી નીકળે છે ત્યારે તે તેમની પર ગુસ્સો કરે છે. આ સ્થિતિમાં સારું એ જ રહેતું કે સુનીતાએ સૌપ્રથમ પોતાની જીભ પર લગામ લગાવી હોત. ઘણી વાર જેાવા મળતું હોય છે કે સેટેલાઈટના આ યુગમાં જ્યારે દરેક ચેનલ સેક્સ સંબંધિત વાત/જાહેરાતને ખુલ્લેઆમ પીરસી રહી છે. તેમ છતાં પણ મમ્મી કિશોરાવસ્થાના ઉંબરે ઊભેલી પોતાની દીકરીને સેક્સ વિશે સ્વસ્થ જાણકારી નથી આપતી. ઉપરથી આ વિષયના કોઈ મેગેઝિન અથવા પુસ્તક વાંચતા તેમને ઠપકો આપે છે, જ્યારે તેમની આ જિજ્ઞાસા તો સહજ અને સ્વાભાવિક હોય છે.

આ સ્થિતિમાં વધારે સારું એ રહેશે કે માએ પોતાની ફરજ સમજવી જેાઈએ. કિશોર દીકરીઓને આ બાબતની યોગ્ય માહિતી આપવી જેાઈએ, જેથી તેઓ પોતાની મમ્મી પર પૂરો વિશ્વાસ મૂકી શકે. સંકોચ વિના પોતાની મૂંઝવણ અને સમસ્યા મમ્મી સમક્ષ રજૂ કરી શકે અને ગેરમાર્ગે ન દોરવાય. બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર અને તેમની સાથે પસાર કરેલો સમય ભલે ને તે ક્વોલિટી ટાઈમ ખૂબ ઓછો હોય, તે તેમને તમારી સાથેના સંબંધનું મહત્ત્વ સમજાવશે અને ત્યારે તમે પણ તમારા બાળકોના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બની શકશો.

– મંજુલા વાધવા

વધુ વાંચવા કિલક કરો....